Mohammed Saeed Shaikh

Drama Thriller Tragedy

4  

Mohammed Saeed Shaikh

Drama Thriller Tragedy

સ્ટેબિંગ

સ્ટેબિંગ

7 mins
910


વાલજીએ માળીયામાંથી તલવાર કાઢી. એની ધાર ચકાસવા માટે હલકેથી આંગળી ફેરવી જોઈ. ધાર બરાબર હતી. છેલ્લે ૧૭ વર્ષ પહેલા એણે આ તલવાર ચલાવી હતી. માળીયામાં મૂકતા પહેલાં એણે ધાર કઢાવીને જ મૂકી હતી, એમ છતાય એણે ખાતરી કરી લીધી. એણે માતાજીની મૂર્તિ સામે આંખો બંધ કરી પ્રાર્થના કરી.”હે માં! તું સર્વ શક્તિ દાતા છે. શક્તિ આપ મને.જય ભવાની!”

એણે આંખો ખોલી. કપાળ ઉપર તિલક કર્યું. ઉષા-એની પત્ની-પતિના દરેક કાર્યમાં મદદ કરવા ખડે પગે રહેતી. અત્યારે એ કેસરી ખેસ લઈને ઉભી હતી. એણે વાલજીના કપાળે ખેસ બાંધી. બંનેએ એકબીજાની આંખોમાં આંખો નાખી જોયું. વાલજીએ ઉષાના કપાળે ચુંબન કર્યું.પછી વાલજી તરત ઘરની બહાર નીકળી ગયો.બહાર ભાગદોડ મચેલી હતી. આખી શેરી શોરબકોરથી ભરાઈ ગઈ હતી.

“અલ્યા,કોઈ ઘાસલેટ લાવો”

“ચિંદા લાવો-કાકડા બનાવી તૈયાર રાખો”

“ઓલી બાટલીઓમાં તેજાબ ભરો કોઈ”

“મારું ધાર્યું ક્યાંશ ?”

“મારું ચાકુ ક્યાંશ?લે ખરા ટાણેજ મલતું ની”

“હાચવીને રાખતો હોય તો, પીટ્યા ....”

આ બધા સંવાદોમાં વાલજીનું ધ્યાન નહોતું. આમથી તેમ દોડતા સ્ત્રી-પુરુષો અને કલબલાટ કરતા બાળકો વાલજી ને દેખાતા નહોતા. એની નજર તો કઈક બીજુજ શોધી રહી હતી. એવામાં ક્યાંકથી એનો મિત્ર ચંદુ પ્રગટ થયો.એના હાથમાં પણ ખુલ્લી તલવાર હતી. તાપમાં ચળકતી અને ઝગારા મારતી તલવારો સાથે બંને મિત્રો શેરીની બહાર મુખ્ય માર્ગ ઉપર આવીને ઊભા રહ્યા.

“બહુ ટાણે લાગ આવ્યો’શ” ચંદુએ પોતાની તલવારની ધાર ચકાસતા કહ્યું.

“પૂરા હત્તર વરહ...”

વાલજીની ચકર વકર થતી આંખો રસ્તા ઉપર જાણે કશુંક ખોળી રહી હતી.

શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. વેપારીઓ ફટાફટ શટરો પાડી દુકાનો બંધ કરી જેમ બને તેમ જલ્દી ઘરે પહોંચી જવા ઘાંઘા થયા હતા. પોલીસની જીપ પેટ્રોલીંગમાં નીકળી હતી.

“કેમ વાલજી...શું કરો છો તમે લોકો અહીંયા..... મારા વિસ્તારમાં કોઈ બબાલ ના જોઈએ, સમજ્યો. ”પીઆઈ એ રૂઆબભેર વાલજીને કહ્યું.

પોલીસ ઈન્સ્પેક્ટર વાલજીને સારી રીતે ઓળખતો હતો. પોલીસના ચોપડે વાલજી અને ચંદુના નામે ચોરી, લુંટ, બળાત્કાર અને મર્ડરના કુલ મળીને કેટલાંય કેસ બોલતા હતા. જેલમાં આવવું જવું એના માટે સામાન્ય બાબત હતી.

