Nirmita Vaishnav

Fantasy

4.7  

Nirmita Vaishnav

Fantasy

ધ ફોલૉ અપ

ધ ફોલૉ અપ

5 mins
416


આ દિવાળી-ઇવ તો ઘણી સ્પેશ્યલ છે. નુમેરોલોજી જાણનારા આ દિવસે 11:11 વાગ્યે સ્પેશ્યલ ઈચ્છાઓ મેનીફીસ્ટ કરવાની વાત કરે છે. મેં કહ્યું ચાલો અખતરા તો કરીયે ફ્રી જ છે ને ! સવારનો સમય તો કામ- કાજમાં નીકળી ગયો પણ રાત્રે 11:11 વાગ્યે નક્કી કરેલ "અખતરો" અજમાવ્યો, લખવા બેઠી કૈક અને મગજ દોડ્યું ક્યાંક બીજે જ! ફટાકડાંની ફોટોગ્રાફી બધો જ સમય ખાઈ ગઈ અને પછી સોશ્યિલ મીડિયાનો નિત્યકર્મ, દિવાળી વિશિઝ એન્ડ ડેકોરની વાહવાહી, લાઈકસનાં વાટકા વ્યવ્યહારમાં આંખ લાગી જ હતી અને

આ વખતે થોડો જાણીતો પ્રકાશ દેખાણો, આ ડાઇનિંગ ટેબલે કૈંક તો ડિવાઇન એનર્જી છે ! ખુબ સુંદર આભાસભર હોલમાં જતાં હું બોલી : "આવો આવો, શ્રી કૃષ્ણ વાસુદેવ યાદવ જી.. તમે તો 2020માં અલોપ થયા પછી આજે છેક સાક્ષાત થયા... આવડો લાંબો બ્રેક હોય ?"

આજે પણ એ જ નટખટ મુખમુદ્રા અને સ્મિત સાથે આવીને મારી સામે બેઠાં.

"તારી દિવાળી સ્પેશ્યલ મીઠાઈઓ તો ખવડાવ પછી તને એક્સપ્લેનેશન પણ મળી જશે કે આ બ્રેક કેમ લાંબો હતો ?"

મેં થોડી સ્વીટ્સ અને ચોકોલેટ્સ સાથે ચિપ્સ અને ખાખરા સર્વ કર્યા.

(ડેરી મિલ્કનું રૅપર ખોલતાં ખોલતાં) "તું લાંબા બ્રેકની વાત કરે છે પણ મને તો આજનો દિવસ પણ ૨૦૨૦ દિવાળી દિવસ જેવો જ દેખાય છે, જો ને..ચિપ્સ ખાખરા કે આ ચોકોલેટ બધું સામે જ છે !"

"અરે અરે !શ્રી કૃષ્ણ હજારો વર્ષોમાં ન બદલાયાં તો હું એક બે વર્ષોમાં કઈ રીતે ! પણ હા થોડું એડિશન થયું છે, જુવો આ બકલાવા, અંજીર રોલ્સ, ખજૂર બાઇટ્સ વગેરે ફેન્સી એન્ડ ગોરમેં એડિશન ઓફ સ્વીટ્સ. આ બધું નવું છે !"

"હમ્મ, તો એ કહે કે મને આવવાનું મૂંગું આમંત્રણ કેમ હતું ?"

"અરે, હું તો આ ૧૧.૧૧ ના મેજીકસનાં અખતરા કરતી હતી. મને ક્યાં ખબર કે તમે પણ ઈગર હશો મને મળવા ! (કટાક્ષમાં હસતાં મેં કહયું)

"હા હા હા.. મારી સાથે એક્સપેરિમેન્ટ ! બોલ, શું છે મનમાં ?"

ચિપ્સ પેકેટ ખોલતાં હું બોલી : "તમે તો સેલ્સવાળાની જેમ વાતો કરીને પોતાનું કામ કઢાવી મુસ્કુરાહટ ફેલાવીને ગુમ થઇ ગયાં. પણ હવે મારેતો મારાં સ્વર્ગવાસી વહાલાંઓને મળવાની ઓફરનું ફોલોઅપ કરવું પડે ને ! દરેક દિવાળીમાં ફટાકડા ફીકાં પડે, પેંડા અને મઠિયા બેસ્વાદ બને, એવું તો કેમ ચાલે ?"

"હમ્મ… વાત તો તારી વ્યાજબી છે. પણ ચાલ એ કહે કે આ રંગોળી કઈ રીતે બનાવી ?"

"હું વાત કઇંક કરું છું અને તમારે બીજી જ બાજુ ટીખળ કરવી છે એમ ને ! જો ભાઈ, મને તો રંગોળી, ફ્રી હેન્ડ ડિઝાઇન્સ એવું કઇં આવડે નહિ. આ તો સોશ્યિલ મીડિયામાંથી શીખીને ફેવિકોલની બોટલથી ટપકાં કર્યાં, પછી ચમચી અને ટૂથપિકની મદદથી એમાં થોડી ફેન્સી ડિઝાઇનની ટ્રાય કરી. પણ દેખાય તો સારી છે ને ?"

"હા, કેમ નહીં ! ખુબ સરસ દેખાય છે. મેં તો તારા રંગોળી પોસ્ટના ઇન્સ્ટાગ્રામ લાઇક્સ જોયા એટલે જ પૂછ્યું."

(ટેબલ ઉપર પડેલો દીવો હાથમાં લેતાં બોલ્યાં) "અને આ દિવા…"

(હું, હસી ને) "હા ! મને ખ્યાલ છે તમે કહેશો કે પાણીનાં દિવા, એ પણ બેટરી ઓપરેટેડ - કોણ કરે એમ જ ને ! પણ શું કરવું ? પવન એટલો બધો કે તેલ ઘીનાં દિવા જલ્દી જલ્દી ઓલવાઈ જાય. અને મને વળી લાઈટ્સનો શોખ એટલે ઓછાં તો ચાલે નહિ. પુરા 100 દિવા લાવી અને ખૂણે ખૂણે પ્રકાશ પડ્યો ! લાગે છે ને દિવાળી ?"

"તું કરે એમાં કઈ ઘટે ?" (ચિપ્સ નું પેકેટ ખોલતાં ખોલતાં)

"બસ હો, હવે ચણાનાં ઝાડ પરથી ઉતારો અને મુદ્દાની વાત કરો. આપણી જૂની સ્કીમનું શું થયું ? સદગત સ્વજનો, સ્નેહીઓને દિવાળી કરવા અમારી સાથે મોકલવાની ઓફર ક્યારે શરુ કરો છો ? હું અને મારાં રિડર્સ આતુરતાથી રાહ જોઈએ છીએ."

"જો, આ બાબતે વિચાર કરતાં મને એવું લાગે છે કે બેસ્ટ ઓફર એવી હોઈ શકે કે આ પેઢીના - તમે બધાં, જે જીવનની કલ્પના કરો છો એ કલ્પનાને સાક્ષાત્કાર કરવા માટે દરેક રીતે સક્ષમ છો અને તમે એ ઉત્તરોત્તર સાબિત પણ કર્યું છે. તું જ કહે આ છેલ્લા 2 વર્ષોમાં તે શું ચેન્જીસ જોયાં ?"

"હા વાત તો ખોટી નથી. પહેલાં મીંડા પાડવાની રંગોળીની પળોજણ લાગતી, હવે ચમચીથી ફટાફટ રંગોળી ! ઘર સફાઈમાં અઠવાડિયાઓ નીકળતા અને હવે એપ્પમાં ઓર્ડર કરીને ઘરે બેઠાં 3 કલાકમાં ડીપ ક્લિનીંગ ! ઘરનાં કલરકામને બદલે સ્પેશ્યલ મટીરીઅલ્સથી વોલડેકોર થઇ જાય - એ પણ કલાકોમાં. વેસ્ટમાંથી બેસ્ટ એન્ડ રિસાઇકલિંગની જે કળા મમ્મીઓ શીખવતી હવે એજ ટિપ્સની વિડિઓ બનાવીને લોકો ઈનફ્લુએન્સર બની ગયાં! અને બીજું તો ઘણું બધું…"

"બરાબર... જીવનમાં આવતાં પડકારો જીલીને તેની સાપેક્ષમાં વેસ્ટમાંથી બેસ્ટ અને પોતાનાં બેસ્ટ પ્રયત્નો કરતાં રેહવું એજ તો સાબિત કર્યું છે તમારી આ પેઢીએ. જો ને, મેક ઈન ઇન્ડિયા, ઇકો ફ્રેન્ડલી એલીમેન્ટ્સ, સોશ્યિલ ગવર્નન્સ, આ બધું આજની પેઢી જ તો આગળ વધારે છે. ટેક્નોલોજીનો સુજ્ઞ ઉપયોગ પણ તમે જ લોકો એ વધાર્યો, ખરું ને ? આટલાં ફાસ્ટ મુવિંગ વર્લ્ડમાં જયારે પણ સ્વજનોને મળવાનું મન થાય ત્યારે વિડિઓ કોલ્સ પણ ક્યાં નથી ?"

"હા, એ તો છે પણ જે સદેહે નથી એનું શું ?"

"જો, સદેહે નથી એ સ-સ્નેહે તો છે ને ? અંતરમનથી તમારાં વહાલાંઓને યાદ કરીને એને ગમતી વાતો કરવી, એને ભાવતાં ભોજનનું દાન કરવું, એને યાદ કરીને ઘરની સફાઈ, એનો ફેવરિટ કલર પહેરવો એ બધું જ પણ મળ્યા તુલ્ય સુખ નહીં આપે ? ક્યારેક પોતાની હોબીમાં ઓતપ્રોત થઇને તો ક્યારેક મેડિટેશનમાં કે પછી ક્યારેક ગરીબો ને દાન કે કોઈની સેવા કરીને પણ એનો સાક્ષાત્કાર સ્વપ્નમાં પણ કરી શકીયે? કોઈનું અધૂરું સ્વપ્ન પૂરું કરીને પણ સ્વપ્નમાં શાબાશી મેળવી શકાય ?"

"હા, મનને મનાવવા માટે તો એ રસ્તો છે જ." (હું બોલી)

(હસી ને,) "ચાલ, તો એ રસ્તો વાળી ચોળીને ચોખ્ખો કર! ઠંડીની લહેર શરુ થઇ ગઈ છે, ગરમ ગરમ કોફી થઇ જાય ?"

ચપટી વગાડતાં મેં કહ્યું, "ચાલો ચાલો મસ્ત કોફી તો બનતી હૈ ! રસોડાંમાં જઈ ફ્રિજ ખોલતાં ઠંડા પવનની લહેરખી જાણે ગાત્રો થીજાવી ગઈ અને રાત વરત જાગીને મારી સાથે અલક મલકની વાતો કરતી અડધી રાત્રે ઘરમાં જ મારી સાથે કોફી ડેટ કરતી મમ્મીની યાદ આપવી ગઈ."

અચાનક ડોરબેલનાં અવાજથી આંખો ખુલી ત્યારે ભીની પાંપણો અને મનમાં મમ્મી સાથે કોફી પીધાંના અદભુત સંતોષ અનુભવતી હું જાગી.

બારી પાસે મમ્મીને ગમતીલું એવું મોરપીંછ દેખાયું અને હવાની લહેરથી સાઈડ ટેબલ પરની અડધી લખેલી બુકનું કોરું પાનું ખુલ્યું. “ચાલો, શ્રી કૃષ્ણની ઈચ્છા અને એની લીલા એ જ જાણે, આપણે તો કર્મ કરીયે.” કહી ને દરવાજો ખોલવા જતાં, ટેબલ ઉપર પડેલાં ખાલી ચિપ્સનાં પેકેટ્સ, ચોકલેટ રેપર્સ ફરી પાછી સાક્ષી પુરાવી ગયાં ! અહો ભાગ્યભર્યા સ્મિત સાથે હું બોલી ઉઠી : હવે આવતી દિવાળીએ જલ્દી આવજો, મિસ્ટર સેલ્સમેન !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy