Mittal Chudgar Nanavati

Inspirational

3  

Mittal Chudgar Nanavati

Inspirational

પાપી પેટનો સવાલ છે કે પાપી મન ?

પાપી પેટનો સવાલ છે કે પાપી મન ?

6 mins
256


બોલ મદારી કિસકે લિયે યૈ બેહરુપીયે કાં હાલ હૈં, પાપી પેટ કાં સવાલ હૈં...પાપી પેટ કાં સવાલ હૈં...

આપણે હંમેશા સાંભળીયે કે કહીયે છીએ કે પાપી પેટ માટે બધું કરવું પડે છે પરંતુ એમાં કેટલું તથ્ય છે ?

ગરીબો[બીપીએલ-બિલૉ પોવર્ટી લાઈન] નીચે જીવતા લોકોને બાદ કરતા આજે વિશ્વનો બહુ બહોળો માનવ વર્ગ જેમાં મારો અને તમારો સમાવેશ થાય છે એ લોકો પાપી પેટ નહીં મનની તૃષ્ણાઓ અને વાસનાઓ માટે બધું કરે છે. એટલેજ, પાપી પેટ નથી પાપી તો મનનાં વિષયો છે. પેટને માત્ર બે ટંક ખાવાનું જોઈએ અને જયારે કકડતી ભૂખ લાગે ત્યારે સ્વાદેન્દ્રિયોનું કોઈ મહત્વ નથી હોતું માત્ર ભૂખ સંતોષવા માટેના ખોરાકનું હોય છે. પરંતુ આજકાલ ભૂખ લાગે એ પહેલાજ આપણે પેટમાં શું દબાવીશું એના વિચાર કરવાં મંડીએ છીએ. ભૂખ મુખ્ય નથી હોતી 'પ્લેઝર' મહત્વનું હોય છે. વાત જયારે સ્વાદેન્દ્રિયોની અને મનની લાલસાની આવે ત્યારે માણસે બધીજ સીમાઓ વટાવી દીધી છે અને એટલેજ વિશ્વ એક બજાર બની રહ્યું છે અને પૃથ્વીનું વાતાવરણ મહાસંકટમાં મૂકાય ગયું છે. ચાઈના અને જર્મનીમાં આવેલા જીવલેણપુર, US અને કેનેડાના જંગલોમાં લાગેલી ભયાનક આગ, ભારતમાં આવેલા ખતરનાક સાયકલોન વગેરે 'ગ્લોબલ વોર્મિંગ' અને 'કલાયમેટ ચેન્જ'ના જ વમળો છે જે આક્રામક રીતે આપણને ચેતી રહ્યાં છે.૨૧૦૦ ની સાલ સુધીમાં સિંગાપોરના સમુદ્રની સપાટી ૧મીટર ઊંચી થવાનાં એંધાણ છે. આ પરિસ્થિતિઓ પર આપણું ધ્યાન તો છે પણ પરવા કોને છે ? પ્રશ્ન એ થાય કે ફૂડ કે ખોરાક કઈ રીતે 'કલાયમેટ ચેન્જ' માટે જવાબદાર હોઈ શકે ? ખોરાક નહીં પરંતુ આપણે કયો અને કેવો ખોરાક ખાઈએ છીએ એ જરૂર ઈમ્પેક્ટ કરે છે.

હાલમાં સ્પેઈનમાં 'મીટ વોર' સર્જાયો હતો જયારે ત્યાંના કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટરે લોકોને કહ્યું કે 'ઈટ લેસ મીટ- સેવ યોર હેલ્થ એન્ડ પ્લાનેટ'. એમનું કહેવું હતું કે મીટનું પ્રમાણ ખોરાકમાં ઓછું કરવું. સ્પેઈનમાં નિયમનકારો વ્યક્તિદીઠ અઠવાડિયે ૫૦૦ગ્રામ મીટ ખાવા કહે છે પરંતુ હકીકતે લોકો ૧કિલો ખાય છે. વિશ્વમાં મીટની ખપતમાં ઘાતાંકીય વધારો થઈ રહ્યો છે[૩૪૦૦ લાખ ટન/વર્ષ].પ્રોસેસ્ડ ડેરી પ્રોડકટ્સ [ચીઝ,પનીર, બટર,બોટલ્ડ મિલ્ક]ની વપરાશ પણ તીવ્ર ઝડપે વધી રહી છે. ભારતે ૨૦૨૦માં ૮૧અબજ લીટર દૂધનું ઉત્પાદન કર્યું. આ આંકડાઓએ મને ખરેખર વિચારતી કરી મૂકી. કુદરતી રીતે શું આ શક્ય છે ? જવાબ છે 'ના'. ગાયો, ભેંસો, ઘેટાઓનો કૃત્રિમ પેદાશ કરી, ઉપયોગ કરી, કતલ કરવામાં આવે છે માત્ર આપણી રાક્ષસી તૃષ્ણાઓ માટે. મીટ અને ડેરી ઈન્ડસ્ટ્રી માંથી થતાં ધુમાડા,એના માટે કપાતા જંગલો અને વપરાતું પુષ્કળ પાણી આ બધુંજ જવાબદાર છે આ પ્રતિકૂળ વાતાવરણ માટે. ૨૬% ગ્લોબલ એમિશન ફૂડ ઈન્ડસ્ટ્રી માંથી આવે છે એમાં પણ ૫૮% પ્રાણીઓના ઉત્પાદનો માંથી આવે છે, એમાં પણ ૫૦% ઉપર બીફ અને લેમ્બ [ગાય અને ઘેટાંના માસ માંથી]. ગ્લોબલ કલાયમેટ એક્સપર્ટસ લોકોને મીટ અને ડેરી વસ્તુઓનો ઉપભોગ 20% ઓછો કરવાં અપીલ કરી રહ્યાં છે. સ્પેઈનમાં સરકાર અને લોકોએ આ મિનિસ્ટરનો ખૂબ વિરોધ કર્યો. એમણે કહ્યું કે પોલિટિક્સ અને ફૂડને જુદા રાખો. ભારતમાં પણ લોકો વિરોધ જ કરશે અને કેમ ન કરે ? સ્પેઈન માંથી દર વર્ષે ૧૦અબજ ડોલર અને ભારત માંથી ૪-અબજ ડોલરનું મીટ એક્સપોર્ટ થાય છે, લાખો લોકો એમાં કામ કરે છે જો મીટ ખાવાનું ઓછું થાય તો એમનું શું થાય ? મનુષ્યએ પોતાના પગ પરજ કુહાડો માર્યો છે, આમાં પોલિટિક્સ કે ધર્મની તો હજી વાત જ નથી. હાં, દલીલ કરવાં માટે ધર્મને લાવવોજ પડે એમાં ના નથી, પરંતુ મને દલીલમાં નહીં નિરાકરણ લાવવામાં રસ છે. આર્ગ્યુમેન્ટ્સ એજ કરે છે જેને એકશનમાં રસ નથી. જયારે પૃથ્વીનું વાતાવરણજ રહેવા લાયક નહીં રહે ત્યારે વિરોધ કરવાં વાળા ટકી શકશે ખરાં ?

-વાત જ્યાં સુધી ખાવાની છે ત્યાં સુધી દરેકે એ વિચારવું જરૂરી છે કે આપણાં જીવનમાં આવેલા ખોરાકના બદલાવ કેવા છે ? ચીઝ, પનીર વિગેરેનો વપરાશ કેટલો વધ્યો છે ? નાના હતાં ત્યારે આપણે આટલાં ચીઝ, પનીર, આઈસક્રીમ, કેક, ચોકલૅટ, નથી ખાધાં તો હવે કેમ રોજેજ ખાવાં લલચાયીએ છીએ ? કારણ છે આકર્ષક જાહેરાતો, ૨૪ કલાક ઉપલબ્ધી અને મૂર્ખ બનાવતી ઓફરો...પણ સમજણ અને સંવેદનાથી વિચારીએ તો ક્યાંક આપણે અબોલ જીવના મરણ માટે પણ જવાબદાર બનીયે છીએ કારણ કે આ બધું બનાવવાં માટેજ ગાયોનું ઉત્પાદન થાય છે [વળી,ઘણી ચીઝમાં પણ એનિમલ ફેટ આવે છે].મને પણ દૂધ અને ચીઝ ભાવે છે છતાંપણ મેં એનો ઉપભોગ અડધાથી ઓછો કર્યો છે. છોકરાઓને પણ આ સમજાવવું આપણું કર્તવ્ય છે એમનાજ ભવિષ્ય માટે...ચીઝી પિઝા અને પાસ્તા ફેન્સી લાગે અને ખીચડી બોરિંગ એવું કેમ ચાલે ? આહાર મહત્વનો છે પણ એ ક્યાંથી આવે છે એ જાણી ધીરે ધીરે એના પર નિયંત્રણ કરવું જરૂરી છે. વિરોધ કોઈનો નથી પણ નિયમન ચોક્કસ કરવુંજ અને કરાવવુંજ રહ્યું...ફ્રેશ અને અન્નપ્રોસેસ્ડ વિકલ્પો શોધી એને પ્રાધાન્ય આપવું  

-નોનવેજ ખાતાં હોઈએ તો મીટનો વપરાશ ઓછો ન કરી શકાય ? થઈ જ શકે. અને વળી જે વેજ કુટુંબમાં જનમ્યાં હોય તે લોકો નોનવેજ તરફ વળે છે ત્યારે માત્ર જો સ્વાદ માટે હોય તો હજી ચેતી જજો વ્હાલાં, કારણ કે ભવિષ્યમાં આ મીટ, ચિકન પર એટલા ટેક્સ લાગશે કે ત્યારે તે પરવડશે નહીં. પ્રોટીન માટે ખાતાં હોવ તો બીજા ઘણા વિકલ્પો છેજ અને એક વાર અંતઃકરણથી વિચારી જોજો કે વેજ માંથી નોનવેજ થવું આત્માએ સરળતાથી સ્વીકારી લીધું છે ? પ્રાણીઓ સ્વાદ માટે એમનો ખોરાક નથી બદલતા,ઘોડો મીટ નથી ખાતો અને સિંહ ઘાસ નથી ખાતો- પણ મનુષ્ય ? એણે તો આ એકજ જીવનમાં બધું જીતી લેવું છે, માણી લેવું છે, પોતાના નહીં બીજાના ભોગે...કહેવાય છે ને 'મનુષ્ય સૌથી ક્રૂર પ્રાણી છે' 

-એ જાણી લીધા પછી કે દૂધ ક્યાંથી આવે છે શિવલિંગ પર કળશો ભરીને નહીં પરંતુ પ્રતિકાત્મકરીતે દૂધ ચડાવજો જી 

-ખોરાકની બાબતમાં જેમ વેજ માટે વેગન અને હિન્દુ માટે જૈન થવું અઘરું છે તેમજ નોનવેજ માટે એને ઓછું કરવું પણ અઘરું છે...અશક્ય નથી.

-આ દુનિયાના બધા ધંધા ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે છે. જો ડિમાન્ડ ઓછી થશે તો સપ્લાય પણ ઓછો જરૂર થશે. આપણને પ્રશ્ન થાય કે વ્યક્તિગત રીતે આમાં કોઈ બહુ મદદ ન થાય કારણ કે વિશાળ સ્તરે ઉત્પાદન થાય છે. વર્લ્ડ લિડર્સ 'મીટ ઈન્ડસ્ટ્રી' અંગેના પગલાં લેશે અને લઈ રહી છે પરંતુ આપણાં યોગદાન અંગે શંકા જાગે તો સ્ટાર ફિશ વાળી વાર્તા યાદ રાખવાની.

એક દાદા દરરોજ દરિયા કિનારે આંટો મારવાં જતા. એક દિવસ સવારે આંટો મારવાં નિકળ્યાં ત્યારે ભારે ભરતીના કારણે અસંખ્ય સ્ટાર ફિશ તણાઈને કાંઠા પર આવેલી જોઈ, અમુક ઓટ સાથે પાછી પાણીમાં ખેંચાતી હતી પરંતુ મોટાભાગની ફિશ કિનારેજ હતી. આગળ ચાલતાં હતા ત્યારે તેમની નજર એક નાના છોકરા પર પડી. એ એક પછી એક સ્ટાર ફિશને પાણીમાં પાછી નાખતો હતો. દાદાને આશ્ચર્ય થયું કે આ છોકરો શું રમત કરી રહ્યો છે એટલે એમણે પૂછ્યું, શું કરે છે દીકરા ? છોકરા એ કહયું કે ફિશને બચાવું છું, જો કાંઠે રહેશે તો મરી જશે. ત્યારે દાદાએ કહ્યું, એ તો અસંખ્ય છે કેટલીને બચાવીશ, શું ફર્ક પડશે ? ત્યારે છોકરા એ એક સ્ટાર ફિશને પાણીમાં નાખતાં જવાબ આપ્યો કે આ એકના જીવનને ફર્ક પડ્યો, મારા માટે એટલું ઘણું છે.

'કલાયમેટ ચેન્જ'.ને અટકાવવાં આપણું યોગદાન આપવાનું હોય કે કોઈ અબોલા જીવને બચાવવાનું હોય, કોઈને મદદ કરવાની હોય કે કોઈ વિકાસના કામમાં સહકાર આપવાનો હોય,જયારે આપણું યોગદાન અલ્પ કે ક્ષુલ્લક લાગે ત્યારે એ યાદ રાખવું કે કોઈ એકના જીવનને આપણાં સત્કર્મથી જરૂર ફર્ક પડશે. 

આપણો ખોરાકજ આપણી શક્તિ છે. આપણાં શરીરનું અસ્તિત્વ એના થકી જ છે. પરંતુ સ્વાદ અને શક્તિ અલગ છે. એક યોગીએ ખૂબ સરસ સમજાવ્યું હતું કે ભૂખ લાગવામાં અને પેટ ખાલી હોવામાં તફાવત છે. ભૂખ લાગે ત્યારે ઊર્જાના અભાવે નબળાઈ લાગે અને પેટ ખાલી હોય ત્યારે એ માત્ર રમ્બલ[અવાજ]કરે. રિસેર્ચ પણ કહે છે કે ખાલી પેટ ઈમ્યુનિટી વધારે છે, રોગો સામે લડે છે. તાત્વિક દ્રષ્ટિએ વિચારીયે કે સાત્વિક, આ વાત તદ્દન સાચી છે 'ફૂડ ઈસ ફોર નેસેસિટી નોટ ફોર પ્લેઝર-સો ઈટ કોન્શીયસલી.' માનવી તેની આદતો અને તૃષ્ણાઓ માટે કોઈનું પણ શોષણ કરતા અચકાતો નથી, મૂક જીવની તો વાત જ ક્યાં. પહેલાં માનવી આહાર મેળવવા માટે ધંધાનું વિચારતો થયો અને હવે આહારનેજ મોટો ધંધો બનાવી દીધો. માનવી માનવતાવિહોણો થયો એટલે હવે પશુઓને હિંસક કહેવાનો હક આપણે ગુમાવી દીધો છે.પશુઓ તો ખરેખર 'પાપી પેટ માટે' હિંસા કરે છે. માનવનું તો મન જ પાપી છે. બસ, એટલુંજ કહી શકાય' હું માનવી માનવ થાઉં તો ઘણું' માત્ર વેપારી ન બની રહું...

ઓન એ લાઈટર નોટ- પેટ ભરવામાં એટલી મહેનત નથી લગતી જેટલી એને ઉતારવામાં...તો યોગ્ય એજ છે કે વિચારીને ભરીયે. 

એક શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે હુંજ સર્વજીવોમાં જઠરાગ્નિ થઈને બધું અન્ન પચાવું છું. આ વૈશ્વાનરને એજ પ્રાર્થના કે મનુષ્ય સભાનપણે અને કૃતજ્ઞતાથી આહાર આરોગે અને એમાંથી મળતી શક્તિ માનવહિત માટે વાપરે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational