Dr.Sarita Tank

Fantasy

3.9  

Dr.Sarita Tank

Fantasy

જાદૂઈનગરી - જૅમિનાર પૅલેસ

જાદૂઈનગરી - જૅમિનાર પૅલેસ

11 mins
235


  સવારનો સૂર્યોદય સમય. જૅમિનાર પૅલેસના ઝરૂખામાંથી સૂર્યના કિરણો રાજકુમારી સિકાયનાના મુખમંડળ પર આવી તેને ઊંઘમાં ખલેલ પહોંચાડી સુવર્ણ સવારનો સંદેશ આપી રહ્યાં હતા. એક મીઠું મધુર સંગીત એની સવારને શુભ બનાવી રહ્યુ હતું. એ ઊંઘમાંથી જાગીને આળસ મરડી ઊભી થાય છે. તેના ઝાંઝરના મધુર રણકારથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે.

           રાજકુમારી સિકાયનાનો નિત્ય ક્રમ હતો કે તે રોજ પાસેના મિલાન તળાવમાં સ્નાન કરવા માટે જતી. સાથે તેની પ્રિય સખી મરહૂમ હોય. આજે પણ તે આમ જ સ્નાન કરવા માટે નીકળી. રસ્તામાં બંને સખીઓ ઉછળતી કૂદતી વાતો કરતી જતી હતી. એવામાં સિકાયનાનો પગ કોઈ પથ્થર પર પડયાે અને એકાએક એ પથ્થરમાંથી એક તેજનું કિરણ નીકળી એક પરીમા પરિવર્તિત થઈ ગયું. એ પરી સિકાયનાને નમસ્કાર કરી કહે છે.

"શું આજ્ઞા છે મારા માટે ? "

પહેલા તો આ દ્રશ્ય જોઈને શિકાયના અને મરહુમ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. પરંતુ,પછી સ્વસ્થ થતા પૂછે છે.

"હે પરી ! કોણ છો તમે ?"

"હું મિરાલિકા "

"તમે અહીં ક્યાંથી ?"

"હું દેવતાઈ પરી છું, મારા જીન ગુરૂને લાગેલા શાપને લીધે હું આ પથ્થરમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પણ,કોઈ પાક પુણ્યાત્માના પડછાયાથી હું ફરી પરી બની ગઈ છું . "

બંને સખી હજી આશ્ચર્ય ભાવમાં જ વિચારે છે. . આ જોઈને પરી કહે છે.

    "તમારા બંનેમાંથી કોઈક એક પુણ્યાત્મા છે પણ મારી શક્તિઓ ક્ષીણ થવાને કારણે તે કોણ? એવું હું જાણી શકતી નથી.

આથી મારા આ પુનર્જન્મ માટે હું તમારી આભારી છું અને જ્યાં સુધી મારી શક્તિઓ પાછી ન મળે ત્યાં સુધી હું તમારી દાસી છું. "-મિરાલીકા એ કહ્યું.

સિકાયના અને મરહુમને આ મંજૂર ન હતું. કેમકે બંને સ્વભાવે ખૂબ દયાળુ. તે મિરાલિકાને દાસી તરીકે રાખવા મનાઈ કરે છે પણ મિરાલીકા પોતાની વાતને વળગી રહે છે. અંતે બંનેએ પરીને પોતાની સખી તરીકે પોતાના મહેલમાં લઈ જવાનો નિર્ણય કરે છે.

"પણ ,કઈ રીતે લઈ જવી ? કોઈ જાેઈ જશે તો ! તેના પિતા રાજા વિરમપાલને જાણ થઈ જશે તો!એ ફરી ચિંતામાં મૂકાઈ ગઈ. "

        આ જોઈને મિરાલિકા કહે છે "મારી પાસે એક અલૌકિક શક્તિ હજી બચેલી છે. જેના આહવાનથી તે એક નિર્જીવ રમકડું બની જશે અને મહેલના અમૂક વિસ્તારને પણ સંમોહિત કરી દેશે જેથી મહેલમાં બધા લોકો પણ આની અસર હેઠળ જ રહે ". પછી સરળતાથી તે રાજકુમારી સાથે તેના મહેલમાં જઈ રહી શકશે. શિકાયના અને મરહુમ તેની વાત સાથે સહમત થઈ જાય છે. મિરાલીકા રમકડાંના ઘોડાનું સ્વરૂપ ઘારણ કરી લે છે. પછી બંને સખી તેને સાથે લઈ મહેલ કક્ષમાં જાય છે.

         મહેલમાં જઈ શિકાયના પરીમિરાલિકા કે જે નિર્જીવ ઘોડાના સ્વરૂપે છે તેને પોતાના શયનખંડમાં સજાવી દે છે. જાણે કાંઈ બન્યું જ નથી એમ રહે છે અને પછીના નિત્યક્રમ મુજબ તેનો આખો દિવસ પસાર થઈ જાય છે. રાત્રિના સમયે બધા સૂઈ જાય ત્યારે રાજકુમારી શિકાયના મરહુમને બોલાવે છે. બંને સખીઓ શયનખંડમાં આવી દરવાજો બંધ કરી દે છે અને દાસીઓને હુકમ કરે છે કે તેમની સંમતિ વગર કોઈને અંદર આવવા દેવા નહીં.

  પછી બંને સખીઓ પરી મિરાલિકાને પોતાના મૂળ સ્વરૂપમાં આવવા વિનંતી કરે છે. ફરી એ જ પ્રકાશનો રેલો અને સામે તેજમયી પરીનું સ્વરૂપ ખડું થઈ જાય છે.

તે કહે છે- "અત્યારે મને ફરી મારા સ્વરૂપમાં લાવવાનું કોઈ કારણ ?"

બંને સખીઓ કહે છે - "અમે આપના ગુરૂ અને આપના શાપ-નિવારણ અને શક્તિઓને પાછી મેળવવા સહાય કરવા માગીએ છીએ"તો શું આપ અમને રસ્તો બતાવશો ?"

આ વાત સાંભળી મિરાલીકા ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાની જીવન વિતીકા કહે છે-

"એક વખત હું મારા જીન ગુરૂ સાથે લોકો કલ્યાણાર્થે શક્તિઓનું આવાહન કરી રહી હતી. અમે એ શકિત પ્રાપ્તિના અંતિમ તબક્કામાં હતા ત્યારે અમારી શક્તિના ભયથી ભયભીત એક રાક્ષસ ત્યાં આવી ગયો અને અમારા કાર્યમાં વિઘ્નો નાખવા લાગ્યો . એવામાં મારા જીન ગુરૂ તેનો સામનો કરવા વાર કર્યો પણ વાર કરવા જતાં સ્વયં તેના શાપનો ભોગ બની ગયા. અને હું મારા ગુરૂને આધિન હતી એટલ તે કારણે મારી પણ આ દશા થઈ. "

રાજકુમારી અને સખીએ કહ્યું - "તો શું આપના આ શાપનું કંઈ નિવારણ શક્ય નથી ? અમે તમારી કંઈ મદદ કરી શકીએ ?"

ત્યારે પરીએ કહ્યું-" હા નિવારણ તો છે . પરંતુ ,આ ખૂબ જ કઠિન કામ છે. અને પાછું એના અંતિમ પડાવમાં કદાચ તમારું અસ્તિત્વ પણ  ખોઈ બેસવું પડે એટલું જાેખમી છે. એટલે હું નથી ઈચ્છતી કે તમે આ કામ કરો. કેમકે, આખરે તમે મારા શુભચિંતક છો તો મારાથી એવું કેમ કરી શકાય !"

ત્યારે બંને સખીઓ ખૂબ વિનંતી કરે છે. પણ, મિરાલિકા ના કહે છે ત્યારે તેઓ તેને પૂછે છે કે. . . - "એનો કોઈ બીજો ઉપાય તો હશે ને? તે માર્ગે પણ અમે તમને મદદ તો કરીશું જ. અને કદાચ જો કોઈ સારા કામમાં જીવ ત્યાગી દેવો પડે તો એ અમારું સદ્ભાગ્ય કહેવાશે. "

       ઘણી આનાકાની બાદ પરી મિરાલિકા મદદ માટે હા પાડે છે,અને જે રીતે પરિસ્થિતિ હલ કરવાની છે તેનું વર્ણન કરી કરી તેને સમજાવે છે.

"આ શક્તિઓ પાછી મેળવવાના તોડ સ્વરૂપે મારે પાંચ પ્રશ્નો હલ કરવાના છે. જેનું વર્ણન હું તમને સમજાવું છું" એમ કહી તે તેને સમજાવી દે છે. જેમાં ચાર પ્રશ્નો સરળતાથી હલ થઈ શકે એવા છે. પરંતુ, પાંચમા પ્રશ્નનું જોખમ તો કોઈકે જીવનભર ભોગવવું જ પડશે ! એ સમજ સાથે કચવાતા મનથી પરી તેમને માહિતી આપે છે.

           બંને સખીઓ સિકાયના અને મરહુમ મિરાલીકાની શક્તિઓ પાછી મેળવવાના સફરમાં જોડાઈ જાય છે. મિરાલીકા ફરી મહેલમાં સંમોહનની જાળ પાથરી દે છે. પછી પ્રશ્નની સાચી શોધ શરૂ થાય છે.

       જેમાનો પહેલો પ્રશ્ન છે; એક એવા રાજકુમારની શોધ કે જે પાક શક્તિઓમાંથી નિર્મિત થયો હોય. રાજકુમારી સખી સાથે આજુબાજુના રાજ્યમાં તપાસ કરાવે છે. પરંતુ,તેને આવો કોઈ રાજકુમાર મળતો નથી. આમનેઆમ થોડા દિવસો પસાર થઈ જાય છે. રોજના નિત્યક્રમ મુજબ આખો દિવસ પસાર થઈ જાય છે. સાંજે પરી સાથે સિકાયના અને મરહુમનો સંવાદ થાય છે. ચર્ચા પુરી થયે ફરી એ મૂળ સ્વરૂપમાં રમકડું બની જાય છે. પણ હવે તેને સાથે લઈ પ્રશ્નની શોધમાં બધા ફરી નીકળી પડે છે. આવું થોડા દિવસ ચાલે છે.

    એક દિવસની વાત છે એક સવારે શિકાયના તળાવ પર સ્નાન કરવા જતી હોય છે. ત્યાં એક સાત-આઠ વર્ષનો ગોવાળ ગાયો ચરાવતો ત્યાંથી પસાર થાય છે અને કંઈ બોલ્યા વિના તળાવના રસ્તે જ આગળ વધી જાય છે. પણ, તેની એક ગાય ત્યાં જ થંભી જાય છે અને રાજકુમારીનો રસ્તો રોકી દે છે. પહેલા તો રાજકુમારી આ જોઈને ડરી જાય છે. પણ, જુએ છે તો તે ગાય તેનાં શીંગડામાં કંઈક ભરાયું હોવાને કારણે તેને મદદની વિનંતી કરતી હોય તેમ ડોક આમ-તેમ કરે છે. રાજકુમારી ગાયનાં શિંગડાંમાનો દોરો ખેંચી લે છે. જેમાં એક છોડ ભરાયેલ હોય છે. ગાય તે નીકળી જવાથી હળવી થઈ ગોવાળની પાછળ ચાલી નીકળે છે અને રાજકુમારી એ દોરો  ત્યાં જ ફેંકી તળાવમાં નાહવા જાય છે.

     એ જ્યારે પાછી ફરે છે ત્યારે એ દોરો તેને સુવર્ણની જેમ ચમકતો લાગે છે અને તે સજીવની જેમ તેની પાછળ પાછળ ચાલ્યો જાય છે. સિકાયના અને મરહુમને આમાં કંઈક કૌતુક હોય એવું લાગે છે. તે થંભી જઈ ભય પામવા લાગે છે. છતાં, દોરાને હાથમાં લે છે અને તેમને પોતાનું રહસ્ય છતું કરવા વિનંતી કરે છે. રાજકુમારીના હાથના સ્પર્શ માત્રથી એ દોરો એક સ્વરૂપવાન પુરુષમાં પરિવર્તિત થઈ જાય છે અને પરીની જેમ જ વિનંતી કરે છે કે "શું આજ્ઞા છે તેમની?"

ત્યારે મરહુમ પૂછે છે -"કોણ છો તમે ?"

"હું નિપાહ દેશનો રાજકુમાર છું. કોઈ પાકશક્તિના ઉધાર માટે મને આ દોરાના સ્વરૂપે મોકલવામાં આવ્યો હતો. આજે આપના સ્પર્શમાત્રથી હું મારા મૂળ સ્વરૂપમાં પાછો ફરી શક્યો છું અને આપનો ખુબ આભારી છું . "

"એ પાકશક્તિ કોણ છે,તમે જાણો છો ?"- સિકાયના પૂછે છે.

રાજકુમાર કહે છે-"કોણ છે એતો ખબર નથી પણ જે હશે તે ઈશ્વરનાં સાચા ભક્તથી ઓછા નહિ હોય. "

          ત્યાં પરીએ પ્રગટ થઈ ખુશ થતાં કહ્યું કે "શ્રાપનો પહેલો પડાવતો આપણે પાર કરી લીધો. "

   આ સાંભળી ખુશ થઈ રાજકુમાર જવા માટેની આજ્ઞા માંગે છે. પરંતુ,રાજકુમારી અને તેની સખી બંને તેમને મદદ માટે ત્યાં જ રોકી લે છે અને પરીની સઘળી હકીકત જણાવી દે છે. રાજકુમાર મદદ માટે તૈયાર થઈ જાય છે. ફરી દિવસ પસાર થઈ જાય છે સાંજના સમયે પરીને મૂળ સ્વરૂપમાં લાવી બીજો પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે કે "પહેલો પ્રશ્ન હલ થતાં મને બીજા પ્રશ્નનું નિવારણ તો ખબર છે પણ એની શોધ હું નહીં કહી શકું એટલે એ તો તમારે જ કરવી પડશે;હું શાપના લીધે બંધાયેલ છું. મારાથી એ નહિ થઈ શકે.

સિકાયના એ પૂછ્યું-"શું છે શોધ ?"

પરી મિરાલીકા કહે છે-"એક 300 વર્ષ જૂની આભૂષણની પેટી કે જેમાં એક સાચા હીરાની વીંટી છે, જેને મારા હાથમાં ધારણ કરવાથી મને ત્રીજો પ્રશ્ન મળી જશે અને બીજા પ્રશ્નનું આપોઆપ નિવારણ થઈ જશે. "

રાજકુમારી-"બસ આટલું જ ? આ તો ઘણું સરળ છે. "

  મિરાલિકા ફરી શોધમાં લાગી જાય છે. થોડા દિવસના પ્રયાસ છતાં નિષ્ફળ જવાથી બધા દુઃખી થઈ જાય છે. એવામાં એક ગુપ્તચર મારફતે જાણવા મળે છે કે જૅમિનાર પૅલેસની રાજસી ગુપ્તતિજોરીમાં એક આભૂષણની પેટી છે જે પણ 300 વર્ષ જૂની છે અને તેમાં સાચા હીરાની ત્રણ વીંટીઓ છે બની શકે કે તેમાની એક આ હોય ?.

          રાજકુમારી તરત મિરાલિકા સાથે જાતે જઈ તપાસી જૂએ છે. ખરેખર, તેવું જ બને છે મિરાલિકાના બીજી વીંટી ધારણ કરતા જ બીજો પ્રશ્ન હલ થઈ જાય છે. અનેએ સાથે જ તેને ત્રીજા પ્રશ્નની જાણ થઈ જાય છે.

પરી-"ત્રીજો પ્રશ્ન છે કોઈ પક્ષીનું પીછું ; જેમાં ત્રીજા પ્રશ્નનો ઉત્તર છૂપાયેલો છે."

ફરી બીજા દિવસે રાજકુમારી સખી અને રાજકુમાર પરી સાથે મહેલના બગીચાને ફરી વળે છે. પણ, તેને ક્યાંય આવું પીછું મળતું નથી. તે મહેલની બહાર પણ તેની શોધ કરે છે અને ચાલતા ચાલતા જંગલના રસ્તે આગળ વધી જાય છે ત્યાં જ એક એકાએક આકાશમાં વાદળો છવાઈ જાય છે અને એક કળા કરતો મોર નાચતો-નાચતો તેમની પાસે આવી પોતાના પીંછાનું એક પીછું ખેરી જાય છે. રાજકુમાર દોડીને પીછું લઈ લે છે ત્યાં તો અચાનક ચમત્કાર થાય છે. પીંછુ એક બાળક બની જાય છે અને એ તાજા જન્મેલા બાળકને વાણી ફૂટે છે "હું તમારી મદદ આવ્યો છું ;મારા પગમાં કોઈ પાક સ્ત્રીના વાળની લટ બાંધવાથી હું મારા મૂળ સ્વરૂપમાં આવી જઈશ અને મારા સઘળા સખી શિષ્યને મદદરૂપ પણ થઈ શકીશ. "

     ત્રીજો ઉત્તર મળવાની ખુશીમાં બંને સખીઓ અને પરી હરખાય છે. પણ , બીજી તરફ એ બાળકને મુક્ત કેમ કરવું તેની મૂંઝવણમાં પણ મુકાઈ જાય છે. આવી સ્ત્રી શોધવી ક્યાં ? ઘણા વિચાર બાદ તે બાળકને તેડી ચાલી નીકળે છે સિકાયના પાસે રહેલું બાળક સિકાયનાને ઠોકર લાગતા મરહુમના વાળના ચોટલા સાથે અથડાઈ છે અને તરત જ એક પુરુષમાં પરિવર્તિત થઈ જાય છે. આશ્ચર્યની સાથે હરખાતી બંને સખીઓ , પરી અને રાજકુમાર પેલા પુરુષ સાથે ફરી રોજની જેમ જ રાજકુમારીના શયનખંડમાં પ્રવેશે છે અને પછી પૅલેસને રોજની જેમ સંમોહનથી મુક્ત કરે છે.  

       ચોથા પ્રશ્નના હલ થતાં જ હકીકતથી અજાણ રાજકુમારી જ્યારે પ્રવેશ કરે છે ત્યારે,જૂએ છે કે પરી તેના મૂળ સ્વરૂપમાં એક અલૌકિક પ્રકાશ સાથે તેના શયનખંડમાં અગાઉથી જ હોય છે. રાજકુમારી અને સખી તેમજ રાજકુમારને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે બની શકે !

ત્યારે પરી કહે છે કે "ચોથો પ્રશ્ન હલ થતાની સાથે જ મને મારી બધી શક્તિઓ પાછી મળી ગઈ. "

બધા વિચારમાં પડી જાય છે કે તેમણે તો પાંચમો પ્રશ્ન શું છે? તે જાણ્યું જ નથી તો હલ કેવી રીતે થઈ શકે અને શક્તિ પાછી મળવાનો ચમત્કાર અવિશ્વસનીય છે.

 ત્યારે પરી કહે છે કે "કોઈપણ પાક સ્ત્રીના વાળની લટથી કોઈ પુરુષ ઉત્પન્ન થાય તો મને મારો ગુરૂ ભાઈ મળી જાય. "જે તો થયું. બધાને આ વાત સમજાઈ ગઈ. પણ એકાએક પરીના ચહેરાપરથી એ નૂર ઓછું થતું ગયું અને ચિંતાના વાદળો એના ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યા.

     આ જોઈ રાજકુમારીએ પૂછ્યું "આપની ચિંતાનું કારણ શું છે ? હવે તો આપને આપની બધી જ શક્તિઓ પાછી મળી ગઈ છે. હવે તમે તમારા ગુરૂ પાસે ગુરૂભાઈની સાથે નિશ્ચિત પણે જઈ શકો તેમ છો. "

ત્યારે પરી કહે છે કે-" પાંચમો પ્રશ્ન હજી બાકી છે જેના લીધે અમારા જીનગુરૂ હજી પણ એ દુષ્ટ શક્તિઓના બંધનમાં છે. અને એને મુક્ત કરાવવા એ હજી પણ અમારા વશમાં નથી . "

બધા જ પરીમિરાલિકા સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિથી જુએ છે. પણ મિરાલિકા મરહુમ તરફ જોઈ વિચલિત થઈ જાય છે. તે કાંઈજ બોલતી નથી.

 રાજકુમાર અને ગુરૂભાઈ મિરાલીકાની વિચલિતતાનું કારણ જાણે છે. પણ, કોઈનામાં સત્ય કહેવાની હિમ્મત નથી. આ વાતથી અજાણ સિકાયના અને મરહુમ ગુરૂની મુક્તિનો માર્ગ પૂછે છે . પહેલા તો પરી મિરાલીકા માર્ગ બતાવવા આનાકાની કરે છે પણ ખૂબ વિનંતીના અંતે માની જાય છે.

      એ કહે છે "મારા ગુરૂની મુક્તિનો એક જ માર્ગ છે કોઈ પાકશક્તિ એ દુષ્ટશક્તિને વશમાં કરી એની સાથે જોડાઈ જાય તો એ શક્ય છે. પણ એનું પરિણામ એ પાકશક્તિએ આખી જિંદગી ભોગવવુ પડશે. રાજકુમારી અને મરહુમ બંને વિચારમાં પડી જાય છે કે આવું પાત્ર શોધવું કઈ રીતે ?

મિરાલીકાને ખબર છે. પરંતુ, કઈ રીતે કહેવું એ વિચારમાં ખોવાયેલ છે. ત્યાં જ બંને સખીઓને એક સાથે વિચાર આવે છે કે પરીને તો ખબર જ હશે કે તેવું પાત્ર કોણ છે ?

   પરી તેનો જવાબ નથી આપી શક્તી તેથી રાજકુમાર મરહુમ તરફ આંગળી ચીંધી ઉત્તર આપે છે કે તે છે. . .

     સિકાયનાના પગતળેથી જમીન સરકી જાય છે. તે મરહુમને ગળે વળગી પડે છે. પાગલ જેવું વર્તન કરવા લાગે છે અને આવું કરવાની ના પાડે છે. સિકાયનાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પરીની આંખોમાં પણ આંસુ આવી જાય છે.

મરહુમ હજી સ્વસ્થ ઊભી છે. . . તે કહે છે "હું એક સામાન્ય માણસ, મારી પોતાની જાત જો બીજાને કામ લાગતી હોય તો શા માટેના ના આપવી !"

તે બલિદાન માટે તૈયાર થઈ જાય છે. રાજકુમાર અને પરીના ગુરૂભાઈ પણ તેને સમર્થન આપે છે.  મરહુમ જેવી પોતાની જાતને આહુત કરવા જાય છે ત્યાં જ, જીન ગુરૂ પ્રગટ થાય છે. તે અટકાવી દે છે. બધા ગુરૂની ચરણવંદના કરે છે.

     ગુરૂ મિરાલીકાને કહે છે " આજે આપણું સાચું ધ્યેય સફળ થયું. હવે આપણે આપણી માયા સંકેલવી પડશે. આપણું ધ્યેય પૂર્ણ થયું. હવે તમે રાજકુમારના રાજકુમારી સિકાયના સાથે લગ્ન કરાવજો. " જેનું સંતાન આપણા લોકનું નવું વારસદાર બનશે.

     બીજી બાજુ એ વાતને પણ જાહેર કરી કે મરહુમ અને ગુરૂભાઈ મિરાલીકાના જ પુત્ર અને પુત્રવધુ હતા. એ પણ આવા કલ્યાણના કામમાં તેના સાથી હતા એટલે એમાં કોઈ કપટને સ્થાન નહોતું. પણ સિકાયના એ વાત સ્વીકારવા તૈયાર નથી થઈ શકતી કે તેની પ્રિય સખી દેવતાઈ છે. તે મરહુમને પરીલોક જતી અટકાવે છે. ખૂબ વિનંતી કરવાને લીધે જીન ગુરૂ અને મિરાલીકા મરહુમ અને તેના પતિને જૅમિનાર પેલેસમાં રહેવા સંમતિ આપી દે છે. આ બધી ઘટના ઘટિત થાય છે ત્યારે બને છે એવું કે આજે તેઓ સંમોહન કરવાનું ભૂલી જાય છે. એટલે આ બધી વાતની સિકાયનાના પિતાને જાણ થઈ જાય છે. પણ તે ખૂબ ઉદાર ભાવથી બધાને માફી આપી સાથે રહેવાની સંમતિ આપી દે છે. પછી મિરાલીકા અને જીનગુરૂ બંને તેઓની શકિતનાબળથી જાદૂઈ વૃક્ષ બની જાય છે અને સમાધિ અવસ્થામાં પેલેસના દરવાજામાં સ્થપાઈ જાય છે,જેથી બધાની રક્ષા થઈ શકે. સમય જતા મરહુમ અને મિરાલીકાના સંતાનાે જન્મ લઈ તેમની પરંપરાને આગળ વધારે છે. નૂતન પરિલોકનું નિર્માણ કરે છે. આમ,એક સ્વતંત્ર કુદરતી શક્તિ આપબળે પોતાનું અસ્તિત્વ ટકાવતી રહે છે. અને જૅમિનાર પેલૅસ ધરતી પર એક જાદૂઈનગરીનું સ્થાન પામે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy