Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

4.7  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

અડગ મનનો માનવી

અડગ મનનો માનવી

9 mins
378


આ કહાની છે આદિવાસી સમાજના એક અડગ મનના માનવીની. ૯ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ જેતપુર પાવી તાલુકાના જાંબુવા ગામના એક નાનકડા ચોકી ફળીયામાં તેદલીબેન અને નાનજીભાઈને પુત્રરત્ન થયો હતો. તેદલીબેન જયારે આ પુત્રને ખોળામાં રમાડતા હતા ત્યારે તેઓને શું ખબર કે આગળ જતા તેમના નવ પુત્રોમાંનો આ સાતમો પુત્ર તેમનું નામ ઉજાળવાનો હતો. આ પુત્રનું નામ હતું રાયસિંગભાઈ નાનજીભાઈ રાઠવા.

આજથી ૬૭ વર્ષ પહેલા તેઓ જે ગામમાં રહેતા હતા ત્યાં સુખસુવિધાઓ જેવું કશું નહોતું. આદિવાસીઓનું આ ગામ સ્કૂલ, શાળા, હોસ્પિટલ કે બેંક જેવી પાયાની સગવડોથી વંચિત હતું. અંતરિયાળ અને પછાત એવા આ વિસ્તારમાં વસતા લોકોનો વિકાસ રૂંધાયેલો હતો. જોકે પ્રકૃતિની બાબતે જાંબુવા ગામ ખૂબ સમૃદ્ધ હતું.

રાયસિંગભાઈ નાનપણમાં ખૂબ તોફાની હતા. કુદરતના ખોળામાં રમવું તેમને ઘણું ગમતું. ગામના પાદરે આવેલા પીપળાના ઝાડ પાસે તેઓ આંબળી પીપળી, ગીલ્લીદંડો જેવી રમતો રમતા. ગામની નદીમાં ભૂસકો મારી પલકારામાં સામે કાંઠે પહોંચી જતા. ગામની દેશી રમતો રમીને તેઓનું શારીરિક સ્વાસ્થ્ય ઘણું સારું થઈ ગયું હતું. તેઓ પિતાજીને સાથે ખેતરમાં કામ કરવા જતા હોવાથી તેઓને બાગાયતી કામની ઊંડી સમજ આવી ગઈ હતી.

રાયસિંગભાઈ જેમ જેમ મોટા થતા ગયા તેમતેમ ગામની અસુવિધાઓ તેઓને ખૂંચવા લાગી. સગવડના અભાવે પડતી અગવડ તેમને અકળામણ અપાવવા લાગી. તેમના બીજા મિત્રો જયારે મેળામાં ફરવા જતા ત્યારે તેઓ કોઈક ટ્રેન પકડીને શહેરમાં ફરવા આવતા. શહેરનું જીવન તેમને ખૂબ આકર્ષતું. શહેરીજનોનું સાફસુથરું જીવન તેમને મોહી ગયું હતું.

એક દિવસ વાળુ કરતી વેળાએ નાનકડા રાયસિંગે તેના પિતાજીને પૂછ્યું કે, “બા, એક વાત પૂસુ ?”

જાંબુવા ગામમાં રહેતા આદિવાસી તેમના પિતાને બા અને માતાને અય્યાડી કહીને સંબોધતા.

“હા દીક્કા,”

“બા, આપણ સેરી લોકોની માફક સુખ સુવિધામાં કમ રહેતા નથી.”

નાનકડા રાયસિંગની વાત સાંભળીને તેમના પિતા બોલ્યા, "દીક્કા, હમથો દોકડીનો ખેલ સે. સેરના લોકો પાહે પૈહો સે એટલે તેઓ વૈભવમાં જીવી જાણે સે.”

"બા, તો પહી આપણ હોઉં સેરમાં રેવા જઈએ તો ?”

"દીક્કા, આપણી ગોમમાં ખેતીવાડી સે. ઈ હમથી સોડી સેરમાં રહેવા શીદને જવું ?”

જોકે પિતાજીની વાત નાનકડા રાયસિંગના ગળે ઉતરી નહોતી. શહેરના બાળકોને સ્કૂલે જતા જોઈ તેમનું મન પણ ભણવા માટે લલચાતું. તેઓની ઈચ્છા ભણીગણીને મોટા માણસ થવાની હતી. પરંતુ આદિવાસીઓના એ ગામમાં સ્કૂલની વ્યવસ્થા ન હોવાથી તેઓની ભણવાની મહેચ્છા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

રાયસિંગભાઈ ફુરસદના સમયે વિચારતા કે, ‘આપણું આ જીવન તે કંઈ જીવન છે ? ન તો અહીં કોઈ સુખ છે કે ન તો કોઈ સુવિધા. પિતાજી ગામ છોડવા માંગતા નથી એટલે મારે પણ ન છૂટકે અહીંયા જ રહેવું પડે છે. તો પછી શું અમારી આખી પેઢી આવું જ વૈતરું કરતી રહેશે ?”

નાનકડા રાયસિંગને તેની આવનારી પેઢીની ચિંતા થઈ આવી. પોતાનું બાળપણ ભલે હાલાકીમાં ગયું પરંતુ તેઓ આવનરી પેઢીને સોનેરી ભવિષ્ય આપવા માંગતા હતા.

“શું અમારી સઘળી પેઢી આ અંતરિયાળ ગામડામાં જ વેઠ કરતી રહેશે ? ના... ના... હું આમ કદાપી થવા નહીં દઉં. જે ભૂલ મારા પિતાજીએ કરી છે. તે હું હરગીજ નહીં કરું."

રાયસિંગભાઈની દ્રઢ માન્યતા હતી કે, ઈશ્વરે મનુષ્યને આ જીવન વેઠ કરવા તો નથી જ આપ્યું.

તેઓ જાણી ગયા હતા કે જાંબુવા ગામમાં અભાવના પ્રભાવમાં નિભાવ કરવો મુશ્કેલ હતો. તેમની પાસે નાનકડી જમીન હતી પરંતુ તેના દ્વારા ખૂબ નાનકડી આવક ઊભી થતી હતી. તેઓએ હવે શહેરમાં આવીને વસવાનું નક્કી કર્યું. પરંતુ આ પહેલા તેઓ શહેરી જીવનનો અભ્યાસ કરવા માંગતા હતા.

હવે તેઓએ તેમના મિત્રોને તેમની સાથે શહેરમાં આવવા તૈયાર કર્યા. હવે તેમના ગામથી સૌથી નજીક અને સુવિકસિત કોઈ શહેર હોય તો તે વડોદરા હતું. વળી અહીં કામ મળવાની તક ઘણી હતી. તે બધા મિત્રોએ સર્વ સમંતિથી વડોદરા જઈને છૂટક મજૂરી કરવાનું નક્કી કર્યું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વડોદરા જવા માટેનું ટ્રેનનું ભાડું લાવવું ક્યાંથી ?

મિત્રોની આ મૂંઝવણ પણ રાયસિંગભાઈએ દૂર કરી આપી. ખરેખર તો તેઓ શહેરમાં આવવા માટેની ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા. તેઓએ તપાસ લગાવતા તેમને જાણવા મળ્યું કે, પાણીમાઈન્સથી હાલોલ તરફ જતી ટ્રેન તેમના ગામ નજીકથી પસાર થતી હતી. જેનું હાલોલ જવાનું ભાડું માત્ર ૦.૭૫ પૈસા હતું. અંગ્રેજોના સમયે નદીને પેલે પાર આવેલા ડુંગરોમાં માઈનીંગ કામ ચાલતું. હવે અહીંથી જે ખનીજ નીકળે તેને ટ્રેન દ્વારા ઔધોગિક ક્ષેત્રોમાં પહોંચાડવામાં આવતું. હવે નદીના પાણી નજીક ચાલતા માઈનીંગ કામને લીધે આ જગ્યાનું નામ લોકબોલીમાં પાણી માઈન્સ પડી ગયું હતું. રાયસિંગભાઈએ લગાવેલી તપાસ મુજબ હાલોલ સ્ટેશને ઉતર્યા બાદ થોડુંક ચાલીને રસ્તા પર આવીએ તો પાવાગઢથી રેતી ભરીને વડોદરા તરફ જતી કોઈકને કોઈક ટ્રક જરૂર મળી આવતી. આ ટ્રકવાળાઓ ૦.૫૦ પૈસામાં વડોદરા પહોંચાડી દેતા હતા.

એક દિવસ મોકો જોઈને તેર વર્ષની કાચી વયના રાયસિંગભાઈ આંખમાં સોનેરી સપના લઈને વડોદરા આવવા નીકળ્યા. ઈ.સ. ૧૯૬૮ના રોજ પાણીમાઈન્સથી નીકળતી ટ્રેનમાં બેસી તેઓ હાલોલ સ્ટેશને ઉતર્યા. આ માટે તેઓએ ૦.૭૫ પૈસાનું ભાડું ચુકવ્યું હતું. જોકે એ સમયે આ પૈસા કાઢવામાં પણ તેઓની આંખમાંથી આંસુ આવી ગયા હતા. હાલોલ સ્ટેશનેથી નક્કી કર્યા પ્રમાણે તેઓ ચાલીને રસ્તા પર આવ્યા. અને અહીંથી એક ટ્રકમાં બેસીને તેઓ વડોદરા આવવા નીકળ્યા. હજુ તેઓ અડધે રસ્તે માંડ પહોંચ્યા હશે ત્યાં માર્ગમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદથી રેતી પલળે નહીં એટલે ડ્રાઈવરે જે તાડપત્રી બાંધી હતી તેની આડશમાં રાયસિંગે તેમના મિત્રોને ઊભા રાખ્યા. જોકે આમ કરવા જતા તેઓ ખૂદ વરસાદમાં પલળી રહ્યા. પરંતુ આ વાતનો તેમને કોઈ ફરક પડતો નહોતો. મિત્રોને સાથે લીધા છે તો તેમને સંભાળવાની જવાબદારી પણ ખુદની છે. આ નૈતિકતાએ બાળમાનસમાં ત્યારે પણ હતી.

મુશળધાર વરસતા વરસાદને જોઈને તેના એક મિત્રે કહ્યું, “રાયસિંગ, હવે આપણે શું કરીશું ?”

“શું કરીશું એટલે ! અરે ! વડોદરા જઈશું અને ખૂબ કમાવીશું. આગળનું જીવન સ્વમાનભેર અને ઉન્નત મસ્તકે જીવીશું. આદિવાસી ધારે તો દુનિયા જીતી શકે છે એ વાત દુનિયાને દેખાડીશું.”

નીડર એ બાળકની વાત સાંભળીને જાણે તાળીઓનો ગડગડાટ કરતા હોય તેમ વાદળા પણ ગરજી ઉઠ્યા.

આખરે બધા મિત્રો રાયસિંગભાઈની સુઝબુઝથી માત્ર સવા રૂપિયામાં જાંબુવા ગામથી વડોદરા આવી પહોંચ્યા હતા. અહીં રહીને તેઓએ છૂટક મજુરી કામ કરવાનું શરૂ કર્યું. નાનકડા એ હાથ ક્યારેક ઈંટ નીચે કચડાતા તો ક્યારેક સિમેન્ટથી છોલાતા. જે ઉંમરમાં બીજા બાળકો રમકડા સાથે રમતા હતા તે ઉંમરે આ બાળક ઈંટ અને પથ્થર સાથે બાથ ભીડતો હતો. જે ઉંમરમાં બીજા બાળકોના માથા પર માતાપિતાનો સાંત્વનાભર્યો હાથ હોય એ ઉંમરે આ બાળક માથા પર મણ મણનો ભાર ઉઠાવીને ચાલી રહ્યો હતો. પણ મુખમાંથી ફરિયાદનો એક હરફ નહીં.

બીજા બાળકો જયારે રાતના સમયે કેમ્પ ફાયરનો આનંદ લેતા હોય ત્યારે આ બાળકો ચુલા પર રસોઈ બનાવતા હતા. આખો દી મહેનત બાદ ચટણી સાથે મકાઈનો રોટલા ખાવામાં એક અનેરી મજા તેમને આવતી. વાળું પતાવ્યા બાદ રાતે કોઈ ફૂટપાથ પર આશરો શોધી તેઓ લંબાવી દેતા. થાકીને લોથપોથ થયેલા એ શરીર જાણે નરમ ગાદલા મળ્યા હોય તેમ ગાઢ નિંદ્રામાં સરી જતા.

સવારે ઊઠીને રાતનો વધેલો મકાઈનો રોટલો ચામાં બોળી તેઓ પોતાની ભૂખ સંતોષી લેતા. આમ પખવાડિયું સખત મજુરી કરી તેઓ જે પૈસા મળતા તે લઈને પાછા પોતાના વતને જતા રહેતા. અહીં વતનમાં પખવાડિયું રહીને તેઓ ખેતીની સાર સંભાળ લેતા. આમ પંદર પંદર દિવસના અંતરાળે તેઓએ વડોદરા આવવાનું શરૂ કર્યું. આનાથી તેઓની ગામડાની ખેતી પણ સચવાઈ જતી અને શહેરમાં આવીને થોડી રોકડી પણ થઈ જતી. હવે રાયસિંગભાઈ સાથે ગામના બીજા યુવાનોએ પણ વડોદરા આવવાનું શરૂ કર્યું હતું. બધા મિત્રો વડોદરામાં આવીને મળતી આવકથી સંતુષ્ટ હતા. પરંતુ રાયસિંગભાઈને આમાં સંતોષ નહોતો. તેમના મનમાં તો કંઈક જુદું જ રંધાઈ રહ્યું હતું. તેમને વડોદરામાં જ સ્થાયી થવાનું હતું. ગામડેથી વડોદરા અને વડોદરાથી ગામડે અપડાઉન કરવામાં તેમને પોતાનું ભવિષ્ય ડાઉન થતું દેખાતું હતું. અને આ માટે જ રાયસિંગભાઈએ છૂટક મજુરીની સાથોસાથ વડોદરામાં ઓળખાણો બનાવવાનું પણ શરૂ કર્યું.

  આખરે ઈ.સ. ૧૯૭૦માં તેમની મહેનત રંગ લાવી. તેમને વડોદરાના એક પટેલના બાગમાં બાગાયતી કામની નોકરી મળી ગઈ. હવે બાગાયતી કામ એ તો રાયસિંગભાઈનો પસંદીદા વિષય હતો. નાનપણથી તેમને આ કામમાં ફાવટ હતી. બસ પછી શું ? રાયસિંગભાઈએ દિલ લગાવીને પટેલના બાગમાં કામ કરવાનું શરૂ કર્યું. થોડાક જ મહિનામાં રાયસિંગભાઈની મહેનત અને અનુભવની અસર પટેલના બાગ પર દેખાવા લાગી. જોતજોતામાં પટેલનો બાગ ધરતી પરના સ્વર્ગ સમો ભાસવા લાગ્યો હતો. રાયસિંગભાઈની મહેનતથી પટેલ ખૂબ ખુશ થયા. તેઓએ રાયસિંગભાઈને રહેવા માટે બાગમાં જ એક નાનકડી ઝૂંપડી બાંધી આપી. બસ પછી શું ? રાયસિંગભાઈને વડોદરામાં આશરો મળી ગયો હતો. હવે તેઓએ પોતાના માદરે વતન જવાનું ક્યારેય વિચાર્યું નહીં. તેમની માતા કાયમ તેમને સલાહ આપતા કહેતી કે, બેટા, જીવનમાં આગળ વધવું હોય તો ક્યારેય પાછું વળીને ન જોઈશ.”

બાગમાં કામ મળ્યા બાદ રાયસિંગભાઈ માત્ર એકવાર વતન ગયા હતા અને તે પણ લગ્ન કરવા માટે. રાયસિંગભાઈનું સુખીબેન સાથે લગ્ન થતા તેમના જીવનને જાણે વેગ મળ્યો. સુખીબેન ખૂબ મહેનતુ અને સંસ્કારી હતા. તેમનો સાથ મળતા રાયસિંગભાઈની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગી. હવે પટેલભાઈના બગીચાની સાથોસાથ તેઓ બીજા બે ત્રણ ખેતરોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ખેતરોમાં પટેલકાકાએ જ તેમને કામ અપાવ્યું હતું. સુખીબેન બાગ સંભળાતા ત્યારે તેઓ હવે ખેતરો જોવા લાગ્યા. બંને પતિપત્ની એકબીજાને દિલોજાનથી ચાહતા હતા. તેઓ એકબીજાની તકલીફને પોતાની સમજતા હતા. અને આ જ તો તેમની સૌથી મોટી તાકાત હતી. જેના થકી તેઓએ દુનિયા સામે બાથ ભીડવાની હિંમત કરી હતી. રાયસિંગભાઈનું સૌથી મોટું જમા પાસું કોઈ હોય તો તે એ હતું કે તેઓ પોતાની કોઈ પરિસ્થિતિથી સંતુષ્ટ રહેતા નહોતા. તેઓ હંમેશા પોતાના જીવનને હજુ બહેતર બનાવવાની કોશિશ કરતા રહેતા.

એક દિવસ સુખીબેને તેમને પૂછ્યું કે, ‘હવે તો તમે તમારા જીવનથી સંતુષ્ટ છો ને ?’

સુખીબેનને રાયસિંગભાઈથી ત્યારે જવાબ મળ્યો હતો કે, ‘ના. મારું બચપનથી સ્વપ્ન રહ્યું છે કે, હું ભણીગણીને કાબેલ વ્યક્તિ બનું. પરંતુ અમારા ગામમાં શાળા ન હોવાથી હું અગુઠાંછાપ જ રહ્યો. જોકે હું મારા સંતાનોને અનપઢ રહેવા નહીં દઉં. મારું સપનું છે કે મારા સંતાનો પણ ભણીગણીને કાબેલ વ્યક્તિ બને. બસ પ્રભુ મારી આ એક ઈચ્છા પૂરી કરી દે એટલે મારું જીવન સફળ થયું.’

સુખીબેને સાંત્વના આપતા કહ્યું, “પ્રભુ, તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે.”

ઈ.સ. ૧૯૭૨ની આસપાસ તેઓએ બરોડા ડેરીમાં નોકરી મેળવી લીધી. તેઓ અશિક્ષિત હતા એટલે બરોડા ડેરીમાં તેમને બાગાયતી કામમાં રોકવામાં આવ્યા. અહીં તેઓએ ખૂબ ખંત અને પ્રમાણિકતાથી કામ કર્યું. સુખીબેને આ દરમિયાન દિનેશ, ઉર્મિલા, રમીલા અને હરેશ આ ચાર બાળકોને જન્મ આપ્યો.

રાયસિંગભાઈનું સમગ્ર ધ્યાન હવે તેમના સંતાનોની કારકિર્દી ઘડવા પાછળ હતું. જેમના સોનેરી ભવિષ્ય માટે તેઓએ માદરે વતન છોડ્યું હતું. હવે તેમના માટે કંઈક કરવાની ઘડી આવી ગઈ હતી. તેઓએ પોતાના સંતાનોના ભણતર પાછળ કોઈ કચાશ રાખી નહીં. બાળકોને સારી સ્કૂલમાં દાખલો અપાવ્યો. તેમને કોઈ વસ્તુની કમી રહી ન જાય તેનું પુરતું ધ્યાન રાખ્યું. બાળકોના શિક્ષણ પર યોગ્ય ધ્યાન આપી શકાય એ માટે તેઓએ પોતે પ્રોઢ શિક્ષણ મેળવ્યું. હવે તેઓ જાતે બાળકોને ભણાવવા લાગ્યા. સાથે સાથે બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન પણ આપતા રહેતા. વર્તમાનપત્રમાંથી અવનવી માહિતી વાંચી તેઓ બાળકોને દુનિયામાં ચાલતી પરિસ્થિતિથી વાકેફ કરાવતા.

આખરે જાંબુવા જેવા નાનકડા ગામના આદિવાસી સમાજમાંથી વડોદરા આવેલા રાયસિંગભાઈએ પોતાની જિદ પૂરી કરી. પોતે તો પગભર થયા પણ સાથોસાથ તેમના સંતાનોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવ્યું. ગામમાં રહીને આદિવાસી જીવન જીવવાને બદલે તેઓએ તેમના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય અપાવવાનું પોતાનું સપનું પૂરું કર્યું.

  આજે વડોદરામાં તેઓ સારા મકાનમાં રહે છે. તેમની મોટી દીકરી રમીલા ભણીગણીને વકીલ બની. બીજો દીકરો હરેશ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજરની જવાબદારી નિભાવી રહ્યો છે. ઉર્મિલાબેને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. અને સૌથી નાનો દીકરો દિનેશ પણ પગભર છે.

કહેવાય છે કે, આ ધરતી પર પ્રત્યેક જીવને કોઈ ખાસ હેતુથી જ ઈશ્વર મોકલતા હોય છે. જીવનો જન્મ લેવાનો હેતુ સર થતા ઈશ્વરે પાછો પોતાની પાસે દેવલોકમાં બોલાવી લે છે. આ વાતનું સર્વશ્રેષ્ઠ કોઈ ઉદાહરણ હોય તો તે છે રમીલા.

રાયસિંગભાઈની સંતાનોને ભણાવી ગણાવીને કાબેલ બનાવવાની તડપ જોઈને જ ઈશ્વરે રમીલાને આ ધરતી પર મોકલી હતી. રમીલાનો જન્મ લેવાનો હેતુ માત્રને માત્ર રાયસિંગભાઈનું સ્વપ્ન પૂર્ણ કરવાનું જ હતું. જે રમીલાએ સુપેરે પાર પાડ્યું. રમીલાએ વકીલ બની રાયસિંગભાઈની સાથોસાથ સમસ્ત આદિવાસી સમાજનું મસ્તક ગર્વથી ઉન્નત કરી દીધું.

રમીલાનો હેતુસર થતા ઈશ્વરે તેને દેવલોકમાં પરત બોલાવી લીધી. એક નાનકડી બીમારીથી રમીલાનું અકાળે અવસાન થયું.

રાયસિંગભાઈ નોકરી પરથી હવે રીટાયર થયા છે. પરંતુ સામાજિક પ્રવૃત્તિઓથી નહીં. આજે પણ આદિવાસી સમાજને આગળ આવવાની સતત પ્રેરણા આપતો રહે છે એ અડગ મનનો માનવી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract