Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Drama Inspirational

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Drama Inspirational

શક્કરપારા

શક્કરપારા

5 mins
350


'હતી' આજ આખું ફળિયું ખૂંદી આવી...પણ, તેને જોઈતી ચીજ ના મળી તે ના જ મળી. આખરે, હતાશ થઈ ને ધીમે ડગલે પોતાની વસાહત તરફ વળી...ત્યાં ધનાની ઘરવાળી રૂખી તેને ભટકાઈ ગઈ. મૂળ તો પોતાની જ વસ્તી નું વરણ એટલે કાંઈ નવાઈ નહતી..તેમ છતાં, પોતે ઘેર ઘેર છઠ્ઠ નું રાંધેલું માંગવા ગયેલી અને પોતાના વાદે હવે રૂખી એ પણ ચાલુ કર્યું કે શું ..?તેવા વિચારો મનમાં લાવી મૂક્યા.

" ઘરડ્યાં હંધુય નકકી કરી ન જ્યાં ...સુ, તો ય ...આ નવા જમાના નું મલેક નઈ માંનવા માંગતું.."

વાત એવી હતી કે, ગામના છેવાડે વર્ષોથી રહેતી ગરીબ વસ્તી આખા ગામનાં વૈતરાં કરી જીવન નિભાવવાની રીત જાણે લોહીમાં વણી જીવતી આવેલી. વડવાઓ કહેતા કે મૂળ તો હિજરત કરી ને આવેલા ને આ ગામમાં આશરો મળતાં તેના બદલા રૂપે ગામની સેવા ઉપાડેલી તે વખત વીતતાં કાયમી પરંપરા થઈ ગઈ, બાકી જૂનો વંશ વેલો તો જંગલના લાકડાંમાંથી કોલસા બનાવી ગામે ગામ ચૂલા સળગતા રાખનાર મહેનત કશ માણસોનો સમૂહ હતો. વખત વીત્યો ને કોલસાનો વપરાશ ઘટ્યો ને જંગલખાતાની કડકાઈ વધી તે, ખાવાના ફાંફે હિજરત કરી વડવાઓ આ ગામમાં આવી આશરો પામેલા.

વારે તહેવારે, ગામ માં માંગવા કે રાંધેલું ઉઘરાવવા જવા માટે ઘરડાં ઓ એ કુટુંબ દીઠ વહેચણી કરી હતી જે મુજબ પટેલ વાસમાં રાંધણ છઠ્ઠે ફરવાનો વારો ' હતી ' ના ઘરના ફાળે હતો આ વખતે.

***

રૂખી નવી નવી આણે આવેલી..આ જ વર્ષે. બરાબર ' હતી ' ના ઘર ની પાછળ તેનું ય ખોરડું. હતી ની નવ વર્ષની દીકરી અમલી સાથે તેને અજબનો સ્નેહ બંધાઈ ગયો હતો.

રૂખી અને તેનો વર ગામમાં બે ત્રણ પટેલ ના ઘરનાં છાણ વાસીદા અને બીજા એવાં કામ કરતાં જ્યારે ' હતી ' અને તેનો ઘરવાળો ગામનાં મંદિર નો ઓટલો અને ચોક ની આજુ બાજુ ની વસ્તી માં છૂટક મજૂરી કરતાં રહેતાં. બધા નું ગાડું ગબડતું રહેતું કારણકે, ગામડા ગામ માં ઓછી જરૂરિયાત, કોઈ ખોટા ખર્ચ નહિ ને સાદું જીવન!

***

" એક ની એક વસ્તીમાંથી અલખણું મનેખ ઉઘરાવવા જાય તો ગામ આખું થું થું જ કર ..ક, નઈ ? રૂખી આખું વરહ તો પટેલ્યાં ના ઇ થી બધું લાય લાય કર અન..તો ય, આજ મારા ફેરા ઉપર ઇ ય હેંડી પડી સ...આ નવી પેઢીનું હું કરવાનું...? જા...જા... ઈ તન ય શક્કરપારા આલહે ... મોટા.., આંય મન તો બે બે પુરીયો આલી હમજાઈ મારી !"

અમલી ને શક્કરપારા બહુ ભાવે. સારા દાડા હોય ને, શીશી કરતાં વધારે તેલ ઘરમાં ભેગુ થયું હોય તો એક રોટલી લોટના ગળ્યા શક્કરપારા વર્ષમાં કોઈ વખતે બનાવી આપતી...પોતે. પણ, છઠ ઉપર પટેલ વાસમાંથી જે શક્કરપારા મળતા તેવા તો ક્યાંથી થાય ? તેલ ય વધારે જોઈએ, વરિયાળી અને ખસખસ નાખેલા કકરા અને મીઠા શક્કરપારા ખાવા આખું વરસ અમલી આ રાંધણ છઠ્ઠ ની રાહ જોતી રહેતી. આ વખતે ગામમાં બેચાર મરણ પ્રસંગો ના લીધે છઠનાં રાંધણ દેખાતાં ન હતાં પણ, પટેલ વાસમાં આ વખત કોઈ મરણ હતું નહિ એટલે અમલી ને શક્કરપારા ત્યાંથી તો મળશે જ એવી આશા થી ' હતી ' ફળિયામાં છઠ નો આંટો દઈ આવી પણ...અમલી ના નસીબે આ વખતે શક્કરપારા ખાવાનું જાણે ન હતું ..! ધૂંધવાયેલી ' હતી ' ગમે તેમ કરીને અમલીને શક્કરપારા ખવડાવવા માંગતી હતી..ને એ વિચારોમાં મગ્ન થઈ પોતાની વસ્તી તરફ પાછી ફરી રહી હતી ત્યાં..હાથમાં થેલી અને પિત્તળ ની બરણી લઈ ખેમી પટેલ વાસ તરફ જતી સામી મળી એમાં મનમાં ભડકો થયેલો.

***

મનમાં ને મનમાં ખીજ કરતી ' હતી ' ઝૂપડામાં પ્રવેશી. પોતે જાણે કાંઈક ખોટું કર્યું હોય એવા ભાવ સાથે અમલી સામે જોવાનું ટાળ્યું અને ચૂલા ઉપર લગાવેલ લાકડાના પાટિયા પર થી તેલની શીશી લઈને હલાવી જોઈ. નીસાસો નાખતી હોય તેમ શીશી કપાળે ભટકાવી નીચે મૂકી બેસી પડી. 

" બુની...મારા શક્કરપારા લાઈ..?"

" આવ સ...તારા શક્કરપારા...એ તારી હગલી જઈ સ...લેવા, મન તો કુણ આ.. લ... અ..?"

" બૂની...કુણ લાવ સ...હેં, મારા શક્કર પારા?"

' હતી ' જવાબ આપ્યા વગર ઊભી થઈ ગઈ ને સીધી ઘરના પછવાડે રુખીનું પાછલું બારણું પડતું હતું ત્યાં જઈ ક્રોધાવેશમાં ઊભી ...

***

' હતી ' એ આખું ફળિયું ગજવ્યું હતું. રૂખી નો ઘરવાળો તો મજૂરીએ ગયેલો પણ તેની સાસુ ' હતી ' ની હડફેટે ચડી ગઈ. પોતાનો વારો છે, હક છે છતાં છઠ ની ઉઘરાણી કરવા રૂખી જાય તે પોતે નહિ સાંખી લે... પંચ ભેગુ કરશે...એ નવી નવેલી બહુ ચઢી વાગી છે વગેરે અર્થ સૂચવતા આરોપો અને કાન ના કીડા ય ખરી જાય તેવી ગાળો નો મારો રૂખી ની સાસુ તરફ અવરિત વહી રહ્યો હતો. વસ્તી ના માણસો પણ ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા !

***

આ બાજુ રૂખી પટેલ વાસમાં જઈ પહોંચી.

" ડાહી બા...હું રૂખી!"

" અલી રૂખલી...બોન...આ જ તો તું ન 'તી આવવાની ન..?"

" હા...બા, થોડું કાંમ અતું.."

" હેં...હું કાંમ સ...બોલ...રૂખી, જલદી કે હેડય...ગામના મંદિરે ભોગ ધરાવવા જવું સ...અજી તો... માર (અ).."

રૂખી ખમચાઈ...પણ, છેવટે બોલી,..

" મન(અ)..થોડા શક્કરપારા...!!!"

" અલી, પેલી ' હતલી ' ન તો અમણાં જ બધું કાઢી આપ્યું ... અવ ચેટલી વખત રહોરા નાં ડબલાં ખોલું... અલી?"

" બા...એકલા શક્કરપારા જ આલાં...બીજું કાંઈ નઈ.."

" આંમ તો ખાલી તીખી પુરિયો જ આલી સ.. મી તો.. હતલી.. ન (અ)..અન અવ બધાં ઉઘરાવવા માંડ્યાં ક હુ?"

" ના..બા, આ તો મન(અ)..શક્કરપારા ખાવાનું મન અતુ..."

પગના નખથી ડાહી બા નું આંગણું ખોતરતી રૂખી આટલું બોલતાં હાંફી ગઈ. ડાહી પટલાણી થોડું મલક્યાં અને બોલ્યાં...

" હેંડ... થોરી આંમની આય... કાંક હારું હારું થવાનું સ ક હું...? તે...આવું ખાવાનું હાંભર(અ)...હે...લી...!!"

રૂખી પાછું નીચું જોઈ ગઈ....થોડી પાછી પણ હટી..

" હારું, બૈણી...ખોલ હેંડ, થોડા શક્કરપારા લાઇ નાંખું.."

***

' હતી ' નું છઠ પુરાણ થોડું ધીમું પડ્યું હતું...ફળિયાના લોકો મફતનો તમાશો માણી પોત પોતાના કામે વળગ્યા હતા. હજી, થોડી થોડી વારે ' હતી ' ને ઉભરા આવી જતા ને ઘરની પછીતે જઈ એક બે કર્કશ વેણ નાખી આવતી હતી. રૂખી ની સાસુ એ હવે સામે જવાબ આપવાનું બંધ કર્યું હતું.

થાકી ને, ' હતી ' હવે ...રસોડા માં જઈ લોટના ડબ્બા ને ખોલીને બેઠી.

" અલી બુની...રૂખી કાકી આઇ...આપરા ઘેર..."

" આવવા દે...ઈન(અ) ય..ખબર પાડું ક...આ હતીના હાંમુ પડવાથી હું થાય સ...આઇ અહે,મોટી મન(અ)... હંભળાવવા"

રૂખી પટેલ વાસમાં થી સીધી જ અમલી ના ઘેર આવી ઉભી હતી...જેથી, ' હતી ' એ ઊભો કરેલ તાયફો તેની જાણ બહાર હતો. મોઢા ઉપર નિર્દોષ હાસ્ય અને હાથમાં પિત્તળની બરણી સાથે ' હતી ' ના ઝુંપડા ના દરવાજે ઊભેલી રૂખી ને જોતાવેંત ' હતી ' ના રૂંવે રૂંવે આગ લાગી.

" ઉપરવટ જઈ ઉઘરાણું કરી ન અવ મારા પાંહે ય માંગવા આઇ...શરમ વગરની...તારું....,,"

વાક્ય પૂરું કરવા ને બદલે હાથમાં રહેલ લોટનો ખાલી ડબ્બાનો 'હતી ' એ ઘા કર્યો...

અચાનક થયેલ હુમલાથી અને કપાળે અથડાયેલા ડબ્બાના દર્દથી કણસતી રૂખી ચીસ પાડી ફસડાઈ...ત્યાં, તેના હાથમાં રહેલી પિત્તળની બરણી છૂટી ..ને ' હતી ' ના ઘર ના બારણામાં મીઠા શક્કરપારાનો ઢગલો વેરાઈ રહ્યો..

" શક્કર પારા...શક્કરપારા...કહી..કૂદવા માંડેલી અમલીની સામે ' હતી ' ની નજર પડી...ને ધ્યાન ઢોળાયેલા શક્કરપારા તરફ ગયું.

" આ શક્કરપારા લેવા ગઈ તી...અમલી માટે..."

દર્દ થી કણસતી રૂખી આટલું બોલી...માંડ ઊભી રહી.. કપાળમાંથી વહી રહેલા લોહી ને લૂછી રહી હતી.

' હતી ' ને શું બોલવું તે સમજ ના પડી ને શરમની મારી નીચું ઘાલી ગઈ.

આ વખતે પગના નખથી આંગણું ખોતરવાનો વારો ' હતી ' નો હતો.!


Rate this content
Log in

Similar gujarati story from Abstract