Kalpesh Soalanki

Others

3  

Kalpesh Soalanki

Others

રેલ્વે સ્ટેશન

રેલ્વે સ્ટેશન

6 mins
14K


ઉતાવળે ઉતાવળે ચાલીને આકાશ રેલ્વેસ્ટેશન પર આવી ગયો. કાંડા ઘડીયાળમાં નજર કરી તો સાંજના સાડા સાત થતાં હતા. જેમ બને તેમ એણે જલ્દીથી અમદાવાદ પહોંચવાનું હતું એટલે આઠ વાગ્યે અમદાવાદ જતી ક્ણાર્વતી એક્સપ્રેસની ટિકિટ લેવા તે ટિકિટબારીએ પહોચ્યો. પણ, બુધવાર હોવાથી કર્ણાવતી એક્સપ્રેસ આવશે નહીં તેવી માહિતી મળતા તે વિચારમાં પડી ગયો અને વહેલા આવીને ભૂલા પડ્યા જેવો ઘાટ ઊભો થઈ ગયો.

એક ક્ષણે તેણે એવો નિર્ણય કર્યો કે એસ.ટી બસમાં અમદાવાદ જવા રવાના થઈ જાઉં. પણ, ત્યાંથી એસ.ટી. સ્ટેન્ડ પણ દૂર હતું અને ત્યાં પહોચતા એકાદ કલાક લાગે એમ હતું. આથી આવેલો વિચાર બાજુમાં મૂકી છેલ્લે એણે ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો.

એ નવ વાગ્યાની લોકલ ટ્રેનની ટિકિટ લઈ પ્લેટફોર્મ પર આવી ગયો. લોકલટ્રેનનો સમય નવ વાગ્યાનો હોવાથી પ્લેટફોર્મ પર ગણ્યા ગાંઠયા લોકોની જ અવરજવર હતી. એમાંય આકાશ ઓફિસના કામે આવ્યો હોવાથી એ એકલો જ હતો. તેણે બેસવા માટે જ્ગ્યા શોધવા આમ તેમ નજર દોડાવી. સામેની તરફ મૂકેલા લગભગ બધા જ બાંકડા ખાલી હતા. તેના પગ એ દિશા તરફ વળ્યાં. થોડું આગળ વધ્યો ત્યાં એની નજર પાસેના બૂકસ્ટોલ પર પડી. વાંચનનો શોખ ધરાવતા આકાશે ત્યાંથી પેપર અને સામાયિક ખરીદ્યા. પંખા નીચેના બાંકડા પર એ બેઠો.

એણે પેપરનું પાનું ઊથલાવ્યું. રાજકીય, રમતગમત, ફિલ્મોના સમાચારોને બાદ કરતાં આત્મહત્યાના બનાવો વધુ આવેલા. કંટાળીને એણે પેપર બંધ કર્યું અને સામાયિક ખોલ્યું. એમાં તો આત્મહત્યા વિષે આખેઆખો અહેવાલ જ પ્રગટ થયેલો. બીજા થોડા ઘણા પાનાં ઉથલાવી જોયા પણ ખાસ કંઈ વાંચવા લાયક જણાયું નહીં. એકાદ બે પાનાં પછી જાહેરાતો અથવા શ્રદ્ધાંજલીના સમાચારો જોવા મળ્યા. એનું મન ચકરાવે ચઢ્યું. આખા પેપરમાં આત્મહત્યાના પાંચ-છ જેટલા બનાવો આવેલા. આત્મહત્યાના કારણો પણ જુદાં જુદાં. કોઈએ પૈસા માટે, કોઈ એ દેવું વધી જતાં, કોઈએ આબરૂ બચાવા, કોઈએ મકાનમાલિકના ત્રાસથી, કોઈએ લગ્નના થવાથી તો કોઈ એ વિશ્વાસઘાત થવાથી આત્મહત્યા કરી હતી. કોઈ કોઈ જગ્યાએ પરીક્ષામાં નાપાસ થવાની બીકના કારણે આત્મહત્યા કરી હતી. આકાશ મનોમન વિચારવા લાગ્યો કે ‘શું આ બધી સમસ્યાઓનો ઉકેલ માત્ર અને માત્ર આત્મહત્યા જ હતો? શું એ વગર કોઈ રસ્તો જ ન હતો?’

જે વ્યક્તિ પોતાની જાતે જ પોતાના જીવન પર પૂર્ણવિરામ મૂકી દે છે તેને શું કોઈની ચિંતા હોતી નથી? પોતાના મમ્મી પપ્પા, ભાઈ, બહેન, નાના બાળકોને આમ અધવચ્ચે એકલા મૂકીને આત્મહત્યા કરતાં એમનો જીવ કેમનો ચાલ્યો હશે? આકાશ એકલો ને એકલો પોતાના વિચારોના વંટોળમાં દૂર દૂર સુધી ફંગોળાતો ગયો. માણસ પોતે તો આત્મહત્યા કરી નાખે છે પણ એની પાછળ એના સગાંવ્હાલાઓએ કેટકેટલું ભોગવવું પડે છે તેની જાણ કદાચ મરનારા વ્યક્તિને નથી હોતી. આત્મહત્યા કરનાર વ્યક્તિને કેટકેટલા લેબલ લાગી જાય છે તેની તેને ખબર નથી. ભલે ને એ માણસ સારો હોય તો પણ લોકો તેને……

વિચારોમાં એ એવો ખોવાયો કે આજુબાજુનું વાતાવરણ સાવ શૂન્ય થઈ ગયું. બાજુના ખાલી બાંકડા પર કેટલાય પેસેન્જરો આવ્યાં અને જતાં રહયાં. નવ વાગ્યાની લોકલ આવવાનો સમય થઈ ગયો હતો. ધીમે ધીમે મુસાફરો પ્લેટફોર્મ પર આવવા લાગ્યા હતાં. પરંતુ આકાશનું મન વિચારોમાં પરોવાયેલું હતું. ત્યાં જ એક ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરની યુવતી આવીને આકાશની બાજુમાં ગોઠવાઈ. ખાધે પીધે સુખી ઘણી હશે એવું એના દેખાવ પરથી આકાશે અનુમાન લગાવ્યું. થોડી ત્રાંસી નજર કરી આકાશે એની સામે જોયું. શાંત લાગતી યુવતીના મનમાં કદાચ કેટલાય અરમાનો હશે. એની સેંથીમાં પૂરેલા સિંદૂરે એ પરણિત હતી એ વાતની ચાડી ખાતી હતી.

હાથમાં મૂકેલી મહેંદી પરથી આકાશ વિચારવા લાગ્યો કે હમણાં જ એ કોઈ સારા પ્રસંગની સાક્ષી રહી ચૂકી હતી. દેખાવે સુંદર અને સુશીલ લાગતી હતી. એ ઘડી ઘડી પાછળ વાળીને જોઈ રહી હતી. કદાચ એ કોઈની આવવાની રાહ જોઈ રહી હતી.

બંને વચ્ચે મૌનની થોડી ક્ષણો આમ જ પસાર થઈ ગઈ. એણે સામેથી વાત શરૂ કરતાં આકાશને પૂછ્યું કે : ‘તમારે કયા જવું છે ?’

આકાશ તો એ યુવતીના વિચારોમાં જ ખોવાયેલો હતો. એણે યુવતીએ કરેલા સવાલનો કોઈ વળતો ઉત્તર ન આપ્યો એટલે પેલી યુવતીએ આકાશને ઢંઢોળતાં ફરી પ્રશ્ન કર્યો કે : ‘તમે કઈ તરફ જઈ રહ્યા છો?’
આકાશે કહ્યું : ‘અમદાવાદ તરફ, અને તમે?’
તેણે ગભરાતાં ગભરાતાં આકાશને જવાબ આપ્યો : ‘મારે તો ઘણું દૂર જવું છે..’ યુવતીનો જવાબ સાંભળીને આકાશને થયું કે કદાચ એને દિલ્લી, મુંબઈ કે કાશ્મીર જવાનું હશે. થોડીવાર પછી પેલી યુવતીએ ફરી પૂછ્યું કે : ‘અત્યારે કોઈ એક્સપ્રેસ આવવાનો કે નહી ’
આકાશે કહ્યું : ‘હા, આવશે. પણ, અહીં ઊભી રહેતી નથી.’ તેણે વાત આગળ વધારતાં કહ્યું કે : ‘એક્સપ્રેસ ખૂબ ફાસ્ટ ચાલે?’ યુવતીની આ વાત સાંભળીને આકાશને હસવું આવી ગયું. તેણે હસતાં હસતાં જવાબ આપ્યો કે : ‘બેન, એક્સપ્રેસ એટલે ફાસ્ટ જ ચાલવાની ને ! નહીં તો એને લોકલ જ ના કહેતા હોય? અને એમાંય એ આણંદ જેવા સ્ટેશને ના ઊભી રહેતી હોય એટલે વિચારો કે એ કેટલી ઝડપભેર પસાર થતી હશે?’ વાત પૂરી કરવાના આશ્રયથી આકાશે સામેની તરફ લટકાવેલી દીવાલ ઘડિયાળ તરફ નજર કરી. સાડા આઠનો ટકોરો વાગવાની તૈયારીમાં હતો. અને એનાઉન્સ થયું કે ‘અમદાવાદ જતી એક્સપ્રેસ ટ્રેન આવવાની તૈયારીમાં છે અને એ પછી તરત અમદાવાદ જતી લોકલ ટ્રેન આવશે…’

આકાશે ઊભા થઈને નજર કરી તો એક્સપ્રેસની લાઈટ ઝગારા મારતી પુરપાટ વેગે નજીક આવી રહી હતી. આકાશ પાણી પીવા પરબ તરફ વળ્યો અને પેલી આગંતુક યુવતી આકાશની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. દસેક ડગલાં માંડ ચાલીને આકાશે ગાડી કેટલે પહોંચી તે જોવા નજર કરી ત્યાં જ એના પગ ચોંટી ગયા. એક બહેને પોતાની ગરદન પાટા પર મૂકી દીધી અને એક જોરદાર અવાજ થયો. ત્યાં હાજર બધા જ સ્તબ્ધ થઈ ગયા. એક્સપ્રેસ સાચે જ સ્ટેશને ના ઊભી રહી. પૂરપાટ ત્યાંથી પસાર થઈ ગઈ. તે પછી લોકોનું ટોળું ત્યાં ભેગું થયું. પરંતુ આકાશની હિંમત ન થઈ. લોકોની વાતોના એ વર્ણન પરથી આકાશને ખ્યાલ આવી ગયો કે આ એ જ યુવતી હતી કે જે દસેક મિનિટ પહેલાં જ એની સાથે બેઠી હતી અને બહુ દૂર જવાની વાતો કરતી હતી. સાચે જ એ આત્મહત્યાની વાતો કરતી હતી.

આકાશને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે જો પેલી યુવતીની વાતનો જરા પણ અણસાર આવી ગયો હોત અથવા તો તેની દૂર જવાની વાતને સમજી શક્યો હોત તો આજે આ યુવતી બચાવી શકાત.

એ હતાશ થઈ ગયો અને બાજુના ખાલી થયેલા બાંકડા પર ફસડાઈ પડ્યો. રેલ્વેના માણસોએ આવીને લાશના ટુકડા ભેગા કર્યા અને ટ્રેકની એક તરફ મૂક્યા. થોડી જ વારમાં અમદાવાદ તરફ જતી લોકલ આવી ગઈ. બધા મુસાફરોની સાથે આકાશ પણ ગાડીમાં ચઢ્યો. ખૂબ ભીડ હતી. તે ચૂપચાપ પોતાની જાતને કોસતો એક ખૂણામાં ઊભો રહયો. તેની આજુબાજુ ઉભેલા, બેઠેલા બધાનો ગણગણાટ તેના કાને અથડાવા લાગ્યો. બધાની ચર્ચાનો વિષય હતો : ‘આત્મહત્યા કરનાર પેલી અજાણી યુવતી.’ એકબીજાથી અજાણ બધા જ લોકો અરસપરસ પોતાના પ્રતિભાવો જણાવી રહયા હતા. દરેક ના મતે એ અલગ અલગ હતી. કોઈના શબ્દમાં એ ચારિત્ર્યહીન હતી, કોઈના શબ્દોમાં એ પતિ સાથે દગો કરેલ, કોઈ એને ક્રૂર માતા તો કોઈ એને મોજશોખના કારણે દેવાદાર બની ગયેલી, તો ઘણાની નજરે ગાંડી, વિધવા, નાસ્તિક, ચોરટી, ગુન્હેગાર કે ધૂની હતી.

આકાશ એકલો જ કોઈને કંઈ પણ પ્રતિભાવ આપ્યા વિના વિચારી રહ્યો હતો કે ‘જે લોકોને આ યુવતીનું નામ સુદ્ધાં ખબર નથી, તે કોણ હતી તે પણ જાણતા નથી, એ ક્યાં રહેતી હતી, એ સારી હતી કે ખરાબ કે એની આત્મહત્યા કરવાનું કારણ પણ કોઈ જાણતું ન હતું. તે છતાં એ મરેલી યુવતીને આટલી હદે ખરાબ કહેવાનો અને જાત જાતના લેબલ લગાડવાનો અધિકાર તેમને કોણે આપ્યો? એના જીવનમાં એવો તે કયો વળાંક આવી ગયો કે જેના કારણે તેને આવું પગલું ભરવું પડ્યું. એનો વિચાર કેમ કોઈને નથી આવતો? અને આકાશે પોતાનું ધ્યાન બીજે કરવા પોતાની પાસે રહેલું પેપર ઊથલાવ્યું પણ, એમાંય એવા જ કોઈ સમાચાર હતા. પછી એ વિચારવા લાગ્યો કે ‘આ અજાણી યુવતીની આત્મહત્યાની ઘટના પેપરમાં કેવી રીતે છપાશે?’ અને આકાશ અમદાવાદ આવવાની રાહ જોવા લાગ્યો.


Rate this content
Log in