Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

4  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

મિત્રપુરાણ

મિત્રપુરાણ

8 mins
411


આજે થોડી નવરાશ મળતા હું ઘરનું માળિયું સાફ કરવા બેઠો. મેં સફાઈનો શુભારંભ કર્યો જ હતો ત્યાં મારા હાથમાં એક જૂની નોટબુક આવી. પૃષ્ઠો ઉથલાવી જોતા મારા ધ્યાનમાં આવ્યું કે હું સ્કૂલમાં ભણવા જતો હતો ત્યારે મારા વર્ગશિક્ષકના આદેશથી મેં આ રોજનીશી બનાવી હતી. બસ પછી શું ! સફાઈ રહી બાજુમાં અને પઢાઈ થઈ શરૂ. જોકે મારા હાથ જે નોટબુક લાગી હતી તેને ડાયરી કહેવી કે નહીં તે તો રામ જાણે ! પરંતુ એટલું ચોક્કસ હતું કે તેમાં મારા દોસ્તો સાથેની બાળપણની યાદો સચવાયેલી હતી. બાળપણમાં સૌના બે પ્રકારના મિત્રો હોય છે. એક તો આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ તે મિત્રો અને બીજા આપણે જ્યાં ભણતા હોઈએ તે સ્કૂલના મિત્રો. હા કેટલાક અપવાદરૂપ મિત્રો આ બંને પ્રકારમાં આવી જાય છે. અમારા વિસ્તારમાં રહેતો મારો ખાસ મિત્ર હેમંત મારી સાથે સ્કૂલમાં પણ ભણતો હતો.

ખેર ડાયરીમાં મને જે પ્રસંગો મળ્યા તેમાંથી હું આ બંને જગ્યાના મિત્રોનો એક એક પ્રસંગ આપ સહુ સમક્ષ પ્રસ્તુત કરું છું.

મારી સોસાયટીમાં હું જે ગલીમાં રહેતો હતો તેમાં મારા બે મિત્રો રહેતા હતા, નૈનેશ અને હિરેન. આજે પણ તેઓ મારી સાથે જ રહે છે. અમે ત્રણે જણાએ સાથે મળીને ખૂબ ધમાલમસ્તી કરી હતી. અને આજે તેને વાગોળી સંતોષ માની લઈએ છીએ.

હવે બન્યું એવું કે, અમારા પડોશના ભાડાના મકાનમાં રહેતા એક કાકા દર વર્ષે અમને બાળકોને એપ્રિલફૂલ બનાવતા. અને પછી આખો વર્ષ એ પ્રસંગ અમને યાદ અપાવી ચિઢાવતા રહેતા. હવે કોઈ આપણને ફૂલ બનાવી જાય તે કેવી રીતે ગમે ? બદલો... હું બદલાની આગમાં તપડી રહ્યો હતો. કાકાને સો સુનાર કી, એક લુહાર કીનું જીવંત ઉદાહરણ આપવા માંગતો હતો. અને તેથી જ મેં મારા બાળપણના મિત્રો નૈનેશ અને હિરેન સાથે મળીને કાકાને એપ્રિલફૂલ બનાવવાની યોજના ઘડી કાઢી. આ માટે અમે બે દિવસ પહેલાથી તૈયારીઓ કરવા માંડી. યોજના પ્રમાણે અમને એક ભૂતનું મહોરું જોઈતું હતું. સામેની જ દૂકાનમાં તે લટકતું અમે રોજે જોતા હતા. પરંતુ તેને ખરીદવાના પૈસા લાવવાના ક્યાંથી ? વળી મમ્મી પાસે પૈસા માંગવા હું ડરતો હતો. કારણ જો મારી મમ્મીને અમારી યોજના વિષે જાણ થઈ હોત તો તેઓએ જરૂર અમને શિખામણ આપી હોત કે, “બેટા, પડોશના કાકા હાર્ટપેશન્ટ છે. તેમને આમ ડરાવવા જોઈએ નહીં.”

હાર્ટપેશન્ટ છે તો તેમણે પણ ચૂપચાપ પોતાના હાર્ટને સંભાળીને બેસી રહેવું જોઈએ ને ! આમ બીજાના હાર્ટને તોડવાની શું જરૂર છે ?

હું મહોરું ખરીદવા માટેની તરકીબ વિચારવા લાગ્યો. આમપણ બાળકો માતાપિતાને ફૂલ બનાવતા જ રહેતા હોય છે. આ માટે ૧ એપ્રિલની રાહ કોણ જુએ ? મેં ગાઈડ લાવવાના બહાને મમ્મી પાસેથી દસ રૂપિયા કઢાવ્યા. આમ ૧ એપ્રિલની આગલી રાતે અમારી પાસે મહોરું આવી ગયું હતું.

અમે મિત્રોએ સવારના છ વાગ્યે જોગીંગ પર ન જતા કાકાને એપ્રિલ ફૂલ બનાવવાનું નક્કી કર્યું. હું કાકાને ઊંઘતા જ ઝડપવા માંગતો હતો કારણ જાગૃત અવસ્થામાં તેઓને એપ્રિલફૂલ બનાવવું અઘરું હતું. વળી પહેલો ઘા રાણાનો એ હિસાબે કાકા પહેલા હું તેમને એપ્રિલફૂલ બનાવવા માંગતો હતો.

૧ એપ્રિલના સવારે પોણા છ વાગે અમે મિત્રો ભેગા થયા. ગરમીના દિવસોમાં કાકાને અગાશીમાં સૂવાની ટેવ હતી. વળી તેમની અગાશી પર જવા માટેનો રસ્તો બહારથી હોવાથી અમારું કામ સરળ બની ગયું હતું. અમે બિલ્લીપગે અગાશીમાં ગયા ત્યારે કાકા મોઢા પર ચાદર ઓઢી ઘસઘસાટ ઊંઘતા હતા. મેં ભૂતનું મોહરું પહેર્યું અને ઉત્સાહથી સૂઈ રહેલા કાકા પર કૂદી પડ્યો. મારા બન્ને મિત્રો “હુ... હુ... હા...”નો ભયંકર અવાજ કાઢી રહ્યા. પરંતુ આ શું ? કાકાના શરીરમાં કોઈ હલચલ થઈ નહીં ! તેઓ નિસ્તેજ અવસ્થામાં પોઢી રહ્યા. મેં ઘબરાઈને ચાદર હટાવી તો તેની નીચે મૂકેલા તકિયા જોઈ હું અચરજ પામી ગયો. હજુ હું કંઈ સમજુ તે પહેલા પાછળથી આવેલો “હુ... હુ... હા...”નો અવાજ સાંભળી હું ડઘાઈ ગયો. પલંગ પરથી કુદી પડતા હું મુઠ્ઠીવાળી દોડવા માંડ્યો. પરંતુ બીજી જ ક્ષણે કાકાનો હસવાનો અવાજ કાને પડતા મારા પગ થંભી ગયા. મેં રોષથી હોઠ ભીસ્યા કારણ ફરી એકવાર કાકા મને એપ્રિલફૂલ બનાવી ગયા હતા.

મેં અકળાઈને પૂછ્યું, “કાકા, તમે ક્યાં હતા ?”

કાકાએ હસીને કહ્યું, “હું પાણીની ટાંકી પાછળ છૂપાઈને તારા આવવાની રાહ જોઈ રહ્યો હતો.”

આ સાંભળી મને ખૂબ રોષ આવ્યો. મારા કાકાએ ખિસ્સામાંથી બે કેટબરી કાઢી નૈનેશ અને હિરેનને આપી. આ જોઈ હું અચરજથી બોલ્યો, “કાકા, આમને કેટબરી કેમ આપી રહ્યા છો ?”

કાકાએ હસીને કહ્યું, “તારી યોજના વિષે આ લોકોએ મને જણાવ્યું હતું એટલા માટે.”

આ સાંભળી હું અકળાઈને તે બંનેને મારવા તેમની પાછળ દોડ્યો. કાકાના હાથમાંથી કેટબરી ખેંચી તેઓ બન્ને મારાથી બચવા ભાગી છૂટ્યા.

મારા કાકાએ હસતા હસતા કહ્યું, “પ્રશાંત, ઊભો રહે તારી કેટબરી તો લેતો જા.”

હું મારા દોસ્તોની જેમ કેટબરીની લાલચે ઈરાદો બદલી દઉં તેવો નહોતો. હું મુઠ્ઠીવાળી તે બંનેને પકડવા તેમની પાછળ દોડી રહ્યો.

મેં મારા દોસ્તોને જુઠમૂઠના માર્યા પરંતુ હકીકતમાં હું જાણતો હતો કે તેઓએ મારા ભલા માટે જ મારી સાથે ગદ્દારી કરી હતી. તેઓ જાણતા હતા કે કાકા હાર્ટના પેશેન્ટ હતા. આવી પરિસ્થિતિમાં મારી મજાક તેમને ભારે પડી ગઈ હોત. જો મારા મિત્રોએ કાકાને અગાઉથી સાવચેત કરી રાખ્યા ન હોત તો તે દિવસે જરૂર હસવામાંથી ખસવું થઈ ગયું હોત.

નોટબુકમાં લખેલો પ્રસંગ વાંચી નાનપણની યાદો તાજી થઈ છે ત્યારે મારે નિખાલસતાથી કબૂલ કરવું પડે કે મારા કાકા જ્યાં સુધી પડોશના ભાડાના મકાનમાં રહ્યા ત્યાં સુધી દર વર્ષે અમો બાળકોને એપ્રિલફૂલ બનાવતા રહ્યા. અને એકદિવસ અમને સહુને એપ્રિલ ફૂલ બનાવી તેઓ જતા રહ્યા. અરે ! એક મિનિટ. જતા રહ્યા એટલે બીજે રહેવા જતા રહ્યા.

આજે દોડધામ ભરેલી જિંદગીમાં દોસ્તો સાથે કરેલી એ ધીંગામસ્તી યાદ આવી જાય છે.

હવે ડાયરીમાં લખેલ મારા સ્કૂલમિત્રો સાથેનો એક પ્રસંગ જોઈ લઈએ.

ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં મારી સાથે ભણતા મિત્રો પોતપોતાના ક્ષેત્રે સફળ થઈ ગયા છે. એક સમયે ખભેખભા મેળવીને ફરતા અમે લોકો હવે પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા છે. સોશ્યલમિડિયા પર એકબીજાના ખબર અંતર પૂછી અમે મિત્ર ધર્મ નિભાવ્યાનો સંતોષ માની લઈએ છીએ. હવે નાનપણના એ મિત્રોને મિત્રો કહેવું કે નહીં એ પણ એક પ્રશ્ન છે. માટે જ આ પ્રસંગમાં મેં મારા મૂળ મિત્રોના નામો બદલ્યા છે.

હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારો એક મિત્ર હતો પંકજ. તે ખૂબ અનિયમિત અને બેદરકાર છોકરો હતો. સ્કૂલમાં કાયમ મોડા આવવાના લીધે તેને શિક્ષકોનો ઠપકો સાંભળવો પડતો. રીસેસમાં પંકજ બધાનો નાસ્તો ઝાપટી જતો અને બદલામાં પોતાના ડબ્બાની ઝલક સુદ્ધાં કોઈને દેખાડતો નહીં. શરૂઆતમાં સહુ કોઈ પંકજને હોંશેહોંશે પોતાના નાસ્તાના ડબ્બામાંથી ભાગ આપતા. પરંતુ જયારે તેની આદતથી સહુ કોઈ પરિચિત થઈ ગયા ત્યારે કોઈ તેને પોતાનો ડબ્બો સૂંઘવા પણ દેતું નહીં. પરંતુ પંકજ તેના નાસ્તાનો ડબ્બો અમને કેમ દેખાડતો નહોતો તે વાત અમારા માટે રહસ્ય બની ગઈ હતી. ધીમે ધીમે અમારી કુતૂહલતા વધવા લાગી. પરંતુ પકંજ પણ અમારા કરતા ખૂબ હોંશિયાર હતો તે ક્યારેય અમને તેના ડબ્બાની ભનક લાગવા દેતો જ નહીં.

આખરે એકદિવસ અમે સહુ મિત્રોએ પંકજ તેના નાસ્તાના ડબ્બામાં શું લાવતો હતો તે જોવાનું નક્કી કર્યું. રીસેસનો ઘંટ વાગતાની સાથે જ અમે સહુ કોઈ પંકજની પાટલી પાસે જઈને ઊભા રહ્યા. પંકજ અવાચક નજરે અમને જોઈ રહ્યો. થોડી ક્ષણો વીતી પરંતુ અમે અમારી જગ્યાએથી ખસવાનું નામ જ લીધું નહી.

અકળાઈને પંકજે પૂછ્યું, “શું છે ?”

“અમે પણ એ જ જાણવા માંગીએ છીએ કે તારા ડબ્બામાં શું છે ?”

આ સાંભળી પંકજે દફતર પર પોતાની ભીંસ જમાવી. પરંતુ અમે પણ ક્યાં ઓછા હતા. મારા એક મિત્ર ધીરજે ઝડપથી પંકજના હાથમાંનું દફતર ઝૂંટવી લીધું. અમે મિત્રોએ પંકજને કસીને પકડ્યો. હવે ધીરજે દફતરમાંથી ડબ્બો કાઢી અમને બતાવ્યો.

મેં ઉત્સાહથી કહ્યું, “જલદી ડબ્બામાં જો શું છે ?”

ધીરજે ડબ્બો ખોલતાની સાથે અમે અવાચક થઈ ગયા.

ડબ્બો ખાલી હતો.

પંકજ રડમસ સ્વરે બોલ્યો, “મિત્રો, હું ગરીબ છું; તેથી ડબ્બામાં તમારા જેવી અવનવી વાનગીઓ લાવી શકતો નથી. ક્યારેક ક્યારેક અમારા ઘરમાં અન્નનો દાણો પણ હોતો નથી તેથી મારી માતા ખાલી ડબ્બો દફતરમાં મૂકતા કહે છે કે, બેટા...આજે ડબ્બામાં મેં તારી માટે વહાલ ભરી આપ્યું છે.”

અમારી આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ. ઘણા દિવસોથી અમે પંકજને અમારા ડબ્બામાંથી ભાગ આપતા નહોતા. મતલબ આટલા દિવસ તે ભૂખ્યો જ રહ્યો હતો તે વિચારી અમે ધ્રુજી ઊઠ્યા. અમને અમારી જાતની શરમ આવવા લાગી. શું દોસ્તો આવા હોય ? અમારા મનના પસ્તાવાને હળવો કરવા અમે પંકજની સામે અમારા નાસ્તાના ડબ્બાઓનો ઢગલો લગાવી દીધો હતો. પંકજ પણ અમારા પ્રેમમાં ડૂબીને નાસ્તાની વાનગીઓની લિજ્જત માણી રહ્યો. એ દિવસે અમને સમજાયું કે વહેંચવાથી મનનો આનંદ વધે છે.

આ પછી પંકજને ડબ્બામાંથી નાસ્તો આપવાનો અમારો રોજનો ક્રમ થઈ ગયો. ક્યારેક ક્યારેક કોઈ મિત્ર પોતે ભૂખ્યો રહેતો પણ પંકજને ખાવા પહેલા આપતો. કારણ ઘરે જઈને અમે તો જમી પણ લઈશું પણ પંકજ !

એક દિવસ હું સ્કૂલમાં આવ્યો ત્યારે મારો એક વર્ગમિત્ર આનંદ બારણા પાસે મારી રાહ જોતો ઊભો હતો.

તેને જોઈ મેં પૂછ્યું, “શું થયું ?”

આનંદે મને તેની પાછળ આવવાનો ઈશારો કર્યો. હું અસમંજસમાં તેની પાછળ પાછળ દોરવાયો.

આનંદ મને સ્કૂલની પાછળ આવેલા મેદાન પાસે લઈ ગયો અને એક દિશામાં આંગળી ચીધી. મેં જોયું તો મારું મોઢું ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું. ત્યાં મેદાનના એક ખૂણે બેસી પંકજ તેના ડબ્બામાં લાવેલ પીઝા અને બર્ગરને ઝાપટી રહ્યો હતો.

આનંદે કહ્યું, “આ રોજે સ્કૂલમાં આવતા પહેલા અહીં આવી પોતાનો ડબ્બો ખાલી કરે છે.”

ઓચિંતી પંકજની નજરે અમારા પર જતા તેના હાથમાંનું બર્ગર ઝટકી ગયું. મેં રોષભેર તેની પાસે જઈને કહ્યું, “બદમાશ, નાસ્તાના ડબ્બામાંથી અમને ભાગ આપવો પડે નહીં એટલે તે દિવસે જુઠું બોલ્યો હતો ?”

પંકજે પણ રોષભેર કહ્યું, “જુઠું ન બોલું તો શું કરું ? મારી મમ્મી મને નાસ્તામાં પીઝા, બર્ગર જેવી ચટપટી વાનગીઓ આપે છે. જયારે તમે લોકો એ જ શાક રોટલી અને બટાકા પૌઆ લઈ આવો છો. ત્યારે હું તેના બદલામાં મારી આ મોંઘામાંની વસ્તુઓ તમને કેવી રીતે આપું ?”

મેં શાંતિથી કહ્યું, “મિત્ર, તારી વસ્તુઓ ભલે મોંઘી હોય પરંતુ તારા સ્વાસ્થ્ય માટે સારી નથી. તું પૈસા ખર્ચી બીમારીને ખરીદી રહ્યો છું. વળી દોસ્તો સાથે કેવો હિસાબ ? અમે ક્યારે તને અમારી વસ્તુઓ આપતી વખતે એ વિચાર્યું કે તું અમને કશું આપતો નથી ત્યારે અમે તને શું કામ આપવું ?”

પંકજ નીચું જોઈ ગયો.

પંકજની પોલ ઉઘાડી પડી જતા હવે તે પણ બધાની સાથે પોતાનો ડબ્બો વહેંચીને ખાવા લાગ્યો. પરંતુ એક વાત છે. એ બદમાશ તે દિવસથી ક્યારેય પોતાના ડબ્બામાં પીઝા બર્ગર લાવ્યો નહીં. કદાચ અમારી માટે તે શાક રોટલીવાળો બીજો ડબ્બો લાવતો હોય ! મારા કેટલાક મિત્રોએ તેના દફતરમાં બે ડબ્બા હોવાની વાત પણ કરી હતી. જે હોય તે પણ સ્કૂલમાં હજુપણ પંકજ મોડો જ આવતો. આજે પણ અમારા મનને અકળામણ આપે છે પંકજના ડબ્બાનું રહસ્ય.

અંતે, માત્ર એટલું કહીશ કે મિત્ર વગરનું જીવન એ સૂનું છે. જેમ વેલાને આગળ વધવા માટે ટેકાની જરૂર પડે છે તેમ આપણા જીવનરૂપી વેલાને આગળ વધવા મિત્રરૂપી ટેકાનું હોવું ખૂબ જ જરૂરી છે. દોસ્તો સાથે વીતાવેલી ક્ષણ આપણને હંમેશ આનંદ આપતી રહે છે. મિત્રો, ખરેખર સૌના જીવનમાં એકાદી તો હોવી જ જોઈએ મિત્રપુરાણ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract