Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

આપણા ઉત્સવ

આપણા ઉત્સવ

6 mins
151


કાંતાબેન તેમના એકના એક દીકરા સુહાસ જોડે રહેતા હતા. કાંતાબેન સ્વભાવે એકદમ રૂઢીચુસ્ત. સુહાસના લગ્ન એક વર્ષ પહેલા જ સંસ્કારી અને સુશીલ એવી કલ્પના જોડે થયા હતા. નાનું કુટુંબ સુખી કુટુંબના હિસાબે સૌ હળીમળીને રાજીખુશીથી રહેતા હતા. તેઓની વસ્તી શહેરથી થોડે દૂર આવેલી હોવાથી તેમની જીવનપદ્ધતિ જુનવાણી ઢબની હતી. હજુ પણ તેઓ ઘરે પ્રાણીઓને પાળતા હતા. તેમના ઘરે મરઘા, બકરી અને ગાય જેવા પ્રાણીઓ પાળેલા હતા. ઘરથી થોડેક જ દૂર જંગલ આવેલું હોવાથી આ પ્રાણીઓના ચારણની કોઈ મૂંઝવણ નહોતી. બાકી શહેરમાં એક બકરી પાળવી એટલે હાથી પાળવા જેવું મોઘું પડે! કાંતાબેનને આ બધા પ્રાણીઓમાં કાળા રંગનો મરઘો ઘણો વહાલો હતો. તેઓ તેને શેરા કહીને બોલાવતા. જોકે શેરા પણ નામ જેવો જ તુંડમિજાજ હતો. એવો વટભેર ચાલે કે તેનું સામું થવાનું કોઈ કુતરો હિંમત કરે નહીં. શેરાને કારણે કાંતાબેનની બીજી મરઘીઓ સચવાઈ જતી. શેરા કાંતાબેનનો મનગમતો હોવાથી આખા ઘરમાં રોકટોક ફરતો રહેતો. ટૂંકમાં કાંતાબેનનો પરિવાર સુખી અને આનંદિત હતો.

પતિ મહાદેવભાઈના અવસાન પછી કાંતાબેન દર વર્ષે શ્રાદ્ધની ઉજવણી કરતા. તેઓ કહેતા કે શ્રાદ્ધ એટલે પિતૃઓનો ઉત્સવ કહેવાય. આને ધામધૂમથી ઉજવીએ તો પૂર્વજોની આત્માને શાંતિ મળે. તેઓને લાગે કે તેમના અવસાન બાદ તેઓના વંશજો સુખેથી જીવી રહ્યા છે. બીજા દેશોમાં પણ આ શ્રાદ્ધનો ઉત્સવ ઉજવવામાં આવે છે પરંતુ તેમના નામો અગલ હોય છે. હોલોઈન આવા જ પ્રકારનો એક વિદેશી ઉત્સવ છે. શ્રાદ્ધના ઉત્સવ નિમિત્તે કાંતાબેન દરવર્ષે પાંચ બ્રાહ્મણોને જમાડતા. તેઓ કહેતા કે, “મારા જીવતેજીવ મારા પતિની આત્મા રિબાય તો મારો જીવ બળ્યા કરે. શાસ્ત્રોમાં જે લખ્યું છે તે બધું વૈજ્ઞાનિક છે. આ તો મુઆ કેટલાક લોકોની વિચિત્ર હરકતોને કારણે આપણા ઉત્સવો બદનામ થઈ રહ્યા છે.” માતાને ખુશ રાખવા સુહાસ પણ શ્રાદ્ધના ઉત્સવની તૈયારીઓમાં હોંશે હોંશે જોડાઈ જતો હતો.

આજે તિથિ પ્રમાણે સ્વ. મહાદેવભાઈનું શ્રાદ્ધ હોવાથી કાંતાબેને સવારથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. કલ્પના નવી પરણીને આવેલી હોવાથી તે સાસુમાની સર્વ તૈયારીઓને ધ્યાનથી જોઈને શીખવાનો પ્રયત્ન કરી રહી હતી. જેથી આવતા વર્ષે આ ઉત્સવમાં તે સાસુમાને મદદરૂપ થઈ શકે.

સૌથી પહેલા કાંતાબેને કાળા મરઘા શેરાને એક ટોપલા નીચે રાખ્યો. હવે તેઓ શ્રાદ્ધની તૈયારીઓ કરવા લાગ્યા. મહાદેવભાઈની તસવીર પર સુખડનો હાર પહેરાવી કાંતાબેને તેમને વંદન કર્યા. ત્યારબાદ તેની સામે ધૂપ અગરબતી કરવામાં આવી. આખા પરિવારે તસવીરનું પૂજન કરી લીધા બાદ કાંતાબેને સુહાસને અગાશી પર મૂકવા દૂધ-ભાતનો પડિયો આપ્યો.

સુહાસ અગાશીમાં પડીયો મુકીને આવ્યો તેટલીવારમાં અતિથિઓ આવવાના શરૂ થઈ ગયા હતા. જોતજોતામાં પાંચ બ્રાહ્મણોની પંગત પડી. હવે કાંતાબેને તેઓને યથાશક્તિ દાન આપી તેઓની પૂજા કરી. ત્યારબાદ અહોભાવ સાથે તેમને જમવાનું પીરસ્યું. આખો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો. બ્રાહ્મણોએ કાંતાબેનના આયોજન અને રસોઈના પેટ છૂટી વખાણ કર્યા.

બ્રાહ્મણોના વિદાય બાદ કાંતાબેને ટોપલા નીચે મુકેલા શેરાને બહાર કાઢ્યો અને તેને વહાલથી દૂધ ભાત ખવડાવ્યા.

****

આ ઘટનાને વીતીને મહિના થઈ ગયા. હવે બન્યું એવું કે સુહાસના એક મિત્રે તેને ચારધામની સરસ મજાની યાત્રા વિષે જણાવ્યું. સુહાસને યાત્રાના આયોજકો ઉચિત લાગતા તેણે કાંતાબેન માટે ચારધામની યાત્રાની ટિકિટ બૂક કરાવી લીધી.

કાંતાબેને જયારે આ સાંભળ્યું ત્યારે પ્રથમ તો એ રાજીના રેડ થઈ ગયા પરંતુ યાત્રા બે મહિના લાંબી છે તે જાણી તેઓ થોડા નારાજ થયા. બે મહિના સુધી ઘરથી દૂર રહેવું તેમના માટે થોડું આકરું હતું. વળી આ બે મહિનામાં શ્રાદ્ધ પક્ષ પણ આવતો હતો !

આખરે, સુહાસની સમજાવટથી તેઓ ચારધામ જવા તૈયાર થયા. જોકે તેઓ યાત્રાની તૈયારીઓ કરી જ રહ્યા હતા ત્યારે એક દુઃખદ ઘટના બની ગઈ. કાંતાબેનનો વહાલો મરઘો શેરા અલ્પ બીમારીથી મૃત્યુ પામ્યા.

શેરાનું મૃત્યુ કાંતાબેન જીરવવું કપરું હતું. તેઓ આખો દિવસ ઉદાસ રહેવા લાગ્યા. આ જોઈ સુહાસે કહ્યું. “મમ્મી, ચારધામની યાત્રામાં જઈ રહી છું ત્યારે આમ ઉદાસ થવું ન જોઈએ.”

“બેટા, શેરાનું મૃત્યુ એ કોઈ અપશુકનનો સંકેત તો નથી ને ?”

“મા, આ તું કેવી વાતો કરી રહી છું ? જો એમ જ હોય તો હું તારા માટે એક કાળા રંગનો બીજો સરસ મજાનો મરઘો લઈ આવીશ. આમ શેરાના મૃત્યુથી દુઃખી થવાનો કશો અર્થ નથી. તું તો જાણે જ છે કે જે જન્મે એ મરણ પામે એ કુદરતનો નિયમ જ છે.”

સુહાસની વાત સાંભળીને કાંતાબેન ચોંકી ઊઠ્યા, “બેટા, હું તો ભૂલી જ ગઈ કે એક મહિના બાદ તારા પિતાજીનું શ્રાદ્ધ પક્ષ આવે છે. હવે હું જો ઘરે નહીં હોવું તો કેમ કરીને ચાલશે ! ના... ના... હું ચારધામની યાત્રાએ નહીં જાઉં.”

સાસુમાની વાત સાંભળી કલ્પના બોલી, “સાસુમા, તમે જરાયે ચિંતા કરશો નહીં. મેં શ્રાદ્ધની ઝીણામાં ઝીણી વાતોને યાદ રાખી છે. તમારી ગેરહાજરીમાં પિતાજીના શ્રાદ્ધ ઉત્સવમાં હું કોઈ કમી આવવા નહીં દઉં.”

આખરે કાંતાબેને પુત્ર અને પુત્રવધુની વિનંતીઓને માન આપીને ચારધામની યાત્રાએ પ્રયાણ કર્યા. કાંતાબેનના તીર્થ યાત્રાએ ગયા બાદ મહિના પછી મહાદેવભાઈનું શ્રાદ્ધ આવ્યું. સુહાસ અને કમલા આ શ્રાદ્ધને ઉત્સવની જેમ ઉજવવા માંગતા હતા. કાંતાબેનની ગેરહાજરીમાં કોઈ વાતની ખોટ રહી ન જાય એ માટે તેઓએ કેટલાય દિવસોથી તૈયારીઓ કરવા માંડી હતી. સુહાસે પાંચ બ્રાહ્મણોને ઘરે જમવા માટે નિમંત્રણ પંદર દિવસ પહેલા જ આપી દીધું હતું. એ સવારે કલ્પના જલ્દી જલ્દી ઊઠીને બધી તૈયારીઓ કરવા લાગી. બધું બરાબર ચાલતું હતું છતાંયે કલ્પનાને કઈક ખૂટતું હોય તેમ લાગી રહ્યું હતું. રસોઈ તૈયાર થઈ ગઈ. બ્રાહ્મણોના આવવાનો સમય થઈ ગયો. કલ્પનાએ સસરાની તસવીર પર સુખડનો હાર ચડાવવા પતિને આપ્યો. સુહાસ તસવીરને હાર ચઢાવી જ રહ્યો હતો ત્યાં તે મોટે સાદે બોલી, “યાદ આવ્યું !”

સુહાસે ચોંકીને પૂછ્યું, “અચાનક તને આવું તે શું યાદ આવ્યું ?”

“અરે! આપણાથી ખુબ મોટી ભૂલ થઈ જાત. એજી સાંભળો છો ? સાસુમા બ્રાહ્મણોને ભોજન પીરસવા પહેલા કાળા મરઘાને ટોપલી નીચે રાખતા હતા. વળી જયા સુધી બ્રાહ્મણોનું ભોજન ન થાય ત્યાં સુધી એ કાળો મરઘો ટોપલી નીચે જ રહેતો પછી બ્રાહ્મણોના ગયા બાદ સાસુમાં તેને ટોપલી નીચેથી કાઢીને દૂધ અને ભાત ખવડાવતા.”

સુહાસે આશ્ચર્ય થી કહ્યું, “એમ ?”

“હા, બ્રાહ્મણોને જમાડવા પહેલા તમે કાગડાને દૂધ-ભાત ખવડાવતા અને બ્રાહ્મણોના જમ્યા બાદ માજી મરઘાને !”

“પણ આપણી પાસે તો મરઘો નથી હવે શું કરવું ?”

“કાંઈપણ કરો પણ મરઘો લઈ આવો અને એ પણ કાળા રંગનો. મેં માજીને વચન આપ્યું છે કે તેમના ગેરહાજરીમાં હું બાપુજીનું શ્રાદ્ધ તમે ઉજવો છો એવી જ રીતે ઉજવીશ. જો મરઘો નહીં મળે તો મને એમ લાગશે કે મેં મારું વચન પાળ્યું નહીં. પ્લીઝ, તમે કાંઈક કરો.”

“પણ અહી આપણા સિવાય કોઈ મરઘો રાખતું નથી. આવી પરિસ્થિતિમાં હું ક્યાંથી કાળો મરઘો લાવું ? અને હવે તો બ્રાહ્મણોના આવવાનો પણ સમય થઈ ગયો છે.”

“હું એમણે રોકી રાખીશ પણ તમે જલ્દી બાજુના ગામમાં જાઓ ત્યાં જરૂર કોઈકની પાસે કાળો મરઘો હશે.”

સુહાસે ઉતાવળીએ બાઈકને કીક મારી અને બાજુના ગામમાં બાઈક હંકારી મૂકી. એક પછી એક પાંચે બ્રાહ્મણો આવી ગયા. કલ્પનાએ તેઓને આજીજીપૂર્વક કહ્યું, “મારા પતિ સુહાસ મરઘો લેવા ગયા છે. તમે થોડીક વાર રાહ જુઓ તેઓ હમણાં જ આવી પહોંચશે. મારી રસોઈ તૈયાર જ છે. તેઓ આવે કે હું ભોજન પીરસવાનું ચાલુ કરીશ.”

એકાદ કલાક રાહ જોયા પછી સુહાસ એક કાળો મરઘો ભાડાપેટે લઈ આવ્યો. કલ્પનાએ મરઘાને ટોપલી નીચે મૂક્યો. પછી સસરાજીની તસવીરને સુખડનો હાર પહેરાવી પ્રણામ કર્યા. સુહાસ કાગડા માટે દૂધ-ભાત અગાશી પર મૂકી આવ્યો. હવે, બ્રાહ્મણોને જમવાનું પીરસવામાં આવ્યું. બ્રાહ્મણોએ જમતા જમતા મરઘાની વાત પૂછી ત્યારે સુહાસે તેના માતાની પરંપરા વિશે જણાવ્યું. કાંતાબેન એક સમજદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. તેમના આ કાર્યમાં જરૂર કોઈક જૂની પરંપરા છૂપાયેલી હોવી જોઈએ. આમ સમજી બ્રાહ્મણો મૌન રહ્યા. પરંતું જેમ જેમ લોકોને કાંતાબેનની પરંપરા વિષે માહિતી મળતી ગઈ તેમતેમ તેઓને રસ પડવા લાગ્યો. એ વર્ષે ગામલોકોએ પણ પોતાના સગા-વાલાઓના શ્રાદ્ધમાં કાળો મરઘો લાવી ટોપલી નીચે મૂક્યો. વાત ફેલાયેલી હોવાથી જેમની પાસે પણ કાળો મરઘો હતો તેઓ એક કલાકના ૧૦૦ રૂપિયે લેખે ભાડું પણ લેવા માંડ્યા ! કેટલાક લોકોએ બારણા પર પાટિયું પણ માર્યું “શ્રાદ્ધ માટેનો કાળો મરઘો અમારા ત્યાં મળશે.”

ચારધામની યાત્રા કરી જયારે કાંતાબેન પાછા આવ્યા ત્યારે આવતાવેંત એમણે પૂછ્યું “બેટા તારા બાપુજીનું શ્રાદ્ધ બરાબર કર્યુંને ? કોઈ કમી તો નહીં રહી ગઈને ?

સુહાસ જવાબમાં બોલ્યો, “મા, તારી હોશિયાર વહુએ કોઈ કમી રહેવા ન દીધી, તને વિશ્વાસ નહીં થાય પણ બાજુવાળા ગામમાંથી મેં ૫૦ રૂપિયા આપી કાળો મરઘો પણ ભાડેથી લઈ આવ્યો હતો.”

આ સાંભળી કાંતાબેન ચોંક્યા, “કાળો મરઘો કેમ ?”

કલ્પનાએ કહ્યું, “મા, તમે ટોપલી નીચે કાળો મરઘો મૂકી પછી જ પૂજા કરતા હતા ને ? અને બ્રાહ્મણો ગયા પછી કાળા મરઘાને દૂધભાત ખવડાવતા. બસ અમે પણ તમારી એ પરંપરા ટકાવી રાખી.”

કાંતાબેનએ આ સાંભળી લમણે હાથ મૂકતાં કહ્યું, “વહાલી, હું એ શેરાને ટોપલી નીચે એટલા માટે મૂકતી કે તે અહીં તહીં કૂદાકૂદ કરી બ્રાહ્મણોને જમવામાં હેરાન ન કરે. જયારે તું એ જોઈ સમજી કે એ કોઈ રિવાજ છે.”

કાંતાબેનની વાત સાંભળી બંને પતિપત્ની ખડખડાટ હસી પડ્યા.

કાંતાબેને પ્રેમથી સમજાવતા કહ્યું, “બેટા, હું આ જ તો તમને સમજાવું છું કે લોકો પોતાની જાતે સમજીને રિવાજો ઘડવા લાગ્યા તેમાં જ ગડબડીયા થતા ગયા આપણા ઉત્સવ.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract