Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Tragedy

4.7  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Tragedy

કળિયુગમાં પૈસો કરાવે ખેલ

કળિયુગમાં પૈસો કરાવે ખેલ

10 mins
365


" પૂજાયો પૈસો જગત મહીં, ઘટ્યાં સ્નેહીનાં માન સન્માન 

રાતા પાણીએ રોતા મા બાપ, ઘોર કળિયુગના ઍંધાણ."

સોમનાથના દરિયાકિનારાનાં એક ગામડામાં રહેતા ગંગાબા ઘરના ઓટલે બેસી બાજુના જુવાનિયાઓ પાસે પોતાનાં પુત્રને મોબાઈલ કરાવે છે પુત્રનાં ખબર અંતર પૂછવા પણ પુત્ર મોબાઈલ ઉપાડીને બોલે, "હું કામમાં છું પછી નિરાંતે ફોન કરું."

ગામના જુવાનિયાઓ પણ હવે થાકીને કહે છે કે, "ગંગાબા અમે તમારા દીકરા જ છીએ ને. કોઈ કામ હોય તો અમને કહો. આ રઘુભાઈ મોટા શેઠ બની ગયા છે એટલે હવે તેમને નવરાશ ના મળે."

 ગંગાબા નિરાશ વદને ભૂતકાળની યાદોમાં સરી પડ્યા.

 તેમન સાત ખોટનો દીકરા રઘુવીરને ખુબ લાડકોડથી ઉછેર્યો હતો અને પિતાની આવક વહાણોનાં વ્યાપારમાં સારી હોવાથી શહેરની સારી કોલેજમાં ભણાવ્યો હતો. કોલેજમાં મોટા શહેરની એક યુવતી મનોરમા સાથે પ્રેમસંબન્ધ બંધાતા રઘુવીરના પિતા ગૌતમભાઈએ સમાજનો વિરોધ છતાં પણ રઘુવીરને મનોરમા સાથે ધામધૂમથી પરણાવી દીધો. નવી વહુ પહેલા તો કમને મર્યાદા જાળવી રહેવા લાગી પણ રઘુવીરને વશમાં કરી પોતાની સાથે શહેરમાં પિતા જોડે રહેવા લઈ જવા પ્રયત્નો ખાનગીમાં કરી રહી હતી.

મા ગંગાબા તો પુત્રપ્રેમનાં કારણે વહુને ખુબ જ સાચવી રહ્યા હતા. પતિ ગૌતમભાઈ અચાનક ગંભીર બિમાઈમાં સપડાતા રઘુવીર વેપાર સાંભળવા લાગ્યો પણ તેનું મન વેપારમાં ન લાગતું હોવાથી નુકશાન થવા લાગ્યું. આ તરફ દવાઓનો ખર્ચ વધતા ઘરમાં પૈસાની ખેંચ ઉભી થવા લાગી હતી.

 આ જોઈને મનોરમાને હવે બોલવાનો મોકો મળી રહ્યો હતો. તે ધીરે ધીરે ગંગાબાને સામું બોલવા લાગી પણ ગંગાબા સહનશીલ હોવાથી સહન કરતા રહેતા હતા. જીવનનાં આખરી સમયે વહુનાં લક્ષણ પારખી ગૌતમભાઈએ પત્ની ગંગાને બોલાવીને કહેલું, 

 "વ્હાલી ગંગા તે જીવનભર મને સાથ આપી આખરી સમયે મારી સેવા કરી છે પણ મારી પાસે સમય ઓછો છે અને આ રઘુ અને વહુ તને સાચવે તેવા મને લગતા નહીં."

"ના ના. મારો રઘુ એવો નથી હો રઘુના બાપુ. તમે જરાય ચિંતા ન કરો તમને કાંઈ જ થવાનું નથી. હું બેઠી છું સેવા માટે." ગંગાબા હિંમત આપતાં બોલ્યાં.

ગૌતમભાઈ ગંગાબાને એક નાનકડી પેટી આપતાં બોલ્યાં,

"તો લે આ પેટી રાખ તારી પાસે અને જો મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડી જાય એટલે જ આ પેટી ખોલજે. મારો પ્રેમ ભરેલો છે એમાં જે તને રાહત આપશે."

"પેટી ખોલવાની જરૂર જ નહીં પડે. આ તમે કહો છો એટલે સાચવીને મૂકી દઉં." કહેતાંક ગંગાબાએ પેટી મૂકી દીધી.

 થોડા સમય બાદ પતિ ગૌતમભાઈનું હોસ્પિટલમાં જ અવસાન થયું. ગંગાબા એકલા પડી ગયા. દૂર ઘૂઘવતો સાગર રાત્રે ગંગાબાના હૈયામાં પતિની યાદો રોજ તાજી કરાવતો હતો.

થોડા સમતમાં જ પુત્રવધૂ હવે સાચા રંગ બતાવવા લાગી. ગંગાબાની કિંમત કોડીની કરી નાખી. પલંગમાં બેસી બધું કામ સાસુમાને બતાવતી. અકારણ ઝગડા કરતી રહેતી. રઘુને નુકશાન વધુ થતું હોવાથી તે પણ ખુબ વ્યાકુળ રહેતો હતો. 

એકવાર મનોરમાના પિતા પધાર્યા અને જમાઈની દુબળી હાલત જોઈ શહેરમાં આવી પોતાનો બિઝનેસ સાંભળવાની વાત કરી. મનોરમા તો ખુશીમાં હા પણ પાડી દીધી પણ રાધુનું મન માનતું ન હતું માને એકલી મેલીને જવા માટે. મનોરમાએ સાસુ જોડે ઝગડો કરતા કહ્યું,

 "હવે તમે ડોશી થયાં તોય તમારો માવડિયો દીકરો તમારો મોહ છોડતો નહીં અને તેની જિંદગી બરબાદ થઈ રહી છે. તમે કહેશો તો જ મારી સાથે આવશે."

ગંગાબાએ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે જવાની રજા આપી. પતિને વેપાર સાથે સરકારી નોકરી હોવાથી થોડું પેંશન મળતું હોવાથી રઘુવીરે પિતાના જુના વહાણો વેચી એ પૈસા લઈને સસરા જોડે ભાગીદારીમાં શહેરમાં બિઝનેશ શરૂ કર્યો. ગંગાબા ગામડે એકલા રહી ગયા પણ પડોશમાં રહેતો એક જુવાન દીકરો અનિલ તેમને ખુબ જ સાચવતો હતો.

આ તરફ મનોરમાને પતિ રઘુ ગામડે જાય તે બિલકુલ પસંદ ન હતું. તે વારંવાર ઝગડા કરતી હોવથી રઘુએ ગામડે મા પાસે જવાનું સાવ બંધ કરી દીધું. પૈસા વધુ મળતા હોવાથી લોભમાં રઘુ માને પણ ભૂલવા લાગ્યો હતો. ફોન પણ હવે ઉપાડતો ન હતો.

 ગંગાબા ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાયેલાં હતા તેવામાં બાજુમાંથી અનિલ આવીને મા નાં ખોળામાં સુઈ જતા બોલ્યો,

"ગંગામાં તમે તો જાગતા સપનું જોતા હોય એવું લાગે છે.?" પોતાને ખુબ જ વ્હાલો લાગતો આ અનિલને જોતા જ માનાં પુત્ર વિરહી હદયને રાહત અનુભવાઈ. તે અનિલના માથામાં હાથ ફેરવતા બોલ્યાં,

"બેટા રઘુની ખુબ યાદ આવે છે."

માનો દર્દભર્યો સ્વર પારખી અનિલ બોલ્યો,

"મા મને જ તમારો દીકરો કેમ નથી માની લેતા.? રઘુભાઈ હવે મોટા માણહ બની ગયા છે. તેવું ગામમાં સહુ કહે છે. કોઈને મળે તો સામું પણ જોતા નહીં કે મા નાં સમાચાર પણ પૂછતાં નહીં. ઘણાં તો તેમને હવે 'જોરૂ કે ગુલામ ' કહે છે."

"એ એવું ન બોલાય. મારો તો દીકરો છે ને. ?"

"હા પણ મા રાઘુભાઈને ગામડાની વિધવા મા હવે ગમતી નહીં હોય પણ મને તો આ ગંગામાં ખુબ જ ગમે છે." કહીને અનિલ ગંગામાને વ્હાલથી ભેટી પડ્યો. ગંગામાં તેને લાડ કરતા બોલ્યાં,

"બેટા અનિલ એકવાર મને મારા રઘુનો અવાજ તો સંભળાવી દે. તને હાથ જોડી વિનંતી કરું છું."

ગંગામાની વિનંતી જોઈ રોજ ફોન લગાવીને થાકેલા અનિલનું હદય માની પુત્ર વિરહની વેદના દ્રવી ઉઠ્યું અને તેણે ફોન લગાવીને કહ્યું,"લ્યો માં તમે જ વાત કરો મારા પર તો રઘુભાઇ ગુસ્સે થાય છે."

મોબાઈલ ઉપાડતા જ રઘુ બોલ્યો,

 "એય હજી તો ગામડાનો ગંવાર જ રહ્યો અનિલ. કેટલીવાર કહ્યું કે મને ડિસ્ટર્બ ન કરીશ. મારે વાત કરવાની નવરાશ નહીં હોતી. મા તો નવરા બેઠા છે એટલે કહે ફોન કરવાનું. તારામાં બુદ્ધિ નહીં."

મા કટુ વચનો સાંભળીને બોલ્યાં,

 "બેટા તારી મા નવરા નથી પણ નવ મહિના પેટમાં પાળેલા પુત્રની યાદો તારી માને બેચેન કરે છે. હું તો બસ તારો અવાજ સાંભળવા માટે તડપતી હોઉં છું. " માનો અવાજ સાંભળી બાજુમાં બેઠેલી પત્ની મનોરમા બોલી,

"રઘુ પાછો માવડિયો બની ગયો કે શું.? પત્નીની સામું જોતા અનિલ બોલ્યો,

"મા હું અત્યારે બહુ કામમાં હોઉં છું. નવરો પડીશ એટલે વાત કરીશ."

"ના બેટા મેં વહુનો અવાજ સાંભળી લીધો અને સમજી પણ ગઈ. હવે ફોન નહીં કરે તો ચાલશે અને હવે હું પણ ફોન કરી તને હેરાન નહીં કરું. સુખી રહે દીકરા સદાય." 

કહેતા ગંગાબાએ ફોન અનિલને આપી દીધો. બધું સાંભળતો અનિલ ગુસ્સામાં બોલ્યો,

 "જોરૂ કે ગુલામ. મારી માનુ હદય દુભાવ્યું છે તમે. ભગવાન જોઈ રહ્યો છે બધું." કહીને ફોન કાપી નાખ્યો અને ગંગામાં અનિલને છાતીએ લગાડી ચોધાર આંસુએ રડતા બોલ્યાં,

"આજથી તું જ મારો દીકરો છે."

અનિલની સગી મા બધું જોતી હતી તે આવીને બોલી, 

 "હા ગંગામાં મારે ત્રણ દીકરા છે તેમાંથી આ અનિલ હવે તમને સોંપ્યુ છું. કોઈ જાતની ચિંતા ન કરો. પુત્ર કપાતર પાકે પણ માવતર નહીં."

 ગંગામાં થોડા સમય પછી ઘરમાં ગયા અને પતિના શબ્દો યાદ આવ્યા,

"ગંગા મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડે તો આ પેટી ખોલજે. મારો પ્રેમ છે આ પેરીમાં તને રાહત આપશે."

 પતિના ફોટો સામે જૂની યાદગીરી એવી પેટી લાવી ગંગાબાએ ખોલીને જોયું તો એક ચાવી અને એક ચિઠ્ઠી નીકળી. ચાવીને મૂકીને ચિઠ્ઠી મેટ્રિક પાસ ગંગાબા આંસુ સારતા વાંચવા લાગ્યાં,

"વ્હાલી ગંગા આ ચાવી નીચે ભોંયરામાં ડાબી બાજુ ખોદતાં એક ચોકડીમાં ખજાનો તારા માટે સાચવ્યો છે. પુત્રને આપવાનો હતો પણ વહુના લક્ષણ જોતા વિચાર માંડી વાળ્યો. હવે તને સમજાઈ ગયું હશે કે, પૈસો કેવા ખેલ કરાવે છે. પુત્ર માને ભટકાવે છે."

આ ધન દૌલતને મારો પ્રેમ સમજીને પોતાનાં માટે જ વાપરજે અને જે તને આ સમયે સાથ આપતો હોય તેને જ આપજે."

ચિઠ્ઠી વાંચી રાત્રે ગંગાબાએ અનિલને બોલાવ્યો અને બને મળી ભોંયરામાં ડાબી બાજુ ખોદતાં નીચે એક ચોકડીમાં હીરા, માણેક, સોનુ, સાચા મોતી અને ઢગલો રૂપિયા પણ મળ્યા. અનિલ જોઈને બોલ્યો,

"મા ગૌતમ બાપુનો પ્રેમ તો વરસાદ બનીને વરસી ગયો જુવો તમારા પર."

"હા બેટા ફક્ત મારા પર નહીં મારો પ્રેમ તારા પર પણ વરસી જ ગયો છે."

ગંગાબાના સુખના દિવસો શરૂ થયાં. ધન વડે પુત્ર અનિલ માટે ફરી પતિના મિત્રોની મદદથી વ્હાણનો ધંધો પોતાનાં માનેલા પુત્ર અનિલ માટે શરૂ કર્યો અને ગામડામાં મોટો બંગલો બનાવી બને મા દીકરો રહેવા લાગ્યાં. સમાજસેવાના કાર્યો પણ ગંગાબાએ શરૂ કર્યા દીકરીઓ માટે શિવણ ક્લાસ ખોલી પોતે મફત શીખવવા લાગ્યાં. તેમનું મન સેવાકાર્યોમાં અને ભક્તિમાં પરોવી દીધું. ગામમાં અને આજુબાજુ ગંગાબાની કીર્તિ ફેલાવા લાગી.

આ તરફ મનોરમા અને રઘુને માતાની હાય લાગી હોય તેમ નુકશાન વધવા લાગ્યું. સસરાએ અને મનોરમાના ભાઈઓએ ગુસ્સે થઈને પોતાનો બિઝનેસ અલગ કરી દીધો. રઘુભાઇ એકલા પડી ગયા સાવ. મનોરમાના શોખ વધી ગયા હોવાથી પૈસા માટે ઝગડો કરવા લાગી. એક દિવસ ગામડાનો એક ભાઈ આ બંનેને રસ્તામાં મળતા હસીને બોલ્યો,

"ઓહો તમે પગપાળા ચાલતા થઈ ગયા એમને.? ગંગાબાની હાય બરાબર લાગી છે. જુવો ગંગાબા મોટા બંગલામાં રહે છે અને આજે ગાડીઓમાં જ ફરે છે."

રઘુ અને મનોરમાને ગુસ્સો પણ આવ્યો અને નવાઈ લાગી કે, "મા એટલા બધા રૂપિયા લાવી ક્યાંથી."

 રઘુએ તપાસ કરી તો સાચે જ મા કરોડોપતિ બની ગયા હતા. ગરીબ બનેલી મનોરમાને આ સાંભળી મનમાં લડ્ડુ ફૂટ્યા તે બોલી, "રઘુ તું જ પહેલા અને માને સમજાવીને મનાવી લે પછી મને પણ બોલાવજે. આખરે તો ડોશી મરે એટલે બધું તને જ મળવાનું છે ને.?"

કાંઈ છૂટકો ન હોવાથી પત્નીની વાત માની રઘુએ માને છેતરવા ફોન કરીને માએ ફોન ઉપાડતા બોલ્યો,

"મા રઘુ બોલું છું. તારી ખુબ જ યાદ આવી છે. સાંભળ્યું છે કે, તું ખુબ જ પૈસાવાળી બની ગઈ છે.? હું તારી જોડે આવું મા.?"

"હા બેટા મા તો દીકરાને સદાય આવકારે જ છે અને પૈસાની મારે હવે ક્યાં કોઈ તકલીફ જ છે.?" ગંગામાં સમજી જતા બોલ્યાં.

રઘુ બીજા જ દિવસે આવી ગયો. માએ હેતથી આવકાર્યો. પોતાનો માનેલો દીકરો અનિલ હવે વેપારમાં પાવરધો બની ગયો હતો. રઘુએ માને પૂછીને પત્ની મનોરમાને પણ ગંગામાના વૈભવી બંગલામાં બોલાવી લીધી. મનોરમાએ ખોટી ખોટી માફી માંગી પણ સમજદાર ગંગામાં બોલ્યાં,

"હવે તમે અહીં સુખેથી રહો અને મજા કરો. "

બને ખુશ થઈ ગયા અને માના પૈસે જલસા કરવા લાગ્યાં પણ માનો બધો જ વેપાર પડોશીનો દીકરો અનિલ સાંભળતો જોઈને મનોરમાને ઈર્ષ્યા થવા લાગી. થોડા સમય બાદ મનોરમા બોલી પણ ખરી કે, "સાસુમા આ પડોશીનાં દીકરાને બધો વેપાર સોંપી દીધો છે તો તમારા દીકરાને તો શીખવો." પણ સમજુ ગંગામાં વહુના હાથમાં રૂપિયાનું બંડલ પકડાવતા બોલ્યાં,

"મારા દીકરા રઘુને કે તેની વહુને ગામડાનાં વેપારમાં મન લાગતું નહીં તે હું જાણું છું એટલે તો અનિલને આ વેપાર સાંભળવા આપ્યો છે. તમે બને રહો ત્યાં સુધી મજા કરો કોઈ ચીજની જરૂર હોય તો કહેજો."

 આમ સમય વીતવા લાગ્યો. પૈસા જોઈએ તેટલા મળતા હોવાથી રઘુ અને મનોરમા ડોશી મરે તેની રાહ જોવા લાગ્યાં. એકવાર ગંગામાને એટેક આવતાં મનોરમા તો સાંભળીને ખુશીમાં નાચવા લાગી. રઘુ સાથે હોસ્પિટલ ગઈ તો અનિલ માની પાસે ગંગામાના માથે હાથ ફેરવતો આંસુ સારી રહ્યો હતો. ડોક્ટરોએ બચવાની આશા છોડી દીધી હતી. ગંગામાએ વકીલને બોલાવી પોતાની મિલ્કતની ગુપ્ત વીલ પણ બનાવી લીધુ હતું અને ગામના પંચને સાક્ષીમાં પણ રાખ્યા હતા. 

પુત્ર રઘુ અને મનોરમા સામું જોઈ મધુર સ્મિત કરીને ગંગામાએ રડી રહેલા અનિલના માથે અખરીવાર હાથ મૂકીને પોતાનાં પ્રાણ છોડી દીધા.

ગંગાબાની વિદાયથી ગામ આંખુ રડવા હીબકે ચડ્યું. અંતિમક્રિયા બાદ મનોરમાએ ઈશારો કરતા રઘુ બોલ્યો,

"અનિલ તે મારી માની બહુ સેવા કરી અને બદલામાં માએ તને ખુબ સાચવ્યો છે. હવે બધો વેપાર મને સોંપીને અને મિલ્કતની વિગતો આપીને હું તને થોડા રૂપિયા આપીશ તેનો તારો પોતાનો કોઈ નાનો મોટો વેપાર શરૂ કરજે. હવે તું તારી માની પણ આવી જ સેવા કરજે."

દુઃખી અનિલ 'સારું ' કહેતાંક બિસ્તરા પોટલાં સમેટીને જેવો બંગલાની બહાર નીકળ્યો કે ગામ આખું પંચ અને વકીલ સાથે સામે જ ઉભું હતું. એક વડીલ બોલ્યાં,

"જોયું બધાએ મેં કહ્યું હતું તેવું જ આ પૈસાના પૂજારી જોરૂ કા ગુલામ રઘુએ કર્યું. ચાલો હવે તેને જરા તેની શહેરની ભાષામાં સમજાવીએ." કહેતાંક બધા અંદર ગયા તો અંદર ડી.જે જેટલું જોરથી મ્યુઝિક વગાડી રઘુ અને મનોરમા ખુશીમાં ડાન્સ કરી રહ્યા હતા. બધાને જોતા જ શરમાઈને રઘુ મ્યુઝિક બંધ કરીને સામે આવતાં જોનાર ગામની મહિલાઓ બોલી ઉઠી,

" હાય હાય કેવો કપાતર દીકરો પાક્યો છે.? દેવી સમાન ગંગામાને મરે બે દિવસ થયાં છે ને આ કપાતર વહુ સાથે નાચી રહ્યો છે."

 મનોરમા આ સાંભળીને બોલી,

 "હવે સાસુમા તો ગુજરી ગયા અને અમારા બંગલામાં અમે ગમે તે કરીએ તમારે બધાને શું લેવાદેવા.?"

 પંચના વડીલ બોલ્યાં, "વહુ બેટા અમે વડીલો ગામડામાં પુરુષો જોડે જ વાતચીત કરીએ છીએ. તમે જરા શાંતિથી દૂર ઉભા રહીને સાંભળતાં શીખો."

બીજો એક પહેલવાન વડીલ બોલ્યો,

" એય કપાતર રઘુડા તું અહીં આવ. હવે તો તે હદ કરી નાખી. તને સમજાવવો જ પડશે. લાજ શરમ નેવે મૂકી દીધી છે તે અને તારી બાયડીએ તો."

 "ગેટ આઉટ." રઘુ ગુસ્સામાં બરાડ્યો. મારા બંગલામાં મને ધમકાવનાર તમે કોણ છો.? હમણાં જ પોલીસ બોલાવી બધાને જેલમાં પુરાવી દઈશ. મારી પાસે હવે પૈસાનો તોટો નથી અને મારે તમારી કોઈની જરૂર નથી."

 "તારા ઘરમાં નહીં અનિલના બંગલામાં આ બધા તને ધમકાવી રહ્યા છે." વકીલ હવે આગળ આવતાં બોલ્યાં, "જુવો આ પોલીસ પણ પહોંચી જ ગઈ છે."

"શું કહ્યું.?" રઘુ અને મનોરમા એક સાથે બોલી ઉઠ્યા. અનિલનો બંગલો....!"

બધા ખડખડાટ હસી પડ્યા અને પોલીસ અનિલની સાથે લઈને આવી હતી. પોલીસ ઇન્સ્પેકટર બોલ્યાં,

"મિસ્ટર રઘુવીર ગંગાબાનો બંગલો અને બધી મિલ્કત તેમને અનિલના નામે કરી છે અને તમને માત્ર એક લાખ રૂપિયા આપવાનું કહ્યું છે. એ રૂપિયા લઈને એક કલાકમાં બંગલો ખાલી કરીને ચાલ્યા જાવો."

 "અલ્યા અનિલ જલ્દી એક લાખ રૂપિયા આપી દે નહિતર બિચારા ખાશે શું શહેરમાં જઈને.? " એક જુવાનિયો રઘુની મજાક ઉડાવતા બોલ્યો.

અનિલ એક લાખ રૂપિયા આપતાં બોલ્યો,

 "આમ તો હું તમને બધું સોંપી દેત પણ મારી ગંગામાએ મને સૌગંધ આપ્યા છે એટલે હવે હું તમને નહીં રોકી શકું."

રઘુભાઈની તો હવા નીકળી ગઈ. કાપો તો લોહી ન નીકળે એવી મનોરમા જોડે જઈને એક ગામની બાઈ બોલી, 

"જોયું તું બધાને પૈસાના જોરે બીક બતાવતી હતી પણ અમે ગામલોકો તો પૈસાને નહીં માનવતાને જ હજી માનીએ છીએ. દેવી જેવા ગંગામાને તમે કેટલા દુઃખી કર્યા ઈ અમે સહુએ નજરે જોયું છે. જેવું કામ કરો એવું ફળ ભોગવવું પડે."

 બધા મજાક કરતા રહ્યા અને રઘુ અને મનોરમા બિસ્તરા પોટલાં અને માનો આખરી વરસતો પ્રેમ એક લાખ રૂપિયા લઈને પોતાની મોટી ભૂલને વાગોળતા શહેર તરફ નીકળી પડ્યા.

પંચના વડીલ ગંગામાના હસતા ફોટો સામે જોઈ બોલી ઊઠ્યાં,

"ઘોર કળિયુગ આવ્યો જગમાં, જુવો પૈસાના ખેલ 

માવતર મરતા ઝૂરીને, પૈસો કરાવે કેવા અવનવા ખેલ. "

આજ રત્નાકર પણ હિલોળે ચડ્યો હતો આ કળિયુગનો પૈસાનો ખેલ અને હદયમાં સુકાયેલ પ્રેમ સરિતા જોઈને..


Rate this content
Log in

Similar gujarati story from Abstract