Ichcharam Desai

Action Classics

2  

Ichcharam Desai

Action Classics

શિવાજીની સૂરતની લૂંટ-૧૬

શિવાજીની સૂરતની લૂંટ-૧૬

10 mins
7.6K


તેજ દિવસે, કે જ્યારે મરાઠાની છાવણીમાં આ ગડબડ ચાલતી હતી, અને સુરતનો નવાબ ઘણી હિમત બતાવતાં ફસી પડ્યો હતો, ત્યારે હરપ્રસાદપર શિવાજી કોપ્યો હતો, અને તેને પોતા સમીપ બોલાવી, હવેની કેમ વ્યવસ્થા કરવી તે માટે ધણા જોરથી પૂછ્યું હતું. આગલે દિવસે અનાજની મોટી ખૂટ પડવાથી ઘણાં માણસો ભૂખ્યાં રહ્યાં હતાં, અને આજે શત્રુસામા લડવા જવાનું હોવાથી, અનાજ ન હોવાને લીધે હવે પછી કેમ કરવું, એ વિષે ઘણી ચિન્તાતુર હાલતે મહારાજ બેઠા હતા.

આપણે અગાડી જોઈ ગયા છીએ કે, સઘળું લશકર એવી જગા પર હતું કે સામસામાં થતાં બેમાંથી એકને ઘણું નુકસાન થાય. દક્ષિણી લશ્કર પૂર્વ બાજુપર હતું, કે જ્યાં ટેકરટેકરીવાળી જગ્યા હતી, અને કાંકરાખાડીમાં ભરતીનું પાણી આવે તેના શિવાય તેઓને બીજું પાણી પણ મળી શકે તેમ નહોતું. એ ખાડીમાં પાણી હોય તેના કરતાં વધારે કાદવ હતો, અને તેમાંથી પસાર થવું એ પણ ઘણું મુશ્કેલ હતું. તેમ જ એ વર્ષે પાછળથી મોટી રેલ આવવાથી ઘણા ભાગમાં પાણી ભરાઈ રહેવાથી જગ્યા ઘણી ખરાબ થઈ ગઈ હતી. જો મરાઠા નાસવા માંડે તો તેઓને ઘણી હેરાનગતી ભોગવવી પડે. જો રહેવા ઇચ્છે ને લડવા જાય તો પણ ઘણી વિપત્તિ વેઠવી પડે - જોઈએ તેવો મારો શત્રુપર ચલાવી શકે નહિ, અને અનાજ પાણીની સોઈ જરાએ મળે નહિ તેથી ઘણા બુરા હાલ સહજમાં થાય. જ્યારે કલ્યાણીથી શિવાજી આવ્યો ત્યારે લૂટની મોટી લાલચે લશ્કરને માટે જોઈતી વ્યવસ્થા રાખવાનું હરપ્રસાદે કબૂલ્યું હતું, પણ આજે જેવી સ્થિતિમાં લશ્કર છે તેવી સ્થિતિમાં જો બપોર સુધી લશ્કર રહે તો તેઓનો સઘળો જુસ્સો ભાંગી જાય અને લડવાને બદલે તેઓ નાસવાનો વધારે મનસૂબો કરે, પણ નાસવાને માટે કોઈ પણ સારો રસ્તો ન હોવાથી લડ્યા વગર છૂટકો જ નથી, એમ શિવાજીને પોતાના વિચારથી માલમ પડ્યું. કોઈ પણ એવી જગા પાસે નહોતી કે જ્યાં જઈને રક્ષણ કરી શકે. પૈસા ઘણા હતા, પણ તેને શું કરડે ? કોઈપણ પૈસા લઈને અનાજ વેચનાર નહોતું અને કોઈ ઠેકાણે અનાજ મળે એવી સ્થિતિ પણ નહોતી. લશ્કરી યોધાઓને તો ખાવાને પેટપૂર જોઈયે, તેમાં આગલા દિવસનો કડાકો હતો એટલે આજે તેવો કડાકો ખેંચવા તૈયાર નહોતા. એ પ્રમાણે મરવું કે મારવું એવો એમનો વખત આવી રહ્યો હતો. લડવું ને મરવું એ વધારે સારો રસ્તો છે, એમ માનવામાં આવ્યું અને જેવી સ્થિતિ શિવાજીએ જોઈ તેવી સ્થિતિ બીજો સરદાર ભાગ્યે જોઈ શકત. આ વિચાર જેવો પહેલ વહેલો મનમાં આવ્યો કે લશ્કરના પેટમાં પૂરતી પોષણની વસ્તુ નથી તો તે કેમ લડશે, એટલાથી જ શિવાજી શિથિલ થઈ ગયો. લશ્કરમાં માણસો ઓછા થયેલા, કેટલાક સારા પાણીદાર સરદાર ગયા હતા; અને જે હતા તેમાં કામ કરવા કરતાં તડાકા મારનારા વધારે હતા. વળી ઘોડેસ્વાર લશ્કર ઘણું થોડું હતું, ને જે હતું તે ભુખાળવું હતું. ઘણો લાંબો સમય થયાં રાયગઢમાંથી સર્વ નીસર્યા હતા, એટલે ઘણા ભાગનો વિચાર એવો પણ હતો કે, જેમ બને તેમ જલદી દેશમાં એકવાર જઈ પહોંચવું. વળી વિજાપુરના હાકેમની ઈતરાજી દિનપ્રતિદિન વધતી જતી હતી, અને રાયગઢપર તે ઘણો જલદી ચઢી જશે, ને ત્યાં પોતાના લશ્કરનાં બૈરાં છોકરાં રહેતાં હતાં, તેમના રક્ષણ માટે જોઈતું લશ્કર નહોતું. એ સંધી વાતનો વિચાર કરતાં હમણાંની સ્થિતિ ઘણી બારીક જણાતી હતી. જો હારે તો દુ:ખનો ડુંગર સામે ધસી પડતો ઉભો હતો, ને જિતે તો પણ ઘણો થોડો લાભ હતો. એ પ્રમાણેની ખરાબ સ્થિતિમાં મરાઠાનું લશ્કર ઉભું રહ્યું હતું.

જે જગાએ મરાઠાનું લશ્કર હતું, તે જગા ઘણી કઢંગી અને લડવાને માટે કંઈ સારી નહોતી. તેમ ત્રણ દિવસ રહ્યા, તેટલા અરસામાં એવી પણ યોજના કીધી નહોતી કે, એ આફતને વખતે શું કરવું, પહેલ વહેલું એમ જ ધારવામાં આવ્યું હતું અને હરપ્રસાદ વગેરે એમ જ સમજાવતા હતા કે નવાબ દમવગરનો છે, ને તેની પાસે જોઈએ તેટલાં લડવાનાં સાધન નથી. તે લડવા આવે એવો હોય તો શહેરની આવી ખરાબ સ્થિતિ કેમ કરવા દે, અને જ્યારે એવો જ વિચાર મજબૂતપણે બંધાય ત્યારે પછી બચાવનાં સાધન શા માટે તૈયાર રાખે ! જે સાધન ખોળવાં સૌથી જરૂરનાં હતાં, તે જો પહેલેથી શોધી મૂક્યાં હોત તો, જ્યારે પેલા દ્વંદ્વયુદ્ધની તૈયારી થઈ, ત્યારે શિવાજીને ગુંચવાડામાં પડવાની કશી જરૂર પડત નહિ. લશ્કરી બાબત જેટલી સારી રીતે એક સરદાર જાણે તેવી રીતે બીજા સિપાઈઓ જાણી શકે નહિ. પણ શિવાજીએ હરપ્રસાદના બેાલવા૫ર ભરોંસો રાખી તે એક જબરો સરદાર છે એમ માની, 'બચાવ બરાબર છે' તેમ ધાર્યું. પણ આ ભૂલ હવે એને ભારે થઈ પડી અને ખરેખર આ ભૂલ જ હતી. નાસવા જાય તો કોઈ પણ પ્રકારનો માર્ગ ન હતો. બંને બાજુએ ટેકરા હતા. તે ઉપરથી ઉતરી આવી જો આ ખીણમાં આવેલા લશ્કરપર મારો ચલાવે તો એક પણ માણસ જીવતું જવા પામે નહિ. આસપાસનાં નાનાં નાનાં ગામોનાં માણસો પણ આ લૂટારાએાની સામાં થાય ને જે બચે તેને ઘણા જલદીથી તેઓ ઝબે કરી નાંખે. જોકે પૂર્વ તરફનો રસ્તો ઘણો પાધરો ને સારો હતો, તો પણ તે બાજુએથી ભય ઘણો હતો. નવસારીનો દેશાઈ લશ્કર લઈ આવશે એવો ભય હતો. કેમ કે આગલે દિવસે જ સંધ્યાકાળે બૂમ પડી હતી કે સુરતની વાહારે નવસારીથી લશ્કર આવે છે. દક્ષિણ બાજુએ કાંકરાખાડી પાણીથી છળાછળ ભરપૂર હતી ને રસ્તો ઘણો ખરાબ કાદવ કીચડથી ભરેલેા હતે. ઉત્તર બાજુએ તાપી નદી પોતાના શહેરને બચાવવા તત્પર હતી ને સામા તો શત્રુઓ જ હતા એટલે ખરેખરી સંકટની ઘડી તે એ જ હતી. પાસમાં નહિ કોઈ મૈત્રી દર્શાવનારો દેશ, નહિ પાસે જોઇતું લશકર ને “ઊમેરણી”નું લશ્કર, નહિ પીઠની સહાયતા, નહિ સારી જગ્યા કે જ્યાં સારી છૂટથી લડી શકાય, અને લશ્કર પણ એવી હાલતમાં કે તેઓને જો બરાબર ખાવાનું મળે તો જ કંઈ પણ શૂરાપણું બતાવવાને શક્તિમાન થાય.

શહેરી લશ્કરને આ વખતે ઘણી સારી સહાયતા હતી. જો કે તેઓ ઘણા થોડા હતા તે પણ તેમનામાં નવું જોર હતું, અને આસપાસની સધળી જગ્યાથી માહિતગાર હતા, શહેરની નજીક હતા તેથી થોડા વખતમાં તૂટેલો દરવાજો ઘણો મજબૂત કરાવી લીધો અને કદાપિ ભય આવી પહોંચે, તો પણ પોતાના બચાવનાં સાધન પોતાની પાસે સારી રીતે રાખી મૂકયાં હતાં. આસપાસની બધી સહાયતા તેમને મળે તેવી હતી ને જો નવસારીના દેશાઈઓ પોતાનું લશ્કર લાવીને મદદ કરે તો બંને બાજુના મારાથી આ લૂટારાને છુંદી નાંખવાને પૂરતા શક્તિમાન હતા. તેમનું મથક ઘણું મજબૂત હતું, ને જ્યારે મરાઠા નીચાણમાં હતા ત્યારે તેઓ વધારે ઉંચી જગ્યામાં હતા, ને ત્યાંથી મારો ચલાવે તો પછી મરાઠામાંથી ઘણા થોડા જીવતા જવા પામે. નવરોઝે હમણાં પોતાની લશ્કરી રચના તદ્દન ફેરવી નાંખી હતી, ને સુરલાલ ને એ, જૂદા જૂદા વિભાગના સૈન્યાધિપ થયા હતા. નવાબના મહેલનું રક્ષણ કરનારા તથા કિલ્લામાં ને બીજે ઠેકાણે જે અરબો હતા તેમના હાથમાં બંદુકો આપી અને તેવા ચારસો ને બીજા ૩૦૦ લશ્કરી સિપાઈઓના હાથમાં તીરકામઠાં આપી તેની સરદારી નવરોઝે લીધી હતી, ને પ્રજામાંથી આવેલા માણસોની સરદારી સુરલાલને આપી હતી - કે જે પછાડી સહાયતામાં હતા. મોતી બેગમે પોતાનો જનાની પાષાક કાઢી નાંખીને મરદાનગીવાળો સજ્યો હતો, ને તેવા જ પોષાકમાં મણીને પણ એક સરદાર બનાવી હતી. આ બંનેની હાજરીથી સિપાઈઓને ઘણું શૂર છૂટ્યું હતું. જ્યારે મરાઠા લડવાને આનાકાની કરતા હતા ત્યારે પ્રજારક્ષક સૈન્ય લઢવાને તલપી રહ્યું હતું.

આમ એકેકની સ્થિતિમાં મોટો ફેર હોવાથી આ લડાઈ કેમ ચાલે છે તે બહુ જેવા જેવું હતું. મરાઠામાં બસેં ઘોડેસ્વાર હતા ત્યારે પ્રજા રક્ષકમાં ચારસો ઘોડેસવાર હતા, ને તેથી તેમનો પક્ષ વધારે જયવંત હતો. પણ માત્ર શિવાજી શિવાય સઘળા જ મરાઠા સરદારો પોતાના વિશ્વાસપર હતા, તેઓ લશ્કરની હાલત શી છે તે જરાપણ જોઈ શક્યા નહિ, તેમ તેઓએ જોવાનો યત્ન પણ કીધો નહિ, તેમના લક્ષમાં પણ નહોતું કે પ્રજારક્ષકસૈન્ય કેવી સ્થિતિમાં છે, અરબો અને અફગાનો કેવા વિકરાળ વાઘ હતા, ને તેઓ તૂટી પડે છે ત્યારે કેવી ખરાબી કરે છે તેનો સહજ પણ ખ્યાલ લાવ્યા વગર સરદારો એક નજીકના મેદાનમાં હમણાં થનારું દંદયુદ્ધ જોવાને આવ્યા હતા, તથાપિ એથી કંઈ શિવાજી રાજી થયો નહિ. તેણે પોતાનું સંભાળવાનો પહેલો વિચાર કીધો. પોતા સમીપ હરપ્રસાદ આવ્યો. તેને અનાજની સોઈ કરવાનો હુકમ આપ્યો ને એક કલાકમાં સઘળા લશ્કરમાં અનાજ પહોંચે તેવી ગોઠવણ થવી જ જોઈએ એમ જણાવ્યું. અનાજ લાવવું ક્યાંથી ને કેમ ? શહેરના રસ્તા બંધ હતા, ને પાસે કોઈપણ ઠેકાણેથી તે મળે એમ પણ નહોતું. એટલે બસેંક માણસ પોતાની સાથે લઈને, ગમે તેમ કરતાં સચીન અને તેની આસપાસના ગામોમાંથી લૂટ કરીને અનાજ લાવવાનો ઠરાવ કરી તે ઉઠ્યો. જે માણસોને લઈ ગયો હતો, તેમાં સો ઘોડેસ્વાર હતા, એટલે અધૂરામાં પૂરું એવું બન્યું કે, એાછા લશ્કરમાં એાછું થયું; અને આ “દુકાળમાં અધિક માસ" જેવો બનાવ પ્રજારક્ષકસૈન્યને ઘણો લાભકારી થઈ પડ્યો.

શિવાજીની યોજના લડવા કરતાં લૂટફાટ કરવાની વધારે હતી ને તેમાં તેનું લશ્કર નિયમિત યુદ્ધ માટે બરાબર હતું જ નહિ, એ તે સારી પેઠે જાણતો હતો. તેની ગણત્રી હમેશાં જુદી જ હતી, ને જો આ વેળા તેની ગણત્રીએ કામ ચાલ્યું હોત ને તેની યોજના પ્રમાણે લશ્કરે વલણ લીધી હોત તો જે સંકટ આવી પડ્યું તે પડત નહિ, પણ તાનાજી માલુસરેની યોજના પ્રમાણે હાલની વ્યવસ્થા ચાલી હતી, જેમાંથી આ માઠું પરિણામ આવ્યું હતું. તેમાં અધુરામાં પૂરું તેનું જ ઘર ફૂટ્યું હતું. રમા આ વેળાએ જે લશ્કરની સઘળી રીતભાત શિવાજી પાસે રહીને સારી રીતે જાણી ગઈ હતી, તે જ તેના શત્રુરૂપે કામ કરવા લાગી. જે લૂટમાંથી રમાને લાવ્યા હતા, તે લૂટમાં માલુસરેને હાથે એ પહેલી પકડાઈ હતી. માલુસરેએ આ મરાઠણ છે એમ માની તેની સાથે લગ્ન કરવાનો કેાલ આપ્યો, પણ ઘણા દિવસ સુધી રમાને કેદમાં પૂરી રાખીને પોતાના કોલનો ભંગ કીધો. શિવાજીના એક ચાકરે કેદખાનામાંથી આ કેદણને છોડાવી. શિવાજી તેની મોહક મૂર્તિ જોઈને મોહિત થયો. આ વખતે એની મરજી લગ્ન કરવાની હતી, પણ પછી જ્યારે એમ માલમ પડયું કે, તેની મા મુસલમાની છે ત્યારથી તેણે પોતાના વિચારમાં ફેરફાર કરી નાંખ્યો. લગ્ન કરવાને ઘણી વેળા માગણી કીધા છતાં તે તેને ઉડાવ્યા કરતો હતો. રમા મૂળથી માલુસરેપર મોહી પડી હતી, પણ જ્યારથી તેણે તેને કેદખાનામાં સપડાવી, ત્યારથી તે વેરીલી આંખથી તેના પ્રત્યે જોતી હતી; તેમાં જ્યારે શિવાજીએ લગ્ન પણ ન કીધું અને તેને છૂટકારો પણ ન કીધો ત્યારથી તે વધારે ખૂનપર ચઢી હતી. શિવાજી માટે ગમે તેમ કહેવામાં આવે, તથાપિ આ તે સર્વથા સિદ્ધ છે કે તે લંપટ ન હતો; તો પણ રમાને ન જવા દેવામાં તેનો શા હેતુ હતો, તે સમજાય તેમ નથી. આવી ખરાબ ગુલામી સ્થિતિમાં રહેવાનું રમાને પસંદ ન હોવાથી તે છૂટવાને વિચાર કરતી, અને તેને વારંવાર અટકાવવામાં આવતી હતી. આથી એમ કરતાં નિરંતર દુઃખ ધરીને, કાં તો મરવું કે કાં તો વેર લેવું, એ ધૂન તેના મનમાં ઘૂમી રહી હતી. આવા જ હેતુથી તેણે કોટપરથી તૂટી પડીને શહેરના દરવાજા ઉઘાડ્યા હતા, પણ “જેને રામ રાખે તેને કોણ ચાખે", તેમ એનું રક્ષણ થવાનું હતું. એ પોતાનું વેર લેવાની હતી ને એના નસીબમાં નવલ સુખ હતું, તેમાંથી કોણ અટકાવ કરી શકે?

રમા ઘોડાને એડી મારતી દોડી ત્યારે કેટલાક મરાઠાની નજર તેની તરફ ગઈ ખરી, પણ કેાઈએ બરાબર લક્ષ દીધું નહિ; કેમકે મેદાનમાં જ્યાં અખાડો મચવાને હતો, તે તરફ સર્વેની વૃત્તિ હતી. શહેર નજીકના લશ્કર પાસે આવતાં તે જરાપણ ગભરાઈ નહિ, અને આવતાંની સાથેજ તે મોતીબેગમની નજીક પોતાના ઘોડાને દોડાવતી ગઈ. જો કે હમણાં મોતીનો પોષાક તદ્દન જૂદા પ્રકારનો હતો, છતાં તેણે એને બરાબર પારખી હતી, નજીક જતાં જ બને એકમેકના મોઢા સામું જોઈ રહ્યાં. એક ક્ષણભર તો કોઈથી જરા પણ બોલાયું નહિ.

નવાબ રમાને જતી જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો, ને તેણે છેલ્લી ધડી સુધી તેના ઘોડાને જતા જોયો, પછી પોતાના નસીબમાં જે બનનાર છે તે મિથ્યા થનાર નથી એવો વિચાર કરતો તે ઉભો રહ્યો. મેદાનમાં હરપ્રસાદને અનાજ માટે મોકલવામાં આવ્યો તે ગડબડમાં આ શૂરો પહેલવાન ક્યાં છે, તે કોઈના જાણ્યામાં આવ્યું નહિ. પણ જ્યારે સઘળા મેદાનમાં તૈયાર થયા ત્યારે મુસલમાન ક્યાં છે તેની દોડાદોડી ચાલી, કોઈ કહે કે તે નાસી ગયો, ને કોઈ સંતાયો એમ બતાવવા લાગ્યા; ને કેટલાક તો બોલવા લાગ્યા કે એ તો વીર વૈતાલ હતો તે આપણને છેતરીને ચાલ્યો ગયો ! આસપાસ જોવાને માટે દોડાદોડ થઈ રહી. માલુસરે ઘણો જુસ્સામાં ઉભો હતો, ને વારંવાર મૂછપર તાવ દેતો હતો, શોધવા જનાર સિપાઈઓ તો આપણા સરદારને એક ઘણો કમીન-હીચકારો સમજતા હતા, “એને પકડીને કાપી નાંખો, એ ચોર ચંડાળ છે” એમ બૂમ પડી, તે આપણો સરદાર જે જગ્યાએ ઉભો હતો ત્યાં સંભળાઈ, ને તે ખિન્ન થતો અગાડી ધસ્યો. ધીરજ જે અત્યાર સુધી વેરણખેરણ થઈ ગઈ હતી, તેને એકઠી કરીને તેણે સામી બમ મારી કે “કાટનેવાલા કહીં ખુદ ન કટ જાય, અપના કિયા અપનેહી સામને ન આય. ઇસ્કો સમ્હાલના - બેહૂદા કલામ મુંહસે ન નિકાલના !” એ ઘાડા શબ્દો ઉડતા, ઉછળતા ને દોડતા મરાઠાઓને એકદમ અટકાવ્યા.

મરાઠાઓ એ અવાજ સાંભળતાં જ લગાર અચકાયા ને તાનાજીએ આ અવાજ સાંભળ્યો તે પણ જરાક ખંચાતાં મનમાં બોલ્યો કે, “એરાણી જાયો છે. લોંડી જાયો નથી.” સુરતના નવાબ ગ્યાસુદ્દીન રુમીએ પોતાની તરવારથી પટો કીધો ને તે ખેલતો ખેલતો અગાડી ધસ્યો ને જ્યાં તાનાજી ને બીજા સરદારો ઉભા હતા ત્યાં જઈને પહેલવાનપણાને સાબિત કરવાને માટે ઉભો રહ્યો. રમાના આપેલા ત્રણ ગોળા કમરબંધમાં ખોસ્યા, ને અંગુઠી પોતાની આંગળીમાં રાખી તે પોતાના પૂરતા ઉમંગમાં દેખાયો. આ વખતની તેની છબી ને ધીરજ જોઈને મરાઠાઓથી પણ “શાબાશ ! શાબાશ ! તરકડા તને શાબાશ છે !” એમ અકસ્માત બૂમ પાડ્યા વગર રહેવાયું નહિ. “શત્રુની મીણમાં આટલી ધીરજથી કોણ ઉભો રહે ?” એમ દાદોજી બોલ્યો; આથી મુસલમાન સરદારનું તેજ વધ્યું ને તાનાજીનું તેજ હરણ થયું - જાણે શલ્યે કર્ણનું હણ્યું હોયની તેમ બન્યું !


Rate this content
Log in

Similar gujarati story from Action