Bansari Joshi

Inspirational

4.0  

Bansari Joshi

Inspirational

મારું જીવન એ જ મારી વાણી

મારું જીવન એ જ મારી વાણી

4 mins
175


સૌરાષ્ટ્રના નાના એવા એક ગામમાં ગોપાળદાસનો નાનો એવો પરિવાર રહેતો. પત્ની મીરા ને દીકરી હીરુ હારે ગોપાળદાસનો સંસાર સુખભર્યો હતો. ગોપાળદાસ ગામના સરપંચ હતાં પણ ગામના લોકોના હૈયાના સરપંચ તો એથી વધુ હતાં.

સ્વભાવે ઘણાં દયાળુ અને માયાળુ. માણસના પિંડમાં સંત જેવા. પશુ પંખીઓ માટે ગાઢ પ્રેમ. ગોપાળદાસનાં હીરને છાજે એવી એમની દીકરી હીરુ પણ.

હીરુ પરોઢ થાય ઈ પહેલા જ કૂવે પાણી ભરવા પહોંચી જાય ને એની હારે એની ગમતી ગાવલડી "નંદા"ય ઘૂઘરાના રણકાર કરતી હાલતી જાય. કુદરતના પ્રેમને ઝિલતી , પશુપંખીના ગાનને માણતી, પિતાના ખેતરોની લીલોતરીથી રાજી રાજી થતી હીરુ ને હીરુની ગાવલડી નંદા. માણસને પશુના પૂર્વજન્મના લેણદેણ હોતા હશે એવો સ્નેહ ગાવલડી ને હીરુનો.

પણ આ વખતે ઉનાળાએ જાણે માઝા મૂકી હતી. તડકો તપતો તપતો અગ્નિમાં પરવર્તિત થઈ રહ્યો હતો. લીલુ બધું સૂકુંભઠ્ઠ થઈ રહ્યું હતું. છેવટ ગામમાં અકાળ જેવી જીવલેણ સ્થિતિ ઊભી થવા લાગી. નદીઓના નીર સૂકાતા ચાલ્યા અને ખેતરોની લીલી ચૂંદડી જાણે અગનના ઝપેટમાં આવી હોય એમ હળવે હળવે રાખ થવા લાગી.

 હીરુ રોજના ક્રમ અનુસાર પરોઢ થાય ઈ પહેલા જ કૂવા ભણી ચાલી. નંદાય હાલી પણ આજ નંદાના પગ રણકતા નહોતાં. અડધે રસ્તે જ ઈ ભોંય પર ઢળી પડી. શ્વાસ ફૂલવા લાગ્યા. જાણે અપઘડી જીવ જાતો રહેશે એમ નંદાનો શ્વાસ અધ્ધર વર્તાતો હતો. હીરુ હાંફળીફાંફળી થઈ ઘર કોર દોડી.

“બાપુ ઝટ હાલો નંદાને કંઈક થઈ ગ્યું ”

"શું થયું દીકરી ?"

"તમે ઝટ હાલો. . . બસ"

ગોપાલદાસે છકડો હંકાર્યો. નંદા પાસે પહોચ્યાં. જોયુ તો નંદાના શ્વાસ ફૂલી રહ્યા હતા. ઝટઝટ નંદાને છકડામાં બેસાડી નજીકના શહેરના પશુ દવાખાને પહોંચ્યાં પણ જરૂરી પ્રાથમિક ઉપચાર થાય ઈ પહેલા જ નંદાના શ્વાસ ખૂટી ગયા. હીરુની તો ચીસ નીકળી ગઈ ને ગોપાલદાસનું હૈયુંય દ્રવી ઉઠ્યું. આંખની સામે જીવનું ઊડવું બહુ હૃદયદ્રવી ઘટના હોય. નંદાની વિદાયથી ગોપાળદાસનો પરિવાર શોકની ગર્તામાં ડૂબી ગયો. ગોપાળદાસનાં હૃદયમાં દુ:ખ ઘેરું થતું રહ્યું. હીરુ રોજ બાપુનું મોં જૂવે ને ઊંડા નિ:સાસા નાંખે. એનાથી બાપુનો વીલો ચહેરો જોવાતો નહોતો. હીરુ હળવેથી બાપુના પગને પકડી બેઠી અને બોલી,

"બાપુ ચિંતા ના કરો. હમણાં ચોમાસું આંબશે ને સૌ સારાવાના થઈ જાશે. "

"હાં દીકરી પણ વરસાદ આંબે ત્યાં લગ ગામની બધી નંદા મારે આશે હશે ને. હાલતા બોલતા માણસો તો વેઠીયે લે પણ આ મૂંગા જીવના ભીના ખૂણા મને ભીંજવી દે છે. ગામડેથી શહેર લગ પહોચતાં ટાણું વહી જાય છે. "

હીરુ બાપુના ખોળામાં માથું ઢાળી સૂઈ ગઈ પણ ગોપાળદાસની આંખમાં ઊંઘનું નામોનિશાન ના રહ્યું. ઈ આખી રાત ગોપાળદાસે ખુલ્લી આંખે વિચારોમાં જ વીતાવી.

 હીરુ પરોઢ થાય ઈ પહેલા જ રોજ પ્રમાણે ઊઠી ગઈ. જુએ તો બાપુ સાફો બાંધીને બહારે જવા નીકળતા હતાં.

“‘બાપુ આટલી સવારે ક્યાં ?”હીરુએ અચરજથી પૂછ્યું.

“એક બહુ જરૂરી કામે શહેર જાઉં છું બેટા” ગોપાળદાસે જવાબ વાળ્યો.

બાપુની આખી રાત જાગેલી આંખો જાણે હીરુ કળી ગઈ.

"હાલો બાપુ હું પણ તમારી હારે આવું છું" એમ કહી હીરુ પણ હાલી.

બેઉ પહોચ્યાં શહેરના પશુદવાખાનાના તબીબ પાસે. તબીબ ઈશ્વરભાઈ ગોપાળદાસને એટલી સવારે આવતાં જોઈ આશ્ચર્ય પામ્યા ને પૂછ્યું,

"કેમ ગોપાળદાસ બધું હેમખેમ ને ?"

"હાં ઈશ્વરભાઈ અમે સૌ હેમખેમ છીએ પણ આ મારા જીવે એક સંકલ્પ કર્યો છે. ને ઈ હારું મારે તમારી મદદની જરૂર છે. "

ઈશ્વરભાઈએ સહર્ષ હા પાડી. "બોલો શું મદદ કરી શકું ?"

"સાહેબ પશુઓની પ્રાથમિક સારવારની માહિતી આપો ને અને એ કેમ કરાય ઈ પણ શીખવજો. "

"હાં હાં જરૂર ગોપાળદાસ. તમારી નિષ્ઠા જોઈ આનંદ થાય છે કે મૂંગા જીવો માટે તમારે મન આટલી દયા છે. " ઈશ્વરભાઈએ સહર્ષ પ્રસ્તાવ સ્વિકાર્યો. હીરુ પણ બાપુનાં સંકલ્પમાં જોડાઈ. બે-ત્રણ દિવસમાં સઘળું સમજી જરૂરી સાધનો ગાંઠના પૈસે ખરીદ્યા ને ગામમાં સારવારનું કાર્ય શરૂ કરી દીધું. બેય જણે દુબળી અસહાય ગાયોની અને પશુ-પંખીની સારવાર કરવા માંડી. ધીરે ધીરે કાર્ય સેવામાં પરિણામમાં લાગ્યું. નજીકનાં ગામવાસીઓ પણ ગોપાળદાસ પાસે પશુના સારવાર સારૂ આવવા લાગ્યા. ગોપાળદાસ ને હીરુને જાણે લગની લાગી હતી. કાર્ય દિ'રાત થાતું થાતું આગળ ધપવા લાગ્યું.

દિવસો વીત્યા. . વરસ વીત્યું. એક રાત્રે આખા દિવસનાં થાક પછી હીરુ આડી પડતાં જ સૂઈ ગઈ. પરોઢ થયું ને હીરુ સફાળી જાગી. ભીની ભીની માટીની સુગંધથી એ રોમાંચિત થઈ ગઈ. જેવી ઘડો લઈ ઘરની બહાર નીકળી , ભીની ભીની માટીનો સ્પર્શ એને રૂંવે રૂંવે સ્પર્શી રહ્યો.

"બાપુ અમી છાંટ થઈ આખરે. . "એ તો હરખથી હાલી કૂવા ભણી પણ આજ કૂવો ને સવાર રોજ જેવા ના હતા. કૂવો વર્ષાધારાથી છલોછલ ઉછળી રહ્યો હતો ને પશુપંખીની ચીરચીરની હારે ભીના ભીના ઝાપટા વાતવરણમાં જાણે જાદુઈ અસર ઉપજાવતા હતા. ખેતરે પહેલાની જેમ જ લીલી ચૂંદડી પહેરી લીધી હતી. જેવી હીરુ કૂવે પહોંચી ત્યાં એક નાની એવી વાંછરડી નજરે ચડી. વાછડીને ધરાઈ ધરાઈને પાણી પીતી જોઈ હીરુને નંદા યાદ આવી ગઈ પણ આજ નંદા પહેલીવાર આનંદભેર યાદ આવી.

 વર્ષો આમ જ વિતતા ચાલ્યા પણ ગોપાળદાસ ને હીરુ સંકલ્પિતકાર્યને નિષ્ઠાપૂર્વક કરતા રહ્યાં. કાર્ય હવે ગોપાળદાસની રગોમાં વહેવા માંડેલું. સેવાભાવે જીવનમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું ને એને ભક્તિનું પીંછું લાગી ગયું જ્યારે ગોપાળદાસને સેવા ને કરુણાનો તાજ જાણે ઈશ્વરે જ પહેરાવ્યો હોય એમ એક દિવસ સઘળી સાંસારિક જવાબદારીને ઘરના યોગ્ય જણનાં હાથોમાં સોંપી ઈ સેવારથ લઈ ગામડે ગામડે નિ:સહાય ગાયો અને પશુપંખીની સારવારમાં આગળનું સઘળું જીવન વ્યતીત કરવા ચાલી નિકળ્યા. હવે ગોપાળદાસને બધા 'ગોપાળભગત' કહીને બોલાવા લાગ્યા. સાથોસાથ ગોપાળદાસના ગામને ભગતનું ગામ કહેવા લાગ્યા.

એક દિવસ શહેરથી એક પત્રકાર ગોપાળદાસને મળવા આવ્યા અને પૂછ્યું , "તમારા સેવારથની કોઈ માહિતી આપશો ? આપના સેવાકાર્યની ચર્ચા મોટા મોટા શહેરોમાં થઈ રહી છે. હું પણ તમને મળવા ઉત્સુક હતો."

ગોપાળદાસે વિનમ્રતાથી એટલું જ કહ્યું, "મારૂ જીવન ઈ જ મારી વાણી. . . . . . . "

સત્યચરિત્રથી પ્રેરિત.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational