Rahul Makwana

Tragedy Fantasy Thriller

4  

Rahul Makwana

Tragedy Fantasy Thriller

સ્મશાન

સ્મશાન

10 mins
754


મનુષ્ય અને સપનાંનો વચ્ચે ખૂબ જ જૂનો સબંધ રહેલો છે. મનુષ્યને રાતે ઊંઘમાં આવતાં સપનાંઓ ક્યારેક તેનાં આવનાર ભવિષ્ય કે અંધકારમય ભૂતકાળ તરફ આડકતરી રીતે ઈશારો કરતાં હોય છે. આપણાં હિન્દૂ ધર્મ મુજબ મનુષ્યને ઊંઘ દરમ્યાન આવાતાં સપનાંઓનો પણ ચોક્કસ અર્થ રહેલો છે, જેનો ઉલ્લેખ આપણાં પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ જોવાં મળે છે. આ ઉપરાંત "સ્વપ્નગ્રંથ" મુજબ સપનાંમાં પાણી, મંદિર, સિંહ, સાપ કરડવો, માંસ ખાવુંં, વરસાદ પડતો દેખાય, ચિતા દેખાવી, દરિયો દેખાવો, બિલાડી, કાગડા કે કૂતરા દેખાવા, પર્વત દેખાવો, ખાઈ દેખાવી, સોનુ દેખાવું, કોલસો દેખાવો, મૃતદેહ દેખાવું કે પછી કોઈ કિલ્લો દેખાવો - આ બધાં સંકેતોનો ઉલ્લેખ કે અર્થ "સ્વપ્ન ગ્રંથ" આપેલ છે.

પરંતુ ક્યારેક કુદરત મનુષ્યનાં જીવનમાં એટલી મોટી મુશ્કેલ કે આફતો લઈને આવતી હોય છે કે તેની કલ્પના કરવી એ મનુષ્યની સમજ શક્તિ બહારની વાત છે. કલ્પેશ પણ આમનો જ એક યુવક હતો, કે જેનાં જીવનમાં ખૂબ જ ઓછા સમયગાળામાં ખૂબ જ મોટી ઉથલપાથલ થવાની હતી, આ વાસ્તવિકતાથી કલ્પેશ એકદમ જ અજાણ હતો. 

સ્થળ : હોપ સાઈકિયાટ્રિક હોસ્પિટલ.

સમય : સવારનાં 11 કલાક.

હોપ હોસ્પિટલ એ શહેરની જાણીતી સાઈકિયાટ્રિક હોસ્પિટલ હતી, લોકો દૂર દૂરથી પોતાનાં માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે હોપ હોસ્પિટલમાં આશાઓ લઈને આવતાં હતાં, જેનું કારણ ડૉ. શુભમ હતાં, જેણે અત્યાર સુધી ઘણાં બધાં લોકોની માનસિક બીમારીની સારવાર કરેલ હતી. ટૂંકમાં ડૉ. શુભમે અલગ અલગ ઘણાં બધાં અઘરા સાઈકિયાટ્રિક દર્દીઓનાં કેસોને ટ્રીટ કરેલાં હતાં.

કલ્પેશ ડૉ. શુભમની સામે સામે રહેલ ચેર પર બેસેલ હતો. તે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ રહી હતી. બરાબર એ જ સમયે ડૉ. શુભમ કલ્પેશની સામે જોઈને પૂછે છે.

"કલ્પેશ ! તો શું તને આવા સપનાં અગાવથી આવતાં હતાં ?"

"ના ! સાહેબ...મને આ સપનાંં છેલ્લાં બે વર્ષથી એટલે કે જ્યારથી હું આ શહેરમાં આવ્યો છું ત્યારથી જ આવવાનું શરૂ થયેલ છે !" કલ્પેશ મુંઝાતા આવજે ડૉ. કલ્પેશને જણાવતાં બોલે છે.

"તો શું એ પહેલાં તને આવા સપનાંઓ ક્યારેય નથી આવ્યાં ?" ડૉ. શુભમ ખાતરી કરતાં કલ્પેશની સામે જોઈને પૂછે છે.

"ના ! સાહેબ...એ પહેલાં મને આવા ભયંકર અને ભયાનક સપનાં ક્યારેય નથી આવ્યાં." ડૉ. શુભમે પુછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં કલ્પેશ જણાવે છે.

"ઓકે...નો પ્રોબ્લમ.. પણ મને એક વાત ના સમજાઈ !" ડૉ. શુભમ દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં કલ્પેશની સામે જોઈને પૂછે છે.

"કઈ વાત સાહેબ ?" કલ્પેશ અચરજ સાથે ડૉ. શુભમની સામે જોઈને પૂછે છે.

"જો તને આ ભયાનક અને ભયંકર સપનાંઓ છેલ્લાં બે વર્ષથી આવી રહ્યાં હતાં, તો તું આજે જ કેમ મને બતાવવા માટે આવ્યો ?" ડૉ. શુભમ હેરાની સાથે કલ્પેશને પૂછે છે.

"સાહેબ ! ગઈકાલે મેં સપનું જ એટલું ભયંકર જોયું કે હું પોતે ખૂબ જ ડરી ગયો, આથી મે ત્યારે જ કોઈ સાઈકિયાટ્રિસ્ટને બતાવવા માટેનું મનોમન નક્કી કર્યું હતું." કલ્પેશ ખુલાસો કરતાં જણાવે છે.

"હા ! હું તને એ જ પૂછવા માંગુ છું કે ગઈકાલે રાતે તે વળી સપનાંમાં એવુંં તે શું ભયંકર કે ભયાનક જોયું કે તું મને બતાવવા માટે બીજે જ દિવસે આવી પહોંચ્યો ?" ડૉ. શુભમ મૂળ મુદા પર આવતાં આવતાં કલ્પેશની સામે જોઈને પૂછે છે.

"સાહેબ ! અત્યાર સુધી મને સપનાંમાં કોઈ એક ખંડેર થયેલ સ્મશાન દેખાઈ રહ્યું હતું. જેનાં મુખ્ય દરવાજા પર "બે ઉડતા હરણ અને બંને બાજુએ શક્તિશાળી ત્રિશુળ અને વચ્ચે અર્ધ ચંદ્ર જેવુંં નિશાન કે ચિન્હ અંકિત થયેલ મને નજરે પડી રહ્યું હતું, આજુબાજુમાં ઘનઘોર અંધકાર છવાયેલ હતું, નાના નાના કીટકો ભયાનક અવાજ કરી રહ્યા હતાં, આ જ સ્મશાનમાં ચિતા પર એક મૃતદેહ પડેલો હોય છે, બરાબર એ જ સમયે મારા કાને કોઈ નાના છોકરાનો રડવાનો અવાજ સંભળાય છે." આ બધાં દ્રશ્યો મને દરરોજ સપનાંમાં દેખાતા હતાં, પરંતુ…..ગઈકાલે.....!" કલ્પેશ ઊંડો નિસાસો નાખતાં નાખતાં જણાવે છે.

"તો ગઈકાલે રાતે તને આવેલ સપનાંમાં, દરરોજ આવતાં સપનાંમાં કરતાં તે શું ભયાનક કે ભયંકર જોયું…?" ડૉ. શુભમ કલ્પેશને હિંમત આપતાં પૂછે છે.

"સાહેબ ! આ બધાં દ્રશ્યો મને સપનાંમાં દરરોજ દેખાતાં હતાં, આથી હું ગભરાઈને ડરને લીધે ભરઊંઘમાંથી ઝબકીને જાગી જતો હતો, ત્યારબાદ હું પાણી પીઈને "આ એક માત્ર સપનું જ છે." એવુંં મારા મનને સમજાવી ફરી પાછો સૂઈ જતો હતો…!" પોતાને આવતાં ભયાનક અને ભયંકર દુનિયાથી ડૉ. શુભને અવગત કરાવતાં કરાવતાં કલ્પેશ જણાવે છે.

"પાણી પીઈને તું જ્યારે પાછો સૂઈ જતો હતો ત્યારે ફરી પાછા તેને સપનાંમાં એ દ્રશ્યો દેખાય કે નહીં…?" ડૉ. શુભમ ખાતરી કરતાં કરતાં કલ્પેશને પૂછે છે.

"સાહેબ ! સામન્ય રીતે હું જ્યારે પાણી પીઈને ફરીવાર સૂતો હતો, ત્યારબાદ એ દ્રશ્યો મને સપનાંમાં ફરી ક્યારેય નહોતા દેખાતાં, પરંતુ ગઈકાલે રાતે હું પાણી પીઈને સૂતો, તો મારું સપનું અત્યાર સુધી જયાંથી અટકી જતું હતું, ત્યાંથી હું સપનાંમાં આગળ વધ્યો, અને મેં જોયું કે પેલી ચિતા પર જે મૃતદેહ પડેલો છે, એ બીજા કોઈનો નહીં પણ મારા પોતાનો જ છે, હું ચિતા પર નિષ્પ્રાણ હાલતમાં મડદાની જેમ ચિતા પર સૂતેલો હતો, અને જે પેલાં નાનકડા બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો એ બાળક પણ બીજું કોઈ નહિ પણ ખુદ હું પોતે જ હતો, આ જોઈ ભર ઊંઘમાં પણ મારો જીવ ખૂબ જ મૂંઝાવા લાગ્યો. આથી હું એક ઝબકારા સાથે પથારીમાં બેઠો થઈ ગયો..મારા મનમાં હાલ એક જ પ્રશ્ન વારંવાર ઉદ્દભવી રહ્યો હતો કે શાં માટે હું મારી જાતને પેલી ચિતા પર નિષ્પ્રાણ હાલતમાં સુતેલી જોઈ રહ્યો છું ? જો હું મૃત્યુ પામેલ મડદા સ્વરૂપે ચિતા પર સૂતેલો છું, તો શાં માટે હું મારા બાળ સ્વરૂપમાં ત્યાં બેઠા બેઠા રડી રહ્યો છું ? આ કેવી રીતે શક્ય છે કે એક જ વ્યક્તિ પોતાનાં બે દેહ સ્વરૂપે કોઈ એક જગ્યાએ હાજર હોય ? આવું ભયાનક સ્વપ્ન આવવા પાછળનો શું સંકેત હશે ? આવા ઘણાબધાં વિચારો મારા મનમાં વાવાઝોડાની માફક આવી રહ્યાં હતાં, ત્યારબાદ મે પાણી પીઈને સૂવા માટેનાં પણ ઘણાં બધાં પ્રયત્નો કર્યા પરંતુ મારા એ બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં. પથારીમાં આમતેમ આખી રાત પડખા જ ફર્યા પણ કોઈ સંજોગોમાં ઊંઘ આવવાનું નામ જ નહોતી લઈ રહી...આથી બીજે જ દિવસે હું તમારી પાસે બતાવવા માટે આવી પહોંચેલ છું." કલ્પેશ ગઈકાલે પોતાને જે ભયાનક અને ભયંકર સ્વપ્ન વિશે ડૉ. શુભમને વધુ માહિતી આપતાં જણાવે છે.

"ઓકે ! ડોન્ટ વરી...હું તને અમુક દવાઓ લખી આપું છું, તેનાથી તને રાહત થઈ જશે." ડૉ. શુભમ પ્રિસ્ક્રિપ્શન લેટર પર અમુક દવાઓ લખતાં લખતાં કલ્પેશને જણાવે છે.

"તો શું એ દવાઓથી મને પેલું ભયંકર અને ભયાનક સ્વપ્ન આવતું બંધ થઈ જશે ?" કલ્પેશ ડૉ. શુભમની સામે જોઈને પૂછે છે.

"ના ! આ દવાઓથી તને ડરામણા કે ભયંકર સપનાંઓ આવવાનું બંધ નહીં થશે પણ તને ઊંઘ ચોક્ક્સ આવી જશે." 

"જી ! સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર." કલ્પેશ ડૉ. શુભમનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે.

"બીજું કે તારે બે દિવસ બાદ મારી પાસે ફરી ફોલો અપ માટે આવવાનું થશે." 

"પાક્કું સાહેબ, હું બે દિવસ બાદ આવી જઈશ." આટલું બોલી કલ્પેશ ડૉ. શુભમની ચેમ્બરમાંથી બહાર આવે છે. 

ત્યારબાદ કલ્પેશ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવે છે, અને હોસ્પિટલની બાકી બધી ફોર્મલિટી પુરી કરીને, પોતાને સારું થઈ જશે, એ વિચાર સાથે પોતાનાં ઘરે રવાનાં થાય છે, જ્યારે આ બાજુ ડૉ. શુભમ પોતાનાં જ એક બેસ્ટ ફ્રેન્ડ ડૉ. આયુષ કે જે પોતે પણ એક સાઈકિયાટ્રિસ્ટ હતો, તેની સાથે કલ્પેશના આ રહસ્યમય કેસની ચર્ચા કરવાં માટે પોતાની હોસ્પિટલે બોલાવે છે. એ જ દિવસે શુભમ અને આયુષ વચ્ચે કલ્પેશનાં કેસની ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવે છે. 

બે દિવસ બાદ

સ્થળ : હોપ સાઈકિયાટ્રિક હોસ્પિટલ

સમય : સવારનાં 11 કલાક

 ડૉ. શુભમે લખી આપેલ દવાઓને લીધે કલ્પેશને જે પેલાં ભયંકર અને ડરામણા સપનાંઓ આવી રહ્યાં હતાં એમાં આંશિક રીતે રાહત થયેલ હતી, આથી કલ્પેશ ખુશ થતાં થતાં ડૉ. શુભમ પાસે ફોલોઅપ માટે આવી પહોંચે છે.

"તો કલ્પેશ હવે તને કેવુંં લાગે છે ?" ડૉ. શુભમ વાતનો દોર પોતાનાં હાથમાં લેતાં કલ્પેશને પૂછે છે.

"જી ! સર...મને જે ડરામણા અને ભયંકર સપનાંઓ આવી રહ્યાં હતાં તેમાં હાલ મને પહેલાં કરતાં ઘણી રાહત થયેલ છે." કલ્પેશ ડૉ. શુભમની સામે જોઈને જણાવે છે.

"કલ્પેશ ! મીટ ટુ ડૉ. આયુષ કે જે પોતે સાઈકિયાટ્રિસ્ટ ઉપરાંત મારો બેસ્ટ ફ્રેન્ડ છે." ડૉ. શુભમ તેનાં મિત્ર ડૉ. આયુષનો પરિચય આપતાં જણાવે છે.

"કલ્પેશ તારા પિતાનું નામ શું છે...તે આ કેસમાં તારા નામ સામે માત્ર કલ્પેશ કુમાર જ લખાવેલ છે, માટે હું તને આ પ્રશ્ન પૂછી રહ્યો છું." ડૉ. આયુષ પોતાની આગવી ઢબે કલ્પેશની સામે જોઈને પૂછે છે.

"જી ! સાહેબ...હું નાનપણથી જ અનાથ છું, મારા કોઈ જ માં બાપ નથી...એટલે હું મારા નામ સામે માત્ર કલ્પેશ કુમાર જ લખાવુંં છું." કલ્પેશ એક ઊંડો નિસાસો નાખતાં જણાવે છે.

"જો કલ્પેશ વ્યક્તિને ઊંઘમાં આવતું કોઈપણ વિચિત્ર કે અવિશ્વસનીય સ્વપ્ન કાં તો તેનાં અંધકારમય ભૂતકાળ કાં પછી તેનાં ધૂંધળા ભવિષ્ય તરફ ચોક્કસપણે ઈશારો કરતું જ હોય છે." ડૉ. આયુષ કલ્પેશની સામે જોઈને જણાવે છે.

"સાહેબ ! હું કંઈ સમજ્યો નહીં." કલ્પેશ હેરાનીભર્યા અવાજે ડૉ. આયુષની સામે જોઈને બોલે છે.

"કલ્પેશ હું તને સમજાવુંં ધ્યાનથી સાંભળજે..તને હું એવુંં કહું કે તું અનાથ નથી તો તને કેવુંં લાગશે ?" ડૉ. શુભમ પોતાની મૂળ વાત પર આવતાં આવાતાં જણાવે છે.

"મતલબ…!" કલ્પેશ આશ્ચર્ય સાથે પોતાની બે આંખો પહોળી કરીને હેરાની સાથે ડૉ. શુભમની સામે જોઈને પૂછે છે.

"જો ! શુભમ તને આવતાં સપનાં આધારે તેની સાથે જોડાયેલા રહસ્ય મેં અને ડૉ. આયુષે ઉકેલી દીધેલ છે, તને સપનાંમાં ચિતા પર તારા જેવો જ ચહેરો ધરાવતી વ્યક્તિ સૂતેલો દેખાય છે, એ તું નહીં પણ તારા પિતા છે, અને તને જે નાનું બાળક રડતું જોયું એ તું ખુદ છો.. અને સ્માશનમાં અન્ય કોઈ જ વ્યક્તિ હાજર નથી એનો મતલબ એવો થાય કે તારા પિતાને કોઈ એવો રોગ ચોક્કસથી થયો હોવો જોઈએ કે જેથી લોકો તેની નજીક જતાં પણ ડરતાં હોય..!" ડૉ. શુભમ કલ્પેશના ડરામણા સપનાંનું ગાઢ રહસ્ય ઉકેલતા જમાવે છે.

"અને હા ! રહી વાત એ સ્માશનનાં દરવાજા પર રહેલ પેલાં અર્ધ ચંદ્ર, બે ઉડતા હરણ અને શક્તિશાળી ત્રિશૂળની તો એ વાસ્તવમાં રાજકોટ સ્ટેટનાં "રાજ ચિન્હ" તરફ ઈશારો કરે છે. એટલે કે તારે તારા અંધકારમય અતીતને જાણવા માટે રાજકોટ જવુંં પડશે." ડૉ. આયુષ શુભમની વાતમાં સૂર પૂરાવતાં કલ્પેશને જણાવે છે.

"તો શું મારે આ સપનાંઓનું રહસ્ય ઉકેલવા માટે રાજકોટ જવુંં પડશે ? ત્યાં જઈને મને મારા અતિત સાથે જોડાયેલા બધાં જ પ્રશ્નોનો ઉત્તર મળી જશે ? શું એ પછી મને આ સ્વપ્ન ક્યારેય નહીં આવે ?" આમ કલ્પેશ એક સાથે ઘણાં પ્રશ્નો ડૉ. આયુષ અને ડૉ. શુભમને પૂછે છે.

"મળે પણ ખરા અને ના પણ મળે...એ તો ત્યાં રાજકોટ ગયાં પછી જ તને ખ્યાલ આવશે." ડૉ. શુભમ કલ્પેશને માનસિક રીતે તૈયાર કરતાં કરતાં જણાવે છે.

