Rajeshri Thumar

Children Stories Inspirational

4.0  

Rajeshri Thumar

Children Stories Inspirational

રાષ્ટ્રપ્રેમી દયેય

રાષ્ટ્રપ્રેમી દયેય

2 mins
203


દિલ્લીની બાજુમાં એક નાનકડા રાધનપુર ગામમાં અંગ્રેજોના જોહુકમી શાસન દરમિયાન એક મોહનભાઈ નામના સરકારી અફસર રહેતા હતાં. પત્નિ માયાબેન અને પુત્ર ધ્યેય સાથે મોહનભાઈ આનંદ કિલ્લોલમાં દિવસો વિતાવતા હતાં. અંગ્રેજોને હટાવવા ત્યારે ઘણી ઝુંબેશ ચાલી રહી હતી. ગાંધીજીથી લઈને દેશના ઘણા લડવૈયાઓ દેશને આઝાદ કરવા ઝઝૂમી રહ્યા હતાં.

નાનકડા ધ્યેયને પણ દિલમાં અપાર રાષ્ટ્રપ્રેમ હતો. ધ્યેય શેરીના બાળકો સાથે મળીને દેશભક્તિના ગીતો ગાતો હોય તો વળી ક્યારેક રાષ્ટ્રધ્વજ બનાવીને અગાસીએ ફરકાવે. રોજની આ એમની રમત હતી. હજુ આ બધી રમત રમતા હતાં ત્યાં જ ધ્યેયના પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા. રાષ્ટ્રપ્રેમી ધ્યેયને ધમકાવતા બોલ્યા કે બેટા, "આજ પછી આ કોઈ ધ્વજ ફરકાવવાનો નથી."

માયાબેન તો સમસમી ગયા પરંતુ કંઈ બોલ્યા નહીં. માયાબેનને પણ દેશ પ્રત્યે હંમેશા કૂણી લાગણી હતી. જયારે મોહનભાઈને ડર હતો કે પોતે અંગ્રેજના વફાદાર છે અને દીકરો રાષ્ટ્રપ્રેમી. જો કોઈ અંગ્રેજ જોઈ જશે તો આ નાનકડા ધ્યેયને મારી નાખશે.આ ડરના લીધે માયાબેનને પણ ખાસ સૂચના આપી કે ધ્યેયને આ ધ્વજ લઈને ઘર બહાર જવા ના દેતી. બાકી ગોરા અફસર મારી જ નાખશે. ધ્યેય તો રડતા રડતા સૂઈ ગયો. મનમાં તો રાષ્ટ્રપ્રેમ અપાર ભરેલો હોવાથી વિચારતો હતો કે આવતીકાલે પપ્પાના ગયા પછી હું આ ધ્વજને અગાસી પર ફરકવીશ જ. મમ્મીના હાથના મીઠા સ્પર્શે ધ્યેય સપનામાં ગરકાવ થઈ ગયો.

સવાર પડતા જ પેલો ધ્વજ ગોતીને પોતાના દોસ્તો સાથે અગાસીએ ચડ્યો. પપ્પા જોઈ ના લે એ ડરથી ધ્યેય ઉતાવળે અગાસીના એક થાંભલા સાથે ધ્વજ ફરકાવીને નીચે ઉતરવા જતો હતો ત્યાં જ પગ લપસ્યો અને ધડામ દઈને નીચે પટકાયો. માથાના ભાગે ગંભીર ઈજા થવાંથી લોહી ખુબ જ વહી ગયું. માયાબેને તાત્કાલિક ઘરે જ ડોકટરને બોલાવીને સારવાર ચાલુ કરાવી. તેમજ મોહનભાઈને પણ જાણ કરી કે ઓફિસેથી જલ્દી પાછા આવો. 

લોહી ખુબ વહી જવાના લીધે ડોક્ટરે પાટાપિંડી તો કરી આપી. જરૂરી દવા અને ઈન્જેકશન પણ આપ્યા. ગભરાતા અવાજે મોહનભાઈ બોલ્યા કે મારો દીકરો બચી તો જશે ને ? ધીમા સ્વરે ડોક્ટર બોલ્યા, "ધ્યેય ભાનમાં તો આવશે પણ બચવાના ચાન્સ બહુ ઓછા છે." માયાબેન તો આ સાંભળી ખુબ રડવા લાગ્યા. હે, ભગવાન આ નાનકડા જીવ પર થોડી તો દયા કર ! આ માસુમેં કોનું શું બગાડ્યું છે? કહી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. 

થોડીવારમાં ધ્યેયે આંખો ખોલી તો પપ્પા સામે દેખાતા જ ફરી રડવા લાગ્યો કે પપ્પા, આજે તમે મારાં પર જરાં પણ ગુસ્સે ના થતા, પરંતુ મારો ધ્વજ ફરકે છે કે નહીં એ જરાં મને કહેશો ? પપ્પાની આંખમાં પણ રાષ્ટ્રપ્રેમી ધ્યેયને જોઈને દળદળ આંસુ વહેવા લાગ્યા. પરંતુ પોતે ગુલામીની સાંકળ તળે દબાયેલા હતાં. હવે ધ્યેય પણ થોડી કલાકોનો જ મહેમાન હતો. મોહનભાઈએ કઠણ કાળજે પંપાળી સાંત્વના આપી.

મમ્મી માથા પર હાથ મૂકતા બોલી કે બેટા, "તારો ધ્વજ હવા સાથે સરસ ફરકી રહ્યો છે. તું થોડો આરામ કર." આટલુ સાંભળતા જ ધ્યેયે ફરકતા ધ્વજની જેમ બધા સામે જોતા જોતા હસતા ચહેરે હંમેશ માટે આંખો મીંચી દીધી.


Rate this content
Log in