lina joshichaniyara

Drama Inspirational Others

4  

lina joshichaniyara

Drama Inspirational Others

પ્રેરણામૂર્તિ

પ્રેરણામૂર્તિ

4 mins
242


"અરે, કૈલાશ, રાજેશકુમાર ! તમે બંને એકલા કેમ બેઠા છો ? પ્રફુલ્લાના ઘરે પણ તાળું માર્યું છે. ક્યાં ગયા બધાં ?"

"અરે, દિવાળી ફઈ, આવો, આવો બેસો. તમારી વહુ મનીષા અને દીકરીઓ પ્રફુલ્લાબેન અને ચેતનાબેન પરીક્ષા આપવા ગયા છે. હર્ષ અને ધરમ પણ એમની સાથે ગયા છે." કૈલાશભાઈ એ દિવાળીફઈને આવકાર્યા.

"પરીક્ષા ? શેની પરીક્ષા ?"

"ફઈ, સ્કૂટરના ડ્રાયવીંગ લાયસન્સ માટે પરીક્ષા આપવા ગઈ છે ત્રણેય દેવીઓ. લેખિત પરીક્ષામાં તો પાસ થઈ ગઈ હવે જોઈએ પ્રેક્ટિકલમાં શું થાય છે ?" રાજેશકુમારે માહિતી આપી.

હજી તો વાત ચાલી રહી હતી ત્યાં જ મનીષાબેન, પ્રફુલ્લાબેન અને ચેતનાબેન આવ્યા.

"શું થયું ? આંઠડો કરીને આવી બધીયું કે પછી....."

"ફઈ, અમે તમારી દીકરીઓ છીએ. અમે ત્રણેય પરીક્ષામાં પાસ થઈ ગયા છીએ. હવે તો અઠવાડિયામાં લાઈસન્સ આવ્યું જ સમજો." મનીષાબેન અત્યંત ઉત્સાહપૂર્વક બોલ્યા.

"હાસ્તો વળી, ફઈ પાછળ ભત્રીજીઓ તો હોય જ ને !" રાજેશકુમારે ટીખળ કરી. બધાં ખડખડાટ હસી પડયા.

પ્રફુલ્લાબેન અત્યંત ખુશીથી પોતાના હાથમાં રહેલા ડ્રાયવીંગ લાઈસન્સને જોઈ રહ્યા. એમને તુરંત જ દીકરી જાનકી અને દીકરા રવિ ને ડ્રાયવીંગ લાઈસન્સ આવી ગયું એવા શુભ સમાચાર આપ્યા. એમની નજર સામે ભૂતકાળ તરવરી ગયો.

થોડા સમય પહેલાં જ એમના પતિ સુભાષકુમારનું અવસાન થયું હતું. હંમેશા સાથે ને સાથે રહેતાં આ પતિ-પત્નીનું જોડું વિખાઈ ગયું. જાનકી અને જમાઈ કેવિનના અત્યંત આગ્રહને લીધે એ રાયપુર રોકાવા ગયા હતા.

એક દિવસ રવિનો ફોન આવ્યો.

"મમ્મી, તમે જાનકી પાસે છો તો એક કામ કરો ને ? તમે સ્કૂટર શીખી લો ને ? ત્યાં બાજુમાં મોટું મેદાન પણ છે તો તમને શીખવામાં સરળતા રહેશે અને સાથે જાનકી તો છે જ."

"રવિ, કેવી વાત કરે છે તું ? આ ઉંમરે સ્કૂટર શીખું ? ક્યાંક પડીશ તો લાગશે અને હાડકા ભાંગશે એ અલગ. આમ પણ મારે સ્કૂટર શીખીને શું કરવું ?"

"મમ્મી, જો તમને સ્કૂટર બરાબર આવડી જાય તો હું તમને રાજકોટમાં નવું સ્કૂટર લઈ દઈશ. જેથી કરીને ગૌ-શાળા જવા માટે, આજુ-બાજુમાં જવા માટે, કોઈ ચીજવસ્તુ લેવા માટે કે કોઈ સગા-સંબંધીને ઘરે જવા માટે તમારે બીજા ઉપર આધાર ન રાખવો પડે. મન થયું કે સ્કૂટરને સેલ્ફ માર્યો અને ચક્કર મારી આવ્યા."

" પણ શીખવામાં જો હું પડી અને મને વાગ્યું તો ? ના, ના રવિ મારે નથી શીખવું કંઈ."

"મમ્મી, તમે કોશિશ કર્યા વિના હાર કેમ માની લો છો ? તમે દિવાળીફઈ ને યાદ કરો. એ જો ૬૫ વર્ષની ઉંમરે સ્કૂટર શીખી શકે તો તમે તો હજી ૫૭ના જ છો. એ આ ઉંમરે પણ સ્કૂટર શીખ્યા. તમે એમનામાંથી પ્રેરણા લો અને શીખવાની શરૂઆત કરી દો."

ફોન મુકાયા પછી પ્રફુલ્લાબેનને દિવાળીફઈ યાદ આવ્યા.

દિવાળીફઈ લગભગ ૭૦ વર્ષની આસપાસના પરંતુ એમની સ્ફૂર્તિ અને કામની ઝડપમાં તો એ જુવાનિયાઓને પણ પાછળ રાખી દે એવા. પોતે ૧૦ ચોપડી ભણેલા પણ અંગ્રેજી એકદમ સરસ બોલે. ૧ થી ૧૦ ધોરણના બાળકોને મફતમાં ટ્યુશન પણ આપે. હિસાબ કરવામાં તો એ કેલ્ક્યુલેટરથી પણ ઝડપી. દિવાળી ફઈ ભણેલા અને ગણેલા પણ.

પ્રફુલ્લાબેને દિવાળીફઈ ને ફોન કર્યો.

"જય શ્રી કૃષ્ણ ફઈ. કેમ છો ?"

"જય શ્રી કૃષ્ણ મુન્ની. મજામાં છું. બોલ, બોલ શું કામ છે ?"

"ફઈ, તમે સ્કૂટર શા માટે શીખ્યા ? સંજયે ના ન પડી ?"

"મુન્ની, તને તો ખબર જ છે કે તારા ફુવા ગામડામાં માસ્તર હતા. એ બીમાર થયા ત્યારે એમના પેંશન માટે, બેન્કના કામ માટે મારે જવું પડતું. સંજય તો એના કામમાં વ્યસ્ત હોય અને તારી ભાભીને પણ સ્કૂલે જવાનું હોય. છોકરાંવના સ્કૂલ, ટ્યુશન, બીજા કલાસમાં તેડવા-મુકવા જવું ને એવું તો ઘણું હોય. દીકરા-વહુને હેરાન કરવા એના કરતા તો મને વિચાર આવ્યો કે જો હું જ સ્કૂટર શીખી જાઉં તો ! સંજયે પેહલા તો ના જ પાડી પણ પછી મારી જીદ આગળ એણે નમતું મૂક્યું. હું સ્કૂટર શીખી ગઈ. હવે તો મારે ગાડી પણ શીખવી છે."

"ફઈ, એટલે તો તમે આખા શહેરમાં "સ્કૂટીવાળા માજી" તરીકે પ્રખ્યાત છો. તમે ધારો તો પ્લેન પણ ઉડાડતા શીખી શકો."

પ્રફુલ્લાબેનને દિવાળીફઈની એક વાત મગજમાં ઘર કરી ગઈ કે નાની નાની વસ્તુઓ માટે બીજા ઉપર આધાર રાખવો એના કરતાં તો સ્વાવલંબી બનવું સારું. એમને સ્કૂટર શીખવાની શરૂઆત કરી. શરૂઆતમાં ૨-૩ વખત પડયા પણ ખરા, લાગ્યું પણ ખરું પરંતુ એમણે હિંમત હારી નહિ. છેવટે સ્કૂટર શીખીને જ રહ્યા.

રાજકોટ આવ્યા પછી રવિએ એમને સ્કૂટર બરાબર આવડી ગયું છે કે નહિ એ ચકાસી નવું સ્કૂટર લઈ દીધું. એમને લાઈસન્સ માટે આઠડો કરવાની પ્રેક્ટિસ કરતા જોઈ મનીષાભાભી અને ચેનતાબેન ને પણ સ્કૂટર શીખવાની હોંશ જાગી. પછી તો શરુ થઈ ત્રણેયની લાઈસન્સ માટે પરીક્ષાની તૈયારીઓ. દરરોજ બપોરે યુનિવર્સિટીના મેદાનમાં જવાનું અને ૨ થી ૩ કલાક પ્રેક્ટિસ કરવાની. ઘરે આવીને પાછું લેખિત પરીક્ષાનું વાંચવાનું તો ખરું જ. આજે તો ત્રણેય પાસે લાઈસન્સ આવી ગયું છે. ત્રણેય સ્વાવલંબી બની સ્કૂટર ચલાવે છે અને સ્વતંત્રતાને માણે પણ છે.

"ફઈ, તમે અમારી પ્રેરણામૂર્તિ છો."

"પ્રફુલ્લા, મનીષા, ચેતના એક વાત હંમેશા યાદ રાખજો કે શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી પણ શીખવાની ધગશની ચોક્કસ જરૂરિયાત હોય છે. આજે તમે મને તમારી પ્રેરણામૂર્તિ કહો છો એમ કાલે તમને કોઈ એની પ્રેરણામૂર્તિ ચોક્કસ કહેશે. નારીશક્તિ અસંભવ ને સંભવ કરી શકે છે માટે જ સલામ છે આપણી નારીશક્તિને....."


Rate this content
Log in

Similar gujarati story from Drama