ડૉ. આયુષ અને ડૉ. શુભમે જણાવેલ ઉપાય મુજબ પોતાને જે ભયંકર અને ડરામણા સપનાંઓ આવી રહ્યાં હતાં, તેની સાથે જોડાયેલાં રહસ્યો ઉકેલવા માટે કકલ્પેશ રાજકોટ જવાનું મનોમન નક્કી કરે છે.

ત્રણ દિવસ બાદ.

કલ્પેશ ડૉ. શુભમ અને ડૉ. આયુષે જણાવ્યાં મુજબ કલ્પેશ રાજકોટ આવી પહોંચે છે, તેને તેના મિત્રો પાસેથી જાણવાં મળેલ હતું કે "રામનાથ સ્માશન ગૃહ" એ રાજકોટનું સૌથી જૂનું અને પ્રાચીન સ્મશાનગૃહ છે, આથી રાજકોટ પહોચ્યા બાદ કલ્પેશ સીધો જ રામનાથ સ્મશાન ગૃહે આવી પહોંચે છે. કલ્પેશને આવતો જોઈ સ્મશાન ગૃહનાં બધાં જ કર્મચારીઓ નવાઈ અને આશ્ચર્ય સાથે ઊભાં થઈ જાય છે. કલ્પેશને પોતાની નજર સમક્ષ જોઈને તે બધાં જ કર્મચારીઓ અચરજમાં પડી ગયાં હતાં.

"શું તમે મને ઓળખો છો ? શાં માટે મને જોઈને તમારી આંખો પહોળી થઈ ગઈ ? શાં માટે મને જોઈને તમે લોકો નવાઈ સાથે ઊભાં થઈ ગયાં ?" કલ્પેશ "રામનાથ સ્મશાન ગૃહનાં" એક વયોવૃદ્ધ કર્મચારીની નજીક જઈને પૂછે છે.

"જી ! મને ખબર નથી તમે કોણ છો..હું આ સ્મશાનગૃહમાં છેલ્લાં 40 વર્ષથી સેવા કરી રહ્યો છું, આજથી 30 વર્ષ પહેલાં આ સ્મશાન ગૃહમાં રાજકોટનાં મોટા શેઠ રાઘવને અંતિમ સંસ્કાર કરવાં માટે લાવેલાં હતાં, પરંતુ તેઓને "સ્વાઈન ફલૂ" જેવો કોઈ રોગ થયેલ હોવાથી તેમની સાથે કોઈ સગા આવેલાં ના હતાં, માત્ર હોસ્પિટલનાં કર્મચારીઓ જ આવેલાં હતાં. એ શેઠનો ચહેરો એકદમ તમારા ચહેરા સાથે મળતો આવતો હોવાથી અમારા બધાંના આશ્ચર્યનો કે અચરજનો કોઈ જ પાર રહ્યો નહિ." એ વૃદ્ધ કર્મચારી કલ્પેશને વધુ માહિતી આપતાં જણાવે છે.

ત્યારબાદ કલ્પેશ એ સ્માશન ગૃહમાંથી રાઘવની માહિતી મેળવી, રાઘવ જે મકાનમાં રહેતો હતો ત્યાં આવી પહોચે છે, કલ્પેશને મકાનની બહાર ઉભેલો જોઈ ચોકીદાર તેને સલામી ભરે છે. અને મકાનનો દરવાજો ખોલે છે. એ મહાનમાં તપાસ કરતાં કલ્પેશને ખ્યાલ આવે છે કે શેઠ રાઘવભાઈ બીજું કોઈ નહીં પરંતુ મારા પિતા હતાં, જેઓ સ્વાઈનફલૂને લીધે અકાળે મૃત્યુ પામેલ હતાં, અને તેમનાં પરિવારમાં માત્ર હું એક જ બચ્યો હોવાથી મને "અનાથાશ્રમ" માં પાડોશી માણસાઈ ખાતર મૂકી ગયેલાં હતાં.

 કલ્પેશે વિચાર્યું પણ નહીં હશે કે તેનાં પિતા જે એક સમયે રાજકોટ શહેરનાં મોટા શેઠ હતાં, તેને સ્વાઈનફલૂ થવાથી નજીકનાં બધાં સંબંધીઓ તથા અન્ય લોકો પણ સાવ આવી રીતે તરછોડી દેશે...તેઓએ એકવાર પણ મારો વિચાર ના કર્યો, એતો આભાર પાડોશીઓનો કે જેઓએ મને અનાથાશ્રમ સુધી મૂકી ગયાં, નહીં તો હું પણ આજે કોઈ ભીખારીની માફક રસ્તા કે ફૂટપાથ પર ભીખ માંગતો હોત.

 આમ રાજકોટ શહેર જાણે કલ્પેશને પોતાનાં પેટાળમાં રહેલ આ બધાં રહસ્યો જણાવવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યું હોય તેવુંં લાગી રહ્યું હતું, અને કલ્પેશે ક્યારેય વિચારેલ નહીં હોય કે તેને જે ડરામણા સપનાંઓ આવી રહ્યાં હતાં તે તેને અતિતમાં છેક પોતાનાં પિતા સુધી લઈ જશે. આથી કલ્પેશ એ જુના મકાનમાં રહેલ તેનાં પિતાની યાદગીરી રૂપી અમુક વસ્તુઓ પોતાની સાથે કાયમિક માટે લઈ આવે છે, અને પોતાનાં શહેર પહોંચીને કલ્પેશ તેનાં પિતાનાં ભટકતા કે અધૂરી ઈચ્છા ધરાવતા આત્માની શાંતિ માટે વિધિવત શાસ્ત્રોક્ત હવન કરાવે છે. અને ડૉ. આયુષ અને ડૉ. શુભમનો તે ખૂબ ખૂબ આભાર માને છે કે કારણ કે હાલ તે પોતે પોતાનું સાચું અસ્તિત્વ શોધી શક્યો તેનું એકમાત્ર કારણ ડૉ.આયુષ અને ડૉ.શુભમ હતાં.

 ત્યારથી માંડીને આજસુધી કલ્પેશને એ ભયાનક અને ડરામણા સપનાં અવાવાનું બંધ થઈ ગયું, અને હવે તેને શાંતિથી ઊંઘ લેવાં માટે કોઈ દવાની પણ જરૂરીયાત રહી ના હતી, આ ઉપરાંત કલ્પેશ કુદરત કે ઈશ્વરનો પણ આભાર માને છે કે જે આવા ડરામણા કે ભયાનક સપનાં દ્વારા તેનાં અતીતની સતત ઝાંખી કરાવી રહી હતી..બસ આ સંકેત કે ઈશારો સમજવામાં કલ્પેશને મોડું થયેલું હતું, છતાંય આપણા સમાજમાં કહેવાય છે ને કે, "જાગ્યાં ત્યારથી સવાર" બસ કલ્પેશ આવુંં વિચારી પોતાની લાઈફ ફરી એકવાર અગાવની માફક જીવવાનું શરૂ કરી દે છે.

આપણે જ્યારે મુસીબતમાં હોઈએ, કે પછી કલ્પેશની જેમ ચારેબાજુએથી ગાઢ રહસ્યોથી ઘેરાયેલાં હોય, ત્યારે તેમાંથી બહાર આવવા માટે કુદરત કોઈને કોઈ રસ્તો ચોક્કસપણે દર્શાવે જ છે, બસ આપણે જ એ કુદરતનો ઈશારો કે સંકેત સમજવામાં મોડું કરતાં હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે એ બધાં સંકેત કે ઈશારો સમજીએ છીએ ત્યારે આપણી આજુબાજુ રહેલાં કે ઘેરાયેલાં ગાઢ રહસ્યો પળભરમાં જ કલ્પેશની સાથે જોડાયેલા રહસ્યોની માફક ઉકેલાય જતાં હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy