Hardik G Raval

Drama Fantasy

4  

Hardik G Raval

Drama Fantasy

કૃષ્ણ પ્રેમ

કૃષ્ણ પ્રેમ

6 mins
408


ગોપીને ચાર દિવસ પછી છોકરાવાળાં જોવા માટે આવવાના હતાં. ગોપીના માતા-પિતાનું સપનું હતું કે ગોપીનાં લગ્ન આખું ગામ માણે અને તે ધામધુમથી ગોપીના લગ્ન કરે. પરંતુ, આ બાજુ ગોપીને આ છોકરાવાળાં જોવા માટે આવે અને અમુક ચોક્કસ સમયની મુલાકાત પછી લગ્નનો નિર્ણય લેવાય એવી બધી બાબતોમાં રસ ન હતો, તેને આવી બાબતો યોગ્ય ન લાગતી.

ગોપી અવારનવાર તેના મમ્મી-પપ્પાને કહેતી કે હું તો પ્રેમલગ્ન જ કરીશ. ગોપી આમ તો કોઈ ભગવાનમાં માનતી ન હતી પરંતુ તે કૃષ્ણને પોતાની હૃદયની સૌથી નજીક રાખતી અને તે કૃષ્ણ ભગવાનનો ફોટો હરહંમેશ પોતાના મોબાઈલના વોલપેપર તરીકે રાખતી. હવે જ્યારે એને લગ્ન માટે જોવા માટે આવવાના હતા એ ગમે તેમ કેન્સલ કરાવવું હતું અને આ માટે એણે એનાં મમ્મી-પપ્પાને સમજાવવા માટેના ઘણા પ્રયત્નો કર્યા પણ તે સદંતર નિષ્ફળ ગયા. તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે જો તેનાં મમ્મી-પપ્પા તેમની જીદ પર અડગ છે તો તે પણ તેની જીદ પર અડગ રહેશે અને એ છોકરાને મળવાનું કેન્સલ કરાવશે જ. અને એ માટે તેણે સૌથી સફળ હથિયારનો સહારો લીધો અને એ હતો ભૂખ હડતાળ. પરંતુ આ બાજુ તેનાં મમ્મી-પપ્પા પણ તેમની જીદ પર કાયમ હતાં અને તેમને ભય હતો કે જો તેઓ આ મુલાકાત કેન્સલ કરાવે તો નાનકડા ગામમાં જેટલાં મોઢાં તેટલી વાતો થાય અને એ જ કારણે એ લોકો એ પોતાની વહાલસોયી દીકરીની ભૂખ હડતાળ ને પણ નજર અંદાજ કરી.

ત્રણ દિવસ વીતી ગયા, ગોપી એના ઓરડામાં રડ્યા કરતી અને ભૂખી સૂઈ જતી અને તેના મોબાઈલમાં કૃષ્ણ ભગવાનનો ફોટો જોયા કરતી. અચાનક એ જ રાત્રી એ ગોપીને વ્હોટ્સએપ પર એક મેસેજ આવે છે, શરૂમાં તે ઇગ્નોર કરે છે. બીજી વખત મેસેજ ટોન વાગે છે, ગોપી ઇગ્નોર કરે છે અને સમય જોવા માટે મોબાઈલમાં નજર નાખે છે, તે જ સમયે તેને સ્ક્રીન પર રહેલા કૃષ્ણ સ્મિત સાથે તેને વ્હોટ્સએપ મેસેજ જોવા માટે કહેતાં હોય તેવું લાગે છે, તેને શરૂમાં ભ્રમ લાગે છે પણ બીજી વખત પણ એ જ ભાસ થતા એ મેસેજ જુએ છે.

મેસેજ કંઈક આવો હોય છે.

"ગોપી, હું શ્રીકૃષ્ણ તારી સાથે ચર્ચા કરવા માગુ છું."

ગોપીને કોઈની મજાક લાગે છે અને તે નંબર જોવા માટે પ્રયત્નો કરે છે પણ તે નિષ્ફળ જાય છે. અને ત્યારબાદ તે આશ્ચર્ય સાથે ગુગલ ઈંડિકની મદદથી ગુજરાતીમાં ટાઈપ કરીને જવાબ આપે છે.

"પ્રણામ પ્રભો, શું આજ્ઞા છે મારા માટે"

"હું હંમેશા આવી ભાષામાં વાત નથી કરતો, એતો ધાર્મિક સિરીયલમાં જ મને આવો બતાવાયો છે" શ્રીકૃષ્ણ 'પ્રભો' અને 'આજ્ઞા' જેવા શબ્દો સાંભળીને ગોપીને હસાવવા માટે અને વાતાવરણ હળવું કરવા હળવાશ ભર્યો જવાબ આપે છે.

️ના ઈમોજી સાથે ગોપી જવાબ આપે છે

"તું એ છોકરાને કેમ મળવા નથી માગતી ?" શ્રીકૃષ્ણ સીધા જ મુદ્દા ઉપર આવે છે.

"હું ક્યારેય એને નથી મળી અને હું તો તેને પ્રેમ પણ નથી કરતી" શ્રીકૃષ્ણની વાતનો ગોપી પ્રત્યુત્તર આપે છે.

"પ્રેમ ?" શ્રીકૃષ્ણ જવાબ આપે છે.

"તમે મને પ્રેમનો મતલબ પૂછી રહ્યા છો ?" ગોપી શ્રીકૃષ્ણના અધૂરા જવાબથી અકળાય છે.

" , ના એ વાત પછી. પહેલાં મને એ જણાવ કે એને મળીશ ત્યારે જ તું એને ઓળખીશ ને અને મળ્યા વગર પ્રેમ તો ન જ થાય ને ? " શ્રીકૃષ્ણ એ જવાબ આપ્યો.

" ફોટો જોયો છે, પણ ન ગમ્યો" ગોપીએ જવાબ આપ્યો.

" તો ફોટા પરથી પ્રેમ થાય ?" શ્રીકૃષ્ણ એ બીજો જવાબ પૂછ્યો.

"હા, હું તમને ક્યારેય મળી તો ન હતી ને ? છતાં તમને પસંદ તો કરું જ છું ને ? અને સાચું કહું તો તમને પ્રેમ પણ કરું છું અને જો કળયુગમાં આ શક્ય બને તો હું તો તમારી સાથે લગ્ન પણ કરું." ગોપીએ એક જ શ્વાસે બધું ટાઈપ કરી નાખ્યું.

હવે તે શ્રીકૃષ્ણ ટાઈપિંગ પર એકીટશે નજર નાખીને બેસી ગઈ.

"અમારામાં ૧૬,૧૦૮ પત્ની જ રખાય, જો એનાથી વધારે થાય તો એ પૌરાણિક બાબતો સાથે ચેડાં કહેવાય અને એથી લોકોની લાગણી દુભાય "શ્રીકૃષ્ણનો મસ્તી ભર્યો જવાબ આવ્યો.

" " ગોપીએ જવાબ આપ્યો.

"હવે આપણે આપણી ચર્ચા તરફ પરત ફરીએ તો તું મને પ્રેમ કરે છે ? કેમ ? તારી દૃષ્ટિએ શ્રીકૃષ્ણ કોણ છે ?" ભગવાને એકસાથે પ્રશ્નો પૂછી નાખ્યા.

"હા, હું તમને પ્રેમ કરી શકું. અને જો મારી દૃષ્ટિએ કૃષ્ણને વર્ણવું તો જે બાળકની જેમ પોતાની માની સાથે લાડ કરી શકે, જે ગોપીઓ સાથે નિર્દોષ મજાક કરી શકે અને તેમને હેરાન પરેશાન કરી પ્રેમ દેખાડે, જે જરૂર પડ્યે કોઈપણ મુસીબતરૂપી પહાડ ઉપાડી શકે કે જરૂર પડ્યે સારથી બની યોગ્ય સલાહસૂચન આપી શકે, જે કોઇપણ સ્ત્રીની ઈજ્જતની રક્ષા કરવા યોગ્ય સમયે હાજર હોય, જે પશુપક્ષીને પણ અપાર પ્રેમ કરે, જેની મધુર વાંસળીનો ધ્વનિ સતત સાંભળ્યા કરવાનું મન થાય, જેના નિર્મળ સ્મિત ઉપર ખૂબ જ વહાલ આવે. જે રાક્ષસો માટે સંકટ છે અને જે હરહંમેશ સત્યની પક્ષે જ હોય, એનો વાન શ્યામ પણ હોય અને એનું ચરિત્ર ઊજળું હોય........."ગોપી એક જ સાથે ટાઈપ કરી રહી હતી અને આટલું ટાઈપ કર્યું ત્યાં જ તે મેસેજ સેન્ડ થઈ ગયો.

"મારા આ ગુણો તો તે ક્યાંય વાંચ્યું હશે, સિરિયલ્સમાં જોયું હશે ત્યારે જ તને ખબર પડી’ને, હવે વધુ ટાઈપના કરીશ, તારી દૃષ્ટિએ હું શું છું એ મેં જાણી લીધું છે." કૃષ્ણ ભગવાને આટલું વાંચીને જવાબ આપ્યો.

"હા, વાંચ્યું જોયું છે તમારા વિશે અને મારા માટે એ જ પ્રેમ." ગોપી એ જવાબ આપ્યો

"તો તારે તે છોકરાને મળવું પડશે, જાણવું પડશે તેના વિશે તેના પ્રેમમાં પડવા માટે, ખરું’ને !" શ્રીકૃષ્ણએ ચતુરાઈથી જવાબ આપ્યો.

"હા" ગોપીએ જવાબ આપ્યો.

"અને જો, પ્રેમનો દૃષ્ટિકોણ પણ વ્યક્તિ વ્યક્તિએ બદલાય જ, જો તને ઉદાહરણ આપું."આટલું કહીને શ્રીકૃષ્ણએ વ્હોટ્સએપ પર એક ગ્રુપ કર્યું અને એમાં શહેરની મોડર્ન છોકરી નિશાને એડ કરી.

"હાય, નિશા" કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો.

"વુઝ ધેર ?" નિશાએ જવાબ આપ્યો.

"હું ભગવાન કૃષ્ણ, મારે તારી મદદની જરૂર છે" ભગવાને જવાબ આપ્યો.

"સમ વન મેકિંગ પ્રેન્ક ઓન મી, રાઈટ ?" નિશાએ જવાબ આપ્યો.

"ના, આ કોઈ મજાક નથી, મારે જરૂર છે તારી." શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો.

"રિયલી, પ્લીઝ નોટ કે જો આ મજાક હશે ને તો જે થશે’ને એ મારો લુકઆઉટ નહીં રહે, આઈ વીલ બી નોટ રિસ્પોન્સિબલ વ્હોટએવર હેપ્પન વિથ યુ ઈફ ધીસ ઈસ ફન." નિશા એ જવાબ આપ્યો.

"ટ્રસ્ટ મી, હું ભગવાન કૃષ્ણ જ છું અને મારે તારી પાસેથી અમુક જવાબની અપેક્ષા છે."શ્રીકૃષ્ણ બોલ્યા.

"બોલો." નિશા સંમત થતી હોય તેમ જવાબ આપ્યો.

"તારી દૃષ્ટિએ પ્રેમ શું છે ? તું મારી સાથે લગ્ન કરી શકે ?" શ્રીકૃષ્ણએ નિશાને સવાલ પૂછ્યા.

"ઓકે લેટ મી ટેલ યુ અબાઉટ લવ ફર્સ્ટ, યુ કેન ફોલ ઈન લવ વિથ સમવન..." નિશા જે ટાઈપ કરી રહી હતી એ ગ્રુપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું એથી શ્રીકૃષ્ણએ અટકાવ્યું અને કહ્યું કે જો શક્ય હોય તો ગુજરાતીમાં લખ તો ગોપી પણ સમજી શકે.

"ઓકે, આઇ મિન બરોબર, તો તમે એ વ્યક્તિના પ્રેમમાં પડી શકો જે તમારી દરેક જરૂરિયાત પૂરી કરી શકે, તમારી કાળજી કરી શકે, તમને અવારનવાર લોન્ગ ડ્રાઈવ પર લઈ જાય, તમારી જ વાતો સાંભળે, તમને જ પ્રેમ કરે અને તમારા દરેક સપનાંને હકીક્ત બનાવે" નિશા ટાઈપ કરી રહી હતી ત્યારે જ..

"આ પ્રેમ છે ?"ગોપીએ નિશાને સવાલ કર્યો.

"હા, આ જ તો મોડર્ન પ્રેમ છે ! તને ગામડાની ગોરીને શું ખબર પ્રેમ એટલે !" નિશાએ ઉડાઉ જવાબ આપ્યો એને કદાચ ગોપી વચ્ચે બોલીએ ગમ્યું ન હતું.

"તું કૃષ્ણને પ્રેમ કરી શકે ?" ગોપીએ સવાલ કર્યો અને આ બાજુ શ્રીકૃણ હસતા વદને આ લીલા જોઈ રહ્યા હતા.

"ના, એક તો મને એ વ્યક્તિ ક્યારેય ન ગમે જે આખા ગામની ચિંતા કર્યા કરે, અન્ય છોકરીઓ સાથે ફ્લર્ટ કરે. બીજાના કાંડમાં સામેથી ઈનવોલ્વ થાય અને જે......"

ત્યાં જ એક મેસેજ સ્ક્રિન પર આવે "શ્રીકૃષ્ણ રિમુવ નિશા"

"જોયું ગોપી, દરેક વ્યક્તિનો પ્રેમ વિશે અને અન્ય વ્યક્તિ વિશે દૃષ્ટિકોણ અલગ અલગ હોય જ. જો તારે કોઈના વિશે અભિપ્રાય બાંધવો હશે તો તેને મળવું પડશે, તેને સમજવો પડશે, તું ટૂંકી મુલાકાતમાં નિશાના સ્વભાવ વિશે જાણી ગઈ’ને ! એવી જ રીતે એ છોકરાના સ્વભાવ વિશે, સારાંનરસાં પાસાં તું જાણી જ જઈશ. તારો એના વિશે અભિપ્રાય એને મળ્યા પછી જ બંધાય એવું હું માનું છું. તારો શ્રીકૃષ્ણ માને છે. બસ મારા માટે એટલું નહીં કરે ? કોને ખબર કાલે આવનારો છોકરો જ તારો શ્રીકૃષ્ણ હોય !" શ્રીકૃષ્ણએ ગોપીને સમજાવ્યું.

"અને જો તને એ ન ગમે ને તો હું તારી સાથે લગ્ન કરીશ બસ " ભગવાને પોતાની વાત આગળ વધારી.

"ગોપી, બેટા ગોપી ઊઠ. જમી લે. તારે ન મળવું હોય તો કંઈ નહીં આપણે કાલે સવારે એમને ફોન કરીને ન પાડી દેશું, ખુશ." ગોપીના પપ્પા એને રાત્રી ભોજન માટે જગાડી રહ્યા હતા અને એ પોતાની દીકરીની જીદ સામે પ્રેમથી હાર સ્વીકારી રહ્યા હતા.

"ના પપ્પા, હું જમી લઉં છું અને એ લોકોને પણ કાલે મળીશ."આટલું બોલી ગોપી એના પપ્પાના ગળે વળગી પડી અને હાથમાં રહેલા મોબાઈલના વોલપેપર સામે જોઈને થોડી શરમાઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama