Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Tragedy

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Tragedy

માનું તપ

માનું તપ

3 mins
287


આજે ભાવનાબેન થોડી હર્ષમિશ્રિત મૂંઝવણમાં હતાં. વારેઘડી એ અમિતભાઈના મોબાઈલમાં એ છોકરીના ફોટા સામે જોઈ લેતા ને પછી કાંઈક રોમાંચ અને વળી ચિંતાના ચિંતનમાં સરી પડતાં. 

વાત જ કાંઈક એવી હતી!

કાલે સવારે દીકરા નિમેષ માટે કન્યા જોવા જવાનું હતું. છોકરીવાળા એ મોબાઈલ પર છોકરીના ફોટોગ્રાફ તો મોકલ્યા હતા પણ, દીકરા નિમેષને હજુ એ ફોટો બતાવવાની હિંમત એકઠી થઈ ન હતી. છોકરી ગમશે કે નહિ ગમે એને ? આ પ્રશ્ન મોટો થઈ પડ્યો હતો.

નિમેષ હવે ત્રીસમા વર્ષમાં પ્રવેશી ચૂકયો હતો. દેખાવમાં જાણે ફિલ્મી હિરો, પણ સ્વભાવે આકરો અને ઘરની નાનમ પડી ગયેલી એટલે માંડ કોઈ કન્યાનું માંગુ આવતું પણ, મેળ પડતો નહિ ! દિકરા માટે ચિંતા કરી કરીને ભાવનાબેન અડધાં થઈ ગયેલા. અધૂરામાં પૂરું આ વર્ષ એક પહેલાં કોઈ તંત્ર મંત્ર વાળા મહોદયે એવી આકરી ટેક આપેલી કે છોકરાની મા અનાજ ભોજનમાં લેવાનું બંધ કરે તો જ દિકરાનું લગ્ન થશે.

ને દિકરાની ખુશી માટે માનું તપ એક વર્ષથી ચાલ્યું આવતું હતું. ફળાહાર અને દૂધ ઉપર રહી ભાવિ પુત્રવધૂની રાહ જોવાઇ રહી હતી. આ અગાઉ કોઈ એ પગરખાં નહિ પહેરવાની બાધા આપેલી ને ધોમધખતો તડકો અને ગામડાની કાંટાળી પગદંડીઓ ભાવનાબેનના પગલાંઓને પીડાદાયક બનાવતી રહી. પણ.દર વખતની જેમ 'વાત' આવતી ને અગમ્ય રીતે શમી પણ જતી.

હવે, શરીર પણ કૃશકાય થઈ પડ્યું હતું. પણ દીકરાની અર્ધાંગિનીના દૂર દૂર સુધી કોઈ આસાર જણાતા ન હતા. તેમાં, વળી બે દિવસથી આશાનું કિરણ ક્ષિતિજે ડોકાયું ને આ આનંદ સહિતની મૂંઝવણ પેદા થઈ !

***

"કહું છું, કાલે ૧૦-૦૦ વાગ્યે પહોંચવાનું છે યાદ છે ને?"

"અરે હા, ભઈ, પણ, ફોટો જોઈને મને નથી લાગતું કે નીમલો પસંદ કરે આ છોકરી ને !"

"આ વખતની બાધા લેખે લાગશે જો જો, અન હવે નિમલો પસંદ કરે એ જોવા જેવું ક્યાં રહ્યું છે. જે મળે એ વધાવી લેવું પડશે. તમે નીમલા ને સમજણ આપજો જરા !"

"જુઓ બે ત્રણ વરસ થી તમે શરીરને કષ્ટી આપી આપણા નિમેષ માટે ઘણું વેઠી રહ્યા છો. એ એને ખબર નઈ પડે ? મારું કહ્યું માને તો ને !"

"સારું ફોટો તો બતાવો એને, શું કહે છે ?"

"શું કહે ધૂળ ને ઢેફાં ? મોઢું બગાડે છે ફોટાને જોઈ ને."

"એક વાર જોવા તો જવું પડે, સમજે તો સારું"

"હા, કાલે એને લઈને જઈએ તો ખરા, પછી જે થાય એ ખરું.. !"

***

"આજે તો કાંઈક વધારે ઉતાવળા ડગલાં પડે છે હોં ભાવના કાકી !"

"અલી, લીલી કાલે સવારે વહેલા નીકળવાનું છે એટલે ખેતરનું કામ આજે પૂરું કરવું છે."

"હા ભાઈ હા, કાલે તો નિમેષભાઈનું નકકી કરીને આવો એટલે અમેય લાડવા ભેગાં થઈએ ને તમે અનાજ ભેગાં ! આ જુઓ શરીર કેવું થઈ પડ્યું છે તમારું !"

"હા, લીલી પણ, મારા નિમલા માટે નકોરડા ઉપવાસ કોઈ કહે તો હું તે ય કરીશ, પણ એકવાર ક્યાંક પાક્કું થઈ જાય એટલે બસ !"

***

આજે વહેલી સવારથી જ ભાવનાબેન ધમાલમાં હતાં. ઢોરઢાંખરને પાણી અને ઘાસ વહેલું નીરી દીધું હતું. મંદિરે જઈ આજે બે હાથ જોડી ભગવાનને આજીજી કરી આવી નવા કપડાં પહેરી તૈયાર થવામાં પડ્યા હતા.

હજુ, અમિતભાઈ એવા ને એવા ફરતા હતા,  ઘડીકમાં ઘરમાં આવે ને ઘડીકમાં બહાર જઈ આવે. નિમેષ હજુ બ્રશ મોઢામાં નાખી બહાર પાળી પર બેઠો બેઠો બેફિકરાઈવાળી મૂંઝવણમાં હતો.

"કહું છું, ક્યારે તૈયાર થશો તમે ? પેલાને પણ કહોને ઉતાવળ કરે જરા !"

"શું કહું રાતે બાર વાગ્યા લગ સમજાવ્યો છે પણ..."

"પણ ને બણ આ વખતે ચૂક્યા તો રહી જશે પછી એ વાંઢો."

"આવવાનું તો કહે છે પણ, પસંદ નહિ કરે"

"તમે જ આવું પંપાળીને બગાડી મૂક્યો છે એને."

"વળી પાછું મારું નામ? હલકું નામ હવાલદાર નું !"

"શું કહું તો પછી ? હું કંટાળી છું હવે તો !"

***

છેવટે, નિમેષ મન મનાવી તૈયાર થયો. ગામના રમેશભાઈની રિક્ષા માટે ફોન કરવા અમિતભાઈ બહાર પરસાળમાં ગયા  એટલામાં મોબાઈલ રણક્યો. ગંભીર વદને વાત કર્યા પછી મ્લાન મુખ સાથે ઘરમાં આવેલા અમિતભાઈને જોઈ ભાવનાબેન કાંઈક પામી ગયાં ને બોલ્યાં,

"શું થયું બધું બરાબર તો છે ને ?"

"ના, રતિલાલનો ફોન હતો... એ લોકો આજે "ના"પાડે છે પછી ગોઠવશું એવું કહે છે."

"હે..ભગવાન !"

***

થોડી વાર મૌન છવાઈ ગયું. કાંઈક વિચાર્યા પછી સ્વસ્થતા ધારણ કરી ભાવના બેન બોલી ઉઠ્યા.

"રીક્ષા તો બોલાવી લો ! મારે ફળ ફળાદી લેવા તો બજારમાં જવું પડશે ને !"


Rate this content
Log in

Similar gujarati story from Drama