Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Abstract Drama Inspirational

4.7  

Prashant Subhashchandra Salunke

Abstract Drama Inspirational

પૈસા ખુદા નહીં હૈ

પૈસા ખુદા નહીં હૈ

7 mins
306


ધનાઢ્ય એવા જગમોહનરાય શહેરના પ્રખ્યાત વ્યાપારી હતા. તેઓ શ્રીમંતની સાથોસાથ ખૂબ જ સેવાભાવી સ્વભાવના વ્યક્તિ હતા. તેમના પરોપકારી અને દયાળુ સ્વભાવની ચર્ચા શહેરભરમાં થતી રહેતી. તેઓ હંમેશા બીજાની મદદ કરવા તત્પર રહેતા અને આ માટે પૈસા ખર્ચવામાં તેઓ જરાયે પાછીપાની કરતા નહીં. તેઓ ધનને પરિવારજનો અને આપ્તજનોને ખુશ રાખવાનું માધ્યમ સમજતા.

બીજીબાજુ જગમોહનરાયના સ્વભાવ વિરુદ્ધ તેમની પત્ની સુશીલાબેન ઘણા કંજૂસ હતા. જગમોહનરાય પાણીની જેમ પૈસો વાપરતા તે તેઓને જરાયે ગમતું નહીં. તેઓ જગમોહનને છૂટા હાથે દાનધર્મ કરવા બાબતે ઘણીવાર ટોકતા પરંતુ જગમોહન પર કોઈ ફરક પડે તો એ જગમોહન કેવા !

એકવાર સુશીલાબેન બોલ્યા, “સાંભળો છો ? તમે આમ છૂટા હાથે પૈસો વાપરો છો તે મને જરાયે ગમતું નથી.”

જગમોહનરાયે જવાબમાં હસીને કહ્યું કે, “સુશીલા, પૈસાને જીવની જેમ સાચવવા એ કાંઈ ખુદા નથી. પૈસો તો આપણા હાથનો મેલ છે. એક હાથે આવે છે તો બીજા હાથે જતો રહે છે.”

સુશીલાબેન આ સાંભળીને ચૂપ થઈ ગયા.

આવી જ એક બીજી ઘટના થઈ. સુશીલાબેન અને જગમોહન બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની દીકરી માલિનીએ આવીને કહ્યું, “પપ્પા, મને હમણાંને હમણાં ૧૦,૦૦૦ રૂપિયા જોઈએ.”

સુશીલાબેને પૂછ્યું, “બેટા, આટલા રૂપિયાની તાત્કાલિક તને શું જરૂર પડી ?”

માતાની દખલ પુત્રીને જરાયે ગમી નહીં. તેણે મોઢું બગાડીને કહ્યું, “મારે સ્માર્ટ વોચ ખરીદવાની છે.”

“અરે ! બેટા, પણ તારી પાસે તો ઢગલો વોચ પડ્યા છે. તેવામાં આ દસ હજારની સ્માર્ટ વોચ ખરીદીને તું શું કરીશ ? આમ પૈસા ખરચી ઘરમાં નાહકનો કચરો ભેગો ના કરાય.”

“મમ્મી, તું નહીં સમજે પણ સ્માર્ટ વોચએ કચરો નહીં પણ આજના યુગની જરૂરિયાત છે. હવે હું પહેરું છું એવી કાંડા ઘડિયાળ કોઈ પહેરતું નથી.” માલિની જિદ કરતા આગળ બોલી, “પપ્પા, પ્લીઝ મને સ્માર્ટ વોચ ખરીદવા માટે ૧૦૦૦૦ રૂપિયા આપોને. યુ નો મારી સઘળી બહેનપણીઓ મને ચીઢવતા કહે છે કે માલિની, યુ આર સો ઓલ્ડ ફેશન તું ક્યાં આ બાબા આદમના જમાનાની ઘડિયાળ પહેરીને ફરે છે. મમ્મીપપ્પા, આજના જમાનામાં સમથીંગ ડિફરન્ટ જ ચાલે છે.”

સુશીલાબેન દીકરીને સમજાવવા જઈ જ રહ્યા હતા ત્યાં જગમોહન બોલ્યા, “બેટા, તિજોરીમાં જે એક લાખ રૂપિયા મૂક્યા છે તેમાંથી ૧૨ હજાર રૂપિયા તારા સ્માર્ટ વોચ માટે કાઢી લે.”

“અરે ! તમે ક્યાં તેને ૧૨ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયા ? છોકરાઓને આમ માંગીએ ત્યારે રૂપિયા આપી ન દેવાય. તેઓને જરા રૂપિયાની કિંમત તો ખબર પડવા દો.”

“વહાલી, બાળકોને કોઈ વસ્તુ માટે તડપાવું મને સહેજે ગમતું નથી. જો તેઓની આત્મા કોઈ વસ્તુ માટે રિબાય તો એક બાપ તરીકે મારી આત્મા લજાય. બેટા, તું જા અને તિજોરીમાંથી ૧૨ હજાર રૂપિયા લઈ લે.”

માલીની રાજીના રેડ થતી રૂપિયા લેવા દોડી ગઈ. આ જોઈ જગમોહને કહ્યું, “સુશીલા, આપણી દીકરીના ચહેરા પરનો આનંદ જોયો ? અરે ! લાખો રૂપિયા ખર્ચીને જે આનંદ ન મળે તે મેં માત્ર ૧૨ હજારમાં ખરીદ્યો. આ સોદો ઘાટાનો તો ન જ કહેવાય. મારી વાત હંમેશા યાદ રાખ કે, પૈસા ખુદા નહીં હૈ.”

સુશીલાને ઘણું કહેવું હતું પરંતુ તે ચૂપ રહી. તે જાણતી હતી કે જગમોહન તેની વાતને સ્વીકારે નહીં. બે દિવસ પહેલાંની જ વાત લો ને. તેમના દીકરા રાજુએ આવીને નવા મોબાઈલની માંગણી કરી. સુશીલાએ તેને રોકડું પરખાવતા કહ્યું હતું કે, હજી ૬ મહિના પહેલાં જ મોબાઈલ લીધો હતો ત્યારે નવાનું શું કામ છે ?”

પરંતુ જગમોહને તેને ટોકતા કહ્યું હતું કે, “સુશીલા, હું આ કમાવું છું તે કોના માટે ? તમારા બધાની ખુશી માટે જ ને ? રાજુની માંગણી યોગ્ય છે. આજના યુગમાં કાલે લીધેલી વસ્તુ આજે જૂની થઈ જાય છે. ત્યારે તું તો છ મહિના પહેલાં લીધેલા મોબાઈલની વાત કરે છે. સુશીલા, યાદ રાખ પૈસા ખુદા નહીં હૈ. તેને આટલું ચાહવું યોગ્ય નથી.”

સુશીલા કંઈક કહેવા જતી હતી પણ જગમોહને હાથ આગળ ધરતા કહ્યું, “બસ ! હું આ વિષે કશું સાંભળવા માંગતો નથી. રાજુ, આપણે આજે જ મોબાઈલ શોપમાં જઈને તારા માટે નવો મોબાઈલ ખરીદીશું.”

આ ઘટનાને થોડાક દિવસો વીત્યા હશે ત્યાં જગમોહનનો એક મિત્ર કેશવ તેમના ઘરે આવી ચડ્યો. જગમોહને આદરસત્કાર સાથે તેને આવકાર આપ્યો. કેશવે અહીં તહીંની થોડી વાતો કર્યા બાદ ધીમેથી વાત કાઢી, “દોસ્ત, મારી દીકરીનું અચાનક લગ્ન ગોઠવાઈ ગયું છે. તેથી મારી કોઈ તૈયારી નથી. મને જરા પૈસાની અગવડ છે તો.”

“કેટલા જોઈએ ?”

“દોઢ લાખની મદદ મળી જશે તો.”

જગમોહને તિજારીમાંથી તરત દોઢ લાખ કાઢીને કેશવના હાથમાં મૂકતાં કહ્યું, “આ લે દોઢ લાખ. અને બીજા પૈસાની જરૂર પડે તો માંગવા માટે ખચકાતો નહીં. આખરે તારી દીકરીએ મારી પણ દીકરી જ છે. તેના લગ્નમાં કોઈ કચાસ રહેવી જોઈએ નહીં.”

સુશીલાબેનને આ સહેજે ગમ્યું નહીં. તેઓએ ખિસ્સામાં પૈસા નાંખી રહેલા કેશવભાઈને મોઢા પર રોકડું પરખાવી દીધું, “કેશવભાઈ, છોકરી જન્મે ત્યારે જ દરેક માતાપિતાને ભાન હોય છે કે તેના અઠાર વર્ષ પછી લગ્ન કરવાના થશે. તમારી પાસે તો તમારી દીકરીના લગ્નના આયોજન માટે પુરા ૨૩ વર્ષનો સમય હતો. આ દરમિયાન તમે શું કર્યું ? અરે ! છોકરી અઠારની થઈ ત્યારે જ તેના લગ્નની ચિંતા કેમ ન કરી ? તમારે આમ કોઈની આગળ હાથ લંબાવવા કરતા પુરતું આયોજન કરવું જોઈતું હતું. મને જુઓ મેં મારી બેટી માલિની માટે એ નાની હતી ત્યારથી ઘરેણા બનાવી રાખ્યા છે. અને તમે...”

જગમોહને તેની વાત કાપતા કહ્યું, “સુશીલા, દરેકની પરિસ્થિતિ એકસરખી હોતી નથી. તારી પાસે પૈસા હતા એટલે તું ઘરેણા બનાવી શકી. એમાં તે કોઈ નવાઈ કરી નથી. તારે અમારા દોસ્તો વચ્ચે આમ બોલવું જોઈએ નહીં. તું તો જાણે જ છે કે...”

સુશીલાએ મોઢું બગાડતા કહ્યું, “હા, જાણું છું કે પૈસા ખુદા નહીં હોતા. પણ તમે એ નથી જાણતા કે...”

“બસ સુશીલા, હવે હું આગળ એક શબ્દ સાંભળવા માંગતો નથી.”

સમયનું ચક્ર તેની ગતિએ ફરી રહ્યું.

જગમોહન પરેશાન હાલતે તેમના ઓરડામાં ઊભા હતા. તેઓએ કપાળે બાઝેલા પરસેવાને લૂછતાં કહ્યું, “શું ? ન હોય ! અરે ! આવું કેવી રીતે બની શકે છે ?”

પતિનો ચિંતિત સ્વર સાંભળીને સુશીલાબેન અંદરના ઓરડાથી દોડી આવ્યા. “શું થયું ? કેમ ઘાંટા પાડો છો ?”

પરંતુ જગમોહન જવાબ આપવાને બદલે ચક્કર ખાઈને સોફા પર ઢળી પડ્યા. આ જોઈ સુશીલાબેન ઘબરાઈને બોલ્યા, “શું થયું ?”

જગમોહને થોથવાતા સ્વરે કહ્યું, “સુશીલા, આપણા રાજુનો ગંભીર અકસ્માત થઈ ગયો છે. તે કેસમ હોસ્પિટલમાં દાખલ છે. આપણે તાત્કાલિક ત્યાં જવું પડશે.”

આ સાંભળી સુશીલાબેનનું હૃદય પીસાઈ ગયું. પરંતુ હાલ તેઓને સ્વસ્થતા દાખવવી જરૂરી હતું. તેઓએ તરત બૂમ પાડતા કહ્યું, “ડ્રાઈવર, ઝટ કારને બહાર કાઢો.”

થોડીવારમાં બંને જણા કેસમ હોસ્પિટલમાં ઊભા હતા. જગમોહન ચિંતિત વદને ડોક્ટર અસ્થાના સાથે વાતો કરી રહ્યા હતા. જગમોહનને જરૂરી માહિતી અને સૂચનાઓ આપી ડોક્ટર અસ્થાના ત્યાંથી જતાં રહ્યા. હવે જગમોહન ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એક પછી એક ફોન લગાડવા લાગ્યા. પરંતુ દરેક કૉલ બાદ તેમના ચહેરાની રેખાઓ તંગ થતી ગઈ. આખરે ખાસ્સા ફોન કર્યા બાદ જગમોહન લમણે હાથ દઈને હોસ્પિટલના બાંકડે બેસી ગયા. સુશીલાબેને તેમના ખભા પર સાંત્વનાભર્યો હાથ મૂકતાં કહ્યું, “શું થયું ? કેમ આટલા ચિંતિત છો ?”

“સુશીલા, ડોક્ટરે તાત્કાલિક ૫૦ હજાર રૂપિયા જમા કરવા કહ્યું છે. તેઓએ કહ્યું છે કે જો તાત્કાલિક ઓપેરશન થશે તો જ આપણો રાજુ બચી શકશે.”

“તો ૫૦ હજાર જમા કરાવી દો ને ! એમાં શું નવાઈ છે ?

“સુશીલા, હવે હું તને કેવી રીતે જણાવું કે મારી પાસે હાલ એક રૂપિયો નથી. મેં શેર બજારમાં કરેલા રોકાણના સઘળા પૈસા ડૂબી ગયા છે. મેં દોસ્તો પાસે ઓપરેશનના પૈસા માટે મદદ માંગી જોઈ પરંતુ તેઓએ મને ચોખ્ખી ના પાડતા કહ્યું કે, તું શેર બજારમાં ડૂબ્યો છે. એટલે આવું જૂઠ બોલીને અમારી પાસેથી પૈસા પડાવવા માંગે છે. જે મિત્રોને મેં ઉછીના પૈસા આપ્યા છે તેઓ મારો ફોન ઊપાડી રહ્યા નથી. હવે હું શું કરું ? આટલા રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરું ? કોઈએ સાચું જ કહ્યું છે કે મુસીબત આવે છે તો ચારેય બાજુથી આવે છે. સુશીલા, મને કશું સૂઝી નથી રહ્યું. હે ઈશ્વર ! હવે તું જ મને માર્ગ દેખાડ.”

“તમે ચિંતા ન કરો. બધી વ્યવસ્થા થઈ જશે.” સુશીલાબેને પર્સમાંથી પૈસા કાઢીને જગમોહનના હાથમાં મૂકતાં કહ્યું, “હાલ મારી પાસે આ પચાસ હજાર રૂપિયા છે તે જમા કરાવી તમે ડોકટરોને ઓપરેશનની તૈયારીઓ કરવાની સૂચના આપી દો. બીજા અઢી લાખ રૂપિયા ઘરે અલમારીમાં પડ્યા છે. હું માલિનીને ફોન કરીને તે તાત્કાલિક મંગાવી લઉં છું.”

“સુશીલા, તારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી ?”

“તમે મને જે દર મહીને હાથખર્ચી આપતા હતા તે હું કોઈક દિવસ કામમાં આવશે એમ વિચારીને સાચવીને રાખતી હતી. હવે જુઓ મારી પાસે પૈસા બચાવેલા હતા તો તે અણીના સમયમાં આપણા કામમાં આવ્યા. હવે આ બધી નકામી વાતો છોડી તમે ડોક્ટરને ઓપરેશન કરવાનું કહી દો. હું ત્યાંસુધી માલિનીને ફોન કરીને અઢી લાખ રૂપિયા મંગાવી લઉં છું.”

સુશીલાબેને આમ બોલતાની સાથે પર્સમાંથી મોબાઈલ કાઢી માલિનીને કૉલ જોડી દીધો. જગમોહનના પગને જાણે પાંખ આવી. તેઓ ઉત્સાહભેર ડોક્ટરની કેબીનમાં દોડી ગયા.

ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટરોએ આવીને રાજુ ખતરા બહાર હોવાની જાણકારી આપતા જગમોહને રાહતનો શ્વાસ લીધો. તેઓએ સુશીલાબેન તરફ આભારવશ નજરે જોઈને કહ્યું, “આજે તું ન હોત તો ખબર નહીં શું થઈ ગયું હોત.”

“હું નહીં પરંતુ જો આપણી પાસે પૈસો ન હોત તો ખબર નહીં શું થઈ ગયું હોત. હું તમને કાયમ એક વાત કહેવા માંગતી હતી પરંતુ તમે મને દરવખતે અટકાવી દેતા. પરંતુ હું જાણું છું કે આજે તમે મારી વાતને ધ્યાનથી સાંભળશો.”

“બોલ સુશીલા બોલ. આજે તું જે બોલીશ તે હું સાંભળીશ.”

“હું તમને માત્ર એટલું કહેવા માંગું છું કે હવે પછી યાદ રાખજો કે પૈસા ખુદા નહીં હૈ પર ખુદા સે કમ ભી નહીં હૈ.”

જગમોહને સુશીલાબેનને ભેટી પડતા બોલ્યા, “વહાલી, આજે તેં મારી આંખો ખોલી દીધી. આજ પછી હું એવું ક્યારેય નહીં બોલું કે પૈસા ખુદા નહીં હૈ.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract