Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Tragedy Inspirational

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Tragedy Inspirational

અમી

અમી

7 mins
624


અમિષાને આજે થોડું મોડું થઈ ગયું હતું. આમ તો, રોજ સાડા છ એ અચૂક નીકળતી અને ઓટો પકડી સીધી ઘેર !

મનમાં કેટલાય વિચાર ઊભા થઈ પડ્યા.. આજે મેહુલ કઈ ' સિક્સર ' મારશે ? હજુ શું કહેવાનું બાકી રહ્યું છે ?... આજે તો મોં પર ચોપડાવી દેવું છે. ભલે જે થવું હોય તે થાય !... વગેરે અનેક સંભાવનાઓ અમિષાનાં મનને ઘેરી વરી હતી.

અવની ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય દરવાજાને ઝડપથી પાર કર્યો, પણ હાય રે કિસ્મત ! દરવાજા બહાર ઊભી રહેતી રોજની બે ત્રણ રિક્ષાઓ આજે ક્યાં અદ્રશ્ય થઈ હતી ?

સ્વરૂપવાન મહિલાઓને લિફ્ટ જલદી મળે છે એવા કળિયુગના બ્રહ્મ વાક્ય ને સાર્થક કરતા બે ત્રણ કાર ચાલકો બ્રેક મારતાં ને હોર્ન વગાડતા પસાર થઈ ગયા. છેવટે, રાહ જોવડાવી એક ઓટો આવી ને પૂછ્યા વગર દોડીને તે ઓટોમાં જઈ બેસી પડી !

" મેડમ, ક્યાં જવું ?"

" રાધે વિંગ્સ, હરિદર્શન ચોકડી "

મીટર ઓન થયું ને રિક્ષા અને અમિષાના મનની ગતિ આગળ ચાલી...

***

મહેસાણા શહેરથી દસેક કિલોમીટર દૂર આવેલ ગામડાની નટખટ અમિષા ઉર્ફે ' અમી ' ભણવામાં પહેલેથી હોશિયાર !

અનાજ દળવાની ઘંટી ચલાવી સ્વમાનભેર જીવન જીવતા રમેશભાઈની એકની એક દીકરી એટલે તેમની ' અમી '.

બીકોમના પ્રથમ વર્ગમાં પાસ થયેલ અમી માટે લાયક મુરતીયો શોધવામાં ગરીબ બાપ ગૂંચવાઈ ગયેલો. મન ને તનથી ઊજળી દીકરી માટે યોગ્ય પાત્ર શોધવું રમેશ માટે ઘણું અઘરું હતું. દીકરીને ગાંધીનગર કે અમદાવાદ જેવી મોટી સિટીમાં સાસરું મળે તો તેનું જીવન ઉજળે તેવી સામાન્ય ભાવના રમેશના મનમાં વિકસી હતી !

***

" અલી, અમિષા...તારું કંઈ ગોઠવાયું કે નહીં ?"

" તારે શું પંચાત...જા ને હવે, મારા પપ્પા એમની ' અમી ' માટે યોગ્ય સમયે યોગ્ય પાત્ર ગોતી દેશે...મારો રાજકુમાર આ દુનિયામાં તો આવી જ ગયો છે બસ..મળવાની જ વાર છે.."

" તારો રાજકુમાર પણ તને અમિષા કહી બોલાવશે કે પછી   'અમી'?

" મારા પપ્પા જ મને ' અમી ' કહે છે...મારો રાજકુમાર પણ મને 'મારી અમી' કહેશે ...જો જે ને !"

" ઓહો....આ રાજકુંવરી ને તો કંઈ જબરા કોડ જાગ્યા છે ને કંઈ !!"

પોતાની એકમાત્ર સખી કહો કે પિતરાઈ બહેન, માનસી સાથે ' અમી 'ના મન તરંગો આ રીતે ખીલી ઉઠતા હતા અવારનવાર !

***

" અમારો મેહુલ ધો. ૧૧ પાસ કરી નોકરી લાગી ગયો છે...અમદાવાદ જેવી સિટીમાં આવી નોકરી ક્યાં છે ? અને, હજુ હું સરકારી નોકરીમાં ચાલુ છું. મેહુલ ને પણ ક્યાંક મેળ પડી જ જશે...!"

વેવાઈ કનું ભાઈએ અમિષાના પિતા રમેશને અમદાવાદનું સપનું ચોટાડી દીધું હતું. મેહુલ, ભણતર અધૂરું છોડી ને મહાનગરપાલિકાના એક બોરવેલના ઓપરેટર તરીકે નરોડામાં હંગામી નોકરિયાત થઈ ગયો હતો. આમ, અમદાવાદમાં રહેવાનું ને સરકારી કચેરીમાં પટાવાળાની નોકરી કરતા પિતાના એકના એક પુત્ર તરીકેની યોગ્યતા ' અમી ' ના અરમાનોની ઉપરવટ થઈ ગઈ. વિચારોની સામ્યતાનો અહીં કોઈ અવકાશ વિચારણામાં પણ ક્યાં હતો !

ઘડિયા લગ્ન લેવાયાં ને નખશિખ હોશિયાર ને તેજસ્વી અમી ના લલાટે મેહુલની અર્ધાંગિની થવાનું દૈવ સાકાર થવા પામ્યું.

***

"ગ્રેજ્યુએટ છો એટલે કંઇ ' ધણીની ધણી ' નથી થઈ ...અમિષા, ઘરમાં ગેજ્યુએટપણું ચાલશે નહીં "

"પણ,...મેહુલ., નોકરી અને મારા ગ્રેજ્યુએશનને શું લાગે વળગે ?...નોકરી કરું તો ઘરને જ મદદ થાયને !"

" વધારે ભણેલી બૈરીઓ...કેવી નોકરિયો કરે છે એ મને ખબર છે !...હું કમાતો નથી ?"

" જુઓ...મેહુલ, આવો ચાન્સ વારંવાર નહિ આવે, આટલો સારો પગાર મારું બી.કોમ. નું પરિણામ જોઈ ને આપવા તૈયાર છે અવની ઇન્ડસ્ટ્રીઝ ...શું કામ આવું કરો છો..યાર !"

" પરિણામ જોઈ ને કે તને જોઇને...?"

અમિષા સ્તબ્ધ હતી. પણ...લગ્ન પછી આવું કાયમનું હતું. વૈચારિક મતભેદ અને શિક્ષણની અસમાનતા વાસ્તવિક બનતી જતી હતી. છેવટે, ઘરના વડીલોના હસ્તક્ષેપથી અવની ઇન્ડસ્ટ્રીઝમાં મદદનીશ હિસાબનીશ તરીકે એ નોકરીએ લાગી ગઈ.

***

અવની ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સુનીલ નેત્રા યુવાન અને તરવરિયા ઉદ્યમી હતા. ચાલીસીમાં પહોંચેલા સુનીલનો તરવરાટ ત્રીસ વર્ષના યુવાનને શરમાવતો !

સ્ટાફ સાથે સૌજન્યશીલ વ્યવહાર ધરાવતા સુનીલ ના સંપર્કમાં આવતો કોઈ પણ વ્યક્તિ તેના ચુંબકીય વ્યક્તિત્વ અને વાક્છટાથી અંજાઈ જતો. અમી ઉર્ફે અમિષાને તો લગભગ રોજ એકાઉન્ટ બેલેન્સ શીટ સાથે આ ' ચુંબક ' ના સંપર્કમાં રહેવાનું થતું. અલબત, સુનીલ નખશિખ ચારિત્ર્યવાન પુરુષ હતો...ને સામે અમી પણ એટલી જ સંયમ મૂર્તિ ને પતિવ્રતા !

***

સમય વીત્યો, વૃક્ષોને નવી કૂંપળ પ્રકૃતિને આધીન ફૂટતી રહે છે તેમ પુત્ર રૂપી ફૂલ અમીના ખોળામાં રમતું થયું. પણ, શંકા, અદેખાઈ ને વૈચારિક મતભેદ અમી અને મેહુલ વચ્ચે ચોક્કસ સીમારેખા ખિંચી રહ્યા.

પુત્ર જન્મ્યો એ શરૂઆતના દિવસોમાં એક બે વાર ઘોડિયામાં સૂતેલ દીકરાના ચહેરા ને જોઈ વારંવાર સામે દર્પણમાં પોતાના ચહેરા ને સરખાવતો મેહુલ...ઘડીમાં પોતાની આંગળીઓ ને નાક પુત્રના અંગો સાથે સમાનતા ધરાવે છે કે કેમ ...તેવી ભ્રષ્ટ ચેષ્ટાઓ કરતો અમિષા જોઈ ગઈ ...હતી. ઝગડો થાય તે સ્વાભાવિક જ હતું.

" શું જુઓ છો મેહુલ ...દર્પણમાં ને દીકરામાં ?"

" કાંઈ નહિ,...જોવા જેવું જોવું ય પડે...વધારે ભણેલા બૈરા વંઠેલા જ હોય છે આ જમાનામાં.."

" શું બોલો છો....ભાન છે ?...એવું હોય તો ડી એન એ ટેસ્ટ કરાવી લ્યો, મારી જિંદગી હરામ કરી છે તમે તો !"

ઝગડો ઘણો વધી પડ્યો...માંડ માંડ થાળે પાડી કનુભાઇએ રાહતનો શ્વાસ લીધો, પણ આ પૂર્ણ વિરામ ક્યાં હતું !

પોતાના પતિ ના વિચારોની નિમ્નતા અને પોતાના સ્વમાન તથા ચારિત્ર્ય ઉપરના પ્રહારો ઘણીવાર સામાજિક મર્યાદાઓ અને સ્થાપિત પરંપરાઓથી વિપરીત નવો રાહ લેવા સ્ત્રીને પ્રેરે છે. પછી, આવા પગલાંની યોગ્યતા કે અયોગ્યતાની ચર્ચા તે સ્ત્રીના વૈચારિક પ્રવાહ પૂરતી ઘણીવાર અસ્થાને બની જાય છે.

***

દીકરા ના જન્મ પછી મેહુલનું વર્તન સુધરશે એવી આશા ઠગારી નીવડી હતી. કંકાસ અને શંકાની સાથે રોજનું અપમાન હવે અમિષાને મૂંઝવી રહ્યું હતું. આજે વાર્ષિક અંદાજ પત્રક ચેરમેનની સમીક્ષા માટે મૂકવાનું હતું ને આજે સવારથી કામમાં મન પરોવવા પ્રયત્ન કરી રહી હતી ..પણ, ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું તેના મનમાં ઊંડે ઊંડે થતું હતું.

" અમિષા, આ અંદાજ પત્ર તે જાતે તૈયાર કર્યું છે?"

"જી...હા...હા,..સર"

" ગયા વર્ષે તારું તૈયાર કરેલ બજેટ પરફેક્ટ હતું. આ વખતે પણ પ્રયત્ન તો સારો છે પણ...?"

" પણ...શું સર, ભૂલ થઈ છે ?"

સુનીલ નેત્રા હંમેશની જેમ અત્યંત શાંત ચહેરા સાથે હળવું સ્મિત રેલાવતા ઊભા થયા...ને તૈયાર કરેલ બજેટની હાર્ડકોપીમાં લાલ પેન થી ત્રણ સર્કલ કરી અમિષાના હાથમાં મૂકી...હાસ્ય રેલાવતા ઊભા રહ્યા.

" સર, સોરી...મારી ઘણી મોટી ભૂલ છે...માફ કરશો, હું સુધારવા માટે હમણાં જ કામ શરૂ કરી દઉં.."

હવે ... ચેરમેન થોડા નજીક આવ્યા, માયાળુ અવાજે બોલ્યા,...

"અરે...મારી... અમી, ...?"

' અમી ' તરીકેના સંબોધનથી અમિષા ચમકી...કારણ કે, પોતાના પિતા સિવાય આ નામથી કોઈએ બોલાવી ન હતી...ને મેહુલ આ નામથી બોલાવી સ્નેહ આપશે એ તો હવે સ્વપ્નવત વાત લાગતી ! બોસ ને મારા આ નામની ખબર હશે કે ફકત સંયોગ ! એવું મનમાં વિચારતી અમિષા કાંઈક અંશે ક્ષોભમાં હતી.

" હમણાં થી તું કોઈ ટેન્શનમાં છો એવું મને લાગે છે..કંપનીના વડા તરીકે મારે તને પૂછવાનો હક છે, કંઈ પણ હોય તો એક મિત્ર તરીકે મને નિઃસંકોચ કહે"

અમી તરીકેનું સંબોધન અમિષા ને આમ પણ પીગળાવી ગયું હતું. આંસુ સાથે સઘળો સંતાપ આજે બહાર નીકળી રહ્યો હતો. અમિષાના દામ્પત્ય જીવનની વિષમતા સુનીલ ને પણ હચમચાવી ગઈ હતી. એ દિવસથી સુનીલની અમિષા પ્રત્યેની આત્મીયતા અને ' સંભાળ ' માં વધારો થયો હતો. અલબત, પુરુષ સહજ મલિનતા ના બદલે અહીં સમજણનો નિર્દોષ સ્નેહ વધુ હતો. સામે પક્ષે , અમિષા પણ સુનીલ સાથે વધુ ને વધુ સહજ થતી ગઈ...પણ, મૈત્રીનો પ્રભાવ સ્ત્રી અને પુરુષ વચ્ચેના દૈહિક આકર્ષણ ઉપર અહીં હાવી હતો !

ઘણી વાર, ઓફિસના દરવાજે ઓટોની રાહ જોતી અમિષા સુનીલની મર્સિડીઝમાં આગ્રહ વશ લિફ્ટ પામતી...જો કે, કોઈ ગેરસમજ નિવારવા સુનીલ સલામત અંતરે તેને ડ્રોપ કરતો. જો કે આવી ઘટનાઓ નિયમિત થતી નહિ..પણ, સુનીલ અને અમિષાની વૈચારિક સામ્યતા એકબીજા પ્રત્યેની મૈત્રીને વધુ સુદ્રઢ બનાવતી રહી.

પણ,...આ નિર્દોષતા શંકાના આવરણ પહેરી કોઈ રીતે તો મેહુલ સુધી પહોંચી જ ગઈ !

***

આજ સવારની જ વાત છે. અમિષાને રસોડાનું કામકાજ અને દીકરાને તૈયાર કરવાની પ્રવૃત્તિમાં થોડું મોડું થયું હતું. ઘણી ઉતાવળે તૈયાર થઈ છતાં સિટીબસ ચૂકી જવાની તાણ તેના ચહેરા પર હતી જ...મેહુલ ને 'સિકસર ' મારવાની તક મળી ગઈ હતી..

" ચિંતા ના કરો, અવની ઇન્ડસ્ટ્રીઝ આપણી જ છે ને...મર્સિડીઝ આવશે લેવા હમણાં !"

" એટલે...શું કહેવા માગે છે...મેહુલ !?'

રોજેરોજ ના શંકાશીલ વર્તન અને વિચારોની અસમાનતાના કારણે હવે તો અમિષાએ મેહુલને માન આપવાનું પણ છોડી દીધું હતું.

" કાંઈ નહિ, મોડું થાય તો પણ...તને લઇ જવા કંપની મોકલશે ગાડી...ભણેલા બૈરાંનો ઘણો વટ છે આજકાલ !"

સમસમી ને ચૂપ થવાનું શીખી ગયેલ અમિષા એ સવારે રીતસર દોડી ને સિટીબસ પકડી હતી.

***

અચાનક, રિક્ષા હચમચીને આંચકો ખાઈ ઊભી રહી...ને વિચારોની તંદ્રામાંથી અમિષા બહાર આવી.

" મેડમ, એક્સિલેટર વાયર તૂટ્યો લાગે છે તમે બીજી ઓટો લઈ લો..."

એક તો પહેલાં થી જ મોડું થયેલું...અને પાછું, શિયાળાની સાંજ, અંધકારના ઓળા તો ધરતી પર ઉતરી જ ચૂક્યા હતા. મેહુલ ના તીખા વાક્ બાણો જાણે તૈયાર જ હશે...ને પોતે નિર્દોષ હોવા છતાં કોઈ ખુલાસો ચાલશે જ નહિ..તેવી ગડમથલ મનમાં ઊભી થઈ હતી. આ સમયે અધવચ્ચેથી ઓટો મળવી પણ મુશ્કેલ હતી.

છેવટે, વિચાર કરી...પોતાને પિક અપ કરવા મેહુલ આવશે તેવી આશા સાથે મન મક્કમ કરી મોબાઈલના કિ પેડ પર આંગળીઓ દબાવી.

" હા, મેહુલ...મોડું થયું છે ને રસ્તામાં ઓટો બગડી છે.."

" આજકાલ...મોડું થવાનું ક્યાં નવાઈ છે... આવો તમતમારે...જલસાથી...મર્સિડીઝમાં.."

છેલ્લા શબ્દ પર ભાર મૂકાયો હતો...ફોન કટ થઈ ગયો.

મેહુલ ના શબ્દો અમિષા ના હૃદયને ઘણો ઊંડો ઘસરકો કરી ગયા ને અગાઉના બધા ઘાવ તાજા થઈ ગયા જાણે !

અકથ્ય તિરસ્કારથી છંછેડાઈ ઉઠેલ આત્મસન્માન અમિષા ને વધુ એક વાર મોબાઈલ પર નંબર ડાયલ કરવા તરફ પ્રેરિત કરી રહ્યું...

" યસ...બોલો..., અમિષા..એની પ્રોબ્લેમ ?"

" ના...કોઈ પ્રોબ્લેમ નથી સર, સોલ્યુશન છે...તમારી 'અમી ' ને પિક અપ કરશો અત્યારે ?... મારી ઓટો ખરાબ થઈ ગઈ છે ઝેડ સર્કલ પાસે"

બીજી ક્ષણે, મર્સિડીઝનું કિ લેસ ઇગનીશન ઓન હતું... અમીએ જણાવેલ જગ્યાએ મર્સિડીઝ થોડી વારમાં આવી ને ઊભી રહી.

" કમ... અમી, બી કૂલ..."

કાર...પૂરપાટ દોડી રહી, આજે...ચૂપ બેઠેલી અમીનો મિજાજ અને મક્કમતા સુનિલને કાંઈક અલગ લાગી રહી હતી..પણ, તે ચૂપ રહ્યો. આવા સમયે મોટે ભાગે તે ચૂપ રહેવાનું વધુ પસંદ કરતો.

" અમી...ક્યાં ડ્રોપ કરું..."

અમિષા...ચમકી, સુનીલની અપેક્ષાથી વિપરીત ...અનોખું સ્મિત વેરી તે બોલી,

" અમીને ફકત પિક અપ કરવાની હતી...સર, હવે ડ્રોપ નથી કરવાની."

' અમી ' ની આંખોમાં ઉભરાતા વિષાદની પાછળ ફૂટેલી પ્રેમની કૂંપળો ને એન્ટી ગ્લેર ગ્લાસના ચશ્મામાંથી સુનીલની આંખોની કીકીઓ જોઈ રહી હતી ! 


Rate this content
Log in

Similar gujarati story from Romance