lina joshichaniyara

Drama Inspirational

4  

lina joshichaniyara

Drama Inspirational

અધિકાર

અધિકાર

9 mins
393


આજે ઘણા સમયે સૃષ્ટિ અને લાવણ્યા એકબીજાને મળ્યા. બંને બાળપણથી જ એકદમ પાક્કી સહેલીઓ હતી. લગ્નબાદ એક જ શહેરમાં રહેવા છતાં પણ બંને પોત પોતાની જિંદગીની વ્યસ્તતાને લીધે ક્યારેક જ મળી શકતી. આજે ૨ વર્ષે લાવણ્યાના ઘણા આગ્રહ બાદ સૃષ્ટિ એના ઘરે આવી હતી. સૃષ્ટિને લાવણ્યાના પતિ વિનોદ થી ચીડ ચડતી એટલે એ એના ઘરે આવવાનું ટાળતી. વધુ પડતી તો બગીચામાં, કોઈ મોલમાં કે પછી સૃષ્ટિના ઘરે જ મળતી.

 "લાવણ્યા, આ નવા ઘરે ક્યારે શિફ્ટ થઇ ? તારા પતિદેવ ક્યાં છે ? મને કહી દે એ ક્યારે આવશે એટલે એ આવે એ પહેલા જ હું નીકળી જાઉં."

"અરે સૃષ્ટિ, તું બેસ તો ખરી. હું મારા સાસુ-સસરાના દેહાંત પછીથી એટલે કે છેલ્લા 6 મહિનાથી અહીં રહું છું. ચિંતા ન કર. મારા પતિ અહીં ક્યારેય નહિ આવે."

"એવું શું થયું ? મને વાત કર."

"સૃષ્ટિ, વાત કરવા માટે તો તને આજે અહીં બોલાવી છે. ચાલ, પેહલા ચા-નાસ્તો કરીએ અને પછી આપણે પેટ ભરીને વાત કરશું."

"સૃષ્ટિ, મેં આજે અદાલતમાં એક અરજી કરી છે."

" લાવણ્યા, શેની અરજી ? ડિવોર્સની ?"

"ના, ડિવોર્સની અરજી તો વિનોદે કરી છે. પણ મારે ડિવોર્સની સાથે સાથે અધિકાર જોઈએ છે."

"અધિકાર ? અચ્છા, એ તો તને મળશે જ ને ? તારા પતિની સંપત્તિમાંથી અને તારા ઘરખર્ચ માટેના પૈસા તો તને મળશે જ."

"ના સૃષ્ટિ, મારે ઘરખર્ચ માટે એના પૈસાની જરૂર નથી. મને આ શહેરની સૌથી પ્રખ્યાત સ્કૂલમાં શિક્ષિકાની નોકરી મળી ગઈ છે અને પગાર પણ સારો છે. સાથે સાથે હું ઘરે સીવણના ક્લાસ પણ ચલાવીશ અને બાળકોના ટ્યુશન પણ લઈશ. હું એટલી તો સક્ષમ છું કે મારા પગભર થઇ શકું. મારે કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. "

"તો પછી શેની અરજી કરી છે તે ? બાળકોની ? બાળકો તો તારા મોટા થઇ ગયા છે એટલે જજ એમનો નિર્ણય તો એમના ઉપર જ છોડશે."

"બાળકો ? બાળકો તો બંને પોત-પોતાની રીતે સેટ થઇ રહ્યા છે. દીકરી મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ સાથે અને દીકરો પુનામાં એની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઈન રીલેશનમાં રહે છે. એમને એના માતા-પિતા શું કરે છે, કેમ રહે છે, એમાં કોઈ જ રસ નથી."

"આ શું કહે છે તું ? તો પછી શેની અરજી કરી છે તે ? ક્યા અધિકારની વાત કરે છે તું ?"

"સૃષ્ટિ, મને ખબર છે કે મારી માંગણી અલગ છે. મને ખબર નથી કે અદાલતમાંથી શું ચુકાદો આવશે ? પણ હું તને મારી વાત કહેવા માંગુ છું."

"સૃષ્ટિ, તું તો જાણે જ છે હું વિનોદ સાથે 34 વર્ષ પહેલા લગ્નગ્રંથિથી જોડાઈ. નાની ઉંમરમાં જ બે બાળકો થયા. લગ્નજીવનમાં આવતા બધા જ ઉતાર-ચઢાવ જોયા. પતિના પ્રેમથી લઈને ગુસ્સો, માર,ગાળો પણ મળ્યા. સાસુ-સસરાના મહેણાં-ટોણાં, નણંદની અડોળાઈ એ બધું જ હસતાં-હસતાં સહન કર્યું. ક્યારેક બાળકો ના નામે, ક્યારેક પરિવાર ની શાંતિના નામે ઘણા અન્યાય સહન કર્યા અને ઘણું જતું કર્યું. હવે તું એમ પૂછીશ કે એમાં નવીન શું છે ? એ તો આપણી જનરેશનની દરેક સ્ત્રીએ કર્યું હશે. હા, આજના જમાનાની છોકરીઓ પહેલા કરતાં વધુ હોશિયાર અને સક્ષમ થઇ ગઈ છે. 

સૃષ્ટિ, તને તો ખબર જ છે કે મારા સસરાને મોંઢાનું કેન્સર હતું. એમને ગલોફામાં કાણું પડી ગયું હતું અને એમાંથી અત્યંત દુર્ગંધવાળું પ્રવાહી નીકળ્યા રાખતું. એ વખતે મારા સાસુએ એમની સેવા કરવાનું તો દૂર પરંતુ એ રૂમમાં પણ આવતા ન હતા. મારા સસરાની સેવા મારે જ કરવાની હતી અને મેં કરી. એ પણ પુરા દિલથી, પ્રેમથી. 

વિનોદ એ સમયે એની સેક્રેટરી રોઝી સાથે ખાસ બિઝનેસટુરમાં વ્યસ્ત હતા. તું સમજી તો ગઈ જ હોઈશ. હું આખો દિવસ કામ કરીને થાકી જતી તો ત્યારે વિનોદની માંગણીઓને ન્યાય ન આપી શકતી. 34 વર્ષે હવે વિનોદને મારામાંથી એ સુખ અને આનંદ મળતો ન હતો એટલે એમણે એ બધું રોઝીમાં ગોતી લીધા. 

મારા સસરાનું અવસાન થયું ત્યારે પણ એ તો એની રોઝી સાથે જ હતો. મારા સસરાના દેહાંત પછી ૨ મહિનામાં જ મારા સાસુને પેરાલિસિસનો એટેક આવ્યો. એમના જમણી બાજુના અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા. એમને પણ પથારી પકડી લીધી. દવા, કસરત બધું જ ચાલતું હતું પરંતુ જાણે કે કંઈ જ અસર કરતું ન હતું. એમને જીવવાની આશા જ છોડી દીધી હતી. હું દિવસ-રાત એમની સેવામાં વ્યસ્ત હતી. છોકરાઓ પણ મોટા થઇ ગયા હતા એટલે એમની ચિંતા ન હતી. 

જ્યાં સુધી મારા સસરા જીવતા હતા ત્યાં સુધી એમના ડરના કારણે વિનોદ રોઝીને ઘરે લાવવાની હિંમત કરતો ન હતો. પરંતુ જેવા મારા સાસુ બીમાર પડ્યા ત્યારથી એ રોઝીને ઘરે લઇ આવતો અને બંને આખો દિવસ અમારા રૂમમાં જ પુરાયેલા રહેતા. હા, વિનોદ એ વાતનું બરાબર ધ્યાન રાખતો કે બાળકો ઘરે હોય ત્યારે રોઝી ઘરે ન આવે. મારા સાસુને બધી જ વાતની ખબર હતી અને એમને ગુસ્સો પણ આવતો પરંતુ પોતે લાચાર હતા. 

6 મહિનાની પથારી ભોગવી મારા સાસુનું પણ દેહાંત થયું. જયારે મારા સસરાનું દેહાંત થયું ત્યારે એમને વીલ બનાવેલું જેમાં એમની તમામ સંપત્તિ મારા સાસુના નામે હતી. પરંતુ જયારે મારા સાસુનું દેહાંત થયું એના 2 દિવસ પહેલાં જ મારા સાસુએ એમના વકીલ પાસે એમની વસિયત બનાવી લીધી હતી. મારા સાસુના દેહાંત વખતે પણ વિનોદ તો રોઝી સાથે બિઝનેસ ટુર પર ગયેલો હતો. એમની બધી જ ક્રિયાઓ પૂર્ણ થયા પછી જયારે એમનું વીલ વાંચવામાં આવ્યું ત્યારે એમણે એમની તમામ સંપત્તિના ચાર ભાગ કર્યા હતા. સંપત્તિનો 50% હિસ્સો મારા નણંદ મેઘાબેનનો, 10% હિસ્સો વિનોદનો, 20% મારા દીકરાનો અને 20% મારી દીકરીનો. દુનિયાની દ્રષ્ટિએ આ વસિયતનામું સાચું હશે પણ મારી દ્રષ્ટિએ આ વસિયતનામું બરાબર નથી. એટલે એ વસિયતનામાની વિરોધમાં મેં કોર્ટમાં અરજી કરી છે."

"કેમ ? એમાં ખોટું શું છે ? તારી નણંદને સૌથી વધુ મળ્યું એટલે ? આમ પણ અદાલતના ચુકાદા પ્રમાણે પિતાની સંપત્તિમાં દીકરા અને દીકરીનો સમાન હક બને છે. એ તો તને ખ્યાલ જ હશે ?"

"હા, મને ખબર છે. હું એ બાબતે કોર્ટના ચુકાદા સાથે સહેમત છું. દીકરીઓને સમાન હક મળવો જ જોઈએ. મને મેઘાબેનને વધારે મળ્યું એ બાબતે કોઈ જ ફરિયાદ નથી. હું તો ખુશ છું એમના માટે કે મારા સાસુએ એમણે અન્યાય નથી કર્યો."

"તો પછી વાંધો ક્યાં છે ? મને તો કંઈ સમજાતું નથી."

"મેં આ વસિયતમાં મારો હક માંગ્યો છે. કોર્ટમાં મેં અરજી કરી છે કે આ સંપત્તિમાં મને પણ હક મળવો જોઈએ."

"હક ? કયો હક ? તને ખબર છે ને કે પુત્રવધુને સંપત્તિમાં હક મળતો નથી. તો પછી આ અરજી કોર્ટ તુરંત જ ખારીજ કરી નાખશે."

"શા માટે પુત્રવધુ ને હક ન મળવો જોઈએ ? એ પણ જિંદગીના 34 વર્ષ જે પરિવાર પાછળ ઘસી નાખ્યા પછી પણ હક શા માટે ન મળવો જોઈએ ? 

જયારે લગ્ન કરીને પુત્રવધુ ને લઇ આવો છો ત્યારે એનું પિયર પરાયું થઇ જાય અને સાસરી જ એનું ઘર કહેવાય. એ પણ પરિવારમાં એક સભ્ય બની જાય છે. 

મને યાદ છે, હું મારા માતા-પિતા બીમાર હોય અને ખબર કાઢવા જતી તો મારા સાસુ અને સસરા એમ જ કહેતા કે હવે આ જ તારું ઘર છે અને આ જ તારો પરિવાર છે માટે વહુબેટા, પિયર જવાનો મોહ છોડી દો. મારા માતા પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી એટલે દીકરી તરીકે મેં શરૂઆતમાં નોકરી કરી એમને મદદ કરવાની કોશિશ પણ કરી હતી તો એમ કહી ને મારી નોકરી મુકાવી દીધી કે લગ્નબાદ તમારી બધી ફરજ સાસરા પ્રત્યે હોવી જોઈએ. મેં મારી બધી ફરજો નિભાવી છે. ત્યાં સુધી કે જે ફરજો વિનોદે નિભાવવી જોઈએ એ પણ મેં જ નિભાવી. 

