purvi patel pk

Romance

4.5  

purvi patel pk

Romance

પ્રાયશ્ચિત

પ્રાયશ્ચિત

6 mins
44


આજે વારંવાર મન ભૂતકાળમાં પહોંચી રહ્યું હતું. અચાનક આમ કેમ થતું હશે ? લગભગ બાવીસ વર્ષ વીતી ગયા પછી એકદમ તેની યાદ આવી. એક મીઠી મૂંઝવણ... એક થડકો, ક્યાંક કોઈ તોફાનનો અંદેશો...વિચારોની હારમાળામાં પરોવાયેલા મનને શાંત કરવાના કે બીજી તરફ વાળવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. વર્ષો પહેલાં જે અનુભવેલું એ જ અનુભૂતિ, એ જ મહેક અને એ જ રીતે હૃદયનું ધડકવું.... તેના આસપાસ હોવાનો અહેસાસ હતો કે માત્ર ભ્રમ ! કશું સમજાતું નહોતું. એક બેચેની હતી, એક કંપન હતું, હૃદયને ફરી એકવાર સમજાવવા માટે મથવું પડશે કે પછી હવે લાગણીઓ પર ઉંમરે કબ્જો જમાવી દીધો હશે ? કંઈ કેટલાંય વિચારો અને કેટલીય પરિકલ્પનાઓમાં ગરકાવ થયેલા દિલ અને દિમાગને કાબૂમાં કરવાની મથામણ કરતો પરિતોષ તેના બેડરૂમના ઝરૂખામાં આવ્યો. રોજ સાંજે ઝરૂખામાં જૂના ફિલ્મી ગીતો કે ગઝલ સાંભળતાં સાંભળતાં ચાની લિજ્જત માણવી તેની આદત બની ગઈ હતી. 

નિશા અને પરિતોષ, સાધન, સંપન્ન અને પ્રેમની બાબતે પણ માલામાલ કહી શકાય તેવું સુખી દંપતિ. માત્ર સંતાન સુખથી વંચિત રહી જવા છતાં બંને એકમેકના પ્રેમના પર્યાય કહી શકાય એવું ખુશ જીવન જીવતાં હતાં. નિશા એક ઘરરખ્ખુ ગૃહિણી. સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી તેની નોકરીનો સમય. છ વાગ્યે તે ઘરે પહોંચી જતો. ફ્રેશ થાય ત્યાં સુધીમાં નિશા ચા લઈ ઝરૂખામાં આવી જતી. નિશા ફૂલછોડની માવજત કરે, પરિતોષ ચા સાથે સંગીત અને નિશાની સંગત માણે. આવા સુખી જીવનના શાંત પાણીમાં આજે ભૂતકાળે કાંકરીચાળો કર્યો.

પહેલેથી જ રંગ-રૂપ ને કદ-કાઠીએ દેખાવડો વીસ વર્ષનો લબરમુછીયો પરિતોષ કોલેજના પહેલાં વર્ષથી જ પ્રખ્યાત હતો. પ્રેક્ષા તેની જ કોલેજમાં ભણતી હતી. મોટાભાગે આવતાં-જતાં બંને અછડતી નજરે એકબીજાને જોઈ લેતાં, તો ક્યારેક સ્મિતની આપ-લે કરી લેતાં. બંનેને એકબીજા વિશે કોઈ ખાસ જાણકારી નહોતી. પ્રેક્ષા શરમાળ અને શાંત હતી. મનોમન એકબીજાને ગમતાં હશે એ વિશે તે બંને અજાણ હતાં. પ્રેક્ષાની આસપાસ હાજરી હોય તો તેને જોયા વિના જ પરિતોષને તરત ખબર પડી જતી.

કોલેજના બીજા વર્ષમાં પ્રેક્ષાના પિતાજીનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું. પ્રેક્ષાએ કોલેજમાંથી ડ્રોપ લીધો. આટલું ખબર પડતાં જ પારિતોષને વાસંતી વાયરો શીતળને બદલે દાહક લાગવા માંડ્યો. મનમાં ઊઠતાં વિચારોને તે અટકાવવા મથી રહ્યો, પરંતુ નિષ્ફળ થયો. તે પોતાના પર જ અકળાયો. તેનો પહેલો પ્યાર અધૂરો રહી ગયો. સમય વીતતો ગયો. પ્રેક્ષા પરણીને બીજા શહેરમાં ચાલી ગઈ. આખરે પરિતોષ સમયસર એકરાર ન કરી શકાયાના અફસોસ સાથે ઉગતી ઉંમરનું આકર્ષણ સમજી પ્રેક્ષાને ભૂલી ગયો. કોલેજ પૂરી થતાં જ સારી નોકરી અને યોગ્ય છોકરી મળી જતાં પરિતોષની જીવનની ગાડી સડસડાટ પાટે ચડી ગઈ. નિશાના નિ:સ્વાર્થ પ્રેમમાં પરિતોષ પ્રેક્ષાને ક્યાંય ભૂલી ગયો. 

વર્ષો પછી આજે ફરી એ જ મહેક, એ જ હૃદયની ધડકનોનું વધુ જોરમાં ધબકવું, પરિતોષને ફરી એકવાર ભૂતકાળમાં લઈ ગયું. ચાનો ઘૂંટ આજે તાજગી નહોતો આપી રહ્યો. સંગીત અચાનક બેસુરું લાગી રહ્યું હતું. એક અજબ અસમંજસમાં તે આસપાસ નજર કરી રહ્યો. આખરે ચા અધૂરી છોડી તે બહાર આંગણામાં ગયો. એ જ સમયે સામેના ઘરનો દરવાજો બંધ થયો. કોણ હશે ? ઘર ઘણાં દિવસોથી બંધ હતું એટલે કુતૂહલવશ બે-ત્રણ આંટા માર્યા. દરવાજો ના ખૂલ્યો. તેવામાં નિશાએ અંદરથી બૂમ પાડતાં તે ઘરમાં ગયો. 

"નિશા, સામેના ઘરમાં કોઈ રહેવા આવ્યું છે ?"

"હા, કાલે મેં એક નાનકડી છોકરીને બહાર નીકળતાં જોયેલી. મેં તેને હાથ કર્યો પણ તે તરત ઘરમાં જતી રહી. નવી જગ્યા ને અજાણી વ્યક્તિ એટલે...હશે જે હશે તે ખબર પડશે." કહી નિશાએ વાતને વિરામ આપ્યો. 

બે ત્રણ દિવસ પસાર થઈ ગયા. બધું રાબેતા મુજબ ચાલ્યું. ઘરે આવતાં જ પરિતોષ એક અજીબ બેચેનીનો અનુભવ કરતો. રહી રહીને તેના મનમાં પ્રેક્ષા વિશેના વિચારો સાગરની લહેરોની જેમ ઊઠતાં અને વિખેરાતા રહ્યાં. પાંચમા દિવસે ઝરૂખામાં લટાર મારતાં પરિતોષની નજર નીચેની તરફ સામેના ઘરના ખુલ્લા દરવાજા પર પડી. પાછલી પૂંઠે પણ તેણે એક સ્ત્રીને ઘરમાં જતાં જોઈ. તેણે દરવાજો ખુલ્લો રાખ્યો એટલે ફરી કોઈના પણ બહાર આવવાની સંભાવના હતી... પરિતોષનું મન હવે વધુ ચગડોળે ચડ્યું. ત્યાં જ એક નાની છોકરી બહાર નીકળી તેની ઢીંગલી સાથે રમવા લાગી. બંને ઢીંગલીઓના દેખાવ પરથી તેમની આર્થિક નબળાઈનો અંદાજ આવી જતો હતો. 

વિચારોના ઉતાર ચડાવ સાથે પરિતોષ આંટા ફેરા કરવા લાગ્યો. હૃદયની ધડકનોએ પણ જાણે રફતાર પકડી. ત્યાં જ એક મીઠો ટહુકો કાને અથડાયો. 

"પરી, બેટા હવે અંદર આવી જા. ચાલ જમવાનું તૈયાર છે."

એ જ અવાજ... એ જ રણકો... ઓહ !

ત્યાં પેલો ટહુકો ઘર બહાર ડોકાયો. તેની ઢીંગલીનો હાથ ઝાલી તે અંદર જતી રહી. તેણીનું ધ્યાન નહોતું પરંતુ પરિતોષની બાવરી નજરે ઓળખાણ કરી. પ્રથમ પ્રેમ એમ કેમ ભૂલાય !

"હા, હા. આ તો પ્રેક્ષા જ !... કેવો સંજોગ... શું તે મને ઓળખશે ?... દુનિયા ઘણી નાની છે... શું તેના મનમાં હજી મારા માટે... ઓહ ! હું આ શું વિચારી રહ્યો છું." પરિતોષના મનની ગડમથલ વધી. 

"શું થયું ? સામે કોણ આવ્યું ? કશું ખબર પડી ?"

"ઓહો ! તમને કેટલી ચટપટી છે ? કેમ કોઈ જૂની ઓળખાણ...હમમમ... જો જો હાં, કોઈ બીજી સામે નજર કરી છે તો...."

નિશાએ હસતાં હસતાં પરિતોષના ગાલે જરા મસ્તીથી ચિમટું ભર્યું. 

"અરે ! ના. તું પણ શું ? હું તો તને નવી કંપની મળે એ આશયથી જ..." પરિતોષ જાણે ઝડપાઈ ગયો હોય તેમ છોભીલો પડ્યો.

"હા, હા. સમજી. મજાક કરું છું. હું જાણું છું. પરી, તમે કોઈની સામે નજર કરો એવા છો જ નહીં."

નિશા વ્હાલથી પરિતોષને ભેટી પડી.

નિશાની પકડમાં ક્યાંક તેની અસુરક્ષિતતા છતી થઈ. પરિતોષ ચોંક્યો. તેની આ બાલિશતા ક્યાંક તેના હર્યા ભર્યા ઘર સંસારમાં પલીતો ના ચાંપી દે. નિશા પ્રત્યે તે પૂરેપૂરો વફાદાર છે. નિશાનો નિર્મળ પ્રેમ જ તેના ખુશહાલ જીવનનો પાયો છે. તેના માટે તો હવે પ્રેક્ષા.... પ્રેક્ષા મૃગજળ છે. એક કપોળકલ્પિત સ્વપ્ન છે. પ્રેક્ષાનું તેના જીવનમાં પર સ્ત્રી જેટલું જ સ્થાન હોવું જોઈએ. હા, મારે મારા વિચારોને હવે પરિપક્વતાની એરણે ચડાવી યોગ્ય ઘાટ આપી વાળી લેવા જોઈએ. પ્રેક્ષાનો વિચાર અયોગ્ય છે. માન્યું કે પહેલો પ્રેમ ભૂલાતો નથી પરંતુ બીજીવાર પ્રેમ ના થાય એવું પણ નથી. તે નિશાને પૂરા હૃદયથી ચાહતો હતો.

પરિતોષ રોજ સામેના ઘર પર અછડતી નજર કરી લેતો. જ્યારથી પરિતોષે તેના મનના એક ખૂણે એ બેનામ સંબંધ દફનાવી દીધો, ત્યારથી તેની ધડકન રાબેતા મુજબ ચાલે છે. કોઈ અલગ અનુભૂતિ કે અહેસાસ થતો નથી. હવે તે પોતાના અને નિશાના સંબંધો પ્રત્યે વધુ વફાદાર થઈ ગયો. 

"સાંભળો છો ?" નિશાનો અવાજ સાંભળી પરિતોષ વિચારોની તંદ્રામાંથી બહાર આવ્યો. 

"હા, બોલ. શું કહે છે ?"

"પરી, આ સામેવાળા બહેનને મેં આજે બપોરે ઘરે બોલાવ્યા છે. તેમનું નામ પ્રેક્ષા છે. તે બિચારા તેની દસ વર્ષની દીકરી, અરે હા, તેનું નામ પણ પરી છે. મા દીકરી એકલાં જ છે. સોસાયટીમાં વાત થાય છે કે, તેઓ ગરીબ વિધવા છે. ઘર માલિક મુકેશભાઈ તેમના દૂરના સંબંધી થાય. તેમણે થોડા દિવસો માટે રહેવા આપ્યું છે."

"ઓહ, સારું કર્યું. એમને થોડી રાહત થઈ હશે."

"હા, તેમની કહાણી સાંભળીને તો મને રડું જ આવી ગયેલું."

"કેમ, એવું તો શું દુઃખ પડ્યું ?"

" અરે, શું કહું ? તેમના પિતાજીએ અંતકાળે પ્રેક્ષાનો હાથ તેમના એક મિત્રના દીકરાના હાથમાં આપી આંખો મીંચી દીધી. કોઈ પોતાના પિતાની અંતિમ ઈચ્છા કેવી રીતે નકારી શકે ? લગ્ન તો થયા, પરંતુ પતિના મનમાં કોઈ બીજી હતી, એટલે થોડા જ સમયમાં પતિએ છોડી દીધી. સંબંધીઓએ પૂછ્યા વિના જ એક આધેડ વયના પુરુષ સાથે નાતરું કરાવી દીધું. જીવનથી હારેલા તેમણે પરિસ્થિતિ સ્વીકારી લીધી. બીજા પતિથી એક દીકરી થઈ. જીવનમાં થોડી ખુશી આવી. પણ, નસીબની બલિહારી દીકરી હજી આઠ નવ વર્ષની જ થઈ ને, તેઓ મૃત્યુ પામ્યા. પતિએ દેવું કરેલું તે પૂરું કરવામાં બચત અને ઘર પણ હાથથી ગયું."

નિશાની ગળું ભરાઈ આવતાં પરિતોષે તેને પાણી પીવડાવી આશ્વાસન આપ્યું.

"ઘણી દુઃખભરી કહાણી છે. જો, તારે જે કરવું હોય તે કર. મને કશો વાંધો નથી. કોઈનું નસીબ આપણે બદલી તો ના શકીએ, હા, મદદ થાય તેટલી કરજે. તન, મન કે ધન તને જે રીતે યોગ્ય લાગે તે રીતે. પણ, તેમના સ્વાભિમાનને ઠેસ ન લાગે તે રીતે. સમજી ? મારા તરફથી તને બધી છૂટ છે."

"ઓહ, પરી. થેંક યુ, થેંક યુ સો મચ. આઈ લવ યુ."

કહેતી નિશા ખુશીની મારી પરિતોષને વળગી પડી.

સાચી વાત છે, કોઈનું નસીબ આપણે બદલી તો ના શકીએ, નિશા મારફતે મદદરૂપ થઈ પરિતોષ પોતાના મનમાં બેઘડી માટે આવેલા અપરાધભાવનું જાણે પ્રાયશ્ચિત કરી રહ્યો. સમયસર ચેતી જઈ તેણે એક અનોખી પણ અનુઠી પ્રેમ કહાનીનો સુખદ અંત આણ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance