Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

મંજુલાબેનની મીઠી સ્મૃત્તિઓ

મંજુલાબેનની મીઠી સ્મૃત્તિઓ

16 mins
312


"ધરતી પરનું અમૂલ્ય આભૂષણ એટલે શિક્ષક." શિક્ષકરૂપી ઘરેણું જગત મંદિર પર રમતું મૂકીને ઈશ્વરે સમગ્ર માનવજાતિ પર સૌથી મોટો ઉપકાર ઉપકાર કર્યો છે. આમ જોવા જઈએ તો શિક્ષક અને ઈશ્વર બંનેનું કામ સમાન છે. ઈશ્વર સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે. જ્યારે શિક્ષક રાષ્ટ્રનું નિર્માણ કરે છે.

 એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક સૌથી મોટું યોગદાન છે. તે કુશળતાથી પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપે છે. પ્રેમ અને કરુણાનું સિંચન કરે છે. ત્યાગ, તપ, શીલ અને સમર્પણના પાઠ શીખવે છે. તેઓશ્રી વિદ્યાર્થીઓના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહે છે. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓનું ઉત્તમ ઘડતર કરી, ચારિત્રય નિર્માણની ક્ષમતા ધરાવે છે. તેઓ શ્રી બાળકોના પ્રેરણા સ્તોત્ર છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ બાળક જીવનને કંઈક અલગ રીતે જીવવાની શીખ લે છે.

"બાળક માટે શિક્ષક શ્રદ્ધા અને વિવેકની અખંડ જ્યોતિ છે. "જેના કારણે ચોમેર ઉજાસ પથરાય છે અને જીવન તેજસ્વી બને છે.‌ શિક્ષક વિદ્યાર્થીઓને રામ, લક્ષ્મણ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર સ્વામી, જીસસ, મહંમદ પયંગબર જેવા મહાપુરુષોના ગુણોથી અવગત કરાવી, જ્ઞાનનો સંચાર કરે છે. પોતાના વિદ્યાર્થીઓમાં નીર ક્ષીર વિવેકની દ્રષ્ટિ ખીલવે છે. કહેવાય છે ને કે" શિક્ષક મિત્ર જેવો હોય છે." એટલે જ તો તે સામાજિક જીવનમાં પણ માર્ગદર્શન આપતો રહે છે. ક્યારેક માતા-પિતા બનીને સાચી સલાહ પણ આપે છે. શાંતિ, પ્રેમ, કરુણા, ભાઈચારો, ઐક્ય વગેરેની માનવ જીવનમાં મહત્તા બતાવી તેનો પથ પ્રદર્શક બને છે. દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનું જ્ઞાન પણ શિક્ષક જ શીખવી જાય છે. અણગમતી પરિસ્થિતિમાં પણ ધીરજથી વર્તવાની સમજ એક શિક્ષક દ્વારા જ પ્રાપ્ત થાય છે. દરેક ક્ષેત્રનું જ્ઞાન આપનાર શિક્ષક આપણા જીવન રથનો સારથિ છે. દરેક પરિસ્થિતિને ગમતી કરી "ગમતાનો કરીએ ગુલાલ" ની સોનેરી શીખ આપી "રાજીપાની રમત" રમતો કરનાર પણ એક શિક્ષક છે. અઘટિત પરિસ્થિતિનો સામનો કરતાં પણ તેઓ જ શીખવે છે. વિદ્યાર્થીઓમાં દૈવી ગુણોને ખીલવી સકારાત્મક વૃતિવાળો બનાવવાની તાકાત પણ શિક્ષકમાં રહેલી છે. વિદ્યાર્થીમાં રહેલી લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિને એક શિક્ષક જ દૂર કરી શકે છે.

એક શિક્ષક જ્ઞાનનો ભંડાર અને પ્રકાશપુંજ છે. વિવિધ ક્ષેત્રોની પારંગતતા વિદ્યાર્થીઓના જીવનમાં વિવિધ ઉદાહરણો દ્વારા પૂરી પાડી, વિદ્યાર્થીઓના જીવનને એક નવી દિશામાં લઈ જાય છે. તે પોતાના વિદ્યાર્થીઓને ઉચિત- અનુચિત, ધર્મ-અધર્મ, માન-અપમાન વગેરેની વચ્ચે રહેલી ભેદરેખાને સ્પષ્ટ કરી નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. એક શિક્ષક જ પોતાના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સકારાત્મક વિચારધારાનું રોપણ કરે છે. જેનાથી વિદ્યાર્થીઓ કાયમ પોતાના શિક્ષકના ઋણી બની રહે છે. તેને ક્યારેય જીવનમાં કશું ગુમાવ્યું છે તેવું લાગતું નથી.

એક શિક્ષક જ્ઞાન, સમૃદ્ધિ અને પ્રેરણાનો વાહક હોય છે. સાથે સાથે ઊર્જાનો ભંડાર, પ્રજ્ઞાવાન, કરુણાવાન, શાંતિવાન, ક્ષમાવાન હોય છે. આવા ગુણોથી સભર શિક્ષક પાસેથી શિક્ષણ મેળવવું એ એક લ્હાવો હોય છે. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરનો મનપસંદ રસ્તો પસંદ કરવામાં મદદ કરે છે. શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એક શિક્ષક જ હોય છે, જે પોતાના ભુલકાને આદર અને સન્માન આપે છે. પોતાનાથી સવાયા બનનાર શિષ્યોથી શિક્ષકની છાતી ગજગજ ફૂલે છે. પોતાની મહેનત રંગ લાવી લાગતાં તેની કાર્ય કરવાની ક્ષમતા પણ અનેક ગણી વધી જાય છે.

એક શિક્ષક માત્ર વિદ્યાર્થીઓના શિક્ષણમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે. પોતાનામાં રહેલા આ બધાં જ ગુણોને પોતાના આચાર વિચારના માધ્યમથી વિદ્યાર્થીના જીવનમાં સંક્રમિત કરનાર જો કોઈ હોય તો તે શિક્ષક જ છે. કહેવાય છે ને કે "જેનામાં શિક્ષણની શક્તિ અને વૃત્તિ છે એ જ શ્રેષ્ઠતમ આપી શકે છે."

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષક માર્ગદર્શક, ગુરુ, મિત્ર તો હોય જ છે. આ ઉપરાંત તેઓશ્રીની આપણા જીવનમાં અનેકાનેક ભૂમિકા હોય છે. એક વાતથી આપણે સૌ સહમત છીએ કે સ્કૂલના પ્રથમ દિવસથી કોલેજના આખરી દિવસ સુધી શિક્ષક જ આપણને ભણાવે છે. આપણી કમજોરીને ઓળખી આપણને શીખવે છે. શિક્ષક આ વાતથી સારી રીતે વિદિત હોય છે કે દરેક વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા એક સરખી હોતી નથી. આ વાતને જાણતો શિક્ષક બાળકની જરૂરીયાત મુજબ યુક્તિ પ્રયુક્તિ પ્રયોજીને બાળકને શીખવવાનો પ્રયાસ કરે છે. કોઈપણ શિક્ષકની સામે મહત્વપૂર્ણ પડકાર તો એ છે કે દરેક વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા એકસરખી હોતી નથી. તે વ્યક્તિગત ભિન્નતાને ઓળખી, તે મુજબનું શિક્ષણ આપી, તેઓને પણ સારી રીતે શીખતા કરે છે. વ્યક્તિગત ભિન્નતા કે માનસિક રસ-રુચિ જાણી એ પ્રમાણેનું આયોજન કરી શીખવે છે. જ્યાં સુધી સફળતા નથી મળતી ત્યાં સુધી સતતને સતત મંડ્યો રહે છે.

એક ઉત્તમ શિક્ષક તે જ છે જે પોતાના વિદ્યાર્થીઓને જીવનની સમજણ આપી, માનવતાનો બોધ આપી, માનવ્યને ખીલાવે. જો કોઈ બાળક ભણવામાં બરાબર નથી તો તેનામાં રહેલ અન્ય હુન્નરને પિછાણી, તે દિશામાં આગળ વધતો કરી શકે છે. એક શિક્ષક જ હાથ-પગ અને હૈયાને હુન્નર આપી વિદ્યાર્થીઓને કલાકાર, લેખક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પાયલોટ, વૈજ્ઞાનિક, સારો ખેડૂત, સુથાર, લુહાર, દરજી કે કડિયો બનાવી પોતાના ક્ષેત્રમાં પારંગત બનાવી શકે છે.

આપણે આવું પણ કહી શકીએ કે-

 "બાળક એ બગીચાનું ફૂલ છે અને ફૂલમાં રહેલી સુવાસ તે શિક્ષક છે." શાળામાં આવતાં વિદ્યાર્થીઓની શિક્ષક એક માળીની જેમ માવજત કરે છે. તેઓના સર્વાંગીણ વિકાસની દિશામાં કામ કરે છે. ટૂંકમાં, શિક્ષક એવો માર્ગદર્શક બની રહે છે, કે જે માત્ર પુસ્તકિયું જ્ઞાન આપતો નથી પણ બાળકને જીવન જીવવા માટેની કળા શીખવે છે. પોતાનો વિદ્યાર્થી આ કળામાં માહેર થઈ ભવિષ્યમાં સુગંધ પ્રસરાવે ત્યારે શિક્ષકના અરમાન પુરાં થાય છે.

શિક્ષણના ક્ષેત્રમાં એક શિક્ષકની ભૂમિકા ખૂબ જ પડકારરૂપ અને મહત્વપૂર્ણ હોય છે. જવાબદારીનું વહન ખૂબ જ સાવધ રહીને કરવું પડે છે, કારણ કે તેનું કામ સજીવ સાથે છે, નિર્જીવ વસ્તુ સાથે નહીં. તેમની સામે જીવતાં જાગતાં બાળકો હોય છે અને એમાંય વિદ્યાર્થીઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. નજાકતની પ્રતિકૃતિ એવું બાળક શિક્ષકની સામે હોય છે. એક કાચની બોટલ જ જુઓને. જો તેનું જતન ખંતપૂર્વક કરવામાં ન આવે તો તેને તૂટતા વાર લાગતી નથી. સંજોગો વસાત તૂટી જાય તો સંધાવું લગભગ અશક્ય જ છે.

