Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN MAKWANA

Inspirational

4.8  

PRAVIN MAKWANA

Inspirational

કેળવણીના કર્ણધાર રાઘવજી માધડ

કેળવણીના કર્ણધાર રાઘવજી માધડ

10 mins
341


ગામડાથી ગાંધીનગર સુધીની યાત્રા કરનાર સર્જકનું ગુજરાતી સાહિત્ય જગતમાં ખાસ કરી ટૂંકીવાર્તા, નાટક, લોકકથા, નવલકથા અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે, જેમનું મૂઠ્ઠી ઊંચેરું નામ ને કામ છે એવા સર્જક શ્રી રાઘવજી માધડ સાથેનો રૂબરૂ સંવાદ અહીં રજુ કર્યો છે.

• આપનું બાળપણ ક્યાં અને કેવી સ્થિતિમાં વીત્યું, પસાર થયું ?

સૌરાષ્ટ્રના અમરેલી પાસેના દેવળિયા ગામમાં. સાવ છેવાડાના,તદ્દન ગરીબ પરિવારમાં જન્મ, ઉછેર. મા-બાપ દિવસભર મજૂરીએ હોય. રખડ્યાં, ભટક્યાં અને અભાવ વચ્ચે ઉછર્યા. એ બધું સ્વભાવમાં વણાઈ ગયેલ. તેનો અફસોસ થયો નથી. અને તેની અહીં રટણા કરવાનો પણ કોઈ અર્થ નથી. પણ આજે એમ કહી શકાય કે એ સંઘર્ષ અને સારા-માઠા અનુભવોના લીધે ખરા અર્થમાં મારું જીવન ઘડતર થયું. બહુ મોટી વાત હોયતો એ દારુણ સ્થિતિમાં મને મા-બાપે ભણાવ્યો. નહિતર એ સમયે સૌરાષ્ટ્રમાં હીરા ઘસવાના કાર્યની બોલબાલા. ગામ આખું ઉલેચાઇને સુરત ભેળું થઇ ગયેલું. હીરામાં કમાણી સારી. છતાંય ગરીબીને ગણકાર્યા વગર ભણાવ્યો. બાળપણની આ સૌથી મોટી ઉપલબ્ધિ. 

• અભ્યાસ ક્યાં અને કેટલે સુધી...

પ્રાથમિક શિક્ષણ મારા વતનના ગામ દેવળિયામાં. જ્યાં મને વાર્તાના ઘૂંટ પીવા મળ્યા ને હું વાર્તાનો હરેડ બંધાણી થયો. માધ્યમિક શિક્ષણ અમરેલીમાં અને ત્યાર પછીનું શિક્ષણ રાજકોટમાં લીધું. પી.ટી.સી., એમ.એ., બી.એડ્, એમ.એ.,(એજ્યુકેશન) પીએચ.ડી. સુધીનો શૈક્ષણિક અભ્યાસ.

• લખવાનું ક્યાંથી સુઝ્યું ?ક્યારથી શરૂઆત કરી ?

આજેય કોયડો છે કે, લખવાનું સુઝ્યું ક્યાંથી અથવા આવ્યું ક્યાંથી ? પરિવાર સાવ અભણ. પેઢીમાં કોઈએ લખ્યું–વાંચ્યું નથી તેથી લખવાનું સૂઝે જ ક્યાંથી ! પણ પ્રાથમિક શિક્ષણ દરમ્યાન વાર્તારસ પામ્યો હતો તેથી વાર્તાની ચોપડીઓ વાંચતો થયો, વાંચતો રહ્યો. શિક્ષક થયો ને એક દિવસ લખવાનું સુઝ્યું, લખ્યું. સાભાર પરત થયું, સુધાર્યું. મોકલ્યું ને પ્રથમ કૃતિ ‘ચાંદની’ સામયિકમાં પ્રગટ થઇ. ઉત્સાહ બેવડાયો, વિશ્વાસ વધ્યો પછી તો ગાડું ચાલ્યું.  પણ મારા પાસે મૌલિક લેખનનો મહાવરો હતો. હું પાનાઓ ભરીને પ્રેમપત્રો લખતો. જો કે તેની સાહિત્યિક ગુણવતા કહી શકાય એવું કશું નહોતું. માત્ર શબ્દોની માયાજાળમાં ભરપૂર પ્રેમાવેશ પ્રગટતો હતો. જે અમને બંનેને સારી રીતે સમજાતો હતો. એક સમયે આ પત્રો લખવાનું બંધ થયું.પણ લખ્યા વગર ચાલે એવું નહોતું. પછી પ્રાઇવેટ પત્રો - લખાણ, જાણે પબ્લિક પ્રોપર્ટી થઇ ગયા ! 

દૂરદર્શનના એક સાક્ષાત્કારમાં મને પૂછેલું કે, પ્રેમપત્રો લખવાના કેમ બંધ થઇ ગયા હતા ? 

મેં કહ્યું હતું કે, જે હતાં એ ગૃહલક્ષ્મી બની ગયાં. પછી તો કોને, ક્યા સરનામે પત્ર લખું ! 

• વાર્તાઓ જ લખવાનું કેમ સુઝ્યું ? બીજા કોઈ સ્વરૂપના બદલે..

કવિરાજ ! એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે સૂઝવું એ આયોજિત કે હેતુસભર હોય ને ઊગવું એ અનાયસે બને. દાખલા તરીકે વરસાદનો પહેલો છાંટો પડે ને તે પામી કોઈ બીજ પથ્થર ફાડીને પણ પ્રગટે, ઉગે. મારા માટે કંઈક આમ થયું છે. સૂઝ્યું પછી પહેલા ઊગ્યું છે ! ગોડ ગિફ્ટ !

છતાંય કહું તો,કોઇપણ સર્જન-સ્વરૂપ પ્રથમતો પદ્યરૂપે મનોભૂમિ પર રચાતોને ખેલાતો હોય છે. શબ્દરૂપે કાગળ પર અવતરે ત્યારે તેનું રૂપ બદલાતું હોય છે. બાકી મનમાં તો એક પીંડ બંધાય. પછીતો ઝૂઝવા રૂપ અનેક જેવું. પણ મેં વાર્તારસ આકંઠ પીધો છે. પેટભરીને બાલ્યકાળમાં વાર્તાઓ સાંભળી છે. મારાં દાદી રસાળ શૈલીમાં વાર્તાઓ કહેતાં. ખાસતો એ જયારે કોઈ બીજા ગામ -ગામતરે- જાય ત્યાં ઘર અને આડોશ-પડોશના સ્ત્રીવર્ગ આગળ મોડી રાત સુધી વાર્તાઓ કહે. શિયાળો હોયતો ચૂલા પાસે નહિતર ઓસરીમાં એકબાજુ બેઠક જામે. સઘળા એક કાનેને ધ્યાને સાંભળે કે ન સાંભળે પણ હું તો તલ્લીન હોઉં ! અને આવી વાર્તાઓ સાંભળવા જ દાદી સાથે રડીને પણ ગામતરે જતો. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ વેળાએ, શિક્ષક પાસેથી વાર્તાઓ સાંભળવા મળી. અને વાર્તાઓની નાની-નાની ચોપડીઓ પણ વાંચવા મળી. આગળ જતા માધ્યમિક શિક્ષણમાં એક શિક્ષકે-ગુણસુંદરીનો ઘર સંસાર-પાઠ ભણાવતા પૂર્વે લગભગ એક અઠવાડિયું સરસ્વતીચંદ્ર નવલકથાનો સારાંશ કહી સંભળા વેલો. ત્યાં સુધીમાં તો હું વાર્તાનો હરેડ બંધાણી થઇ ગયો હતો. વળી વર્ગખંડમાં વાર્તાઓ સાંભળી એટલે શિક્ષણ સાથે વાર્તા જોડાયેલી એવું સમજતો પણ થયો હતો. આ બધું સરવાળે મારા વાર્તા રસને પોષક બન્યું હતું. તેથી વાર્તા પ્રત્યેનો લગાવ સવિશેષ રહ્યો. તે સમયે શિક્ષક હોવું એ પણ ઉપકારક રહ્યું. અને મને જગત એક વાર્તાકાર તરીકે જુએ, સમજે એવું પણ મનમાં ખરું.

• ખાસ કરીને ક્યા ક્યા સાહિત્યસ્વરૂપમાં કામ, સર્જન કાર્ય કર્યું છે ? 

મેં ગદ્યમાં જ સર્જન કાર્ય કર્યું છે. પદ્યમાં ક્યારેય હાથ અજમાવ્યો નથી. પણ અહીં એક વાતનો ઉલ્લેખ કરીશ કે કોઇપણ સામયિકમાં સૌથી પહેલા કવિતાઓ વાંચું છું. પછી બીજું.આમ કવિતાઓ વાંચવી બહુ ગમે છે. ખાસતો ટૂંકીવાર્તા, નાટક, નિબંધ, નવલકથા અને લોકકથામાં કામ કર્યું છે. તેમાં ટૂંકીવાર્તા એ મારો પ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. સૌથી વધુ પોંખાયો, ઓળખાયો ને હરખાયો હોંઉ તો વાર્તાઓમાં.

• ટૂંકીવાર્તા આપનો પ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. તો તેનાં વિશે માંડીને વાત કરશો !

મારો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઝાલર’ ઇ.સ.૧૯૯૧માં પ્રગટ થયો. જેની પ્રસ્તાવના શ્રી જોસેફ મેકવાને બહુ ઉમળકાથી લખી આપી હતી. અને વિમોચનવેળાએ પણ અમરેલી મુકામે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું ઇનામ મળ્યું. બે-ત્રણ આવૃત્તિ થઇ. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ પસંદ થયું. વિવાદમાં આવ્યું. કોર્ટ કેસ થયો. પછી આર્થિક ને માનસિક પીડા પારાવાર. લખવાનું છૂટી કે તૂટી જાય એવી સ્થિતિ સર્જાય.તેમાંથી બહાર આવતા ખાસ્સો સમય લાગ્યો હતો. પણ જે પ્રિય હોય, પ્રશ્નો પણ તેના જ હોય ને !

વાર્તાને મેં પાળી, પોષી છે કે વાર્તાએ મને. આજેય ન જડે તેવો જવાબ છે. પણ વાર્તા મારી જડીબુટ્ટી છે. વિષમ સ્થિતિમાં વાર્તાનું સર્જન શાતા ને આશ્વાસન આપનારું નીવડ્યું છે. કપરી ને પીડાજનક પરિસ્થિતિમાં સારી વાર્તાઓ નીપજી છે. જાણે કે પીડાના નશા પછી જ વાર્તાને અવતરવું સુઝે છે ! 

વાર્તાઓને ઘણાં ઇનામો મળ્યા. એક સમયે તો જ્યાં સ્પર્ધામાં ભાગ લઉં ત્યાં મારી વાર્તા ઇનામપાત્ર ઠરે. એક વાર્તાસ્પર્ધાના ઇનામ-સન્માન સમારોહના ટી બ્રેક સમયે સર્જક ત્રિપુટી શ્રી જોસેફ મેકવાન, શ્રી દિલીપ રાણપુરા અને શ્રી રજનીકુમાર પંડ્યા સાથે હતો ત્યારે આનંદ અને ઉમળકા સાથે મને કહે  :‘તેં કંઈ ઈનામ લેવાનું ઉધડું રાખ્યું છે !’ મારા માટે આ સૌથી મોટો પુરસ્કાર હતો ને રહો છે. રજનીકુમાર પંડ્યા તો મારા વાર્તાગુરુ. વાર્તાશિબિરમાં તેમના પાસેથી ઘણું શીખવા મળ્યું છું. 

નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા આપવામાં આવતો ‘કેતન મુનશી વાર્તા પારિતોષિક ’(જેની ધનરાશી રુ.૨૫૦૦૦ છે.) જે ઇ.સ.૨૦૧૩માં મને મળ્યો. ત્યારપછી ક્યાંય ભાગ લીધો નથી. આ બાબતે થોડો પ્રમાદી છું. ઇનામ માટેની તૈયાર સામગ્રી-પુસ્તકો મોકલ્યા વગર પડી રહે ને અવધિ વીતી જાય !  ક્યાંક વળી નિર્ણાયકમાં હોવાથી તેથી પણ મર્યાદા આવી આવી જાય.

વાર્તાએ વળાંકો લીધા પછી પણ નદીનાં જેમ ખળખળ વહેતી રહી છે. તેમાં એબ્સર્ડ, ઘટનાતત્વ, ઘટના લોપ...ઘટના વગર વાર્તા શક્ય નથી. ઘટના કાચી સામગ્રી છે. સર્જકે આ કાચી સામગ્રીને પોતીકી સર્જક પ્રતિભા થકી કળાઘાટ આપવાનો હોય છે. જિંદગીની કોઈ એક એવી ક્ષણને કળાના ખરલમાં ઘૂંટીને વિસ્તારવાની હોય. આવું હું સમજ્યો છું. જેથી વાર્તાની કાચી સામગ્રી તરીકે લગભગ કોઈ ઘટના કૃતક રીતે ઉપજાવી, નીપજાવી નથી. જોયા,અનુભવ્યાને વાર્તાનો વિષય બનાવું છે. જેથી વાચક ને પોતાનું-પોતીકાપણું લાગે છે. આમેય વાચક કથામાં સ્વને શોધતો હોય છે ને પછી કથા નાયક - નાયિકામાં પોતાને મૂકી મસ્તીથી સ્વૈર વિહાર કરતો હોય છે ! 

• સર્જન પૂર્વે અને પછીની સ્થિતિ કેવી હોય છે ?

 સાવ ઓછા શબ્દોમાં કહેવું હોય તો, પરકાયા પ્રવેશ અને પ્રસવ જેવી સ્થિતિ ! કથાબીજ મનમાં રોપાયા પછી તે અંદરને અંદર ઊગતું, ઊછરતું હોય છે. એક સમયે તે અવતરવા મથે ને સર્જક શબ્દ દેહ આપે. પણ તેમાં પસાર થવું લાંબુ ને કપરું છે. ગર્ભધાનથી લઇ પ્રસવકાળ સુધીમાં સ્ત્રી તબક્કા વાર જે અનુભવે, આહલાદક પીડામાંથી પસાર થાય એવું જ સર્જક માટે બને છે. કથાબીજ આકારાતું રહે તેમ અંદર વમળાતું પણ રહે. ટાણે કટાણે આ બીજ તેની હાજરી નોંધાવતું રહે. જો યોગ્ય નોંધ ન લેવામાં આવે તો છટકી પણ જાય. પછી હાથ આવે અને ન પણ આવે ! કથાબીજ રોપાયા પછી મનોભૂમિમાં બરાબરનું ઊગી નીકળ્યું કે ગોઠવાઇ ગયું હોય તે તુરંત જ લખવાનું મન થાય. લખવા માટે પ્રેરે. જો પરિપક્વ થયું હોયતો બહાર આવવા એકદમ ધસી આવે. આષાઢી મેઘની જેમ તૂટી પડે. તેમાં વળી કોઈ કથાપાત્ર કેન્દ્રી હોયતો એ પાત્ર જાણે સ્થળ-કાળ-સ્થિતિ જોયા વગર સામે આવીને કહે: ‘મને લખ..!’અને લખ્યા પછી જાણે હળવાફૂલ ! માતાએ પ્રસવ ની પીડા અનુભવ્યા પછી જે સુખાનંદ અનુભવે..કંઈક અંશે એવું જ. પણ દર વખતે આવું ન બને.

મારા જેવા ન્યુઝપેપરમાં નિયમિત કોલમ લખનારા માટે તો, પ્રસવની પીડા ઉમટે કે ન ઉમટે... લખવું જ પડે. વળી વાર્તા-લેખ લખવા માટેના આમંત્રણને આધિન થઇ ક્યારેક રાત ઉજાગરા પણ ખેંચવા પડે. ત્યારે તો સર્જન પૂર્વે અને પછીની સ્થિતિ. કફોડીને કપરી હોય છે. કયારેક મજુરી કરતા હોય એવું લાગે. કયારેક સવાલ થાય કે આવું બધું શું કરવા ? શું જરૂર છે આવી રીતે લખવાની ? પણ જવાબ હાજર છે : તમે એકવાર એક્સપ્રેસ હાઇવે પર આવી જાવ પછીતો ગાડીને અમુક સ્પીડમાં તો ચલાવવી જ પડે ! કારણ કે છેલ્લા વીસ વરસથી અગ્રગણ્ય દૈનિકપત્રોમાં કોલમ લખું છું ને એટલો જ વંચાઉં છું એ હકીકત છે. વળી શિક્ષણજગત સાથે સંકળાયેલો છું.

• મને પ્રશ્ન થાય છે કે, રાઘવજીભાઈ તમે વરસોથી કોલમ લખો છો. ને તમારી વ્યસ્તતા હું જાણું છું. પહેલા તો કોલમ લખવા વિશે આપનું શું કહેવું, મંતવ્ય છે...અને કોલમ-મેટરની સમય મર્યાદા હોય છે..તેને પહોંચી વળવું શક્ય કેમ બને છે ?

કોલમ-કટાર લેખન વિશે મતાંતર રહ્યા છે.કોઈ મુરબ્બી સલાહ આપે છે:તમે આમાં ઘસાઇને વેડફાઈ  

 જાવ છો. લાગણી શિરોમાન્ય. અમુક અંશે આવું બને. પણ કોલમ લેખન પ્રમાદથી બચાવી સતત લખાવે છે, જીવંત રાખે છે. અને આવી જીવંતતા એ જીવન રસાયણ છે. લોકો સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ છે.પ્રસિદ્ધિ અપાવે છે. ભલે કોઈ કહેતું હોય કે, મને પ્રસિદ્ધિનો મોહ નથી..પણ એ નર્યો દંભ છે. જાહેરમાં કોલમ લેખનની ટીકા કરનારા મને કાનમાં કહી જાય છે-મારું ક્યાંક ગોઠવી આપો ! 

પણ ઘણાં દિગ્ગજ સર્જકો કોલમ લખે છે. વંચાય છે...ને એટલાજ પોંખાય છે એ હકીકત છે. રહી વાત નિયમિત લેખનની...હા,અઘરું છે પણ અશક્ય નથી. આજે બેદાયકા કરતા વધુ સમય થયો ‘ફૂલછાબ, સંદેશ, જનસત્તા, સમભાવ, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર...દૈનિકો લખતા પણ ક્યારેય કોઈ હપ્તો લખવાનું ચુક્યો નથી. પહેલા તો કોલમના લેખન માટે ટાણે-કટાણે લખવું પડે છે. મેટર માટે સતત ખાંખાખોળા કરતા રહેવા પડે છે, ઘણાં કામ-પ્રસંગના ભોગે સમયતો આપવો પડે છે. બીજું કે હું એડવાન્સમાં હપ્તા લખી રાખું છું. જેથી કોઈ વિપરીત સંજોગોમાં લખી ન શકાય ત્યારે તે ખપમાં આવે. અને હવે તો ટેકનોલોજીના લીધે ઘણું કામ સરળ બન્યું છે. કવિરાજ,આપ પણ કોલમિસ્ટ છો !

• કોલમની માફક ધારાવાહી નવલકથાઓ પણ લખી છે...એ વિશે પણ કહો.

આપણે ત્યાં છાપાઓની પૂર્તિઓમાં હપ્તાવાર નવલકથાઓ લખાય ને છપાય છે. પણ આ કોલમ કરતા વધારે અઘરું કામ રહ્યું છે.કોલમમાં હપ્તો લખી છૂટી જાવ છો. જયારે નવલકથામાં સળંગ ને સતત સાતત્ય જાળવવું પડતું હોય છે. કથા સાથે જ ચાલવું કે વહેવું પડતું હોય છે. જે સર્જકો એડવાન્સમાં આખી કથા લખીને આપી દે તેને આવા પ્રશ્નો નડતા નથી. પણ મારા માટે લખવાનું પણ હપ્તાવાર બન્યું છે..ચાર-પાંચ હપ્તા લખાયા હોય ને કથા પ્રગટવી શરુ થાય. વળી સાથે કોલમ પણ ચાલતી હોય. એટલે વધારે ટેન્શન રહે.પાત્રો અને કથાનો પ્રવાહ છટકી કે કયાંક ભટકી ન જાય તેની તકેદારી રાખવી. કારણ કે હપ્તો પ્રગટ થઇ ગયો હોય એટલે સુધારાને અવકાશ હોતો નથી. વળી હપ્તો પૂર્ણ કરો ત્યાં વાચકને, આવતા હપ્તા સુધી લઇ જવા કંઈક એવી વિગત મૂકવું પડે. છતાંય સઘળું સમુસૂતરું પાર પડે. પણ ક્યારેક કથા ડહોળાઈ જાય, દુણાઈ જાય...લાંબો પથારો પાથર્યો હોય ને પછી ઊઠતો બકાલી સઘળું ઝડપથી સંકેલી લે આવું બને.મઝા ન આવે. પણ પુન: આવૃત્તિ વખતે જરૂરી સુધારા-વધારા કરી લેતો હોઉં છું. 

મારી દરેક નવલકથા આમ ધારાવાહી જ પ્રગટ થઇ છે. જેમાં શક્ય છે કે ઉપર જણાવ્યા મુજબની મર્યાદાઓ રહી જવા પામી હોય. પણ અહીં એક નવલકથા વિશે અણસાર આપવો છે કે, સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા પર લખાયેલી ‘જળતીર્થ’ નવલકથા હું જાણું છું ત્યાં લગી ગુજરાતી ભાષાની આ પ્રથમ નવલકથા છે. જેની ઠીક ઠીક નોંધ લેવાઈ છે. તેમજ સાવ નવો જ વિષય -સેરોગેટ મધર- લઈને ‘કૂખ’ લઘુનવલ ન્યુયોર્કના એક ગુજરાતી સાપ્તાહિકમાં પ્રગટ થઇ હતી. 

‘તરસ એક ટહુકાની’ નવલકથા ‘ફૂલછાબ’ દૈનિકમાં પ્રગટતી હતી.ત્યારે વાચકોના એટલા બધા પત્રો આવતા રહ્યા:નાયિકાને આટલું દુઃખ ન આપો. તેમણે તમારું શું બગાડ્યું છે ? પાત્રો જાણે કલ્પના જગતના નહી પણ હયાત વ્યક્તિ હોય એમ વાચકો સમજવા લાગ્યા. એક વાચકતો રૂબરૂ મળવા આવ્યો..ને છેવટે કથાનો અંત મારે સુખદ આપવો પડ્યો. આવું બનતું હોય છે..ધારાવાહી કથાઓમાં ! વળી પાછું ‘લોકપ્રિય’નું લેબલ મારી કોઈ નાકનું ટીચકું ચઢાવશે ! 

• રાઘવજીભાઈ તમારા કથાસાહિત્યમાં સત્વ છે અને સાથોસાથ લોકભોગ્યતા પણ છે...એટલે જ ઘણાં અભ્યાસુઓએ એમ.ફિલ.,પીએચ.ડી. નિમિતે કાર્ય કર્યું છે. બધું જ સ્વીકાર્ય પણ લોકકથાઓમાં આપે સર્જન કર્યું છે તેનાં વિશે થોડી વાત કરો... 

લોકકથાના સર્જકો આંગળીનાં વેઢે ગણી શકાય એટલા માંડ હશે. એક સમયે આ પેઢી વિરમી જશે ત્યારે લોકકથા, લોકસાહિત્ય લખનાર કોઈ નહી હોય. હા,વાંચનારો ને સંભાળનારો વર્ગ હજુય છે. પણ આ કામ ધૂળધોયાનું છે.મથામણ માગી લે તેવું છે. ખાંખાખોળા કરીને શોધવું...ભાગ્યે જ કોઈને ફાવે એવું છે. સામે આવા જાણતલ માહિતીદાત્તા પણ રહ્યા નથી.

પણ હું આવા કથા-પ્રસંગો શોધીને મારી નીજી વાર્તાકળામાં ઢાળું છું. તેમાં પાત્રો, સંવાદ, પરિવેશ, પરંપરા, રીત-રિવાજ...વગેરની ખૂબ જ કાળજી લેવી પડે છે.કથા મુજબ જ બધું આવવું જોઈએ.જેમ વાર્તાસર્જનમાં,બજાણીયો દોરડા પર ચાલતાં સહેજ નજર ચુકેતો લપસી પડે...એવું જ લોકકથામાં છે.પણ વાર્તા કસબ, કાઠીયાવાડી બોલી-પરંપરાઓ...મારા લોહીમાં લવકે છે જેથી આ શક્ય બને છે. 

આજે ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રસરંગ પૂર્તિમાં ‘ચંદરવો’ નામે કોલમ પ્રગટ થાય છે. જે અગાઉની કોલમ ‘ધુમ્મસ’ કરતા પણ વધુ વંચાય છે, પ્રતિભાવો મળે છે.

લોકકથાઓના મારા ચાર સંગ્રહો પ્રગટ થયા છે. જેમાં બે સંગ્રહો સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યા છે. 

• સાહિત્ય,લોકસાહિત્ય,રેડિયો નાટક, દૂરદર્શન શ્રેણી, ફિલ્મકથા-પટકથા-સંવાદ,ઉત્તમ વક્તા-ઉદઘોષક ... આમ બહુવિધ પ્રતિભા સંપન્ન વ્યક્તિ છો. પણ શિક્ષણમાં જે પ્રદાન કર્યું છે તેની વાત કરો...

શિક્ષક તરીકે મારી કારકિર્દી શરુ કરી,પછી કેળવણી નિરીક્ષક, શિક્ષણ તાલીમ ભવનમાં વ્યાખ્યાતા, જીસીઇઆરટીમાં પ્રકાશક, સંશોધક ને પાઠ્યપુસ્તક નિર્માણની જવાબદારી સંભાળી છે. તાલીમ, સંશોધન અને અભ્યાસક્રમ મારા રસના વિષયો રહ્યા છે. આ નિમિતે દેશના મોટાભાગના રાજ્યોમાં જવાનું બન્યું છે. ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં પી.ટી.સી.નો અભ્યાસક્રમ,પાઠ્યપુસ્તક લેખન તેમજ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાના ગુજરાતી વિષયમાં સંકળાયેલો રહ્યો છું. રીજીયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન,ભોપાલ (એનસીઇઆરટી) સાથે વરસોથી જોડાયેલો છું. ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો સાથે માતૃભાષાનું પ્રશિક્ષણ કાર્ય કરી રહ્યો છું. કોઇપણ શૈક્ષણિક કાર્યક્રમમાં વક્તા તરીકે, માતૃભાષા અંગેની વાત અનિવાર્યપણે રજુ કરું છું.

ધોરણ ૮ અને ૧૧ ના ગુજરાતી વિષયમાં એક એક પાઠ સમાવિષ્ઠ થયો છે.  

• છેલ્લો સવાલ...આપનું સાહિત્ય અને શિક્ષણમાં જે પ્રદાન છે તેના પ્રમાણમાં જે નોંધ લેવાવી જોઈ તે મારી દ્રષ્ટિએ લેવાઈ નથી, તેનાં વિશે આપની પ્રતિક્રિયા ? 

કવિરાજ ! આ કોમન સવાલ છે. દરેક સર્જકને આમ થતું જ હોય છે. પણ આપણે ત્યાં જીવતા જગતિયું કર વાનો લગભગ રિવાજ નથી. અમુક સર્જકની મૃત્યુ પછી વાહ..વાહ..થતી હોય છે. વળી નોંધ લેવડાવવાની એ તરકીબોમાં હું સાક્ષર નથી. પણ સારા કામની કદર થતી જ હોય છે. માત્ર યોગ્ય સમય ની રાહ જોવાની હોય છે. દેર હૈ, અંધેર નહી હૈ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational