Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Tragedy Inspirational

4.9  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Tragedy Inspirational

વેરાન રણમાં પરિવારની હૂંફ

વેરાન રણમાં પરિવારની હૂંફ

5 mins
445


કચ્છના વેરાન રણમાં છાપરી બહાર ખાટલામાં પોતાના નાના દીકરા કાનીયાને માથામાં ખંજવાળતી મા લાભુ તેની જુવાન દીકરી દૂર મીઠાનું કામ કરતી હતી તે સમજુને બૂમ પાડતા બોલી,.. 

 અલી સમજુડી હેડને ઝટ આંય મૅઠામાં પગલી દેવાની હે. "

"એ ના હો બુડી મીઠામાં પગ મારા કાળા થઈ જાહે. માંડ થોડા વાઢીયા પુરાણા હે. " દૂરથી જ સમજુડીએ ધરાહાર ના પડી દીધી એટલે લાભુ ખીજાતા બોલી,

"હાય હાય આ છોડી તો હાવ વંઠી ગઈ હે."

"અરે મારી સદાય લાભ કરનારી લાભુ રાણી. ચમ આજ આટલી બધી રાડો પાડે છે.? જો તારી બુમરાણ હાંભળીને તારા ધણીને મીઠાનો સુંડલો મેલીને આવવું પડ્યું."

લાભુનો રસિક પતિ લાલજી પતિના ચેહરા પરની શરમની લાલાશ જોઈ હરખી રહ્યો હતો. સુખથી છલકતો ગરીબ અગરિયાનો પરિવાર વિપત્તિઓ વચ્ચે પણ મૌજ માણતો હતો.

લાભુએ સમજુડી તરફ આંગળી ચીંધી એટલે લાલિયો સમજી ગયો અને વાત પલટતા બોલ્યો,

"મેલને મારી વહાલી બધી માથાકૂટ હાલને છાપરીમાં આવી ગયો છું તો થોડું વ્હાલ કરી લઉં. પછી રાતે તો નાનકો કાનીયો તારા પડખે સૂતો હોય છે."

મોઢું શરમથી બે હાથે છુપાવતા લાભુ બોલી,

 "હાય હાય બે છોકરાનો બાપ થઈને આવું બોલતા શરમાતા જ નહીં. જવો છાનામાના સુંડલો ઉપાડો હમણાં સૂરજ દેવ ઈમના ઘેર વહ્યા જાહે ને કામ તમારું અધૂરું રઈ જાહે."

લાલિયો લાભુનો હાથ પકડીને ખેંચીને છાપરીમાં લઈ ગયો એ જોતા સમજુડી પિતાને સહકાર આપવા બોલી,

"એ કાનીયા આંય આવ જલ્દી કંઈક બતાવું."

કાનીયો દૂર જતા છાપરું લાલજી અને લાભુના હેતથી છલકાઈ ગયું. આનાકાની કરતી લાભુ પણ માંડ મળેલા એકાંતને પતિના વરસતાં વ્હાલ સાથે માણવા લાગી. લાલજી લાભુની હેત છલકતી આંખોમાં જોતા બોલ્યો,

 "તારી આંખોમાં ઘૂઘવતો સાગર, ને મારી આંખોમાં રણ 

આમ જુવો તો બને સરખા, તરસ્યા બેઉ જણ." 

નાનકો કાનીયો પાછો 'બુંડી ભૂખ લાગી.' કરતો બૂમો પડતા છાપરી તરફ આવતાં લાભુડી પતિ લાલિયાને ધક્કો મારી દૂર ખસેડતાં બોલી,

"હવે સમજુડી મોટી થઈ પૈણાવાની ગોઠવણ કરો."

કાનીયાને છાપરે લટકાવેલ સૂકો રોટલો અને ડુંગળી આપતાં લાલિયો બોલ્યો, 

"આ સાલ મેઠું જોરદાર પાકશે અને ભાવ પણ બહુ સારા છે. ભગવાન કરે તો શ્રાવણમાં ઘેર જઈએ ત્યારે સમજુડીને પૈણાઈ દઈએ. વેવાઈ હવે અધીરા બન્યાં છે."