 મનોવિજ્ઞાનનો જાણકાર શિક્ષક આ બધી વાતને બખૂબી જાણતો હોય છે. માટે શિક્ષણ કાર્ય દરમ્યાન દરેક બાળકને સમાન ભાવથી જુએ છે. સારો શિક્ષક ક્યારેય વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવની દિવાલ ચણતો નથી. વિદ્યાર્થીઓ ખૂબ જ ચતુર હોય છે. તેઓ તેમના પ્રત્યેના શિક્ષકના વ્યવહારનની નોંધ કરતા હોય છે. તેની સાથેની વાતચીત વખતના શિક્ષકના હાવભાવ વાણી, ભાષા પ્રયોગ આ બધાને વિદ્યાર્થી સારી રીતે યાદ રાખે છે. તેના પ્રત્યેનો શિક્ષકનો સારો અભિગમ તેના માનસમાં કાયમ માટે અંકિત થઈ જાય છે ત્યારે એક સમજુ અને શાણા શિક્ષકે પોતાની વાતચીત ઋજુતાથી કરવી જોઈએ. ધીમુ શીખનાર બાળકને પણ માન સન્માન હોય છે. સારો શિક્ષક આ બધું જાણે છે અને નિસ્વાર્થ ભાવે પ્રયત્ન કરતો રહે છે. બાળકને ન ખબર પડતાં પોતાના વિદ્યાર્થીઓને જીવન માર્ગ પર પ્રગતિ કરે તેવા બનાવે છે. શિક્ષકની આવી સેવા અને સમર્પણની કોઈ સાથે તુલના કરી શકાય નહીં. ખરેખર શિક્ષક અનન્ય છે એની સેવાભાવના અને સમર્પણ અતુલનીય છે.

એક સારો શિક્ષક પોતાના બધાં જ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે છે. શિક્ષક શીખવતી વખતે કોઈ વિદ્યાર્થી ભૂલ કરે તો ત્યારે જ તેની ભૂલ સુધારી શીખવે છે અને તેને થયેલી ભૂલનો અહેસાસ પણ કરાવે છે. શિક્ષકના આવા ઘડતરને કારણે વિદ્યાર્થીઓ આગળના જીવનમાં આવી ભૂલનું પુનરાવર્તન કરતાં અટકે. એક સારો શિક્ષક એજ છે, જે ગમે તેટલી વાર પ્રયત્ન કરીને થાક્યો હોવા છતાં અપશબ્દનો પ્રયોગ કરે નહીં. તે બાળકને શીખવતી વખતે પ્રેમ પૂર્વક વર્તે અને ધૈર્યધારણ કરે. તે સમજે છે કે "જેમ પથ્થર પર સતત પાણીની ધાર પડે તો પથ્થર ઘસાઈ જાય છે". તેમ પ્રિય બાળકોને સતત હુંફ અને પ્રેમથી શીખવવામાં આવે તો તે પણ શીખી શકે છે. આ કામ માત્ર પ્રેમાળ શિક્ષક જ કરી શકે છે.

એક સાચો શિક્ષક જ પોતાના વિદ્યાર્થીઓમાં ખાનપાનની રીત, સ્વચ્છતા, નિયમિતતા, શિસ્ત, શિષ્ટાચાર, એકાગ્રતા, બીજા સાથેનો વ્યવહાર વગેરેના ગુણો ખીલવે છે. શિક્ષક બાળકને સમયનો સદુપયોગ અને સમયની કીમત વગેરેની જાણકારી પણ આપે છે. તેઓ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવી શું કરવું છે તેની સમજ આપે છે. વિદ્યાર્થીઓ પોતાનું લક્ષ્ય નક્કી કરી શકે તેવી સમજ સ્પષ્ટ કરે છે. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડનારા આવા શિક્ષકને તે ક્યારેય ભૂલતો નથી. આવા શિક્ષક તેના જીવનરૂપી કિતાબનું સોનેરી સંભારણું બની જાય છે.

 એક સારો શિક્ષક બાળકના મનની સાથે તેમના તનનો યોગ્ય વિકાસ થાય તે માટે પૂરેપૂરો પ્રયાસ કરે છે. તે યોગ, વ્યાયામ અને સમતોલ આહાર ના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ખડતલ બનાવે છે સમતોલ આહારના ફાયદા સમજાવે છે. સમતોલ આહારની ખામીથી થતાં રોગો વિશે પણ સમજાવે છે. ઘરમાં બનતાં સાત્ત્વિક ભોજનનું મહત્વ સમજાવે છે. બહારના ફાસ્ટ ફૂડ, લારી ગલ્લાના ખુલ્લા ખોરાક ન ખાવા જોઈએની સમજ પણ પાકી કરાવે છે. યોગ અને વ્યાયામથી શરીર સુદ્રઢ બનાવવાની સમજ વિકસાવે છે.

એક સાચો શિક્ષક બાળકોને આવા બધાં ગુણોથી પરિચય આપી પોતાના જીવનને કેવું બનાવવું છે તેની સમજ આપી જીવન ઘડતર કરે છે. બાળકના ભાવિ અને વર્તમાનને ઘડનાર ઘડવૈયો શિક્ષક જ છે. આનો મતલબ આજના બાળકને અત્યારે મળી રહેલ શિક્ષણ આવનારા ભવિષ્યનું દર્પણ છે. શિક્ષક જ વિદ્યાર્થીઓના વર્તમાન અને ભવિષ્યને સુંદર બનાવનારી સદાય વહેતી રહેતી વિચારધારા છે. અથવા શિક્ષક જીવન ભર સારા અને સંસ્કારવાન, કુલીન, સદ્દગુણી વિદ્યાર્થીઓનું નિર્માણ કરનાર નિર્માતા છે.

 એક સારો શિક્ષક એ વાતને બખૂબી જાણતાં હોય છે કે તેનો વિદ્યાર્થી કેવી સોબત ધરાવે છે. કેવા વાતાવરણમાંથી આવે છે. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવા શું કરવું જોઈએ ? આ માટે શિક્ષક બોધ વચનોનું શિક્ષણ આપે જેનાથી વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા, ગુરુ, વડીલો, મહેમાનોનું માન સન્માન જાળવી, પોતાનાથી મોટા લોકોને આદર આપી, દેવતુલ્ય માને છે. સારા પુસ્તકોનું વાંચન કરે છે. આ બધું શિક્ષક દ્વારા થતાં સતત પ્રયત્નોને આભારી હોય છે.

 શિક્ષક એક માળીના રૂપમાં માત્ર છોડ રૂપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતો નથી, પરંતુ તેને એક ઉત્તમ મનુષ્યના રૂપમાં નવપલ્લિત કરી સંસ્કાર રૂપી ફૂલ ખીલાવી, સદ્દગુણોની સુવાસ પણ આપે છે. વિદ્યાર્થીઓના સામાજિક અને માનસિક સ્તરના વિકાસમાં શિક્ષકનું યોગદાન ખૂબ જ હોય છે.

શિક્ષકનું કામ કુંભારના કામ જેવું હોય છે. કુંભાર માટીના વાસણ બનાવતી વખતે એક હાથથી સંભાળી બીજા હાથે ટપલા મારી આકાર આપે છે. તેવી જ રીતે શિક્ષક પણ શિસ્તનું પાલન કરાવી વિદ્યાર્થીઓના જીવનને યોગ્ય આકાર આપે છે. જેના કારણે વિદ્યાર્થી આવનારા સમયમાં સુયોગ્ય પ્રગતિ કરી શકે છે. શિક્ષક વગર ઉત્તમ સમાજનું નિર્માણ થઈ શકે નહીં. શિક્ષક એ વિદ્યાર્થીઓના જીવન રથનો સારથિ છે, આવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. શિક્ષક એ એવો જીવ છે કે જે વગર સ્વાર્થે વિદ્યાર્થીઓને સફળતા તરફ દોરી જનાર સુકાની છે. શિક્ષક ખુદ પોતાના જીવન વ્યવહાર અને નૈતિકતાના ગુણોના આચરણથી વિદ્યાર્થીઓમાં નૈતિકતાના બીજને રોપે છે. તેનું કાળજીપૂર્વક જતન કરી સંવર્ધન પણ કરે છે. શિક્ષક આ બધું વિદ્યાર્થીઓની ઉત્તમોત્તમ પ્રગત્તિ થાય એ માટે કરતો હોય છે.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શિક્ષણ ખૂબ જ મોટું સાધન છે. આ માટે દેશનું ભવિષ્ય એવા બાળકો અને યુવાનોના જીવન ઘડતરની જવાબદારી શિક્ષકોના શિરે સોંપવામાં આવી છે. એક શિક્ષક જ બાળકોને બાળપણથી જ સામાજિક માનસિક અને બૌદ્ધિક રૂપથી કુશળ બનાવે છે. શિક્ષકનું સ્થાન શાળા અને સમાજ માટે મહત્વપૂર્ણ છે જ. સાથે-સાથે પડકાર જનક અને કઠીન પણ છે. સારો શિક્ષક બનવા માટે કેટલીક વાતો જરુરી છે. જેમ કે સંયમ, સદાચાર, વિવેક, વિનય, સહનશીલતા, પરોપકાર, સર્જનાત્મકતા, ઉચ્ચાર શુદ્ધિ, સંશોધનાત્મક દ્રષ્ટિકોણ, પ્રભાવક વકતૃત્વછટા, સુંદર લેખન વગેરે ગુણો શિક્ષકને ઉત્તમ શિક્ષક બનાવે છે.શિક્ષક જ્ઞાનનો પુંજ છે. તે બાળકનો મિત્ર બનીને સતત પ્રયત્નશીલ રહે છે. તે જ્ઞાન અને પ્રકાશનો અદ્ભુત સ્તોત્ર છે. તે વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરનાર શિલ્પી છે. તેની હકારાત્મક વિચારસરણી જ બાળકમાં સકારાત્મકતાના બીજ રોપે છે. જેના કારણે વિદ્યાર્થીનું જીવન કાયમ માટે દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠે.

 શિક્ષકનું જ્ઞાન સાગરસમ છે. આપણે એમાંથી અંજલિ ભરીને પીએ તો પણ આપણું જીવન ધન્ય બની જાય છે. એક શિક્ષકનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. શિક્ષક વિના માનસિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ અસંભવ છે. આપણા જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન કૌશલ્ય સાથે વિશ્વાસ, આત્મવિશ્વાસને પણ વધારી દે છે આપણા જીવનને યોગ્ય ઘાટ મળતાં સુરેખ વ્યક્તિત્વ નિખરે છે.

 " સરળ કામ તો સૌ કોઈ કરે અઘરા કામને પૂર્ણ કરે તે જ ખરો શિક્ષક ".

 શિક્ષકના જ્ઞાન કરતાં એના પોતાના ચારિત્ર્ય દ્વારા થતું શિક્ષણ વિશેષ અસરકારક સાબિત થાય છે, કારણ કે પચાવેલા અને એકરૂપ બની ગયેલા જ્ઞાનનો પરિપાક ચારિત્ર્ય છે. શિક્ષક સંનિષ્ઠ અને સત્યવ્રતી હોવો જોઈએ. પોતાની જરૂરિયાત ઘટાડી સાદું જીવન અને ઉચ્ચ વિચારો ધરાવનાર હોવો જોઈએ. શિક્ષકનું જીવન સાદું હોય તો ભૌતિક સગવડની ઓછી ચિંતા અને ફુરસદનો સમય વધારે. જેનો ઉપયોગ તે જ્ઞાનની વૃદ્ધિ માટે કરી શકે છે. સૈનિક સરહદ પર લડે છે અને પોતાના દેશને માટે ઝનૂનથી પોતાની જિંદગી કુરબાન કરી દે છે. ઓછો પગાર ધરાવનાર શિક્ષક પોતાના દેશની સેવા કરે છે, પરંતુ પ્રાણ ત્યાગ કરીને નહીં પણ જીવનની અનુકૂળતાઓ અને સુખ સગવડોનો ત્યાગ કરી. ઇતિહાસના પાનાં પર શિક્ષકે વેઠેલું દુઃખ લોકોની નજરે ઓછું ચડે છે. પણ એ તો ધીમે ધીમે ઓગળતો રહે છે. જે આત્મવિલોપન કરી દેતી પણ બીજાને સતત પ્રકાશ આપ્યા કરતી મીણબતી જેવું છે. પરિણામ કે પગાર નહીં પણ સેવાભાવના અને સમર્પણથી જ હંમેશા સાચું કાર્ય થાય.

 દરેક બાળકને જેમ પોતાની માતા શ્રેષ્ઠ લાગે તેમ મને હંમેશા મારી શાળાના શિક્ષકો શ્રેષ્ઠ લાગ્યા છે. તેઓશ્રી બાળકોને અલગ-અલગ વિષયનું જ્ઞાન આપે છે. બધાં શિક્ષકો સારા અને મારા મતે વંદનીય છે, પરંતુ પ્રિય શિક્ષકની વાત આવતાં જ મારા માનસપટ પર મારા પ્રાથમિક શાળાના શિક્ષક મંજુલાબેન જોષીનું પ્રતિબિંબ તાદ્રશ્ય થાય છે. એમનું સ્મરણ થતાં જ મારા રોમ-રોમ પુલકિત થઈ જાય છે. એમનું સ્નેહસભર માતૃવાત્સલ્ય આજે પણ ભુલાતું નથી. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તેમના ઉજ્જવળ ચરિત્રને મારું મન મસ્તક સદાય નમતું રહે છે. તેઓ ખરેખર સૌના પ્રિય અને આદર્શ શિક્ષક છે.

 તેઓનો સપ્રમાણ ઊંચો, પાતળો ગૌરવર્ણ દેહ, વિશાળ લલાટ, તેજસ્વી આંખો અને સદાય હસમુખ ચહેરો બધાં શિક્ષકોમાં અલગ તરી આવે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના શિક્ષકો કે (અન્યત્ર ક્યાંય ચાલ્યા ન હોય તે આ વ્યવસાયમાં આવી ચડયા હોય છે. શિક્ષણકાર્યને પોતાની આજીવિકાનું સાધન માને છે. નિષ્ઠાપૂર્વક જ્ઞાન પ્રદાન કરવાની ખેવના તેઓમાં જોવા મળતી નથી.) ત્યારે મંજુલાબેન તો શિક્ષણ ક્ષેત્રને સેવાનું પવિત્ર ધામ માને છે. સવારે શાળા ખુલતાં જ તેઓ સૌ પ્રથમ આવે છે અને શાળાના પગથિયાં ચડતાં પહેલાં ત્યાં મસ્તક નમાવી પછી આગળ વધતાં મેં મારી સગી આંખે એમને જોયેલાં છે. શાળા સફાઈમાં પણ વિદ્યાર્થીઓ સાથે રહી માર્ગદર્શન આપતા રહે છે અને જરૂર જણાય ત્યારે પોતે પણ સફાઇમાં જોડાય છે. બાળકોની સાથે તેમની ભાગીદારી પ્રાર્થનામાં પણ હોય છે. પ્રેરણાદાયી અને મહાપુરૂષોના અણમોલ વચન કે દિન વિશેષની વાત તેમના મુખેથી સાંભળવી એક લ્હાણ હોય છે. જાણે કે તેમની વાણીમાંથી પુષ્પો ઝરી રહ્યા છે, અમૃતની વર્ષા થઈ રહી છે. સાક્ષાત દેવી સરસ્વતી તેમની જીભ પર આવી બોલતાં હોય તેવું તેમનું દિવ્ય રૂપ લાગે.

આજથી ચાલીસ વર્ષ પહેલાં તાસ પદ્ધતિ કે વિષય તાસ પદ્ધતિ ન હતી. તેમ છતાં પણ અમારી શાળામાં વિષયની વહેંચણી થયેલી હશે, આજે મને એવું લાગે છે, કારણ કે અંગ્રેજી, હિન્દી દેવાણી સાહેબ ભણાવતાં હતાં. સુરેશ સાહેબ સમાજ શીખવતાં. જ્યારે મંજુલાબેન અમને ગુજરાતી ગણિત અને ઇત્તર પ્રવૃત્તિ કરાવતાં હતાં. ગણિતનું પાયાનુ જ્ઞાન રમતા રમતા શીખવી દેતા. ધોરણ-1/2 માં ગુજરાતી શીખવતી વખતે તેઓએ ક્યારેય અક્ષરો ઘૂંટાવ્યા હોય તેવું મને યાદ નથી. તેઓ હંમેશા વાર્તા, ગીત અને અભિનય સાથે પ્રસન્ન મુખમુદ્રા સાથે પૂરા આત્મવિશ્વાસથી આ બધું શીખવતા હતા. પર્યાવરણના શિક્ષણમાં તેઓ પ્રત્યક્ષ મુલાકાતને વધું પ્રાધાન્ય આપતાં અને જીવંત જ્ઞાન પીરસતાં હતાં. જે આજે પણ યાદ છે. ગોખણ પટ્ટી તો ક્યારેય નહીં. તેમનું સૂત્ર હતું "ભલે ઓછું શીખો, પણ જે શીખો તે ઊંડાણથી શીખો, કાયમી અને ટકાઉ બનાવો " તેઓ માત્ર પોતાના ધોરણના બાળકોના જ વિકાસને નહીં, પરંતુ સમગ્ર શાળાના બધા વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતાં હતાં. જે કંઈ શીખવવું હોય તેને સરળ, સુબોધ અને રોચક બનાવીને મુકતાં, જેથી બાળકો તેને ઝડપથી શીખી શકે. તેવો અમને રમતા રમતા પલાખા પૂછતા જેથી અંક જ્ઞાન અને ઘડિયા જ્ઞાન બધાં જ વિદ્યાર્થીઓને સરળતાથી કંઠસ્થ થઈ જાય. આજે શાળામાં બાળકને વાંચતા ન આવડતું હોય તે જોઈને દુ:ખ થાય છે. મન બોલી ઉઠે છે કે શું જાદુ હતો મંજુલાબેનમાં ? અમારી શાળામાં એક પણ બાળક વાંચતો ન હોય તેવું જોયેલ નથી. તેઓ હંમેશા મુક્ત શિસ્તમાં માનનારા હતાં. ક્યારેય તેમને ગુસ્સે થતા જોયા નથી. તેઓ અત્યંત વિનમ્ર, કોમળ, તપ, ત્યાગ અને સમર્પણની ભાવનાને ચરિતાર્થ કરનારા એક ભગવદીય વ્યક્તિ છે. તેમનો પહેરવેશ સાદી સાડી, કપાળમાં ચાંદલો ને કમર સુધી લટકતો ચોટલો. બંધ આંખે આજે પણ મને દેખાય છે. મંજુલાબેન શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન સુચારું ઢંગથી કરતા. શાળાનો રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્ર-કાવ્ય સ્પર્ધા વગેરેનું આયોજન કચાશ રહિત કરતાં. તેઓશ્રી અમારી સાથે રમત પણ રમતાં. અમારી શાળામાં મારા સિવાય બધાના અક્ષરો મોતીના દાણા જેવા થતાં તેનું શ્રેય મંજુલાબેનની સુલેખન સ્પર્ધાને આભારી છે.

મંજુલાબેનની આંખોમાં અપાર પ્રેમ અને મમતા જોવા મળતાં હતાં. તેમનું હૃદય સાગર સમ છે. તેઓશ્રી બાળકોને મૂલ્ય શિક્ષણ આપી ભારતના ભાવિ ને ઘડનારા ઉત્તમ ઘડવૈયા છે. તેઓ શ્રીએ ક્યારેય નાત જાતનાં ભેદ કરેલ હોય તેવું મને યાદ આવતું નથી કારણ કે એમની પાસે ભણેલા દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ નોકરી કરે છે. મારા પ્રિય શિક્ષક મંજુલાબેન પોતાના દરેક વિદ્યાર્થીઓની ખામી અને ખૂબીઓને બખૂબી જાણતાં. તેઓશ્રી વિદ્યાર્થીઓની ખામીને ખૂબીમાં બદલવાનો હુન્નર ધરાવે છે. હૂન્નર હાથ વગો રાખનાર મારા પ્રિય શિક્ષક આજે પણ મારા માટે પ્રેરણાદાયી બની રહે છે. તેઓશ્રી વિદ્યાર્થીઓની કચાસને દૂર કરી પ્રતિભાસંપન્નન વિદ્યાર્થીઓનું નિર્માણ કરે છે. તેમના ઉત્સાહને કારણે જ શિક્ષણની સાથે સાથે ખેલકૂદ અને સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરી શકતા હતા.આજે આપણે twinning partnership અંતર્ગત એક શાળાના બાળકો બીજી શાળામાં જઈ બધું જુએ છે, સાથે રમે છે, ત્યાં રોકાય છે. પરંતુ મને આજે પણ યાદ છે કે 40 વર્ષ પહેલા અમારી શાળા અને જુના વાઘણિયા ગામની શાળાના બાળકો સાથે મળી પ્રોગ્રામ કરતા હતા,ત્યાં સાંજ સુઘી રોકાતા હતા. તેના સુમધુર સંસ્મરણો સ્મૃતિપટ પર છવાયેલા છે. આજે પણ મને યાદ આવે છે કે શાળામાં તેઓ ..V. C. D. પર અમને 'ગાંધી' પિક્ચર, 'સત્યમ શિવમ સુન્દરમ' પિક્ચર બતાવતાં તેમજ મૂલ્યલક્ષી પ્રોગ્રામ પણ હોય જ. તેઓ શાળામાં 'હોથલ પદમણી', 'વીર માંગડાવાળો', 'જીંથરા ભાભાની' વાર્તા બાળ સભામાં સંભળાવતાં હતાં. તેઓએ ક્યારેય કોઈનું અપમાન કર્યું હોય તેવું મને યાદ નથી. તેમની મૃદુ વાણી થકી બાળકો, વાલીઓ અને સ્ટાફ અને અધિકારીશ્રીઓના દિલને જીતી લેનારી છે. બાળકોને તેમની ક્ષમતા મુજબનું ગૃહકાર્ય આપવામા માનતા હતાં. આના કારણે જ તેઓ તરફ વિદ્યાર્થીઓ આકર્ષિત થતાં અને તેમને માતૃવત સ્નેહ કરતાં હતાં.

 આજે પણ મને એ વાત યાદ આવતાં ખૂબ જ દુઃખ થાય છે કે, હું ધોરણ ચાર માં ભણતી હતી. મંજુલાબેન તેમની છ માસની પુત્રી મીનાને ક્યારેક શાળાએ લઈ આવતા એક વાર હું મીનાને રમાડતી હતી. શાળા મેદાનમાં હિંચકતી વખતે હિંચકો જોરથી કેવી રીતે ખાધો ખબર નહિ અને મીના મારા ખોળામાંથી પડી ગઈ. મીના તો પડતા જ મોટે મોટેથી રડવા લાગે છે. મારી સાથે રમતાં બાળકો દોડીને બેનને કહેવા ગયાં કે, "બેન જયશ્રીના ખોળામાંથી મીના પડી ગઈ." બેન આ સાંભળતાં દોડતાં આવે છે. હું મીનાના તેમના હાથમાં આપું છું. એને કેવું લાગ્યું છે તે જોવાને બદલે તેઓ મારા માથા પર હાથ રાખી ફક્ત એટલું જ બોલ્યાં કે, "કંઈ નથી થયું, તું રડ નહીં હમણાં ઠીક થઈ જશે," અને મને હાશ થઇ ! બેન હવે મીનાના ચહેરા સામું જુએ છે. મેદાનમાં રેતી પાથરેલ, તે અતિ કોમળ ચહેરા પર ચોંટી ગઈ. તેને ખંખેરી સાફ કરી પોતાના હૃદય સાથે રાખી રડતી મીનાને છાની રાખી, મારા માથા પર હાથ ફેરવી સાંત્વના આપી. જાણે એવું કહી રહ્યાં હોય તેવો ભાસ થાય છે કે આવું તો થાય એમાં રડવાનું ના હોય. એમના ચહેરા પર ગુસ્સાની એક પણ લકીર જોવા મળી નહીં. આ બાબત આજે પણ મારા શિક્ષક જીવનમાં કાયમી સંભારણું બનેલ છે.

 આના જેવી જ એક હૃદયસ્પર્શી વાત છે હું મારા મા-બાપનું પાંચમું સંતાન મા-બાપ ખેતીવાડી, પશુપાલન કરે કામ કરવાવાળા બે ને ખોટી કરવાવાળા અનેક . બિચારી મા કેટલે પહોંચે ? એકવાર માથું ઓળવાનું રહી ગયેલ, જેવું આવડે તેવું ઉપર ઉપર ઓળીને શાળાએ ગઈ. તે દિવસે મંજુલાબેન રજા ઉપર હતાં શાળાના બીજા શિક્ષકે માથું ફરી ઓળી લાવવા ઘરે મોકલી. ઘરે જતી વખતે રસ્તામાં એક કૂતરો કરડતો રહી ગયો. માંડ દોડતી ઘરે પહોંચી. મને રડતી જોઈને દાદી ખૂબ દુ:ખી થયાં. જેમની ઉંમર 95 વર્ષ જેવી હતી. તેઓને આ ઉંમરે બે ચોટલા એવું ફાવે નહીં મને પડોશી પાસે લઇ જઇ બે ચોટલા વાળી અને શાળાએ મૂકે. બીજા દિવસે મંજુલાબેન મારા ઘરે છાશ દૂધ લેવા આવ્યાં. તેઓ મારા દાદીને 'ગંગાબા' કહેતાં હતાં. તેઓએ ગંગાબાને જય શ્રી કૃષ્ણ કહ્.યા મારા દાદીએ પણ સામે જયશ્રીકૃષ્ણ કર્યા, પછી ધીરેથી ખાલી એટલું કહ્યું કે, "બેન શાળા પહેલા છેડે ને અમારું ઘર આ છેડે ક્યારેક બાળકે માથું ન ઓળ્યું હોય કે બટન તૂટી ગયું હોય એટલા માટે ઘરે ના મોકલતા હોય તો ! કાલે દીકરીને કૂતરો કરડતો રહી ગયો." મંજુલાબેન કહે ભલે ગંગાબા ધ્યાન રાખીશું.

 બીજા દિવસે શાળાની પ્રાર્થના પૂરી થયા પછી મંજુલાબેન એક બોક્સ ખોલે છે અને તેમાંથી સોય દોરો અને કેટલાક બટનના પેકેટ નીકળે છે. સાથે છે થોડા નેઈલ કટર, કાંસકા અને તેલની બોટલ. ત્યારે કેટલી કન્ટીજન્સી આવતી તે મને ખબર નથી પણ મારા પ્રિય બહેન પોતાને પ્રિય એવા બાળકોને તકલીફ ના પડે તે માટે પોતાની દીકરીની વર્ષગાંઠની ઉજવણીની યાદી રૂપે શાળાને આ બધી વસ્તુઓની ભેટ આપી. પછી તો એ પરંપરા શરૂ થઈ ગઈ. ક્યારેય કોઈ બાળક ઘરે પાછું મોકલવું નહીં બેનનાં આ ઉદાહરણમાંથી શીખ લઈને શાળાના અન્ય શિક્ષકો અને ગામલોકો પણ આ કામ માટે યથા યોગ્ય સહકાર આપતા. આજે પણ આ વાત મારા દિલોદિમાગમાં એવી તો વણાયેલી છે કે તે મૂક શીખ આચર્યા વગર રહી શકતી નથી.

 તેઓના જીવનની આવી અનેક વાતો અમ જીવન માટે પ્રેરણાદાયી બની રહી છે. તેઓ હંમેશા નમ્રતાપૂર્વક વ્યવહાર દ્વારા લોકોના દિલ જીતી લેવાની કળામાં માહેર હતાં. તેઓ હંમેશા સકારાત્મક રીતે જ વિચારે છે. તેઓને ક્યારેય એવું કહેતા સાંભળ્યા નથી કે આ ન થાય. તેઓ હંમેશા એમ જ કહેતાં ધારો તે થાય. અશક્ય જેવો શબ્દ તેમની પાસેથી અમને ક્યારેય સાંભળવા મળ્યો નથી. તેઓ સત્ય, અહિંસા ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. આ પ્રાર્થનાના દરેક શબ્દને પોતાના જીવનમાં વણી લીધો હોય તેવી રીતે વર્તન કરતાં હતાં અને અમારામાં પણ આ ગુણો ખીલવવા માટે સમયાંતરે વાતો કરી ઉપદેશ આપતાં હતાં. મારી પ્રાથમિક શાળામાં રોજ અલગ પ્રાર્થના ગાવામાં આવતી, અભિનય ગીત, ભજન, સુવિચાર જાણવા જેવું, પ્રેરક પ્રસંગ કહેવામાં આવતા હતા. 'આજનું ગુલાબ' કંઈ યાદ આવતું નથી પણ જે ખૂબ સુંદર તૈયાર થયું હોય તેની પ્રશંસા કરવામાં આવતી અને તેને 13 તાળીનું માન આપવામાં આવતું હતું. આ બધું મંજુલાબેનનાં હાથ નીચે જ થતું હતું. ચાણક્ય પણ કહે છે ને કે "શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ " ત્યારે હું તો એટલું જ કહીશ કે "શિક્ષક સાધારણને પણ વિશિષ્ટ બનાને વાલે વો કારીગર હૈ, જિસકી પ્રખર સાધના સે વિદ્યાર્થી ખાસ બન જાતે હૈ "

આજે હું જે કંઈ છું તેના ઘડતરમાં યોગદાન આપનારા મારા માતા-પિતાને મારા પ્રિય શિક્ષક જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy