Sapana Vijapura

Tragedy

4  

Sapana Vijapura

Tragedy

શાંત ઝરૂખો

શાંત ઝરૂખો

2 mins
311


ઝરૂખો એટલે કોઈનો ઇન્તેઝાર કરવાની જગ્યા ! એ ઝરૂખામાં ઊભા રહીને દૂર દૂર સુધી નજર દોડાવતી અને નિરાશ થઈને એ નજર પાછી ફરે ! પણ આવનારો ના આવે ! આંખ થાકી જાય પણ ઇંતેઝારનો અંત ના આવે. ઉષાની લાલિમા ભરબપોરમાં ફેરવાઈ જાય. સૂર્ય જાણે આગ વરસાવા લાગે અને પગની પિંડીઓ દુઃખવા લાગે. પણ એક તસુ પણ ઝરૂખામાંથી ખસે નહિ. પગરવમાંથી ઝણકાર અદ્રશ્ય થઈ ગયો છે. આંખોમાં પ્રેમની જગ્યાએ આંસુ તરી આવ્યા. સૂર્ય પણ એના ઇંતેઝારની મજાક ઉડાવી રહ્યો હતો. જાણે અંગૂઠો બતાવીને નાસવાની તૈયારી કરી રહ્યો હતો. તેના હાથની મહેંદી ઝાંખી થઈ ગઈ હતી. એને કસીને બાંધેલું કમખું ઢીલું થવા માંડ્યું હતું. એની શરમાળ આંખમાં ફરિયાદ હતી. એની આંખનું કાજલ વહીને ગાલ પર આવી ગયું હતું. હાથની ચુડીઓએ રણકવાનું બંધ કર્યું હતું. ધીરે ધીરે સૂરજ ડૂબવા લાગ્યો. જે રસ્તા પરથી એ આવવાનો હતો, એ રસ્તા ધૂંધળા થવા લાગ્યા. પગની પાનીઓ થાકી ગઈ ગઈ ! 

શું આજ પણ નહિ આવે ? શું મારે ઝરૂખામાંથી ઘરમાં જવું જોઈએ ! અને ધીરે ધીરે સૂર્ય અસ્ત થઈ ગયો. રાતની કાળી ચાદર ધરતીએ ઓઢી લીધી. ચાંદ ધીરે ધીરે આકાશમાં ઊંચે ચડવા લાગ્યો. રસ્તા બધા ચાંદનીના આછા પ્રકાશમાં રૂપેરી લાગી રહ્યાં હતા. એ ઝરૂખામાં ઊભી ઊભી રૂપેરી રસ્તાને તાકી રહી હતી. ઝરુખો શાંત હતો. એ એના મૂક પ્રેમનો સાક્ષી હતો. આવા કેટલાય નિરાશ દિવસોનો ઝરૂખો સાક્ષી હતો. 

આજ એ ઝરૂખામાં આવી અને એજ કસીને બાંધેલું કમખું અને મોર ટાંકેલો ચણીયો, લાલ રંગની ઓઢણી પહેરીને ! એજ રસ્તાને તાકી રહી. ભરબપોરે સામેથી એક સૈનિક આવ્યો અને દરવાજાની સાંકળ ખખડાવી ! એને ગમ્યું નહિ, કારણકે એના ઇંતેઝારનો સમય હતો. એ કોઈની રાહ જોઈ રહી હતી. ફરી દરવાજાની સાંકળ વાગી. એ ઝરૂખામાંથી ઘરમાં ગઈ. દરવાજો ખોલ્યો. સામે સૈનિક ઊભો હતો. સૈનિકે સલામ ભરીને એક બેગ હાથમાં મૂકી. જેમાં જેનો ઇન્તેઝાર હતો તેનો સૈનિકનો યુનિફોર્મ અને ટોપી હતા. સાથે સાથે ભારતનો ધ્વજ પણ હતો. સૈનિકે ફરી સલામ કરીને કહ્યું, "સૈનિક રણજીતસિંહ દેશ માટે શહીદ થઈ ગયા." સૈનિક વસ્તુ અને સમાચાર આપીને ગયો. એ ક્યાંય સુધી યુનિફૉર્મને ગળે લગાવીને વહાલ કરતી રહી.

ફરી ઉપર ઝરૂખામાં આવીને રાષ્ટ્રઘ્વજ ઝરુખા પર લહેરાવ્યો. ફરી કદી એ ઝરૂખામા ઇન્તેઝાર કરતી એ દેખાઈ નહિ ! ત્યારથી ઝરૂખો શાંત છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy