Kantilal Hemani

Drama Others

4.5  

Kantilal Hemani

Drama Others

નસ

નસ

5 mins
23.2K



ગાડીમાં વાગતાં મધુર સંગીતની વચ્ચે પીન્ટુએ બૂમ પાડી, “ પપ્પા મને અહીં ગળા પાસે દુ:ખે છે. ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેઠેલા ડો. પ્રશાંત ભીમાણીને પીન્ટુના અવાજ પરથી ખ્યાલ આવ્યો કે દર્દ વધારે છે. ડો.ભીમાણી અમદાવાદની એક નામાંકિત હોસ્પીટલમાં દર્દીઓનાં દર્દ ઓછું કરવાનું કામ કરતાં હતાંં. આજે એમના પરિવાર સાથે ઉત્તર ગુજરાતના એક ગામડામાં રહેતાં મિત્રને મળવા માટે તેઓ જઈ રહ્યા હતાંં.

ડો ભીમાણી સુરેન્દ્રનગર જેવા નાના શહેરમાં ઉછરીને અમદાવાદ જેવા મેગા સિટીની હોસ્પિટલ સાથે જોડાયેલા હોવાથી દર મહિને જ્યારે પણ સમય મળતો ત્યારે ત્રણસો –ચારસો કિમીની મુસાફરી કરી લેતાં, એ પણ જો ગામડામાં જવાનું હોય તો એમને બહુ ગમે. એમની યુવાન પત્ની કાર ડ્રાઈવ કરી રહી હતી, એટલે ડોક્ટર ગીત સાંભળતાં –સાંભળતાં પોતાંનો મોબાઈલ મચેડી રહ્યા હતાંં, એ સમયે એમના એકનો એક સાત વર્ષીય પુત્ર પીન્ટુએ ગળાની બાજુના ભાગમાં દુખાવાની વાત કરી.

આછા ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પહેરીને કાર ડ્રાઈવ કરતી નીતિએ પ્રશાંતના હુકમની રાહ જોયા વગર ગાડીને બ્રેક મારીને રોડની સાઈડમાં ઉભી રાખી. બ્રેક એવી જગ્યા એ મારી હતી રોડની બાજુમાં ઉભેલાં વૃક્ષોનો છાંયો એમની રંગીન ગાડી પર પડતો હતો. ગાડી ઉભી રહી એ સાથે જ ડો.ભીમાણીએ ડેકીમાંથી એમની અંગત નાની બ્રીફ્કેસ બહાર કાઢી અને કારની પાછળની સીટ પર બેઠક લીધી. સૌ પ્રથમ પીન્ટુને ધીરજ આપીને એને જ્યાં દુખતું હતું એ જગ્યાએ હાથ ફેરવ્યો. પીન્ટુ પાછળની સીટ પર એકલો બેઠો હતો અને એણે અચાનક બારી બાજુ અથવા પાછળની સાઈડ જોયું હશે, જેના લીધે એની એક નસ બીજી નસ પર ચડી ગઈ હશે એ અંદાજ પર ડોક્ટર આવ્યા.

એક બીજામાં ભળેલા જીવ ગાડીની પાછળની એક જ સીટમાં હતાંં. દર્દ પિન્ટુને હતું પણ નીતિ અને પ્રશાંત પણ એટલાજ દુ:ખી હતાં. પ્રશાંત જેવા અનુભવી ડોક્ટર આગળ દર્દનું કઈ ચાલ્યું નહિ.,એની બ્રીફ્કેસમાં તાત્કાલિક સારવાર માટેની કેટલીક દવાઓ તો પડી જ હોય, એમાંની એક ટ્યુબ કામ આવી ગઈ. થોડીવારની માલીશ પછી પીન્ટુ ને આરામ થઇ ગયો.   

ઓછું બોલતી નીતિ પાછી એને ગમતી ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ ગઈ અને ગાડીની સ્પીડ વધતી ગઈ આજે પ્રશાંતનું મગજ પણ વિચારોની બાબતમાં ગાડીની સ્પીડની બરાબરી કરવાની કોશિશ કરતું હતું.

પીન્ટુની નસ સારી થઈ ગઈ પણ ડો.પ્રશાંત ભીમાણીની નસ ખેંચાઈ ગઈ હતી. આજથી દસ વર્ષ પહેલા બનેલો એક બનાવ એમની નજર સામે તરી આવ્યો. ત્યારે પ્રશાંત હજી પુરા ડોક્ટર થયા ન હતાંં, પણ કોલેજના ત્રીજા વર્ષમાં હતાંં. કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી હોસ્પિટલમાં પ્રોફેસર મજમુદાર સાથે એમને જવાનું હતું. મજમુદાર ખુબ શાંત અને અનુભવી પ્રોફેસર હતાંં, એમના હાથ નીચે તાલીમ લેવા વાળા ગુજરાત તો શું પણ આખા વિશ્વમાં ક્યાંય પાછા ન પડે.!!

નિયત સમયે ભીમાણી અને એમની ટીમ દર્દીઓની સારવાર સાથે શીખવા માટે પહોચી ગઈ. દર્દીને ગ્લુકોઝનો બાટલો ચડાવવા માટે નસ માં પંક્ચર પાડવું જરૂરી હતું, આ કામની જવાબદારી ભીમાણીના માથે આવી. નસને પંક્ચર પાડવામાં બીજીવાર ભીમાણી નિષ્ફળ રહ્યા એટલે મજમુદાર સાહેબનો પિત્તો ગયો અને આખી હોસ્પિટલ એમના ગુસ્સાથી ધણધણી ઉઠી,ભીમાણી તારા મગજ માં લોહી પહોચાડનારી નસ છે કે નહિ ? આ વાક્ય મજમુદાર સાહેબ એટલા જોરથી બોલ્યા કે બાકીના ટ્રેઈની ડોકટરો ડરના માર્યા સુનમુન ઉભા રહી ગયા.

મજમુદાર સાહેબે દાકતરી સાધનો પોતાના હાથમાં લઈને એ દર્દીની સારવાર જાતે કરી, ભીમાણી આ અપમાન પછી એટલા ડરી ગયાને કે ત્રણ દિવસ સુધી કોઈને પોતાંનું મોઢું બતાવ્યું ન હતું.

નીતિ બોલી ‘શું વિચારમાં પડી ગયા,’ પીન્ટુ ને કઈ વધારે તકલીફ તો નથી ને ? પાછળ નજર કરી તો પીન્ટુ આરામથી સૂઈ ગયો હતો. પીન્ટુ ની ઊંઘ પૂરી થાય એના પહેલાં તો ગાડી ડોકટરના નાનપણના મિત્ર હરસિદ્ધના ખેતરે જઈને ઉભી રહી.

છેલ્લા ચાર મહિનામાં અહીં બીજીવાર આવવાનું થયું હતું એટલે નીતિ રસ્તો જાણતી હતી અને હરસિદ્ધ નાં ઘરનાં બધાં પ્રશાંત સાથે નીતિ અને પીન્ટુ ને પણ ઓળખતાંં હતાં.આ ખેતરનું આંબાવાડિયું ડોક્ટર પરિવારને ખુબ ગમતું. મજાનું શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ,ખેતરમાં સતત ચાલતાં ફુવારાઓના લીધે ભર ઉનાળે આખા ખેતરને “સેન્ટ્રલી એસી” કરી દીધું હોય ને એવું લાગે.

સાંજનો સાડા આઠ વાગ્યા આસપાસનો સમય હતો અને બંને પરિવાર ખુલામાં ખાટલા નાખીને વાતો કરવામાં મશગુલ હતાં એવા સમયે હરસિદ્ધનો પાડોશી કેશવ એમની પાસે આવ્યો. કેશવ આવ્યો એટલે હરસિદ્ધ ઉભો થઈને એની પાસે ગયો, બંને પાડોશી થોડા દુર જઈને ધીમા અવાજે વાતો કરવા લાગ્યા.એમી ગુસપુસમાં પ્રશાંતને કઈ સમજણ પડી નહી પણ એટલી વાત સમજમાં આવી કે હરસિદ્ધ વારે –વારે એમ કહેતો હતો કે “ એવું મારાથી ન કહેવાય આતો બહુ મોટો ડોક્ટર છે.”

ડોક્ટર શબ્દ સાંભળતાંં જ નીતિનું ધ્યાન પણ એમની વાતો તરફ ગયું. નીતિ બોલી “ અહીં આવો બોલો શું કહેવું છે.” ખાટલાથી બની જણ નજીક આવ્યા અને હરસિદ્ધ કહે ‘આ પાડોશી કેશવ છે, એ થોડો મુશ્કેલીમાં આવી ગયો છે’. પ્રશાંત એવા વિચાર કરવા લાગ્યો કે કદાચ એ ગાડી લઈને આવ્યો છે એટલે કદાચ ક્યાંક જાવું હશે.!! ગાડીની જરૂર પડી હશે એટલે વિચારતાં હશે કે મહેમાનની પાસે ગાડી કેવી રીતે માંગવી.

હરસિદ્ધ એની વાત આગળ ચલાવતાંં બોલ્યો કે પાડોશી કેશવ પાસે એક જ ભેંસ છે અને હાલમાં એ બીમાર પડી ગઈ છે. ભેંસને સારવાર આપવા માટે એક સાથે બે પશુ ડોક્ટર આવી ગયા છે, એ બંને નો પનો ટૂંકો એ વાતમાં પડે છે કે એમને એક બોટલ દવાની ચડાવવી છે પણ એ લોકો નસમાં પંક્ચર પાડી શકતાં નથી. યોગ્ય નસ પકડી શકાતી ન હોવાથી એ લોકો નિરાશ થઈને બેઠા છે.

આટલી વાત સાંભળતાંની સાથે જ ડો. પ્રશાંત ભીમાણી નાઈટ ડ્રેસમાં જ ચાલતાં થયા. આગળ કેશવ અને પાછળ હરસિદ્ધ. ચાલતાંં-ચાલતાંં કેશવ બોલતો હતો કે મેં કહ્યું કે મે’માન આવ્યા છે એ માણસોના ડોક્ટર છે પણ શું કરું સાહેબ જો આજે મારી ભેંસને સારવાર ન મળે તો હું તો સાવ નરધન થઇ જાઉં. મારી પાસે તો આટલી જ મૂડી છે. પ્રશાંત વિચારતો હતો કે આજે તો તારી મૂડીની સાથે મારી મૂડીનો પણ સવાલ છે.

આટલી વાતો કેશવની પૂરી થઇ એટલી વારમાં તો એ લોકો ભેંસની પાસે આવી ગયા હતાંં. કેશવનું ખેતર ફક્ત સો મીટર જેટલુજ દૂર હતું. આ સોમીત્રમાં તો પ્રશાંતને સો વાતો યાદ આવી ગઈ હતી. ભેંસને મજબૂત રીતે બાંધેલી હતી અને બંને પશુ ડોકટરો બાજુના ખાટલા પર એમના સારવારનાં સાધનો લઈને બેઠા હતાંં.

બંને પશુ ડોકટરો વિચારમાં પડી ગયા કે શહેરની પ્રખ્યાત માણસોની હોસ્પિટલનાં ડોક્ટરનું અભિવાદન પણ કઈ રીતે કરવું ? એ લોકો કઈ પણ બોલે એના પહેલાં તો પ્રશાંત બોલ્યો : કઈ જગ્યાએ નસ શોધવી છે ? નળી સાથેનો બાટલો પકડીને ઉભેલા પશુ ડોક્ટર બોલ્યા સર કાનની કોઈ પણ સારી નસ પકડીને એમાં એક સોય ફીટ કરી આપો એટલે આપનો ખુબ-ખુબ આભાર.

પ્રશાંતે સીફતતાથી નસમાં પંક્ચર પાડી આપ્યું. થોડીવારમાં ભેંસનો બાટલો ચાલુ થઈ ગયો અને આ બાજુ કેશવનું હૃદય પણ લય બધ ધબકવા લાગ્યું. હવે ડો. પ્રશાંત ભીમાણીને એમ થયું કે આજ રાતનું દ્રશ્ય જો મજમુદારે જોયું હોત તો એ પણ બોલ્યા હોત ...શાબાશ !


Rate this content
Log in

Similar gujarati story from Drama