રચનાઓ મીના શાહની

Inspirational Others

4  

રચનાઓ મીના શાહની

Inspirational Others

વાત આઝાદ પક્ષીની

વાત આઝાદ પક્ષીની

2 mins
289


' પંખી બનું ઊડતી ફીરુ મસ્ત ગગનમે. આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ચમનમે '

રવીના સાંભળી રહી. કેટલી આઝાદી આ ગીત ગાનાર હીરોઈનને. યાદ આવી ગઈ પોતાની સખી સીમા. બંનેના સાથે જ લગ્ન થયાં હતાં. પોતે વસ્તારી ઘર, સાસુ-સસરા,નણંદ દિયરને સાચવવામાં અને પતિની લાડકી થવાના પ્રયત્નોમાં પરોવાઈ ગઈ. પછી તો બાળકો અને તેમને મોટા કરવાની ડ્યુટી. વીસ વરસ ક્યાં નીકળી ગયા ખબર ના રહી. આજે સાસુ-સસરા હયાત નથી. દિયર-નણંદ પોતાના સંસારમાં. બાળકો પણ કોલેજના ઉંબરે પોતાની મસ્તીમાં. પતિ ધંધામાં વ્યસ્ત. પોતાને સાચવતો પણ પ્રણય મસ્તી કે મીઠી વાતો તેને મન વેવલાવેડા. ઠીક છે. સંસાર ચાલી રહ્યો છે. પોતાના બધા શોખ અને આવડત ભૂલાઈ ગયાં છે.

સીમા નસીબદાર. બે વરસમાં જ છૂટાછેડા લઈ લીધા. પતિ સાથે માનસિક વેવલેન્થ નથી મળતી વિચારીને. આજે આઝાદ પક્ષીની જેમ રહે છે. ના કોઈ કટકટ ના કોઈ જવાબદારી.

ગીત સાંભળતા જ સીમાની યાદ આવી. ઘણા સમયથી નહોતું મળાયું. તેથી તેને ફોન કરીને મળવાનું નક્કી કર્યું.

સાંજે હોટલમાં બેસીને બંને સુખદુઃખની વાતો કરતા હતા. રવિનાએ કહ્યું " સીમા તું સાચે જ નસીબદાર છે. લકી. મારી એ સમયે હિંમત ના ચાલી. આજે પસ્તાવો થાય છે. કાશ તારી જેમ મેં પણ મુક્તિ લઈ લીધી હોત આ બંધનમાંથી. તારી જેમ જ સરસ કેરિયર બનાવત અને આઝાદ પક્ષીની જેમ રહી શકત. "

સીમા ફિક્કું હસી અને બોલી" હા હું આઝાદ પંખી છું. ફાવે ત્યારે ફાવે ત્યાં જાઉં પણ મારી પાસે મારો માળો નથી. ઘરમાં એકલતા લાગે ત્યારે બહાર નીકળી પડું. સુખી હોવાની ભ્રમણાને પોષુ. પેલા બંધનની પળોજણ નથી. પણ સાચું કહું ? એ બંધનથી મળતી સલામતી કે હૂંફને હવે હું ઝંખું છું. માનીશ ? આજે તો કોઈ સાથે અમસ્તા વાત કરું તો પણ આંગળીચિધામણ થાય છે. અરે સખીઓ પણ તેમના પતિથી મને દૂર રાખે છે. અને પુરુષો,તેમના માટે જાણે હું એક ગમે ત્યારે મળતું રમકડું છું. વળી સાજેમાદે મને મળતી હૂંફ કે પ્રેમનો તો મારા જીવનમાં સમાવેશ જ નથી. આઝાદ પંખીની જેમ ઊડું છું. પણ થાકું ત્યારે કોઈ વિરામ સ્થાન નથી. માળામાં રહેવા તલસુ છું. મને કોઈ સમજે તેવી અપેક્ષા રાખું છું. આઝાદ પક્ષી કરતા પિંજરાનું પક્ષી મને સુખી લાગે છે. તેને સમયસર બધું મળે તો છે ભલે સામાની મરજીનું. વળી પિંજરામાં રાખનારનો પ્રેમ પણ મળે છે. આઝાદ પંખીને તો ગમતું મેળવવા માટે મહેનત કરવી પડે છે અને ફાંફાં મારવા પડે છે. કોઈનો પ્યાર કે લાગણી તો કામચલાઉ જ મળે. આઝાદીનું મૂલ્ય ઘણું ચૂકવવું પડે છે. તું જ વિચાર કોણ નસીબદાર ?"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational