Pallavi Oza

Inspirational

4.7  

Pallavi Oza

Inspirational

થેપલાની યાદ

થેપલાની યાદ

3 mins
284


અચાનક પાછી યાદ ઉભરાઈ ગઈ. ગરમા ગરમ થેપલાં બનાવતી હતી. મારા દીકરાનો દીકરો સીધો શાળાએથી આવવાનો હતો. એક સમય હતો બાળકોને અને પતિદેવને ગરમાગરમ ખવડાવી આનંદ માણતી હતી. તેમના મુખ પરનો સંતોષ મારો આખા દિવસનો થાક ઉતારવા સફળ થતો.

મારો નાનકો જે આજે હવે જિંદગીમાં ખુબ તરક્કી કરી આગળ નીકળી ગયો છે. એ તો જ્યારે સ્કૂલેથી આવતો ત્યારે ખાસ થેપલા બનાવું. તમે નહી માનો એક પણ થેપલું બચે નહી. હજુ તો તૈયાર થઈને થાળીમાં મૂકું ત્યાં ઉપડી જાય. પાંચથી છ ક્યાંય પેટના ખૂણામાં સંતાઈ જાય. જ્યારે દૂધનો ગ્લાસ મોઢે માંડે ત્યારે સમજાય.

‘મમ્મી હવે રાતના જમવાનું નહી. ‘

મને ખબર જ હોય. હવે એ વાત ક્યાં રહી જિંદગીમાં ?. જો કે હું પણ ૭૦ ઉપર પહોંચી ગઈ. છતાં હજુ બાળકો માટે કામ કરવાની આ કાયા ના નથી પાડતી. બાળકો એમની જિંદગીમાં પરિવાર સાથે સ્થાયી થયા. પતિદેવને તબિયતે યારી ન આપી એટલે વિદાય થયા. હજુ કેટલા બાકી ? આ પ્રશ્ન મ્હોં ફાડીને ઊભો છે. જવાબ ક્યાં મળે છે.

આમ જ્યારે સોનલ વિચારી રહી હતી ત્યાં બારણાનો બેલ વાગ્યો.

કોઈ અજાણ્યો છોકરો બારણે મોટી મસ એનસાઈક્લોપિડિયા વેચવા આવીને ઊભો હતો. તેની ખૂબી વિષે વાત કરી રહ્યો હતો. મારે હવે એનું શું કામ ? તેની વાણીનું માધુર્ય અને વેચવાનો પાકો નિરધાર,મને આકર્ષી ગયો. મારા બધા સવાલના જવાબ કુશળતાપૂર્વક આપતો. મારી ઇંતજારી વધી. મારે જરૂર ન હતી છતાં લેવા લલચાઈ. અચાનક મને યાદ આવ્યું.

‘તું સ્કૂલેથી છૂટીને આ કામ કરે છે."

‘જી."

‘તારા પપ્પા ?'

તેઓ નથી. મારી મમ્મી, મને અને મારી નાની બહેનને ભણાવે છે. તેને પૈસાની અગવડ ન પડે એટલે થોડા પૈસા કમાવામાં તેને મદદ કરું છું.

મને અચાનક યાદ આવ્યું. ‘બેટા તેં કાંઈ ખાધું."

‘ના, મારી મમ્મી ઘરે આવશે પછી બનાવશે ત્યારે અમે ત્રણે સાથે ખાઈશું.

ઘરમાં હજુ પણ થેપલાંની સુગંધ રેલાઈ રહી હતી. મેં તેને આગ્રહ કરીને બે થેપલા અને દૂધ આપ્યા. ખુબ ખુશ થઈ તેણે ખાધાં.

‘લે આ બાકીના તારી બહેન અને મમ્મી માટે લઈ જા."

મારી તરફ આભારથી તાકી રહ્યો. તેના માનવામાં આવતું ન હતું. તેના મુખ પર સ્પષ્ટ હતું કે તેને ગરમા ગરમ થેપલાં ખુબ ભાવ્યા હતાં.

તેની પાસેથી બે વોલ્યુમ ખરીદ્યા. મને હતું લાયબ્રેરીમાં આપી દઈશ. મારા બાળકો પાસે કમપ્યુટર અને બીજી બધી સગવડ છે.

સોનલ તેના લાડલા પૌત્રને થેપલા, છૂંદો અને દહી ખાતાં જોઈ ખુશ થઈ રહી હતી. તે તો પછી રૂમમાં ભરાયો. ઘરકામ પુષ્કળ હતું.

આજે સોનલ પાછી યુવાનીમાં પહોંચી ગઈ હતી. વિચારી રહી, વીત્યા વર્ષોની મધુરી યાદ આવે પણ કોઈ ફરિયાદ નથી. કોણ જાણે ટેલીપથી પહોંચી ગઈ હોય તેમ સોનલ રાતે ટી.વી. જોતી હતી. ત્યાં બારણું ઠોકાવાનો અવાજ સંભળાયો. ઊભી થઈને દરવાજો ખોલ્યો તો સામે ,’મારા પૌત્રને લેવા દીકરો વહુ આવ્યા હતા."

‘કેમ બે દિવસ વહેલા આવ્યા.'

વહુ બોલી, ‘મમ્મી તેના વગર ઘરમાં સૂનું લાગતું હતું ."

‘મમ્મી, ઘરમાં જાણીતી સુગંધ આવે છે."

‘બોલ તું કહી આપે તો ખબર પડે."

‘એક મિનિટ મમ્મી, તેં આજે થેપલા બનાવ્યા હતાં ?'

સોનલના કાન માની ન શક્યા કે એના દીકરાને હજુ એ બાળપણની સુગંધ યાદ છે.

તેમના ગયા પછી હરખભેર પલંગ પર સૂવા ગઈ, ક્યારે નીંદર આવી ગઈ તેનું તેને ભાન પણ ન રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational