Manishaben Jadav

Romance

4.6  

Manishaben Jadav

Romance

પ્રેમનો થયો સ્વીકાર

પ્રેમનો થયો સ્વીકાર

3 mins
323


અનુષ્કા, ચાલ ચાલ ઉતાવળ કર,આજે શું છે ? ખબર છે ને. આજે વેલેન્ટાઇન ડે છે. કોલેજમાં આજ ખૂબ મજા પડશે. બધાના હાથમાં લાલ,પીળાને ગુલાબી ફુલ અને પ્રપોઝ કરવાની એ અવનવી રીત. ચાલને મોડું થશે તો બધું છૂટી જશે હો.

ઓહ...  એમ વાત છે. એટલે આજ આ રીમા મેડમને કોલેજ જવાની આટલી ઉતાવળ છે. તને કોઈ પ્રપોઝ કરે તો તું શું જવાબ આપીશ હે રીમા.

મને કોઈ પ્રપોઝ કરે તો... ? ના ભાઈ ના મારા વિશે એ તું વિચાર પણ નહી. આપણે એ બાબતે કશું વિચારવા જ નથી માંગતા. મારા માટે તો મારા મમ્મી-પપ્પા જે પસંદ કરે એ જ બેસ્ટ. આ તો બસ અમસ્તા જ વેલેન્ટાઇન ડે છે. તો આપણે જાણીએ.

હા મને ખબર છે હો અમારી રીમા ખૂબ ડાહી છે. તે આ પ્રેમના ચક્રવ્યૂહમાં ફસાઈ તેમ નથી. ચાલ હવે કોલેજ શરૂ થઈ જશે.

રીમા અને અનુષ્કા બંને કોલેજ પહોંચે છે. આજ તો જાણે કોલેજના દરેક યુવતી સજીધજીને આવ્યા છે. એ લાલ કપડાંને હાથમાં લાલ ગુલાબ. બંને સખીઓ આખું દ્રશ્ય જોતા જોતાં આગળ નીકળે છે.

રસ્તામાં અચાનક તેની જ સાથે ભણતો યુવક અનુપમ હાથમાં લાલ ગુલાબ લઈ રીમાની સામે જાય છે. રીમા એની સામે જોયા વિના જ આગળ ચાલવા માંડે છે. પરંતુ અનુપમ ફરી તેનો હાથ પકડી આગળ જતાં અટકાવે છે.

અનુપમે કહ્યું, "ઊભી રહે રીમા. આજ તો તારે મારી વાત સાંભળવી જ પડશે. કેટલા મહિનાથી આ દિવસની રાહ જોતો હતો. પણ તારી સામે આવી બોલવાની હિંમત જ ન થતી. આજના આ પ્રેમના રંગીન દિવસે એકવાર તો મને સાંભળ."

રીમા કહે, "હું આ પ્રેમના દિવસોમાં નથી માનતી. હું તને સાંભળવા પણ નથી માગતી. મને મારા રસ્તે જવા દે."

અનુપમ તેનો હાથ પકડી પ્રેમનો ઈઝહાર કરે છે, " રીમા હું તને ખૂબ પ્રેમ કરું છું. તને જોઈ ત્યારથી જ તું મને પસંદ છે. મે હંમેશા તને શાંતિથી નીરખી છે. તને મન ભરીને જોઈ છે. કયારેય પણ તને બોલાવવા માટે પણ હિંમત કરી નથી. આજના આ ખાસ દિવસે તારી સમક્ષ મારા પ્રેમનો એકરાર કરુ છું. જો તને સ્વીકાર હશે તો જ આગળ વાત કરીશું. બાકી આજ પછી હું તારા રસ્તામાં ક્યારેય નહી આવું."

આ સાંભળી રીમા ઘડીભર તો સ્તબ્ધ બની જાય છે. કશો જવાબ આપી શકતી નથી.

અનુપમ રીમાના હાથમાં ગુલાબનું ફૂલ પકડાવે છે. અને કહે છે, "તને વિચારવા માટે એક મહિનાનો સમય આપું છું. શાંતિથી વિચારીને જવાબ આપજે. તારી ખુશીમાં જ મારી ખુશી છે. "

 આટલું બોલીને અનુપમ ત્યાંથી ચાલ્યો જાય છે. રીમા અને અનુષ્કાને શું કરવું કંઈ સુઝતું નથી. ધીમે ધીમે દિવસો પસાર થતા જાય છે. અનુપમની ઉત્કંઠા વધતી જાય છે. રીમાની ચિંતા વધતી જાય છે. શું જવાબ આપું. માતા-પિતા મારા વિશે શું વિચારશે. બીજી બાજુ અનુપમને ના પાડવાથી એ મારા વિશે શું વિચારશે. શું કરવું શું ન કરવું એ વિચારોએ જાણે મન ચકરાવે ચડી ગયું.

 તેણે અનુષ્કાને કહ્યું," તું જ કંઈક મદદ કરને. મારે શું જવાબ આપવો અનુપમને."

 અનુષ્કા કહે, "મારું માને તો તું હા પાડી દે. આટલો પ્રેમ કરનાર છોકરો તને ક્યાં મળશે. જે તારો આટલો ખ્યાલ રાખી શકે. તને એટલો પ્રેમ કરવા છતાં ક્યારેય તારી સામે આવવાની કોશિશ સુધા નથી કરી"

રીમા કહે, એના કરતાં પણ વધુ પ્રેમ મને માતા-પિતા કરે છે. જેમણે મારા માટે અનેક સ્વપ્નો જોયા છે. એને શું હું એક પળમાં તોડી ચકનાચૂર કરી નાખું. મારા આ પગલાને કારણે કદાચ તેઓ ભાંગી પણ પડે.

આમને આમ ઓગણત્રીસ દિવસ પસાર થઈ ગયા. બસ એક દિવસની વાર હતી. મુંઝવણ વધતી જતી હતી. કાલે સવારે શું જવાબ આપીશ એ વાતને કારણે આંખમાં નીંદરનુ નામ ન હતું. ત્રીસમા દિવસની સવાર પડી. રીમા તૈયાર થઈ કોલેજ ગઈ. કોલેજમાં સામે જ અનુપમ રીમાની રાહ જોતા ઊભો હતો. રીમાએ હિંમત ભેગી કરી ના પાડી કે હું આ સંબંધમાં આગળ વધી શકીશ નહીં. મને માફ કરજે. તું કોઈ બીજી સારી છોકરી શોધી લેજે.

ત્યાં જ પાછળથી અવાજ આવ્યો," તારા કરતાં સારી છોકરી એને બીજે ક્યાં મળશે. પાછળ ફરીને જોયું તો અનુષ્કા રીમાના માતા-પિતા સાથે ત્યાં આવી હતી. તેણે બધી જ વાત રીમાના માતા-પિતાને કરી દિધેલ. તેઓએ તેમના આ સંબંધને આશીર્વાદ આપી સ્વીકૃતિ આપી.

રીમા અને અનુપમ ખૂબ રાજી થયા. હસતાં હસતાં નવા જીવનની શરૂઆત કરી. રીમાએ કહ્યું,

"મળ્યો પ્રેમ તારો, નસીબ અમારા

સાચવીશું જીવનભર એ વચન અમારા."


Rate this content
Log in

Similar gujarati story from Romance