Abuzar Nana

Crime Thriller

3  

Abuzar Nana

Crime Thriller

સ્વપ્ન

સ્વપ્ન

3 mins
28


અનિરુદ્ધ ઓફિસથી પાછો ફરી રહ્યો હતો. ચેહરા પર આખા દિવસના કામના કારણે થાક વરતાતો હતો. આજે કુદરત જાણે એનો દિવસ બગાડવા બેઠી હતી. સવારે ઘરેથી નીકળતા ઘરમાં કંકાસ સાંભળ્યો. ચા-નાસ્તો કરી ઉતાવળમાં નીકળતા ટિફિન લેવાનું ભૂલી ગયો. થોડે દૂર જઈ યાદ આવતાં પાછો ટિફિન લેવા આવ્યો. આ દોડાદોડીમાં ઓફિસ પહોંચતાં મોડું થતાં બોસની ખરીખોટી સાંભળવી પડી. હવે જ્યારે છૂટીને પાર્કિંગમાં પહોંચ્યો તો બાઈકના ટાયરની હવા કોઈએ કાઢી નાખી હતી. પરંતુ અનિરુદ્ધ જાણે કંઈ જ ન થયું હોય એમ વોચમેનની કેબીનમાંથી હવા મારવાનો પંપ લાવી હવા મારી અને પંપ મૂકી આવ્યો. ત્યાંથી નીકળી તે શાકભાજી માર્કેટ તરફ વળ્યો.

શાકભાજી માર્કેટમાં એક શાકભાજીવાળા પાસે ઊભો રહ્યો. પાકીટમાંથી જોયા વગર એક ચિઠ્ઠી દુકાનદારને આપતાં કહ્યું, "આ બધું આપી ધ્યો. "

દુકાનદારે ચિઠ્ઠી આગળ-પાછળ ફેરવતાં કહ્યું, "આમાં તો કંઈ પણ નથી. "

અનિરુદ્ધ ગુસ્સામાં બોલ્યો,"ભાઈ ! આ બધું તો અહીં મૂક્યું જ તો છે. શેની ના પાડો છો ?"

"ખાલી ચિઠ્ઠી આપવી છે ને મારા પર ગુસ્સો કરવો છે. " ગુસ્સામાં દુકાનદારે જવાબ આપ્યો.

અનિરુદ્ધએ ચિઠ્ઠી હાથમાં લેતાં જોયું કે ચિઠ્ઠી ખાલી જ છે. દુકાનદારથી માફી માંગી અને બાઇક પર બેસી ઘર તરફ નીકળી પડ્યો.

સૂર્યાસ્તનો સમય અને ઠંડી હવા પણ અનિરુદ્ધના ગુસ્સાને ઓગાળી નહોતા શકતા. બધાંનો ઘર તરફ વળવાનો સમય હોવાથી ટ્રાફિક ખૂબ જ હતો. એક અળવીતરો ટ્રાફિક સિગ્નલ તોડી જવા લાગ્યો. ટ્રાફિક પોલીસ રોકે એ પહેલા પેલા એ ગાડી હંકારી મૂકી. વગર વાંકે પોલીસે અનિરુદ્ધને દંડાથી બરડામાં જોરથી મારી દીધું. અનિરુદ્ધના ગુસ્સાનો પાર ન રહ્યો. તે એકીટસે પોલીસને જોઈ રહ્યો.

"આમ જોઈ શું છે ? બધાં સરખાં જ છો. મોકો મળ્યો નહીં કે સિગ્નલ તોડીને ભાગી જશો. " પોલીસ દંડો ઘુમાવતો બોલ્યો અને ચાલવા લાગ્યો.

આજ સુધી કોઈ સાથે કોઈપણ જાતની મગજમારી ન કરતો અનિરુદ્ધ બાઇક પરથી ઉતર્યો. તેનું મોં ગુસ્સાથી લાલ થઈ ગયું હતું. શરીર ધ્રુજી રહ્યું હતું. જાણે ગુસ્સો બહાર આવવા મથી રહ્યો હોય. અનિરુદ્ધએ ચાવી હાથમાં લીધી. બીજા હાથમાં ટિફિન લીધું. ક્યારનો વાતો ઠંડો પવન એકદમ થમી ગયો હતો. જાણે હોનારત થવા પહેલાની આગાહી આપી રહ્યો હોય.

અનિરુદ્ધએ પોતાને ગુસ્સાના હવાલે કરી દીધો. ઝડપી ચાલે ચાલતો એ પોલીસવાળા પાસે પહોંચ્યો. ચાવીને મુઠ્ઠીમાં મજબૂતીથી પકડી પોલીસના ગળામાં ભરાવી દીધી. વાહનોના હોર્નના અવાજોની વચ્ચે પોલીસની ચીસ ગુંજી ઊઠી. પોલીસવાળો ત્યાં જ બેસી પડ્યો અને હેબતાઈ ગયો. બધાનું ધ્યાન અનિરુદ્ધ અને પોલીસવાળા તરફ હતું. બીજા પોલીસવાળાઓ ત્યાં આવે તે પહેલાં જ ટિફિનથી પોલીસવાળાના માથા પર પ્રહાર કરવા માંડ્યો. સતત થતાં પ્રહારોથી પોલીસવાળો પોતાની જાતને સુરક્ષિત ન રાખી શક્યો અને ત્યાં જ ઢળી પડ્યો. હજુ અનિરૂદ્ધ સતત પ્રહાર કરી રહ્યો હતો. અનિરૂદ્ધએ લોહીનું ઝરણું વહાવી દીધું. કોઈની હિંમત નહોતી થતી કે તેને રોકે. અનિરૂદ્ધનું સફેદ શર્ટ લોહીથી લાલ થઈ ગયું હતું. એનાં ચેહરા પર જેમ જેમ લોહીનાં છાંટા ઊડી રહ્યાં હતાં તેમ તેમ અનિરૂદ્ધને જાણે શાંતિ મળી રહી હતી. એના ચેહરા પર શાંતિની અનુભૂતિ અને મુસ્કુરાહટ જોઈને બધાં દૂર ઊભા એને જોઈ રહ્યાં હતાં. ટિફિનથી સતત ઘા કરી પોલીસવાળાને એની આખરી મંજીલ સુધી પહોંચાડી દીધો. અનિરૂદ્ધ ત્યાં જ બેસી પડ્યો. પોલીસવાળાની લાશ અને તેનાથી દૂર પડેલો દંડો જોઈને તે હસી રહ્યો હતો. એક ઠંડી પવનની લહેરખી આવી અને. . . .

અનિરૂદ્ધ આંખ ચોળતો ઊંઘમાંથી ઉઠ્યો. "ઓહ ! આ તો ફક્ત એક સ્વપ્ન હતું. " એવું બબડી બેડ પરથી ઊઠ્યો. હાથ-મોં ધોઈ ચા-નાસ્તો કર્યો. બહાર જઈ સવારની ઠંડી હવાનો આનંદ લેતાં છાપુ વાચ્યું. પછી નાહી-ધોઈને કપડાં પહેરી રહ્યો હતો ત્યારે એને તેની પત્ની અને મમ્મીની બોલાચાલીના અવાજો આવવા લાગ્યાં. તેણે એક નિસાસો નાખી ફટાફટ તૈયાર થઈ ગયો. રોજનો કંકાસ સાંભળી કંટાળેલો અનિરૂદ્ધ ઉતાવળમાં ઓફિસે જવા નીકળી ગયો. તેનું ઘરે રહી ગયેલું ટિફિન ડાઈનિંગ ટેબલ પર અનિરૂદ્ધના પાછા આવવાની રાહ જોઈ રહ્યું હતું.


Rate this content
Log in

More gujarati story from Abuzar Nana

Similar gujarati story from Crime