Mehul Padia

Others

0.0  

Mehul Padia

Others

નવું સરનામું

નવું સરનામું

2 mins
6.8K


"બસ બહું થયું, હવે આપણે આ શહેરમાં નથી રહેવું. આપણે કાલે સવારે જ આ શહેર છોડીને આપણાં વતન પાછા ફરશું." ઘેરા વિષાદમાં જૂથના મુખીના મોંમાંથી શબ્દો સારી પડ્યા. ગમગીની, ઉદાસી અને શોકમાં બેસેલા બધાં વચ્ચે અંદરોઅંદર વાતો થવા માંડી પણ કોઈનો સ્પષ્ટ અવાજ સંભળાતો ન હતો. એટલામાંજ એક જોશીલો નવ યુવાન બોલ્યો, "આપણે શું કામ આ શહેર છોડવું જોઈએ મુખી? તમે તમારો જુવાન દિકરો ખોયો છે અને મેં મારો જીગરી દોસ્ત, તમે હુકમ કરો બસ અમે માણસોનું જીવવું મુશ્કેલ કરી દે'શું શહેરમાં એમનાં ઘરમાં ઘૂસી બધું વેરણ છેરણ કરી નાખશું. જો આપણે ઓછા પડતાં હોય તો બીજા ઘણાં જૂથ આપણી પડખે ઊભા છે. તમે હુકમ કરો....." 

બીજા બધાં યુવાનો પણ જોશમાં આવી ગયા અને એકી સાથે બોલવા માંડ્યા, "હા, હા તમે હુકમ કરો પછી જુઓ..."

મુખીના ગળે ડૂમો બાઝી ગયો હતો જુવાન જોધ દીકરો ગુમાવ્યાના દુ:ખમાં હોવા છતાં સમજાવવાની કોશીશ કરતાં બોલ્યા, "ના બેટા, આપણાંથી એવું ના કરાય, આપણે તો શાંતીનાં દૂત કહેવાઈએ. આપણાંથી માણસો જેવું ન થવાય. એટલામાં જ ટોળામાંથી એક અવાજ આવ્યો. "આપણે દાણાપાણી માટે પણ કેટલું ભટકવું પડે છે માણસાઈ જાણે મરી પરવારી છે લોકોમાં.." મુખી બોલ્યા "હા જાણું છું. પણ આપણે ભૂલવું ન જોઈએ કે થોડા ઘણાં અંશે એ જ લોકો આપણાં અન્નદાતા પણ છે." આખરે મકરસંક્રાંતિના મા થયેલા દીકરાની મોતની શોક સભામાંના આગેવાનો  સાથે વિચાર વીમર્શ પછી નીર્ણય લેવામાં આવ્યો કે  "આ રીતે કપાઈ મરવા કરતાં કુદરતે આપેલુ મોત વઘું સારું છે, આપણે કાલે સવારે જ અહીંથી આપણાં વતન જવા નીકળી જઈશું. જે ને ઈચ્છા ન હોય તે આ જૂથ છોડીને જઈ શકે છે." જૂથ છુટી જવાનાં ડરથી ઘણાંની ઈચ્છા ન હોવા છતાં પણ હુકમ સ્વીકારી લીધો, અને ઘણાં સૂરમાં સૂર પુરાવતા બોલી ઉઠ્યાં, "હા.. હા હવે આપણે અહીં નથી રહેવું.."

બીજા દિવસે  વહેલી સવારે કાફલો ઉપડી ગયો વતન તરફ જવા. ૫-૬ કલાકની મુસાફરી પછી પહોંચી તો ગયા પણ હવે પહેલાં જેવું કશુંજ ન હતું. એ આંબો, લીમડો, પીપળો, વડલો કશુંજ નહીં. વૃક્ષોના જંગલને બદલે આખું સીમેંટનું જંગલ બની ગયું હતું. બધેજ પાકા મકાનો હતાં. લાંબી મુસાફરી પછી જૂથના બધાજ થાકી ગયાં હતાં. સૂરજ દાદા પણ એમની ચરમસીમાએ મધ્યાહ્ને તપતા હતાં. આખરે બઘા એક મકાનના ફળિયામાં થાક ખાવા બેઠા બઘાનાં મનમાં એક જ સવાલ હતો, હવે ક્યાં જશું? અમુક યુવાનો તો આજુ બાજુનો વિસ્તાર પણ ખુંદી વળ્યા પણ એકેય ઝાડ ન દેખાયું. થાક, તડકો, અને ભૂખને કારણે બધાજ ચૂપચાપ બેઠા હતા. કોઈનામાં બોલવાની હામ નહોતી રહી, પણ એ કબૂતરના જૂથમાંથી આખરે એક નાનકડું બચ્ચું ચૂપકીદી તોડતાં એની માને બહુ વેધક સવાલ પૂછી બેઠુ, "હવે ક્યાં જશું?" અને એની મા એના બચ્ચા સમજાવતાં બોલી, "બેટા, ચિંતા નહીં કર માણસ જાત એટલી ક્રુર ન હોઈ શકે, આપણને નવું સરનામું બહું જલ્દી મળી જશે." 


Rate this content
Log in