 બહારથી છાપરામાં પ્રવેશતી સમજુડી પૈણવાની વાત સાંભળતાં જ શરમાઈને પાછી વળી ગઈ. કાનીયો બોલ્યો,

"હેય બુડી જો મોટી બૂન ચેવી શરમાય છે.?"

લાભુ બોલી, "પૈણવાની વાત સાંભળીને અત્યારથીજ મૂવીએ કામ કરવાનું ઓછું કરી દીધું છે. આખો દી મોંઘાભાવનું પાણી બગાડીને ઠીકરું લઈને ઘસ ઘસ કરે છે."

 પતિ લાલીયો હસતા હસતા બોલ્યો,

 "તે તુંય કાંઈ ઓછી નહોતી હો લાભુડી. તળાવમાં સામાં આરે હું પાણીમાં નહાતો હોય ત્યારે બાજુના આરે બેઠી બેઠી તે તો કેટલાય ઠીકરા મને જોતા જોતા તારા શરીરે ઘસી નાખ્યા છે."

"હાય હાય બુડી આવું કરતી તી. ?" સમજુડી ડોકિયું કરતા બોલી. 

લાભુડી બાજુમાં પડેલો ધોકો લેતા બોલી, "તું કામ કરને છાનીમાની ચાંપલી નવરા છે તારા બાપા તો શરમતાંય નહીં છોકરા સાંભળે તોય. જાવો હવે બહાર...!"

 મીઠો છણકો કરતા લાલિયો હસતો હસતો લાભુના ગાલે વ્હાલથી હાથ અડાડીને બહાર નીકળતા સાઈકલ પર બેસી બોલ્યો,

"લાભુ રાણી કામ પતિ ગયું મારુ ક્યારનુંય. હવે હું સામાં છાપરે બેસવા જાઉં છું રાત્રે મોડા આવીશ અને બધા સુઈ જાય તો તને જગાડીશ હો. ચાંદની રાત છે મીઠાનાં ઢગલા પાછળ બેહીને ચાંદો જોતા જોતા પછી...."

"જાવોને હવે બેશરમ.. ! અને હાં દારૂ બારું ઢીંચવા ણ બેહી જાતા હો નહિતર આપણી બેની કીટ્ટા.."

"જાને ગધેડી દારૂમાં તારા જેવો નશો ના હોય સમજી." કહેતાંક લાલિયો હસતો હસતો દૂર છાપરાં તરફ ચાલ્યો ગયો. આ તરફ સમજુડી અને કાનિયાને સાંજે વાળું કરાવીને ખાટલા પાથરી કાનિયાને પોતાના પડખે સુવાડી લાભુડી આકાશે ટમટમતાં તારલાં જોતી રસિક પિયુ લાલિયાની રાહ જોતી હતી. બીજી તરફ સમજુડી આકાશે ચાંદ જોઈ પોતાનાં વ્હાલા પ્રિયતમ હારે ચોરીનાં ફેરાનું સ્વપ્ન માણી રહી હતી વેરાન રણમાં ખુશ પરિવાર હતો.

નાનકો કાનીયો સુઈ ગયો અને થોડી રાત થતા સમજુડી પણ સૂઈ ગઈ તે જોઈ લાભુ રાહત અનુભવતી હોય તેમ પતિની રાહ જોતી રહી પણ રણની ઠંડી રેતી પરથી આવતી ઠંડી પવનની લહેરોએ લાભુડીની આંખો પણ મિચાવી દીધી.

 ખુશહાલ આ પરિવાર પર અચાનક અણધારી આફત આવશે તેની કોઈને સ્વપ્ને પણ કલ્પના ન હતી. બન્યું એવું કે, સરકારી તંત્રની લાપરવાહીથી દૂર ગામડાની નર્મદા કેનાલમાં ભ્રસ્ટાચારી બાંધકામના કારણે ગાબડું પડતાં હજારો ગેલન પાણી રાતનાં સમયે વેડફાયું અને રણમાં ફેલાવા લાગ્યું. ઠંડકમાં સૂઈ રહેલા આ ગરીબ પરિવારનાં સ્વપ્નો પર પાણી ફેરવતું આ પાણી ખાટલા સુધી પહોંચીને લાભુડીનાં ચરણસ્પર્શ કરતા લાભુ સફાળી જાગી ગઈ. 

ચોતરફ નજર કરી તો ચાંદનીના અજવાળામાં તેનાં છાપરાનો સમાન તરી રહ્યો હતો. પતિ લાલિયો આવ્યો ન હોવાથી લાભુ પોતાની જવાબદારી સમજીને કાછડો વાળી હિંમત કરી પાણીમાં ઉતરી બધો સમાન વીણીને ઉપર છાપરે લટકાવા લાગી. સમજુડીને જગાડી હિંમત આપી છાપરામાં મોટા ખાટલા પર બીજા બે ખાટલા ચડાવી અને બંનેએ પલળીને નાનક કાનિયાને ઊંચે સુવાડી દીધો બધા જ ગોદડાં કામળો પલળી ગયા હતા. હિંમત રાખીને બંને ઉપર ખાટલામાં ચડી ગયા કાનીયા પાસે. લાભીએ કાનિયાને પોતાનાં ખોળામાં સુવાડ્યો અને સમજુડી માને બાથ ભરી પિતા લાલિયાની રાહ જોવા લાગી. વિપતના સમયે પરિવારનો એક સદસ્ય દૂર હોય તેની ખોટ બહુ સાલતી હોય છે. અજવાળી રાતને ચોતરફ પાણી જ પાણી.

એટલામાં દૂર કેડ સમા પાણીમાં ફાનસ હાથમાં લઈને આવતો લાલીયો દેખાતાં લાભુને સમજુડી સૌ ઠરી ગયા હતા તેમનાં જીવમાં જીવ આવી ગયો ને બૂમો પાડવા લાગ્યાં. લાલિયો પાણી સોંસરો છાપરામાં આવીને સહુને સલામત જોતા બોલ્યો,

"વાહ મારી લાભુ તો શેરની જેવી હિંમતવાળી નીકળી."

 "જલ્દી ઉપર આવો. પલળી ગયા છો હાવ." લાભુ ચિંતા કરતા બોલી.

પતિ લાલિયો લાભુનો હાથ પકડી ખાટલા પર ચડ્યો. બધા જ ભીંજાયેલા એક જ ખાટલા પર રાત ગુજારવાની હતી. ઠંડીથી ધ્રુજતા હતા. લાભુએ પતિ સામું ચિંતાથી જોતા લાલિયો હસીને બોલ્યો,

"ગાંડી ચિંતા ન કર આપણ આખો પરિવાર સાથે છે ગમે તેવી મુસીબત સામે લડી લઈશું સાથે મળીને."

"સમજુડી બોલી, "હાં બાપુ મારા લગ્ન આવતી સાલ કરજો હું સમજી ગઈ."

પિતાએ સમજુડીને વ્હાલથી પિતાના ખોળામાં સુવાડી અને લાભુએ પતિના ખભે માથું મુકી દીધું. કાણિયાએ હસીને પોતાનાં માથે વીંટાળેલો ગરમ કમળો કાઢી બધાને ઓઢાડી દીધો. કામળો જોતા જ બધા ખુશ થઈને લપાઈ ગયા. સાથે પરિવારની હૂંફ તો હતી જ લાભી પતિનાં ખભે સૂઈ ગઈ. લાલિયો જાગતો બધાને વ્હાલ કરતો રહ્યો. આખરે તે પણ થાકીને સૂઈ ગયો. 

 લાભુએ સવારે જાગીને જોયું તો પાણી ઓસરી ગયું હતું. રણની તરસી ધરતી પી ગઈ હતી આ ગરીબ પરિવારને રાહત આપવા માટે. લાભુ શરમાતાં બોલી,

"હવે હેઠાં ઉતરો છોકરાં જુવે તો આમ વળગીને જોડે ન બેહાય."

લાલિયો લાભુને વ્હાલ કરતા બોલ્યો,

"ભીડ પડે તો પરિવાર ભેળું જ મોજ પડે."

અવડી મોટી આફતમાં પણ પરિવાર છલકતાં હેતનાં કારણે આનંદિત બની રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract