Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Tragedy

4.8  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Tragedy

રહસ્ય રહેમાનના પાળિયાનું

રહસ્ય રહેમાનના પાળિયાનું

5 mins
441


રણની બળબળતી બપોરે માથે મોટો રૂમાલ બાંધી કાળા ચશ્મા પહેરી જલ્દી મીઠાના અગરમાં રાજકોટીયા મશીન માટેનું ભોજન ડીઝલ અને અગરિયા માટે સીધું સમાન લઈને રણની સવારી જુના રાજદૂત બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા. પાછળ બેઠેલો અગરિયો ભેમો બોલ્યો,

"બાપુ રેમનીયાનો પાળિયો આવે તો હોર્ન મારી દેજો હો."

ગરમ વાતી લૂ અને સુસવાટા મારતા પવનમાં તેની વાત બહુ સંભળાઈ નહીં મને એમ કે, દારૂની કોથળીની ગોઠવણ કરતો હશે આ બીજા છાપરેથી એટલે ભેમલાની વાત પર બહુ ધ્યાન ન આપ્યું. 

થોડે આગળ વધ્યું ઉજ્જડ રણમાં એક પથરો ઊભો હતો તેનાથી બસો મીટર જેટલા અંતરે બાજુમાંથી અમે પસાર થઈ રહ્યા હતા. એવામાં અચાનક જ કોઈનાં હાકોટાનો અવાજ સંભળાયો અને રાજદૂત સ્લીપ ખાઈ ગયું. હું ને ભેમો બંને પડ્યા ગરમ રેતીમાં અને ધૂળ ધૂળ થઈ ગયા.

"બાપુ મેં નતું કીધું કે રેમનીયાના પાળીએ હોર્ન વગાડજો...!" ધૂળ ખંખેરતા ભેમલો બોલ્યો.

"શું બોલ્યો તું ? કોના પાળીયાની વાત કરે છે તું ? હું નવાઈ પામતા બોલ્યો.

 "અલે લે.. બાપુ ગામના થઈને એટ્લીય ખબર નહીં તમને ? ઓલો સામે ઊભો ઈ રેમનીયાનો પાળીયો છે. જે અહીંથી નીકળે ઈ હોર્ન ન મારે એટલે હાકોટો કરી પછાડે છે."

 મને આ વાત આ અગરિયાની અંધશ્રદ્ધા લાગી એટલે હું હસવા લાગ્યો અને બોલ્યો,

"સારું ચાલ બેસી જા તને તો ગરમી નહીં લગતી પણ મને તો ખુબ ચામડી બળે છે ને તરસ પણ લાગી છે."

"તમે બહુ ભણેલા છો એટલે અમારી અગરિયાની વાતો નહીં સમજી શકો." ભેમલો બોલે વધુ એ પહેલા જ મેં નજર નાખતાં ડાહ્યો બનીને બાઈક પર બેસી ગયો.

ફરી બાઈક ચાલુ કરીને રણમાં અશ્વની જેમ દોડતા ઘુડખરની સાથે હરીફાઈ કરતા હોય તેમ બાઈક દોડાવતા ભેમલાના છાપરે પહોંચી ગયા. ત્યાં બીજા બેચાર અગરિયાઓ ભેમાંની રાહ જોઈ બેઠા હતા. મને જોતા જ લાજ વાળીને ભેમલાની ઘરવાની છાપરામાં ચાલી ગઈ.

 "અલ્યા બાપુ પહેલીવાર છાપરે અયા છે. મસ્તીનો કાવો બનાઈ દે." ભેમલો રાજદૂત પરથી ઉતરતા જ બોલતા તેની વાત સાંભળી ઈશારાથી લાજ કાઢીને ડોકિયું કરી માથું હલાવી આજ્ઞાકિંત પત્ની રણનો કાવો બનાવવા લાગી.

આ તરફ બધા ઊભા થઈને રામ રામ કરી અમે બધા બહાર છાપરીના છાંયે બેઠા.

"બાપુ ઉડણ બહુ ઉડતું હતું કે શું ?"

પેલા બેઠેલા પ્રૌઢ લોકોમાંથી એકે મને પૂછતાં ભેમો બોલ્યો,

 "ના લ્યાં. રસ્તામાં રેમનીયાએ હેઠાં પછાડ્યા તા." બધા હસવા લાગ્યાં. એક કહે, "હોર્ન મારવાનું ભૂલી ગયા હશો નઈ ?" 

 "હોવે.. મેં બાપુને કીધું તું પણ ઈમને બરોબર હાંમ્ભળ્યું નઈ હોય એટલે."

 હવે મારા મનમાં સવાલ ઘુમવા લાગ્યો કે, "આ રેમનીયો નામનું પાળીયો છે કે દેવતા ? " અને મેં રણની દૂધ વગરની મસ્ત કાળી ચાની ચૂસ્કી લેતા પૂછી લીધું,

"વડીલો આ રેમનીયો ભૂત છે કે દેવ કોઈ ? અહીં બધા તેને બહુ માનતા લાગે છે." મારા સવાલનો જવાબ આપતાં અનુભવી વડીલ બોલ્યાં,

 "બાપુ ઈ ભૂત નહીં કે દેવ પણ નહીં અને આમ જોવા જઈએ તો તમારો જૂનો ડ્રાઈવર હતો."

"હતો મતલબ ?" મરાથી પૂછાઈ ગયું.

બાપુ તમે ભણેલા એટલે આવી વાત કદાચ ભરોહો નઈ કરો પણ આ હકીકત આય રણમાં સહુ મનેખ જાણે છે અને તેને માને છે." પેલા વડીલ બોલતા હતા પણ વાત વિશ્વાસ આવે તેવી જ નહોતી. 

મારી નજર પારખતા ઈ લાંબો શ્વાસ લઈને આખી વાર્તા જણાવતાં બોલ્યાં,

 "રહેમાન નામનો મુસલમાન આપણા ગામમાં મીઠાની ગાડી ચલાવતો હતો. તે ખુબ જ ભલો હતો. ચા પીવાનો ખુબ જ શોખીન હતો. પોતે એકલો હોવાથી આપણા ગામની મીઠાની શેઠની ઓફિસે જ રહેતો અને ગામના તમામ હિન્દુ લોકો સાથે એવો ભળી ગયો હતો કે તે ગમે તે બોલે પણ તેણે લોકો ખોટું લગાડતા ન હતા.

 તમામ ગામલોકો એ પોતાનો જ વ્યક્તિ માનતા હતા. 

આ રહેમાનની એક મનગમતી આદત હતી. રાતનાં અંધકારમાં તે રણમાં ગાડી લઈને આવતો ત્યારે પોતાનું હોર્ન ચાલુ રાખતો અને બીજા ગાડીઓવાળાને પણ કહેતો કે હોર્ન જરૂર વગાડો જેથી અકસ્માત ન થાય કોઈનો જીવ ન જાય. જો કોઈ સામે આવે એને હોર્ન ન મારે તો તે ખુબ જ ગુસ્સે થતો. તે હોર્ન મારવું એ સ્નેહથી સલામ કરવા જેવું છે એકબીજાને એમ કહેતો.

ઘણીવાર ઝગડા પણ કરતો. બધાને સમજાવતો કે રણમાં માત્ર હોર્ન વગાડો તો જ ખબર પડે કે કોઈ ગાડી સામે આવે છે કેમ કે ઊડતી રેતીમાં સામે કોણ આવે ઈ દેખાતું જ નહીં. તેની તો ઈચ્છા પણ એવી હતી કે, હું મરી જાઉં તો દફન ભલે મુસ્લિમ વિધી મુજબ કરે પણ જે જગ્યાએ રણમાં મરું ત્યાં પાળિયો હિન્દુઓની જેમ એક મારો બનાવજો. હું બધાને હોર્ન મારવાનું શીખવીશ જેથી બીજા ઘણાં લોકોના જીવ બચાવી શકું.

કુદરતનો કોપ જાણે ઉતર્યો. એકવાર રહેમાનની ગાડીનું હોર્ન બગડ્યું હતું તેનું મન માનતું ન હતું પણ મીઠાની સીઝન હોવાથી વરસાદ આવે તે પહેલા મીઠું ખેંચી લેવું જરૂરી હતું. હરેક કલાકની કિંમત હતી. બે રાતોથી તે સતત મીઠું ખેંચી રહ્યો હતો.

હોર્ન વગર તે રાત્રે નીકળ્યો અને આ જગ્યા એ રેતની ઢસી તરીકે પ્રખ્યાત છે તથા ખુબ જ રેત ઊડવા લાગી હતી ઉનાળાનાં કારણે વરસાદી પવન સુસવાટા મારતો હતો. ટ્રકનાં બારી બારણાં બંધ હતા. અને એવામાં કોઈ નવો આવેલો ટ્રક ચાલક પૂર ઝડપે મીઠું ભરવા જઈ રહ્યો હતો. તેણે સીધી જ સામે આવીને ટક્કર મારી અને રહેમાનનું પ્રાણ પંખેરું ત્યાં જ ઊડી ગયું.

 રહેમાનની મોતનું આ ગામના હિન્દુ ભાઈઓને સહુથી વધુ દુઃખ થયું. તેના મુસ્લિમ પરિવારજનો આવીને તેનો મૃતદેહ લઈ ગયા અને દફનવિધિ કરી. પણ અકસ્માતની જગ્યાએ રાત્રે રહેમાન હાકોટો પોતાનાં અંદાજમાં કરતો ઘણાને નજરે પડવા લાગ્યો. તેના મિત્રો હિન્દુ ટ્રક ચાલકોને રહેમાનનાં શબ્દો યાદ આવ્યા કે,

"હિન્દુ વિધિ મુજબ મારો પાળિયો કરજો. હું લોકોને સમજાવીશ અને અકસ્માત થતા રોકીશ." 

રહેમાન પ્રત્યેના પ્રેમને વશ થઈ મીઠા ઉદ્યોગપતિઓએ સહમતી આપી આ જગ્યાએ રહેમાનનો પાળિયો ઊભો કર્યો. બસ રહેમાન ત્યારથી આજ સુધી આખરી ઈચ્છા પુરી કરે છે. હોર્ન મારીને સલામી આપો તો રક્ષા કરે છે ! આખાં રણમાં તમારી અને ઝડપી જોઈને નીકળો તો નુકસાન કર્યા વગર નીચે પછાડી સમજાવે છે. આજ સુધી તેણે કોઈને ઈજા કે બાઈકને કે ટ્રકને નુકસાન થવા દીધું નથી કે કોઈ અકસ્માત અહીં થવા દીધો નથી. " 

 વાર્તા પૂરી કરતા એ વડીલ બોલ્યાં, "આ રેમનીયાનો પાળિયો તરીકે લોકો ઓળખે છે. અને તે બધાનું હિત કરતો હોવાથી દરેક વ્યક્તિ તેને હૃદયથી માનીને હોર્ન વગાડી સલામી આપે છે.

 ચૂપચાપ સાંભળીને ઘેર આવીને ગામલોકો પાસેથી પણ આ વાત જાણી. રણના ખારમાં ખવાઈ ગયેલ આ પથ્થરનું આટલું મોટું રહસ્ય હશે તે જાણી ખુબ જ નવાઈ લાગી. પણ દુનિયામાં ઘણું એવું હોય છે જે આપણે જાણી કે સમજી શકતાં નથી એમ માનીને પાછા વળતી વખતે મેં પણ પાળિયા પાસેથી નીકળતા હોર્ન વગાડી જ દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract