Harish Thanki

Inspirational

4.7  

Harish Thanki

Inspirational

મોસમ વરસી

મોસમ વરસી

2 mins
226


મોસમ અને આકાશ સવાર-સવારમાં ગરમ-ગરમ ભજીયાં સાથે ચાનો સ્વાદ માણી રહ્યાં હતાં. બહાર વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો, જેમ બંને જણાનો પ્રેમ એકબીજા માટે !

મોસમે બહાર બાલ્કનીમાં આવી અચાનક જોયું તો સામેના બંગલાની દિવાલની પાસે એક નાનકડા ઝાડ નીચે એક સ્ત્રી અને એક નાનકડી બાળકી થર-થર ધ્રુજતાં ઉભાં હતાં. અંત્યત લાગણીશીલ સ્વભાવની મોસમને આ જોઈને ખૂબ લાગી આવ્યું. અંદર આવીને તરત આકાશને કહ્યું,

"આકાશ, પેલી ઠંડીમાં ધ્રુજતી સ્ત્રી અને નાની બાળકીની આપણે મદદ કરવી જોઈએ !"

આજ્ઞાકારી આકાશ થોડીવારમાં તો બહાર જવાનાં કપડાં પહેરીને આવી પણ ગયો. મોસમની લાગણીસભર માગણીઓની ક્યારે પણ અવહેલના ન કરનાર આકાશને મોસમ વહાલ ભરી નજરે જોઈ રહી. તરત જ આકાશ નીચે જઈને પેલી સ્ત્રી અને બાળકીને પોતાની સાથે લઈને આવ્યો તે સંયોગ વશ મા-દીકરી હતાં. તરત જ મોસમે એના રહેવાની વ્યવસ્થા કરી અને પછી કારણ જાણવાની કોશિશ કરી.

પેલી સ્ત્રીના જણાવવા મુજબ રાત્રે મુશળધાર વરસાદ પડવાથી તેમની ઝુંપડી પડી ગઈ. ત્યાં રહેવા લાયક સગવડ ન હોવાથી છોકરીનો બાપ એ ઝુંપડી ફરીથી ઉભી કરવાની વ્યવસ્થામાં લાગી ગયો છે. એટલે આ મા-દીકરી પેલા ઝાડની ઓથે આવીને ઉભી રહી હતી.

આમ એ લોકોને મોસમ સાથે બે દિવસ રહેવાનું થયું એ દરમિયાન આ કહ્યાગરી છોકરી મોસમના મનમાં વસી ગઈ અને મોસમના મનમાં એક પ્રેમભરી લાલચ ઊભી કરી ગઈ. પોતાને કોઈ બાળક ન હોવાથી એણે આ છોકરીને ગોદ લેવાનો વિચાર આવ્યો.

મોસમે પોતાનો એ વિચાર જ્યારે પેલી સ્ત્રી પાસે રજૂ કર્યો ત્યારે એ તો રડવા જ માંડી. અને વાત પણ એટલી જ સાચી છે કે કોઈ પોતાના કાળજાના કટકાને આમ કઈ રીતે આપી શકે ? આકાશે પણ મોસમને ટપારી કે તેણે આમ સીધે સીધો પ્રશ્ન નહોતો કરવો જોઈતો. મોસમને પોતાની ભૂલનો અહેસાસ થયો પરંતુ છોકરી હૃદયથી અલગ થતી નહોતી.

છેવટે એના બાપને પણ બોલાવવામાં આવ્યો અને બધાંએ મળીને કોઈને પણ મન મારવું ન પડે એવો સરસ ઉકેલ લાવવામાં સફળતા મેળવી. એટલે હવે એ છોકરીનો ભણવા ગણવાનો બધો જ ખર્ચ મોસમ અને આકાશે ઉપાડવાનો. બાકી જેટલા દિવસ એનું મન થાય ત્યારે એના મા-બાપ જોડે રહેવાનું અને બાકીના દિવસોમાં મોસમ અને આકાશ જોડે પણ રહી શકે, એ પણ કોઇપણ જાતના બંધન વગર.

આ લોકોની આવી સુંદર ભાવના જોઇને એ ગરીબ દંપતિ ગદગદિત થઈ ગયું. અને વિચારતાં રહી ગયા કે એક મોસમ એની ઝૂંપડી પર અનરાધાર વરસી ગઈ અને બીજી મોસમ એમના હૃદયને સ્પર્શી ગઈ.


Rate this content
Log in

More gujarati story from Harish Thanki

Similar gujarati story from Inspirational