વાલજી અને ચંદુએ પોતપોતાની તલવારોને કમર પાછળ સંતાડવાનો પ્રયત્ન કર્યો. વાલજી માત્ર ધીમું હસ્યો. જીપ આગળ નીકળી ગઈ. બીજા ૭-૮ લોકો હાથોમાં કંઇક ને કંઇક લઈને આવી પહોંચ્યા. કેટલાક જુવાનીયાઓના હાથમાં પાઈપો, દાંતરડા, લાકડીઓ, ધારીયા હતા.આ ટોળાએ ‘જય શ્રીરામ’ અને ‘હર હર મહાદેવ’ના નારાઓથી રસ્તાને ગુંજવી દીધા.

વાલજીએ તલવારને હવામાં વીંઝી. જાણે કોઈને મારવાની પ્રેક્ટીસ કરતો હોય તેમ.

“ચ્યમ, પોતાની જાત વાંહે ભરોસો નઈ કે?”ચંદુએ ટીખળી અંદાજમાં કહ્યું.

“બસ બે ઘાએ જ ...પૂરો થવો જોઈ” વાલજીએ તલવારને તાકતા કહ્યું.

હજી આ વાતો ચાલતી જ હતી ને કોઈ દાઢીધારી માણસ સ્કૂટર ઉપર પસાર થઇ રહ્યો હતો.ઉમર પિસ્તાળીસની આસપાસ હશે. ટોળામાંથી કોઈકે એને પકડી લીધો.ચંદુ અને વાલજી પણ એની પાસે પહોંચી ગયા. કોઈકે એ સ્કૂટર ચાલક નું પેન્ટ કાઢી નાખ્યું. ખતના કરેલી હતી.

વાલજીની તલવાર હવામાં વીંઝાઈ. ચાલકની છાતીથી પેટ સુધી ચોકડી મારતો હોય તેમ બે વખત ફરી વળી. લોહીની ધાર ઉડી. અને ધડામ કરતો ચાલક ધરતી પર પટકાયો. લોહીથી ખરડાયેલી તલવારને વાલજીએ પેલા ચાલકના કપડા ઉપર ફેરવી સાફ કરી. ફરીથી નારાઓથી માર્ગ ગુંજી ઉઠ્યો.

ચંદુએ એની સામે જોયું. વાલજીની આંખોમાં ગર્વ ઉભરાઈ રહ્યું હતું.

ટોળાથી અલગ થઈને બંને થોડે દૂર આવ્યા.બે સ્ત્રીઓ એમની તરફ હાંફતી હાંફતી દોડતી આવી રહી હતી-ઉષા અને ચંદુની પત્ની જીવી.

“જલ્દી હેંડો... એસવી હોસ્પીટલમાં...”ઉષા બોલી.

“તમેય હેંડો..” જીવીએ ચંદુનો હાથ પકડતા કહ્યું.

“પણ થયું સે શું.....”વાલજીએ પૂછ્યું.

“કિરણ અને ભીમો..... હોસ્પીટલમાં....”આટલું બોલતા તો ઉષાને ખુબ કષ્ટ પડ્યું..”તમે લોકો હેંડો ને જલ્દી...”

વાલજીએ એક છોકરાને બોલાવી બંને તલવારો આપી ક્યાંક સુરક્ષિત જગ્યાએ મુકવાની સુચના આપી અને એક રીક્ષાવાળાને બોલાવ્યો.

વાલજી આગળ બેઠો અને પાછળ બંને સ્ત્રીઓ અને ચંદુ બેઠા. રીક્ષા હોસ્પિટલ તરફ દોડવા લાગી.

ચારેના મોઢા ઉપર ચિંતા હતી. ”કેવી રીતે ખબર પડી....”વાલજી આટલું બોલ્યો કે તરત ઉષાએ કહી દીધું.”ફોન આવ્યો હતો ...હોસ્પીટલમાંથી.”

“કઈ થશે તો ની ને ટેણીયાઓને...”આટલું બોલતા જીવીને ડૂસકું આવી ગયું.” ધીરજ રાખ બોન...”ઉષાએ એના ખભે હાથ મુક્તા કહી તો દીધું પણ મનમાં એને પણ ફફડાટ થઇ રહ્યો હતો.

“કઈ ની થાય... તમે લોકો હિંમત રાખો.” વાલજીએ કહ્યું. પણ પછી એને પોતાને જ પ્રશ્ન થયો અત્યારે શું એ પોતે ડરેલો નહોતો? એ એકલો જ નહિ ચારે જણ અત્યારે ચિંતાતુર અને ડરેલા હતા.

લિકર કિંગ ગણાતા વીરા ચૌહાણની ગેંગમાં તેઓ બંને છેલ્લા કેટલાય વરસોથી કામ કરતા હતા. વિરોધી ગેંગના કેટલાય માણસોને એમણે પરલોક પહોંચાડી દીધા હતા. કોઈને મારી નાખવું એ બંનેને મન તો હથેળીમાં તમાકુ મસળવા જેટલું સરળ હતું. પોલીસ ચોપડે એમના નામે અસંખ્ય કેસ દર્જ થયેલા હતા. અસંખ્યવાર તેઓ તૂટક તૂટક જેલની સજા કાપી આવ્યા હતા. વીરુ ચૌહાણના રાજનેતાઓ અને પોલીસ સાથેના સારા “વેવાર” ના કારણે તેઓ જલ્દી જ જેલની બહાર આવી જતા. સત્તર વર્ષ પહેલા ફાટી નીકળેલા કોમી રમખાણોમાં બંનેએ સ્ટેબિંગમાં હાહાકાર મચાવી દીધો હતો. એ વખતે તેઓ યુવાન અને કુંવારા હતા. હણહણતા તોખાર જેવા. કઈ કેટલાયને એમને ચીરી નાખ્યા હતા.

પણ ... અત્યારે વાત અલગ હતી. વાલજી-ઉષાનો છોકરો કિરણ અને ચંદુ-જીવીનો છોકરો ભીમા લગભગ સરખી ઉમરના હતા અને એક જ શાળામાં એકજ વર્ગમાં સાથે ભણતા હતા. સવારે શાળામાં ગયા ત્યારે તો કશું નહોતું પણ અચાનક રમખાણો ફાટી નીકળ્યા હતા...હોસ્પીટલમાંથી ફોન હતો...કોઈએ એમને તો...ના,ના... એવું ન થાય..પણ તો પછી ફોન કેમ આયો? ચારેયના હાંજા ગગડી ગયા હતા. ખરાબ વિચારો એમનો કેડો મૂકતા નહોતા.

તેઓ હોસ્પીટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં અફરા તફરી હતી. કેટલા બધા દર્દીઓ...જખમી,લોહી નીંગળતા, વિવશ, લાચાર, દુઃખી......

એક નર્સ એમને એક બેડ પાસે દોરી ગઈ.”આ તમારો છોકરો છે?” વાલજીએ હા પાડી.બેડ ઉપર કિરણ ના શરીર ઉપર સફેદ ચાદર ઓઢાડેલી હતી, જે હવે જખ્મો થી નીગળતા લોહીથી લાલ થઇ ગઈ હતી.

“એનું કોઈએ સ્ટેબિંગ કર્યું છે. કદાચ તલવારથી ઘા માર્યા છે....... ખલાસ...એ મરી ગયો છે.” નર્સ કહી રહી હતી.

“ના,ના...”વાલજી માથું પકડી જોર જોરથી રડી રહ્યો હતો.

“શું થ્યું ભૈલા...”ચંદુએ વાલજીના ખભે હાથ મૂકતા પૂછ્યું.”કોઈ ખરાબ સપનું જોયુ....”

પાછળ વળીને વાલજીએ આંખો ફાડીને ચંદુ સામે અને પછી બંને સ્ત્રીઓ તરફ જોયું. એને વિશ્વાસ નહતો થતો કે એ હજી રીક્ષામાં હતો...”ના,ના... કશું ની..”

વાલજીના કપાળે પ્રસ્વેદબિંદુઓ ઉભરાઈ આવ્યા હતા.

હોસ્પિટલનો ચાર કિલોમીટરનો માર્ગ એમના માટે ચાર સદીઓ બરાબર વીત્યો. એક એક ક્ષણ વર્ષોના ભાર જેવી લાગી. આખરે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ટ્રોમા સેન્ટરમાં અસ્તવ્યસ્તતા હતી. દર્દીઓની ભીડ.. નર્સો અને ડોકટરો ને શ્વાસ લેવાની ફુરસત નહોતી. લોહીથી લથબથ દર્દીઓ..ચિંતાતૂર એમના સંબંધીઓ..ઘોંઘાટ..ચીસો... રોકકળ....જાણે બધા એક ઓથારમાં જકડાયેલા હતા.

ચારે જણ બંને બાળકોને શોધવા લાગ્યા.એક બેડ થી બીજા બેડ... બીજાથી ત્રીજા... એમણે આખો ટ્રોમા સેન્ટર શોધી નાખ્યું.પણ બંને બાળકોનો ક્યાય પતો નહોતો. બંને સ્ત્રીઓ નિરાશ થઇ નીચે બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી.

“ભાઈ તમે બાળકો ને જોયા.. સ્કૂલ ડ્રેસમાં ...”વાલજી અને ચંદુ નર્સો અને ડોકટરો ઉપરાંત ત્યાં આવેલા લોકોને પૂછતાં..ના પાડતા માથાઓ જોઈ એમને મનમાં ધ્રાસકો પડતો. બંને સ્ત્રીઓની સાથે હવે એમને પણ ડૂમો ભરાઈ આવ્યો...”હે માડી.. રક્ષા કરજે અમારા બાળકોની...” તેઓ મનોમન પ્રાર્થના કરવા લાગ્યા. થોડી ભારેખમ ક્ષણો વીતી,ત્યાં ઉષા બહાર લોબી તરફ દોડી.”એ રિયા બંને....”

એ ત્રણે પણ એની પાછળ દોડ્યા. ઉષાએ કિરણ ને અને જીવીએ ભીમાને બાથમાં ભરી લીધા અને ચૂમીઓ થી નવડાવી દીધા..”.મારા દીકરા... મારા પ્રાણ...અરે આ હાથમાં પટ્ટા શા માટે બાંધેલા છે..”

બાળકોને જોઇને ચારેના જીવમાં જીવ આવ્યા.”પણ તમે લોકો ચ્યાં’તા... અને અહી કેવી રીતે આયા ?” ચંદુએ એમને પૂછ્યું.

“આ અંકલ સાથે...”કિરણે એક દાઢી વાળા યુવાન તરફ ઈશારો કરતા કહ્યું.

“મેરા નામ યુસુફ હૈ...મેં ઇનકો યહા લાયા...મેરી વર્ધી ભી ઉસી સ્કૂલ મેં હૈ જહાં યેહ પઢતે હૈ..”યુવાને કહ્યું.

“પણ અહિયાં...” વાલજીએ એને પ્રશ્ન કર્યો.

“તમારા રીક્ષાવાળા ચેતનભાઈ સવારે છોકરાઓને લઇ આવ્યા પછી બીમાર લાગતા ઘરે ચાલ્યા ગયા. અને અમને એટલે કે અમે ચાર પાંચ રિક્ષાવાળાઓને કહ્યું કે તમે આજે એડજસ્ટ કરીને મારા છોકરાઓને મૂકી આવજો. મારો રૂટ પણ તમારા ઘર પાસેથી જાય છે એટલે મેં આ બે બાળકો ને મારી રીક્ષામાં બેસાડી લીધા...પણ આજે આ ધમાલ થઇ ગઈ....અને ...”

ચારે જણ યુસુફ ની વાત એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા હતા...”પછી...” વાલજીથી રહેવાયું નહિ.

“અમે જઈ રહ્યા હતા ત્યારે એક જગ્યાએ બોમ્બ ફૂટ્યો. એજ ક્ષણે મારી રીક્ષા ત્યાંથી પસાર થઇ...કેટલાક છરા ઉડીને આ બંનેના હાથ ઉપર વાગ્યા...કેમકે તેઓ સૌથી બહારની બાજુ બેઠા હતા.... હું તરત બધા બાળકોને લઈને અહિયાં આવી ગયો... બહાર વાતાવરણ પણ ખરાબ છે અને ...આ બંનેની સારવાર પણ કરાવવી જરૂરી હતી....આવા તોફાનોમાં માત્ર હોસ્પિટલો જ સુરક્ષિત હોય છે...આ બંનેની સારવાર કરાવી અને પછી તમને ફોન કર્યો...”

યુસુફ આ બધું કહી રહ્યો હતો ત્યારે વાલજીને લાગી રહ્યું હતું કે એનું માથું દુઃખી રહ્યું છે. યુસુફને શું કહેવું એ પણ એને સમજાતું નહોતું.

“બાજુ પર ખસો...વચ્ચે ના ઊભા રહો..”નર્સ વાલજી અને ચંદુને સંબોધીને કહી રહી હતી. નર્સ એ સ્ટ્રેચર સાથે હતી અને સ્ટ્રેચર પર એ જ માણસ લોહીમાં લથબથ પડ્યો હતો જેનું વાલજીએ સ્ટેબિંગ કર્યું હતું. વાલજી અને ચંદુએ એને જોયો અને પછી બંનેની આંખો મળી... પછી કોઈ અગમ્ય બળથી ખેંચાઈને તેઓ સ્ટ્રેચર ની પાછળ ચાલવા લાગ્યા. નર્સે એક ડોક્ટરને બુમ પાડી...”સર,પહેલા આને જુઓ ,પ્લીઝ..”

એક નવયુવાન ડોકટરે સ્ટેથોસ્કોપ દર્દીની છાતી પર મુક્યું અને પછી માથું ધુણાવી ચાલ્યો ગયો..”નો મોર”.

સ્ટેબિંગ નો કેસ હતો એટલે સ્વાભાવિક રીતે બે પોલીસવાળા આવ્યા. પંચનામું કરવું જરૂરી હતું. એકે એના ખીસા ફમ્ફોસ્યા.પર્સમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ નીકળ્યું. વાલજી અને ચંદુ પણ પોલીસની પાછળ આવી ગયા હતા..બેમાંથી એક રાઈટર લખી રહ્યો હતો...નામ:થોમસ મનુભાઈ ક્રિસ્ટી...રહેવાસી.....

વાલજી અને ચંદુએ એકબીજાને જોયું.આ શું?...શું કરવું અને એકબીજાને શું કહેવું એમને સમજાતું નહતું. ચંદુ કરતા વાલજીની મન:સ્થિતિ વિચિત્ર થઇ ગઈ હતી. શું કરવા ગયા હતા અને શું થઇ ગયું હતું.

ચંદુ અને વાલજીના માથામાં જાણે કોઈએ હથોડા ઝીંકી દીધા હતા.બંનેનું માથું ભમવા લાગ્યું હતું.ચક્કર ખાઈને હમણાજ પટકાઈ પડશે એવું લાગ્યું. કોઈ એમનું હૃદય નીચોવી નાખતું હોય એવું લાગ્યું. વાલજી ફલોરીંગ પર ફસકાઈ પડ્યો.ચંદુએ એણે ઊભો કર્યો.આંખોથી જાણે એ પૂછી રહ્યો હતો કે શું થયું? વાલજીની આંખે અંધારા આવતા લાગ્યા. પછી કોણ જાણે શું થયું, વાલજી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. બંને સ્ત્રીઓ પણ એમની પાસે આવી ગઈ.ઉષાએ વાલજીની પીઠ પર હાથ મુક્યો.એના રડવાનું કારણ કોઈને સમજાતું નહોતું. થોડી વાર પછી એ સ્વસ્થ થયો. પછી ઊભો થઇ યુસુફ પાસે આવ્યો. એની પાછળ પાછળ ચંદુ અને બંને સ્ત્રીઓ પણ આવી.

વાલજી જોશપૂર્વક યુસુફને ભેટી પડ્યો. યુસુફને સમજાતું નહતું કે શું થઇ રહ્યું છે.

“કોઈ મેરે શોહર કો બચાલો... કોઈ ખૂન દેદો ભાઈ...કોઈ મેરે આદમી કો બચાલો...મેરા આદમી મર જાયેગા...કોઈ બચાલો....”બુરખો પહેરેલી એક સ્ત્રી લોબીમાં કળગળતી એમની સામેથી પસાર થઈ.

વાલજી એ સ્ત્રી પાસે ગયો અને એને ધરપત આપતા કહ્યું “બહેન,મેં ખૂન દુંગા તુમ્હારે પતિકો....”


Rate this content
Log in

Similar gujarati story from Drama