Leena Vachhrajani

Drama Inspirational Thriller

4  

Leena Vachhrajani

Drama Inspirational Thriller

ના

ના

3 mins
40


રોજ પગ તળે આવી ગયેલી જમીન અને રોજનો રસ્તો. કદમને તકલીફ જ ન પડે. એમ જ બહુ સરળતાથી એ રેકોર્ડિંગ સ્ટુડિયોથી ઘર સુધી પહોંચી ગયો. રોજની જેમ જ ખભે લટકાવેલી કોલેજબેગમાંથી ચાવી કાઢીને તાળું ખોલીને આરામથી ઘરમાં દાખલ થયો. 

વર્ષોથી વગર આંખે જીવવા ટેવાયેલા કદમને કાંઈ અઘરું નહોતું લાગતું. રસોડામાં જઈને ગેસ ચાલુ કરીને ચા ની તપેલી મૂકી. ફ્રિજમાંથી દૂધ આદુ ફુદીનો કાઢીને ચા બનાવીને પ્લેટફોર્મની બાજુમાં આવેલા કબાટમાંથી બિસ્કિટનો ડબ્બો કાઢ્યો. એની નીચેના ખાનામાં ડીશ હતી એમાં બિસ્કિટ કાઢ્યાં. ચા ની તપેલીની વરાળના અંદાજે કપમાં ચા ગાળી અને ફરી ડ્રોઈંગ કમ ડાઈનિંગ રુમમાં આવીને નાનકડા ડાઈનિંગ ટેબલ પર બેસીને ચા ને સુંઘી.“આહાહા! ચા મસ્ત બની છે.”પછી બિસ્કિટ મોંમાં મૂકીને ચા નો ઘુંટ ભર્યો. “લ્યો આમાં શું અઘરું છે !” અને એને છેલ્લા કેટલાય દિવસથી પોતાની સાથે સંપર્ક વધારી રહેલી કવિ યાદ આવી. 

તે દિવસે પણ એક ગીતનું રેકોર્ડિંગ હતું. જન્મજાત દ્રષ્ટિહીન કદમને કુદરતે સૂરીલું ગળું બક્ષીને એની અપંગતાનું સાટું વાળી દીધું હતું. એનો કંઠ એની આજીવિકા અને પ્રસિધ્ધિ બંને લાવ્યો હતો. એવા જ એક રેકોર્ડિંગમાં કવિની મુલાકાત થઈ હતી. એને ઈશ્વરે સંપૂર્ણ બનાવી હતી એ પછી ખબર પડી. 

ધીરે ધીરે ઔપચારિક વાતચીત લાગણીની આપ-લે માં ફેરવાતી ગઈ. કવિ હંમેશાં કદમ માટે તત્પર રહેતી. એની દરેક બાબતમાં જાણે મદદ કરવા દોડી આવતી. કદમને પણ જાણે કવિની આદત પડવા માંડી હતી. સવારના ગુડ મોર્નિંગના મેસેજથી લઈને ગુડ નાઈટ સુધી જાણે બંને એકબીજાને જ ઈચ્છવા લાગ્યાં હતાં. પણ આજે સ્ટુડિયોમાં જે બન્યું એણે કદમને સપનાની દુનિયામાંથી ધરતી પર જાણે લાવી દીધો. 

રેકોર્ડિંગ પહેલાંનું રિહર્સલ ચાલતું હતું. કવિ બાજુમાં જ હતી અને કદમના માઈકને સેટ કરી રહી હતી. એણે સેટ કરેલું માઈક કદમના હાથમા આપવા લંબાવ્યું. પણ કદમનો અંદાજ પહેલી વાર ખોટો પડ્યો અને માઈક નીચે પડ્યું. 

મોનિટર પર બેઠેલા વાસુદેવ બોલી પડ્યા કે,“એટલે જ ટેવ ન પડાય. આપણી ખામી સામેવાળો ઓશિયાળાપણાની ભાવના સાથે સ્વિકારે એના કરતાં એકલા જ ઝઝૂમવાની ટેવ હોય તો કોઈની સાડાબારી ન રહે.”

અને કદમના મનમાં ટીસ ઊઠી. ચા પીતાં પીતાં કદમના મનમાં વંટોળ ઊઠ્યો. “કવિ મને લાચાર મજબૂર સમજીને જ મારા પર દયા વરસાવે છે. એ મને કેમ દેખાયું નહીં ? ઓહો ! દેખાવાની જ બધી બબાલ છે ને ! ક્યાંથી દેખાય ?”

અને અંતે મને વિદ્રોહ પોકાર્યો. મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ ટાઈપ કર્યો. “કવિ,તું મને મળી. તારી મદદને હું લાગણી સમજી બેઠો. તારા મારા ઓશિયાળાપણા પ્રત્યેના કૂણાં વલણને હું પ્રેમ સમજી બેઠો. પણ આજે મને સમજાયું કે અપૂર્ણતાને સંપૂર્ણતા માત્ર દયા તરીકે અને ઉપકારની ભાવનાથી જ સ્વિકારે છે. આજથી આપણો સંબંધ હું માત્ર ઔપચારિક નિભાવું તો માઠું ન લગાડતી. વગર વાંકે કોઈને પણ ના પાડવાનો તમને પણ કોઈ અધિકાર નથી.”

અને બે જ કલાકમાં કવિ કદમના ઘરમાં હતી. કદમની સામે બેસીને કવિ વરસતી રહી. “તું સમજે છે શું ? કોઈએ વિચાર્યા વગર કોમેન્ટ કરી અને તેં વિચાર્યા વગર નિર્ણય લીધો ? આવા પળભરના મનના ઉભરા પર વિચાર તો કરવો હતો ? મારું કયું વર્તન તને અયોગ્ય લાગ્યું ? સોરી પણ દિવ્યાંગ હોવાનો એ મતલબ નથી કે તમને જ બધા ફેંસલા કરવાનો હક છે. મેં પ્રેમ કર્યો છે એ સાબિત નહીં કરું. તમને સિક્સ્થ સેન્સ પાવરફુલ આપી છે. તને સુગંધ સમજાય તો કાલે રીંગ સેરિમની માટે રિંગ લેવા સાથે જઈશું. રાહ જોઈશ પણ દયાની ભીખ નહીં માંગું. તને લાગણી ન સમજાઈ એ તારો પ્રોબ્લેમ છે. હું કરગરીને તારી પાસે મારા સાચા પ્રેમને પામર નહીં બનાવું.” કદમ સ્તબ્ધ હતો. 

બીજે દિવસે સ્ટુડિયોમાં જ વાસુદેવ સરની સમક્ષ કદમ અને કવિએ એકબીજાને રિંગ પહેરાવી. ત્યાં હાજર દરેકે અભિનંદન આપ્યાં. કદમે નાનકડી સ્પિચ આપી. “સહુનો દિલથી આભારી છું. એક વાત કહેવી છે કે મારા જેવા દરેક સમાજની સહાનુભૂતિ પામી પામીને એવી કટ્ટર માનસિકતા ધરાવતા થઈ ગયા હોય કે અમને બધો હક. સામાન્ય માનવ ખોટો જ હોય એવો પૂર્વગ્રહ પાળીને અમે બેઠા હોઈએ. પણ વાસુદેવ સરની એક વાતે કદાચ જિંદગીભર જે ગેરસમજણના પાતળી દીવાલ મારા અને કવિ વચ્ચે રહેત એ ધરાશાયી કરવામાં મદદ કરી છે.” 

અને એ દિવસે પણ કવિના હાથમાંથી માઈક લેતાં કદમને સહેજ અંદાજફેર થવાથી માઈક નીચે પડ્યું. કદમે હળવા સ્મિત સાથે કહ્યું,“એય કવિ આજથી તું મારી દ્રષ્ટિ છો. માઈક તો ઠીક મને પણ નીચે પડતાં રોકવાનો તને સંપૂર્ણ હક છે.”


Rate this content
Log in

Similar gujarati story from Drama