સંપત્તિ ની વાત આવે ત્યારે હક અને ફરજ બંને આવે. સંપત્તિ એને જ મળે જેને પોતાની ફરજો નિભાવી હોય. જયારે માતા-પિતાની સેવા કરવાની વાત આવે તો એમ કહેવામાં આવે કે એ તો વહુની ફરજ માં આવે દીકરીની ફરજમાં નથી આવતું. તો પછી જયારે સંપત્તિની વાત આવે તો દીકરીની જેમ વહુને પણ એમાં હક ન મળવો જોઈએ ? 

જયારે દીકરો કે દીકરી માતાના ગર્ભમાં હોય છે ત્યારે શું માતા ફરક કરે છે કે મને તો દીકરો છે તો હું બે રોટલી વધારે ખાઈશ અને દીકરી હોય તો બે રોટલી ઓછી ખાઈશ ? ગર્ભમાં બાળક હોય ત્યારે માતા પોતાની અને બાળકની બને એટલી વધારે કાળજી લે છે. જયારે ગર્ભમાં ફરક કરવામાં નથી આવતો તો પછી બાળક જન્મે પછી હક અને ફરજ માં ફરક શા માટે ? જો દીકરી નો દીકરા સમાન હક હોય તો ફરજ પણ હોય જ. હક અને ફરજ સિક્કા ની બે બાજુ છે. જ્યાં હક છે ત્યાં ફરજ છે અને જ્યાં ફરજ છે ત્યાં હક પણ છે. 

હું એમ નથી કહેતી કે લગ્નબાદ તુરંત જ સંપત્તિ વહુના નામે કરી દો. પરંતુ જે વહુએ પોતાની જિંદગીના ૨૫-૩૦ કે વધુ વર્ષ પોતાના પરિવારને આપ્યા હોય એની કોઈ જ કિંમત નહિ ? શું એ કામવાળી કે નોકરાણી છે ? કામવાળી કે નોકરાણી ને પણ આપણે પગાર આપીએ છીએ તો આ તો તમારી વહુ છે."

"લાવણ્યા, તારી વાત તો સાચી છે. પરંતુ વસિયત અને મિલકત મોટાભાગે તો લોહીનો સંબંધ હોય એને જ આપવામાં આવતી હોય છે."

"સૃષ્ટિ, એ જ તો આપણા સમાજની ભૂલ છે. જે વહુ પોતાનું લોહી પાણી એક કરીને પણ પરિવારની સેવા કરે એને કોઈ જ હક નહિ અને જે દીકરો કે દીકરી માતા પિતાની બીમારીમાં એક વાર જોવા પણ ન આવે એને બધા જ હક મળી જાય ? હું એમ નથી કહેતી કે તમે દીકરા અને દીકરીને હક ન આપો પણ વહુને પણ એનો હક મળવો જોઈએ. જયારે પરિવાર એનો હોય તો અને એ પણ પરિવારની સભ્ય હોય, અભિન્ન અંગ હોય તો પરિવારની સંપત્તિમાં કે વસિયતમાં એનું નામ શા માટે નહિ ? ભલે દીકરા અને દીકરી જેટલું ન આપો પણ એટલું તો મળવું જ જોઈએ કે જેથી કરીને મારા જેવી ખરાબ પરિસ્થિતિમાં પણ એ પોતાનું ગુજરાન કરી શકે. 

આજે મારા સાસુને મારી પરિસ્થિતિ ખબર જ હતી તો પણ એમને ૧૦% હિસ્સો વિનોદ ને આપ્યો. એ ૧૦% માં વિનોદ પોતાની આખી જિંદગી આરામથી પસાર કરી શકશે. હું કે જેણે પહેલા સસરાની અને પછી સાસુની ખરા દિલ થી સેવા કરી પણ મારા વિષે એમને વિચાર પણ ન આવ્યો ?

 હા, એક વાત ચોક્કસ છે કે મેં ક્યારેય આ પરિવારને પ્રેમ આપવામાં, કે સેવા કરવામાં પૈસા કે સંપત્તિ વિષે નથી વિચાર્યું. મેં તો ખરા દિલ થી બધું જ કર્યું. મારા સાસુ-સસરાને માતા-પિતા માનીને કર્યું. તો એ મને કેમ દીકરી માનવાનું ભૂલી ગયા ? 

આમ પણ આપણા સમાજમાં લોકોની માનસિકતા એવી છે કે દીકરાને આપી દીધું એટલે વહુને પણ આપી દીધું. દીકરો અને વહુ ભલે પતિ-પત્ની છે પરંતુ બંનેનું અલગ અસ્તિત્વ છે. લોકો તો એમ જ માને છે કે અંતે તો બધું વહુને જ મળવાનું છે ને! જો એમ ખરેખર વહુને મળી જ જતું હોય તો પછી વહુને દરેક વસ્તુના હિસાબ શા માટે દેવા પડે છે ? વહુને ૨ લાખ રૂપિયા પોતાના ઉપર વાપરવાનો અને એ પણ કોઈ પણ જાતના હિસાબ આપ્યા વિના એ અધિકાર મળે છે ?

 લગ્ન બાદ બધા જ એમ કહેતા હોય છે કે આ અમારી વહુ નથી દીકરી છે. તો જો ખરેખર દીકરી હોય તો વસિયત માં નામ કેમ નથી લખતા ? પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય તો નામ લખે તો પણ ખીચડીમાં જેમ ઘી પડે એમ બધું ઘરમાં જ રહેવાનું છે. પરંતુ જો ભવિષ્યમાં પતિ દગો કરે કે મનમેળ ન રહે તો જે વહુ એ પરિવાર માટે આટલું કર્યું હોય એ આર્થિક રીતે દુઃખી તો ન થાય.

"લાવણ્યા, તારી વાત તો સાચી છે. પણ શું કોર્ટ આ વાત માન્ય રાખશે ?"

"સૃષ્ટિ, મને નથી ખબર કે કોર્ટ નો ચુકાદો શું આવશે. પણ તું સમાચાર પત્રમાં વાર્તાની કોલમ લખે છે અને તારું સમાચાર પત્ર ઘરે ઘરે વંચાય છે. હું ઈચ્છું છું કે તું મારી વાર્તા તારા સમાચારપત્રમાં પ્રકાશિત કર. 

મારા જેવી ઘણી સ્ત્રીઓ હશે કે જે પોતાના હક માટે લડતી હશે અથવા તો લાડવા માંગતી હશે. 

સૃષ્ટિ, અહીં વાત ખાલી સંપત્તિ કે પૈસાની નથી. કુદરતે સ્ત્રી સક્ષમતામાં કોઈ ખામી નથી રાખી એટલે તો એ એક નવા જીવને આ દુનિયામાં લાવી શકે છે. કોઈ પણ સ્ત્રી એટલી તો સક્ષમ હોય જ છે કે પોતાનું ગુજરાન કરી શકે. પણ અહીં વાત પોતાના પરિવારમાં પોતાના અધિકારની છે. 

મારી વાર્તાથી જો કોઈ સાસુ-સસરાની આંખો ખુલે અને પોતાની વહુને પરિવાર ની સભ્ય અથવા તો દીકરી ગણીને એનું ભવિષ્ય સુધારે તો પણ હું માનીશ કે હું મારો ચુકાદો જીતી ગઈ. મને મારો અધિકાર મળી ગયો."


Rate this content
Log in

Similar gujarati story from Drama