Shalini Thakkar

Horror

4.7  

Shalini Thakkar

Horror

ખોફનાક રાત

ખોફનાક રાત

6 mins
307


આખા દિવસના કામના થાક પછી પણ સુરેશના ચહેરા પર ઉત્સાહ અને તરવરાટ હતો. બરાબર છ મહિના પછી પોતાની કોલેજથી ઘરે જવાનો ઉત્સાહ. એ વારે ઘડીએ બારીનો પડદો હટાવીની બસની બહાર ડોકિયું કરતો રહેતો, એ ખાતરી કરવા કે બસ ક્યાં સુધી પહોંચી. જેવો એ પરદો હટાવીની બારીની બહાર ડોકિયું કરતો ચારે તરફ છવાયેલું ઘોર અંધારું અમાસની રાત હોવાનો પુરાવો આપી રહ્યો હતો. ચારે બાજુ ગાઢ અંધકારની છાયા જોઈને ગભરાયેલો સુરેશ બારીનો પડદો પાડી દેતો અને ઊંઘવાનો પ્રયત્ન કરતો કે વહેલી સવાર પડે અને એ પોતાના ઘરે પહોંચી જાય.

આજે બરાબર છ મહિના પછી એ પોતાના ઘરે જઈ રહ્યો હતો. કોલેજમાં આવ્યો ત્યારથી એક મહિનાથી વધારે ક્યારેય નથી બન્યું કે એ પોતાના ઘરેના ગયો હોય અથવા તો પછી ઘરનું કોઈ આવીને એનેના મળ્યું હોય પરંતુ આ વખતે એનું કોલેજનું છેલ્લું વર્ષ હોવાથી એ પોતાના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત હતો અને ઘરના સંજોગો પણ એવા હતા કે એના ઘરના બધા સભ્યની કામમાં વ્યસ્તતાનાના લીધે બહાર જવા માટે અનુકૂળતા ન હતી. માટે આટલો લાંબો સમય નીકળી ગયો એને અને એના પરિવારને મળે. આ વખતે એને માંડ બે દિવસની રજા મળી હતી જે એ બિલકુલ વેડફવા નહતો માગતો, માટે એ કોલેજ પતાવીને એ જ દિવસે રાતે ઘરે જવા માટેનીકળી ગયો. એના કોલેજથી ઘરે જવાના રસ્તામાં વચ્ચે થોડો પહાડી અને જંગલોનો વિસ્તાર આવતો હતો,એટલે બને ત્યાં સુધી એ લોકો રાતની મુસાફરી કરવાનું ટાળતા પરંતુ આ વખતે સમયની મર્યાદા હોવાના કારણે એ દિવસ દરમિયાન વધુમાં વધુ સમય એના પરિવાર અને મિત્રો સાથે ગાળવાના માગતો હતો અને એટલે જ એણે ઘરમાં કોઈને જાણકારી આપ્યા વિના બસમાં રાતની મુસાફરીની ટિકિટ કઢાવી લીધી હતી. મુસાફરી રાતની હતી એટલે એને મનમાં થોડો ખચકાટ થતો હતો પરંતુ હિંમત કરીને એ બસમાં બેસી ગયો હતો.

જેમ જેમ રાત વધતી જતી હતી અને બસ પોતાની મંઝીલ તરફ આગળ વધતી તેમ એને ઘર જવાની ઉત્સુકતા વધતી જતી હતી. છ મહિના નીકળી ગયા પણ હવે એક રાત કાઢવી પણ મુશ્કેલ લાગી રહી હતી. એક તો ઘરે જવાની ઉતાવળ અને બીજું આ રાતના સમયે જંગલોમાંથી પસાર થવાની બીક. થોડી વાર થઈ એટલે એણે ફરી બારીની બહાર જોયું અને એના પેટમાં ફાળ પડી. બસ જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી અને બારી ખૂલતાં જ પવનના સુસવાટાથી હલતા વૃક્ષના પાંદડાઓનો ધ્વનિ અને દૂરથી જંગલી જાનવરોના આવતા ચિત્ર વિચિત્ર અવાજ એના કાનમાં અથરાયો અને એણે ગભરાઈને તરત જ બારી બંધ કરી દીધી. એણે સમય પસાર કરવાના હેતુથી પોતાના મોબાઈલ હાથમાં લીધો પરંતુ એ વિસ્તાર નેટવર્ક ક્ષેત્રથી બહાર હોવાથી એને ફોન પાછો મૂકી દીધો અને પછી આંખ બંધ કરીને ઊંઘવાનો પ્રયાસ કરવા માંડ્યો.

અચાનક બસની ગતિ ધીમી થવા માંડી અને એ ઝબકીને ઉઠી ગયો. એકદમ ધીમી ગતિએ ચાલી રહેલી બસ ધીરે ધીરે ઝટકા ખાતા એકદમ જ બંધ થઈ ગઈ અને બસમાં બેઠેલા બધા જ મુસાફરો ગભરાઈને ઊભા થઈ ગયા. બહારથી આવતા ચિત્ર વિચિત્ર અવાજ એ બધા મુસાફરોના દિલને દેહલાવી દીધા અને બસમાં અફરાતફરી મચી ગઈ. બધાએ ભેગા થઈને ડ્રાઈવરને કોઈની મદદ લેવા માટે સૂચના આપી. પરંતુ કોઈના ફોનમાં નેટવર્ક ન હોવાથી ડ્રાઇવર કોઈને ફોન કરીને મદદ માટે બોલાવી ન શક્યો. ચારે બાજુ રસ્તા સૂમસામ હતા અને કોઈની અવરજવર નથી દેખાતી. આવી પરિસ્થિતિમાં શું કરવું એ કોઈને સમજ નહતી પડી રહી. આખી રાત બધા માટે બસમાં બેસવું પણ આ શક્ય ન હતું અને નીચે ઉતરવાની પણ બીક લાગતી હતી.

આખરે ડ્રાઈવરે બધાને હિંમત આપીને કહ્યું કે આ રોજ રસ્તો છે માટે બિલકુલ ગભરાવાની જરૂર નથી. એના કહેવા મુજબ નજીકમાં જ કોઈ અવાવરૂ ગેસ્ટ હાઉસ હતો જ્યાં ઉતરીને એ લોકો બધા એક રાત માટે આશરો લઇ શકે એમ હતું. બધા મુસાફરો ડ્રાઈવરની વાત સાંભળીની વિચારમાં પડી ગયા. અજાણ્યા લોકોની ભીડમાં એકલોઅટૂલો સુરેશ ડરના મારે કાપી રહ્યો હતો. ડ્રાઈવરની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ બધા પાસે ન હતો. એટલે બધા જ ડ્રાઈવરની પાછળ ધીમે ધીમે બસનીનીચે ઉતરવા માંડયા અને તેને અનુસરવા લાગ્યા. બહાર ખુલ્લામાં વધુુ જોરથી આવતા જાતજાત ચિત્ર વિચિત્ર અવાજો સાંભળીને બધાં હૈયામાં ફફડાટ થવા લાગ્યો. ગાઢ જંગલ, ભેકાર શાંતિ વચ્ચે આવતા ભેદી અવાજ વાળુ ભયાનક વાતાવરણ ઓછું હોય એમ અચાનક જ વાદળોનો ઘડઘડાટ અને વીજળી ચમકવાનું શરૂ થઈ ગયું અને થોડી વારમાં તો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. ચારે બાજુ મુસીબતોથી ઘેરાયેલા સુરેશની ઘરના લોકોની યાદ આવવા માંડી અને આંખોમાંથી ટપ ટપ આંસુનીકળવા માંડ્યા.

નબળા નેટવર્કના કારણે ફોન બંધ હોવાથી એ કોઈ સાથે વાત કરીને પોતાનું મન હળવું કરી શકે એમ પણ ન હતો. બધા જ મુસાફરો ગભરાયેલા હતા અને એકબીજાથી અજાણ્યા હતા એવામાં કોણ કોને આશ્વાસન આપે એ એક પ્રશ્ન હતો. થોડી વારમાં ડ્રાઇવર એ અવાવરું ગેસ્ટ હાઉસ પાસે આવીને ઊભો રહી ગયો અને એની પાછળ આવી રહેલા બધા જ મુસાફરોને એની અંદર આવીને આશ્રય લેવા માટે સુચના આપી. ગેટ બહારથી જાણે કોઈ હોરર શોના ભૂત બંગલા જેવો ડરામણો લાગી રહ્યો હતો ડ્રાઈવરે જેવો દરવાજો ખોલ્યો, એ દરવાજો 'ચરરર' અવાજ સાથે ખુલ્યો અને બધા કાપતા કાપતા અંદર પ્રવેશ્યા. અંદર પ્રવેશીને બધાએ અંદરની બાજુથી દરવાજો બંધ કરી દીધો જેથી કોઈ બહારનું જંગલી જાનવર અંદરના પ્રવેશી શકે. અંદર પ્રવેશ્યા પછી થોડીવાર માટે બધાને ખૂબ જ સુરક્ષિત લાગવા માંડ્યું પરંતુ એ સુરક્ષાની ભાવના માત્ર થોડા સમય માટે જ હતી. ગભરાયેલા સુરેશે જેવી બારીની બહાર નજર કરી બાજુમાં એક પુરાના સ્મશાનમાં કોઈ સફેદ કપડાં પહેરીને ફરતી આકૃતિ દેખાઈ અને એના પેટમાં ફાળ પડી. એને ગભરાઈને બધાને બારી પાસે બોલાવ્યા પણ ત્યાં સુધીમાં તો એ આક્રુતિ ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી.પરંતુ ત્યાં કોઈ ભેદી રહસ્યમયી હસવાના અને રડવાના અવાજો આવી રહ્યા હતા. બધાના ચહેરા પર કાપો તો લોહીનાનીકળે એવી સ્થિતિ થઇ ગઇ હતી. પરંતુ મન મનાવવા માટે બધાએ સુરેશની કહ્યું કે એ માત્ર એની ભ્રમણા જ હશે અને પછી હિંમત કરીને એ બારી બંધ કરી દીધી અને એક ખૂણામાં જઈને બેસી ગયા.

વાસ્તવિકતા અને ભ્રમણાના ભેદ વચ્ચે ગૂંચવાયેલો સુરેશ પણ એક ખૂણામાં કાપતો કાપતો બેસી ગયો. ચારે બાજુ સન્નાટો છવાઇ ગયો હતો. એ ભેકાર શાંતિમાં બધાને જાણે પોતાની મોત દેખાઈ રહી હતી. બીજી ક્ષણે શું થશે એ વિષે અજાણ બધા જ એ વણઉકેલ્યા રહસ્ય વચ્ચે આંખ બંધ કરીને શાંતિથી બેસી રહ્યા હતા ત્યાં તો અચાનક દૂરથી કૂકડાની બાંગ સાંભળીને બધાની આંખ એકદમ જ ખૂલી ગઈ. સૂર્યની પહેલી કિરણ સાથે કુકડાનો અવાજ પરોઢના આગમનની આગાહી કરી રહ્યો હતો. ધીરે ધીરે બહાર થોડું અજવાળું થતાં વાતાવરણ થોડું ભયમુક્ત લાગવા માંડ્યું એટલે ડ્રાઈવરે હિંમત કરીને ગેસટાઊસનો દરવાજો ખોલ્યો અને બહાર ડોકિયું કર્યું. સદભાગ્ય દૂરથી એક બસ આવતી દેખાઈ અને ડ્રાઈવરે હાથ ઊંચો કરી અને બસને રોકી. દૂરથી આવતી બસનો ડ્રાઈવર એનો જાણીતો જ નીકળ્યો અને એણે પોતાની બસ રીપેર કરવા માટે એની મદદ માંગી. પેલા ડ્રાઈવરે પોતાની બસ ઉભી રાખી અને નીચે ઉતરી ગયો અને એને રીપેરીંગમાં મદદ કરવા લાગ્યો અને એ દરમિયાન સુરેશ અને બીજા મુસાફરો ધીરે ધીરે એ ગેસ્ટટ હાઉસની બહાર આવવા લાગ્યા.

સવારનું વાતાવરણ એ રાતના બિહામણા વાતાવરણ કરતા એકદમ જ વિરુદ્ધ હતું. પ્રકૃતિની ગોદમાં ચારે બાજુ બધું રળિયામણું લાગી રહ્યું હતું. ગઈકાલેે રાત્રે અંધકારમાં જે વિસ્તાર એકદમ સુમસાન લાગી રહ્યો હતો એ જ વિસ્તારમાં સવારના અજવાળામાં છુટી છવાઈ થોડી વસ્તી પણ દેખાઈ રહી હતી. સુરેશ એ પણ રાહતનો શ્વાસ લીધો પરંતુ ગઈકાલ રાતના એ વણઉકેલ્યા રહસ્યનો પડદો એના મનમાં અકબંધ રહ્યો હતો. એ રહસ્ય ઉકેલવાના હેતુથી સુરેશ સામે દેખાતી એક મઢુલીની બહાર બેઠેલા વૃદ્ધ પાસે ગયો અને એને ગઈકાલે રાત્રે થયેલા અનુભવનો કિસ્સો સંભળાવ્યો. પહેલા તો એ વૃદ્ધ સુરેશની વાત સાંભળીની હસવા માંડ્યો અને પછી આંગળી ચીંધીને દૂર એક મઢુલી બતાવી અને કહ્યું કે

"ત્યાં એક વૃદ્ધ માણસ પોતાની વિધવા દીકરી સાથે રહેતો હતો અને એના મૃત્યુ પછી એ દીકરી એકદમ એકલી પડી ગઈ હતી. સંસારમાં એનું કોઈ પોતાનુંં બીજુના હોવાથી એનું માનસિક સમતુલન થોડું હલી ગયું હતું અને એના મનમાં અજાણ્યા લોકોનો ડર પેસી ગયો હતો. માટે લોકોથી અંતર જાળવવા માટે એ ભૂતનો સ્વાંગ રચી અને જાતજાતની ચિત્ર વિચિત્ર અવાજો કરતી જેથી લોકો એની નજીકના આવે."

એ વૃદ્ધ માણસની વાત સાંભળીને સુરેશ એકદમ ડઘાઈ ગયો. ગઈકાલે રાત્રે જે વ્યક્તિથી ડરી ગયો હતો એ જ વ્યક્તિ પર આજે એને દયા આવી રહી હતી. પરંતુ આખરે એની મનની ગૂંચ ઉકેલી જતા તેણે રાહતનો શ્વાસ લીધો. થોડી જ વારમાં તો સુરેશની બસ પણ રિપેર થઈ ગઈ અને બધા મુસાફરો ફટાફટ પોતપોતાની મંજિલ સુધી પહોંચવા માટે બસ માં જઈને ગોઠવાઈ ગયા. સુરેશ પણ ગઈકાલે રાત્રે થયેલા ખોફનાક અનુભવને એક ખરાબ સપનું સમજીની ભૂલી ગયો અને બારીની બહાર પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવામાં મસ્ત થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror