Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotsna Patel

Abstract

4.7  

Jyotsna Patel

Abstract

સપનાંનું વાવેતર

સપનાંનું વાવેતર

6 mins
375


હાથમાં સરકારી મહોરવાળા કાગળ સાથે દૂર ક્ષિતિજને તાકી રહેલી એર કમાન્ડર મિસ રેહાના ખાન ઊંડા વિચારોમાં ડૂબી ગઈ હતી. હજુ ગયા અઠવાડિયે એનો પ્રમોશન લેટર આવ્યો ત્યારે પણ તે સ્થળ-કાળનું ભાન વિસરીને આમ જ ક્યાંક ખોવાઈ ગઈ હતી. આજે પણ તે જાણે કોઈને યાદ કરતી હોય તેમ ભાવુક બની ગઈ હતી. તેની નજર તો હતી કાશ્મીરની હસીન વાદિયો પર, પણ તેની આંખ સામે દ્રશ્ય હતું ગુજરાતના છેવાડાના ગામડાની પ્રાથમિક શાળાનું !

નાસીરખાને પોતાની વ્હાલસોયી દીકરી રેહાનાને ખૂબ ઉત્સાહથી શાળામાં પ્રથમ ધોરણમાં દાખલ તો કરી, પણ રેહાના શાળાએ જવા તૈયાર જ નહિ ! કડિયાકામ કરતા નાસીરખાનને દીકરીને ભણાવવાની ઘણી હોંશ હતી, પણ દીકરી તો જાણે ભણવાથી બાર ગાઉ દૂર ભાગતી હતી. રાબિયા ને નાસીરખાન એને ઘણું સમજાવે, પણ સમજે તો એ રેહાના નહિ ! આમ ને આમ એકાદ મહિનો વીતી ગયો. રાબિયાએ તો હવે આશા છોડી દીધી હતી, પણ નાસીરખાન એમ હાર માને એમ નહોતો. એક દિવસ એ રેહાનાને બજાર જવાનું બહાનું કરીને શાળાએ લઈ આવ્યો. નાનકડી રેહાના તો શાળામાં પ્રવેશતાં જ જોર જોરથી રડવા લાગી. પિતાની આંગળી છોડાવીને પાંચ વર્ષની રેહાનાને માલતીબેને બાથમાં લીધી, ને ‘ચાલ બેટા, આપણે ચોકલેટ ખાઈએ’ કહેતાં વ્હાલથી માથે હાથ ફેરવતાં વર્ગમાં લઈ ગયાં. રડતી રેહાના ક્યારે ચૂપ થઈને બીજાં બાળકો સાથે રમવા લાગી એની પણ એને ખબર ન પડી ! એ હતી માલતીબેન સાથેની રેહાનાની પ્રથમ મુલાકાત. 

 પછી તો રેહાનાને માલતીબેન સાથે એવું તો ગોઠી ગયું કે જાણે એ જ એની મા ન હોય ! ઘર તો હવે યાદ આવતું જ નહોતું ! રોજ સાંજે માલતીબેન એમની સ્કૂટી પર સવાર થાય ત્યારે તેમને ‘બાય ટીચર’ કહીને જ એ ઘરે જતી ને બીજે દિવસે એ આવીને સ્કૂટી પાર્ક કરતાં હોય ત્યારે કૂદતી કૂદતી તેમની પાસે પહોંચી જ ગઈ હોય ! ક્યારેક માલતીબેન સાથે એમનું ટિફિન ખાવા બેસી જતી તો ક્યારેક રાબિયાએ ભરી આપેલો નાસ્તો એમને ખવડાવતી. એ બંને વચ્ચે એવી તો હેત-પ્રીત હતી કે માલતીબેન રેહાનાના સપનામાં પણ આવતાં ! માલતીબેનના કારણે એને ભણવામાં પણ ખૂબ રસ પડવા માંડ્યો. પડે જ ને ! એમની ભણાવવાની ટેકનિક જ એવી સરસ કે બાળકો રમતાં રમતાં શીખી જતાં. ખરા અર્થમાં ભાર વગરનું ભણતર હતું એમના વર્ગમાં. શાળાનાં બાળકો, વાલીઓ, ઉપરી અધિકારીઓ સૌ માલતીબેનના કાર્યથી ખુશ હતા. જે છોકરી ભણવાના નામથી દૂર ભાગતી હતી તે હવે વર્ગ આખામાં મોખરે હતી ! આ હતો માલતીબેનનો કમાલ !

પછી તો રેહાના એક પછી એક સફ્ળતાનાં પગથિયાં ચડતી ગઈ. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ તે અવ્વલ રહેવા લાગી. ધીરે ધીરે તે શાળાનું ગૌરવ બની ગઈ ! સરકતા સમય સાથે રેહાના આગળ વધતી ગઈ ને છેક સાતમા ધોરણ સુધી પહોંચી ગઈ. એ સમયે પ્રાથમિક શાળામાં આજની જેમ વિષય શિક્ષકો નહોતા. દરેક શિક્ષકે બધા જ વિષય ભણાવવાના રહેતા. એટલે વારાફરતી શિક્ષકોએ ભણાવવાનાં ધોરણ બદલાતાં રહેતાં. એમાં રેહાનાને સાતમા ધોરણમાં ફરીથી એના પ્રિય માલતીબેનના હાથ નીચે ભણવાનો મોકો મળી ગયો, ને માનો એનું જીવન બની ગયું !

રેહાનાની ઉન્નતિ સાથે માલતીબેન પણ પ્રગતિ પામ્યાં ને સ્કૂટીના બદલે તે હવે કાર લઈને આવતાં હતાં. ગામડાગામમાં કોઈ સ્ત્રી કાર ચલાવે એ અજાયબી સમાન હતું. તેર વર્ષની રેહાના કાર ચલાવતાં માલતીબેનને દરરોજ અહોભાવથી જોયા કરતી. 

એકવાર વર્ગમાં માલતીબેને પૂછ્યું: “બાળકો, તમે મોટા થઈને શું બનશો ?” ત્યારે બાળકોએ ડૉક્ટર, એન્જિનિયર, પોલીસ અધિકારી, કલેકટર વગેરે બનવાની ઈચ્છા વ્યક્ત કરી. ચૂપ બેઠેલી રેહાનાને માલતીબેને પૂછ્યું; “રેહાના બેટા, તું શું બનવા માંગે છે ?” તે શરમાતાં શરમાતાં બોલી; “ટીચર, હું તો તમારી જેમ ગાડી ચલાવીશ !” બધાં બાળકો ખડખડાટ હસવા લાગ્યાં, ત્યારે તેમણે રેહાનાના માથે વ્હાલભર્યો હાથ ફેરવીને કહ્યું; “બેટા, ગાડી શું ચીજ છે ? તું તો વિમાન ચલાવી શકે એમ છે !” જાણે-અજાણે માલતીબેને રેહાનાના મનમાં પાઈલટ બનવાનું સપનું વાવી દીધું, ને રેહાના હવામાં ઊડવાના વિચારો કરવાં લાગી ! તેને થયું કે માલતી ટીચરે કહ્યું છે એટલે હું એ કરી જ શકીશ. ટીચર એમ ને એમ તો કહે જ નહિ ! પછી તો રેહાના દ્વારા અજાણપણે વિઝ્યુલાઈઝેશનની પ્રક્રિયા થવા લાગી, ને એના અર્ધજાગૃત મને પોતાનું કામ શરૂ કરી દીધું. આર્થિક સંકડામણ, સામાજિક બંધન, લિંગભેદની મર્યાદા જેવી અનેક વિપરિત પરિસ્થિતિઓમાંથી રસ્તો થવા લાગ્યો, ને છેવટે રેહાના એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે સ્થાન પામી, ત્યારે તે પેંડા લઈને માલતીબેનના આશીર્વાદ લેવા આવી. એ તેમનું છેલ્લું મિલન હતું. 

 પછી તો ફ્લાઈંગ ઓફિસર રેહાના ખાનનું પોસ્ટિંગ ભારતભરનાં એર સ્ટેશનો પર થતું રહ્યું ને તેનું ક્રમશ: સ્કવોર્ડન લીડર, વિંગ કમાન્ડર અને ગ્રુપ કેપ્ટન તરીકે પ્રમોશન પણ થતું રહ્યું. આ બાજુ માલતીબેન પણ પોતાના વતનમાં સુખેથી નિવૃત્ત જીવન ગાળી રહ્યાં હતાં.

પડોશી દેશ તરફથી કરવામાં આવેલા જધન્ય હુમલાનો વળતો પ્રહાર કરવાની લીલી ઝંડી વડી કચેરી તરફથી મળી ગઈ, ને તેની સંપૂર્ણ જવાબદારી ગ્રુપ કેપ્ટન મિસ રેહાના ખાનને સોંપવામાં આવી. ઉપરી અમલદારો સાથે મળી તેણે દુશ્મનોના દાંત ખાટા કરવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ કર્યું. અતિગુપ્ત રીતે સંપૂર્ણ આયોજન કર્યાબાદ એફ-16 ફાઈટર જેટ લઈને તે અડધી રાતે હિંમત પૂર્વક દુશ્મન દેશમાં ઘૂસી ગઈ, ને બોમ્બ ઝીંકી દુશ્મનોને ભારતની તાકાતનો પરચો બતાવી દીધો. દુશ્મનોને મધરાતે ઊંઘતા ઝડપી તેણે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. એમણે ફાઈટર જેટને તોડી પાડવા પૂરી શક્તિ કામે લગાડી, પણ બાહોશ રેહાના ખાન એમ થોડી હાથમાં આવે ? 

દુનિયાને સવારે આ એર સ્ટ્રાઈકની જાણ થઈ. જાનની બાજી રમી બહાદુરી બતાવનાર મિસ રેહાના ખાન પર આખા ભારતે અભિનંદનનો વરસાદ વરસાવ્યો. ઠેર ઠેર ચર્ચાનો એક જ વિષય હતો - રેહાના ખાન અને તેની એર સ્ટ્રાઈક ! સમાચરપત્રોની હેડલાઈન એ જ, ને ટીવી ચેનલો પર પણ રેહાના છવાઈ ગઈ. દિવસોના દિવસો સુધી લોકો રેહાના ખાનની બહાદુરીનાં વખાણ કરતા રહ્યા. સરકારે પણ રેહાના ખાનની વીરતાની કદર સ્વરૂપે એને એર કમાન્ડર તરીકે નિયુક્ત કરી પ્રમોશન આપ્યું ને ‘પરમવીરચક્ર’થી તેને સન્માનવાનું નક્કી કર્યું.

 પ્રજાસત્તાક પર્વે તેને પરમવીરચક્ર એનાયત કરવામાં આવનાર હતું. એની જાણ કરતો સરકારી પત્ર રેહાનાના હાથમાં હતો, ને તે પોતાને આટલે સુધી પહોંચાડવામાં નિમિત્ત બનનાર માલતીબેનના વિચારોમાં ગરકાવ હતી ! “અભિનંદન મિસ ખાન !” મઘમઘતાં ફૂલો સાથે તેના સાથીમિત્રો આવી પહોંચ્યા, ને તે પોતાની પ્રાથમિક શાળામાંથી ઉધમપુરના એર સ્ટેશન પર પાછી આવી ! 

વિશાળ સ્ટેજ પર દેશનું સર્વોચ્ચ સ્થાન શોભાવતા મહામહિમ રાષ્ટ્રપતિ અને આદરણીય પ્રધાનમંત્રી સાથે લશ્કરની ત્રણે પાંખના વડાઓ બિરાજમાન હતા. સામે વિશાળ જનમેદનીમાં અદકેરો ઉત્સાહ હતો. ઉદઘોષકે પરમવીરચક્ર માટે જેવું એર કમાન્ડર મિસ રેહાના ખાનનું નામ ઘોષિત કર્યું કે જનમેદનીની હર્ષની કિકિયારીઓથી આસમાન ગુંજી ઉઠ્યું. રેહાના એક એર કમાન્ડરને શોભે તે રીતે ગૌરવ સાથે સ્ટેજ પર આવી. રાષ્ટ્રપતિએ તેને પરમવીરચક્રથી નવાજી, ત્યારે ટીવી સ્ક્રીન પર જીવંત પ્રસારણ માણી રહેલા આખા દેશનું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું. મહામહિમ રાષ્ટ્રપતિ અને આદરણીય પ્રધાનમંત્રીએ રેહાનાની બહાદુરીના અને તેની દેશભક્તિનાં ખૂબ વખાણ કર્યાં. નાસિરખાન અને રાબિયા સાથે બેઠેલાં માલતીબેન હર્ષનાં આંસુ લૂછતાં હતાં.  

રેહાનાએ સંબોધન કરતાં ગદગદિત કંઠે કહ્યું; “મને બિરદાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, પણ સાચા ધન્યવાદ તો મારાં એ ટીચરને જાય છે જેમણે મને આ સ્થાન સુધી પહોંચવા માટેની પ્રેરણા પૂરી પાડી છે.” તેણે સપનાંનાં વાવેતરવાળી ઘટના ટૂંકમાં કહી, ને હૃદયના ભાવને શબ્દોમાં વહાવતાં કહ્યું; “મારી સફળતાનો બધો જ શ્રેય મારાં માલતીબેનને જાય છે. મારી ખુશીના આ પ્રસંગે મારાં એ પ્રેરક અહીં ઉપસ્થિત છે ત્યારે હું મારી સફળતા તેમને અર્પિત કરું છું, અને દિલથી તેમનું ઋણ સ્વીકાર કરું છું. થેંક્યું, માલતી ટીચર !” 

વડાપ્રધાને બધા જ પ્રોટોકોલ તોડીને માલતીબેનને મંચ પર બોલાવ્યાં, ને તેમનું ઉચિત સન્માન કર્યું. લોકો તાળીઓના ગડગડાટથી તેમને વધાવતા હતા ત્યારે તેમની આંખ સામે બે ચોટલાવાળી, ફ્રૉક પહેરીને પતંગિયાની જેમ ઊડતી અને પોતાનો પાલવ પકડી ગોળ ગોળ ફરતી એક છોકરી દેખાઈ રહી હતી !


Rate this content
Log in

Similar gujarati story from Abstract