Megha Kapadia

Drama Fantasy Thriller

3  

Megha Kapadia

Drama Fantasy Thriller

માન્યાની મંઝિલ - 35

માન્યાની મંઝિલ - 35

5 mins
13.8K


અંશુમનની ગાડીમાં તેની સાથે પિયોની ઉર્ફ માન્યા બેઠી હતી અને અંશુમન તેને આઈસ્ક્રિમ ખવડાવવાં લઈ જઈ રહ્યો હતો. પિયોનીને મનાવવાનાં મિશનમાં સફળ થવાથી અંશુમનનાં ચહેરા પર આનંદ સમાઈ નહોતો રહ્યો. ગાડીમાં તેણે રેડિયો ચાલુ કર્યો અને જોગાનુજોગ ગીત વાગ્યું, હમે તુમસે પ્યાર કિતનાં યે હમ નહીં જાનતે...મગર જી નહીં સકતે તુમ્હારે બિના...આવી જ ફિલીંગ અત્યારે અંશુમનને આવી રહી હતી. તે બને તેટલો વધારે સમય પિયોની જોડે રહેવાં માંગતો હતો અને એટલે જ થોડે દૂર રહેલાં આઈસ્ક્રિમ પાર્લર ઉપર પહોંચવા માટે તેણે ગાડીનું લાંબુ ચક્કર માર્યું. ‘અંશુમન, આઈસ્ક્રિમ પાર્લરનું ડેસ્ટિનેશન તો આવી જ નથી રહ્યું. તું કેમ આટલું લાંબુ ચક્કર લગાવી રહ્યો છે. પાછળ રોડ ઉપર તો પાર્લર હતું.' માન્યાના મનમાં સવાલો ઉઠી રહ્યા હતાં.

‘પિયોની તને ખબર નહોતી કે આ આઈસ્ક્રિમ ટ્રીટની સાથે બીજી એક ઓફર ફ્રીમાં હતી.' ‘કઈ?' માન્યા ગુંચવાઈ. ‘એક આઈસ્ક્રિમ સાથે લોન્ગ ડ્રાઈવ બિલકુલ ફ્રી...ફ્રી...ફ્રી...' અંશુમન આંખ મારતાં બોલ્યો. માન્યાને ચિંતા થઈ આવી કે લોન્ગ ડ્રાઇવનાં નામે ક્યાંક અંશુમન મને કોઈ ભેદી જગ્યાએ તો નથી લઈ જઈ રહ્યો ને. અધુરામાં પૂરું તે ઉતાવળમાં હોસ્પિટલ આવવાનાં કારણે પોતાનો ફોન પણ ઘરે ભૂલી ગઈ હતી. ‘પણ મારે ઘરે જલ્દી પહોંચવાનું છે. મમ્મીને નથી ખબર કે હું આવી રીતે બહાર આવી છું. મારી પાસે લોન્ગ ડ્રાઇવ ઉપર જવાનો ટાઇમ નથી.' ‘ઓકે ફાઇન...એક જ શરતે હું ગાડી પાછી વાળું જો તું મને પ્રોમિસ કરતી હોય કે તું ફરી મારી જોડે લોન્ગ ડ્રાઇવ પર આવીશ.' માન્યાને તે સમયે કંઈ સુઝ્યુ નહીં અને તેણે અંશુમનને હા પાડી દીધી. અંશુમને તરત જ યુટર્ન લીધો અને ગાડી ઘુમાવી લીધી.

5 મિનિટમાં તો તેઓ આઈસ્ક્રિમ પાર્લર પહોંચી ગયા. અંશુમન જઈને માન્યાની ફેવરિટ ચોકલેટ ફ્લેવરનાં 2 કોન લઈ આવ્યો. ગાડીમાં બેસીને બંને આઈસ્ક્રિમ ખાઈ રહ્યા હતાં. ‘પિયોની તું ફેસબુક પર નથી?' અંશુમનનાં આ સવાલથી માન્યા ચોંકી ગઈ. ‘કેમ...શું થયું? ‘મેં ફેસબુક ઉપર તને શોધવાનો બહુ ટ્રાય કર્યો પણ મને તારું અકાઉન્ટ ના મળ્યું.' અંશુમન બોલ્યો. ‘ના હું ફેસબુક પર નથી. મને આવો ટાઇમપાસ પસંદ નથી. એટલે મેં મારું અકાઉન્ટ નથી બનાવ્યું.' માન્યાનાં અકાઉન્ટમાંથી તો અંશુમન પહેલાં જ બ્લોક થઈ ગયો હતો અને અંશુમન પિયોનીનાં નામથી તેની સામે બેઠેલી પિયોની ઉર્ફ માન્યાને શોધી રહ્યો હતો તે તો તેને ક્યારેય મળવાની જ નહોતી. એટલે માન્યા રિલેક્સ થઈને આઈસ્ક્રિમ ખાવાની મજા માણી રહી. અંશુમન તાકી-તાકીને પિયોનીને જોઈ રહ્યો. તેને લાગ્યું કે આનાથી સુંદર છોકરી આખી દુનિયામાં ક્યાંય નથી. આઈસ્ક્રિમ ખાઈ લીધા પછી અંશુમને ગાડી સ્ટાર્ટ કરી અને તેની ગાડી ફુલ સ્પીડમાં રસ્તા ઉપર દોડવાં લાગી.

‘પિયોની મને તારા ઘરે ક્યારે લઈ જઈશ?' ‘કેમ તારે મારા ઘરે આવવું છે?' ‘અરે, મારે જોવું છે કે અન્કલ આન્ટી આ પાગલ છોકરીને કેવી રીતે સહન કરે છે?' અંશુમન મસ્તીનાં મૂડમાં હતો. ‘અત્યારે નહીં પછી ક્યારેક લઈ જઈશ.' આમ કહીને માન્યાએ વાત ટાળી દીધી. અંશુમને માન્યાને હોસ્પિટલનાં ગેટ ઉપર ઉતારી જ્યાં તેનું એક્ટિવા પડ્યું હતું. ‘બસ જવું જ છે?' અંશુમનનાં ચહેરા પર વિરહનાં ભાવ આવી ગયા. પિયોનીથી છુટાં પડવાની ક્ષણને લઈને અંશુમન ઉદાસ થઈ ગયો. ના છૂટકે પિયોનીને બાય બાય કહીને તેણે ગાડી ઘર તરફ દોરી. માન્યા પણ ફટાફટ ઘરે પહોંચી. ઘરે આવીને તેણે જોયું તો પિયોની બેઠી હતી. પિયોનીને જોઈને માન્યા ચોંકી ગઈ.

‘ક્યાં ગઈ હતી તું? હું 15 મિનિટથી તારા ઘરે આવીને બેઠી છું અને તારો ફોન ક્યાં છે? મેં કેટલાં ફોન કર્યા તને ખબર છે.' પિયોનીએ તો માન્યા પર પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો. ‘એ...તો...પેલો કોલેજનો એક પ્રોજેક્ટ છે એ સબ્જેક્ટ રીલેટેડ લાઈબ્રેરીમાં બુક શોધવાં ગઈ હતી.' બોલતી વખતે માન્યા તતફફ થઈ ગઈ હતી. જે પિયોનીએ નોંધ્યું પણ સામે માન્યાની મમ્મી બેઠી હતી એટલે તે કંઈ બોલી નહીં.

થોડીવાર રહીને બંને અંદર રૂમમાં ગયા. રૂમમાં આવતાવેંત પિયોની બોલી, ‘કોણ હતું ગાડીમાં? કોની સાથે તું આઈસ્ક્રિમ ખાતી હતી?' માન્યાને સપને પણ ખ્યાલ નહોતો કે પિયોની આવું પૂછશે. ‘કોણ? કોની વાત કરે છે?' માન્યાએ પોતાની જાતને બચાવવાનાં પ્રયત્નો કર્યા. ‘માનુ...તને તો જુઠ્ઠું બોલતાં પણ નથી આવડતું. તારો ચહેરો તો જો. કપાળ પર પરસેવો બાઝી ગયો છે.' માન્યાએ કપાળ પર હાથ ફેરવ્યો અને તેને લાગ્યું કે હવે તે પોતાની જાતને બચાવવાનાં નિરર્થક પ્રયત્નો કરી રહી છે. ‘તું તો મારાં કરતાં પણ એક સ્ટેપ આગળ નીકળી. કોલેજનાં એક જ મહિનામાં બોયફ્રેન્ડ પણ બનાવી લીધો...કોન હલાલ હુઆ? અબ બોલ ભી દો મેરી જાન!!!' પિયોની આંખ મારતા બોલી. ‘કહું છું પણ પહેલા એ તો કહે કે તને એ છોકરાનો ચહેરો ના દેખાયો?' ‘ના હું થોડી દૂર હતી અને ડ્રાઇવિંગ સીટ ઉપર તડકો પડતો હતો તો મને ક્લીયર ના દેખાયું કે કોણ બેઠું છે પણ તું બાજુમાં બેઠી હતી એટલે બરાબર દેખાઈ ગઈ.

હું તો તને રંગેહાથ જ પકડવા માંગતી હતી પણ મારી સાઇડ ટ્રાફિક જામ થઈ ગયો હતો એટલે હું આવી ના શકી.' પિયોનીએ સ્પષ્ટ ખુલાસો કર્યો. માન્યાને લાગ્યું કે હવે વધારે છુપાવવાનો કોઈ મતલબ નથી. ‘પિયોની...એ...' ‘અરે આટલું સ્સપેન્સ કેમ ક્રિએટ કરે છે. એવો તો કયો મોટો હીરો છે એ??' પિયોની એ છોકરાનું નામ સાંભળવા આતુર થઈ ગઈ. ‘પિયુ, એ અંશુમન હતો!!' પિયોનીનાં ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ. તે ધબ દઈને બેડ ઉપર બેસી ગઈ. માન્યા તેની નજીક આવી અને તેના ખભા ઉપર હાથ મૂકીને બોલી, ‘પિયુ મારી આખી વાત સાંભળ. તું જે વિચારે છે એવું કંઈ જ નથી.' પિયોનીએ ઝાટકા સાથે તેનો હાથ ખસેડ્યો. ‘એટલે તે મારી સાથે બદલો લઈ લીધો!! મેં તને નહોતું કીધું એટલે તે પણ મને ના કીધું.' પિયોની ગુસ્સામાં આવી ગઈ.

‘પિયુ શાંત થઈ જા...પહેલા મારી વાત સાંભળ.' ‘તને એ જ મળ્યો યાર? તને ખબર છે કે એ છોકરો કેવો છે. તેણે મારી સાથે જે કર્યું હતું એ બધું તું ભુલી ગઈ?' પિયોની રડમસ થઈને બોલી. ‘ના પિયોની હું કંઈ જ ભુલી નથી અને ભુલીશ પણ નહીં. એણે તારી જોડે જે કંઈ કર્યું છે એના માટે જ હું અત્યારે એની સાથે છું.' ‘શું કહે છે તું? મને કંઈ સમજાતું નથી.' પિયોની થોડી શાંત પડી. ‘એણે તારી સાથે અને તારાં જેવી કેટલીય બીજી છોકરીનાં દિલ તોડ્યા છે, કેટલીય છોકરીઓનો વિશ્વાસઘાત કર્યો છે. તેનો બદલો હવે હું લેવાની છે. તેને હું પાઠ ભણાવવાં માંગુ છું અને એ પ્લાનને અમલમાં મૂકવા જ હું અત્યારે તેની સાથે હતી.'

માન્યાનો ચહેરો તંગ થઈ ગયો હતો અને સામે પિયોની ચોંકી ગઈ હતી. માન્યાએ પિયોનીને એ બધું જ કીધું કે કેવી રીતે તે અંશુમનને મળી, તેની સાથે ફ્રેન્ડશિપ વધારી અને હવે આગળ તેનાં પ્લાનમાં શું થવાનું છે. પિયોનીએ પહેલાં તો માન્યાને આવું જોખમ લેવાની ના પાડી દીધી પણ માન્યાને પોતાનાં નિર્ણય પર અડગ જોઈને તેનાં પ્લાનમાં તેનો સાથ આપવાનો નિર્ણય કરી લીધો. પિયોનીનો સાથ મળી જતાં માન્યા માટે કામ હવે વધારે સરળ બની ગયું. બીજી બાજૂ પિયોનીનાં વિચારોમાં ખોવાયેલો અંશુમન હવે એ પ્લાનમાં હતો કે માન્યાને પોતાનાં દિલની વાત ક્યારે અને કેવી રીતે કહેવી? છેલ્લી 15 મિનિટથી તે પ્રેમનો ઈઝહાર કરવાનાં રિહર્સલ કરી રહ્યો હતો.

(શું અંશુમનનું પ્રપોઝલ માન્યાને તેના લક્ષ્ય સુધી પહોંચવા દેશે? કે પછી નફરતનો આ ખેલ પ્રેમમાં બદલાઈ જશે? માન્યા પોતાનો લક્ષ્ય પૂરો કરી શકશે કે કેમ જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama