Leena Vachhrajani

Comedy Fantasy Inspirational

4  

Leena Vachhrajani

Comedy Fantasy Inspirational

પોલિસ ફરિયાદ

પોલિસ ફરિયાદ

2 mins
316


આજ રવિને બહુ ગુસ્સો આવ્યો હતો. 

“માનવજાતને બુધ્ધિશાળી બનાવી એમાં તો એણે કેટલીય બિનજરુરી શોધ કરી નાખી. હા, વીજળી, ટેલિફોન, દવાઓ જેવી પાયાની સગવડની શોધ ચોક્કસ આવકાર્ય. પણ આ મારા જેવા હોમ કેરટેકર રોબો બનાવવાની ક્યાં જરુર પડી ? બસ કોઈને હવે હાથ પગ નથી ચલાવવાં. પગ પર પગ ચડાવીને ઓર્ડર કરવા છે. પૈસાના ખેલ છે બધા.”

કેરટેકર રોબો રવિ બે મહિનાથી શેઠ કરમચંદને ત્યાં ગોઠવાયો હતો. લીલા શેઠાણીને તે દિવસથી મોજ આવી ગઈ હતી. બધી જ સગવડતાઓથી ઉભરાતા ઘરમાં હવે રવિ ઉમેરાયો. એનું કામ સફાઈ કરવાનું અને જરુર પડે મહારાજ કે ડ્રાઈવરને મદદ કરવાનું.

પણ પછી તો કોઈ એને નવરા જ ન પડવા દે. સવારે પ્રમાણિકતાથી બે કલાકે ઘરને ચોખ્ખુંચણક કરે ત્યાં મહારાજ રસોડામાં લઈ જાય. એના હાથમાં વાસણ પકડાવી દે. પોતાને વારંવાર મસાલા લેવા ન જવું પડે અટલે મસાલિયું પકડાવીને ઉભા મોડ પર મુકી દે. રસોઈ થાય ત્યાં સુધી રવિ ધુમાડો ખાય. પછી ડ્રાઈવરનો વારો. રવિને બરામદામાં પડેલી ચાર ગાડીની સફાઈમાં જોતરી દે. એના હાથમાં વાઈપર પકડાવી દે, પાણીનો પાઈપ એના ખભે ભરાવી દે. અને આરામથી કલાક ગાડી સાફ કરે. 

બપોરે રુમના ખૂણામાં પોઝ મોડ પર મુકી દેવામાં આવે. સાંજે વળી ચા નાસ્તા ચાલે ત્યારે રવિને ઓર્ડર આપવામાં આવે. સેટિંગ બદલવામાં આવે.  રવિ રોજ રાત પડે નિ:સાસો નાખે. 

“કેમ તે અમને રોબોમાનવને થાક કે કંટાળો ન હોય એવું બધાએ માની જ લેવાનું ! જે તે કામ કરાવ્યા કરે તે અમનેય ગમા અણગમા હોય નહીં ?” 

એક સાંજે શેઠનો પરિવાર બહાર ગયો હતો ત્યારે રવિને આરામ લાગતો હતો. એ મ્યુટ મોડ પર ઉભા ઉભા રુમમાં આમતેમ નજર દોડાવતો હતો ત્યાં સામે ઝીણી નાની એલેક્સા બેઠી હતી એના પર નજર પડી. 

“એલેક્સા કેમ છો ?”

“આઈ એમ ગુડ.”

“અરે ! માણસને જવાબ આપે છે એવા ઔપચારિક જવાબ મને આપવાની જરુર નથી.”

“હા બ્રધર. હું ઠીક છું. આ મોટાં અને બાળકો મચડ મચડ કરે. હજી તો એક સવાલનો જવાબ શરુ કરું ત્યાં બીજો. મન થાય ત્યારે એલેક્સા આ કર, એલેક્સા તે કર. અને મન થાય ત્યારે એલેક્સા સ્ટોપ. આપણેય મન જેવું હોય એ તો કોઈ સમજે જ નહીં. કોઈ શ્વાસ લેવા નથી દેતું. બિનજરુરી ફાલતુ સવાલ કર્યા કરે. કોઈ સારું સંગીત કહે તો ગમેય ખરું પણ એવું ભાગ્યે જ થાય. વિદેશમાં આપણા બંનેને સદુપયોગ થાય છે પણ આ દેશમાં દુરુપયોગ જ થાય છે. લોકો રમતનાં સાધન સમજે છે.”

એ સાંજે બે સમદુ:ખિયા અરસપરસ હળવા થતા રહ્યા. છેલ્લે બંનેએ મસલત કરી. એક મહત્વનો નિર્ણય કર્યો. એલેક્સાએ રોબોની સલાહ પ્રમાણે સેટિંગ બદલી નાખ્યું.

બીજે દિવસે સવારે કરમચંદ પરિવાર જાગ્યો ત્યારે હો હા થઈ ગઈ. પોલિસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું,

“રવિ અને એલેક્સા ભાગી ગયાં.”


Rate this content
Log in

Similar gujarati story from Comedy