Pramod Mevada

Horror Others

4  

Pramod Mevada

Horror Others

જીવતું સ્વપ્ન-૫

જીવતું સ્વપ્ન-૫

4 mins
13.8K


અસિત જેવો રીટા પાસે ગયો ત્યાં રિટાએ ફરી ચીસ પાડી અને સામે ખૂણા તરફ આંગળી ચીંધી. અસિતે જોયું તો ત્યાં એક ગરોળી હતી. એણે ગરોળીને ભગાડી અને રીટા તરફ જોઈ હસવા લાગ્યો. "શું ડિયર તું આમ આટલી નાનકડી ગરોળીથી ડરે છે. આમ તો મને ડરાવતી હોય છે." રીટા પણ સ્વસ્થ થઈ તેને હળવો છણકો કરતી રસોડામાં ગઈ. અસિત બાથરૂમમાં ફ્રેશ થવા ગયો. આજે તેને ફરી મહારાજને મળવા જવાનું હતું. ચા નાસ્તો પતાવી અસિત રીટાને કહી મહારાજને મળવા નીકળ્યો.  

લગભગ કલાક પછી તે મહારાજ સામે બેઠો હતો. આજે પણ અસિત જોઈ રહ્યો કે મહારાજના ચહેરા પર એજ હળવું પણ રહસ્યમય સ્મિત ફરકી રહ્યું હતું. અસિત ગઈકાલ કરતા આજે વધુ સ્વસ્થતાને હળવાશ અનુભવી રહ્યો હતો. એણે મહારાજ સામે જોઈ વાત શરૂ કરી. "મહારાજ આપે ગઈકાલે જે વાર્તા કહી એનો સાર મેં મારી રીતે નિકાળ્યો છે." પછી એણે ટૂંકમાં સાર કહ્યો. સાંભળી ને ફરી એક વખત માર્મિક સ્મિત આપતા મહારાજ બોલ્યા. 'સાર તો સરસ રીતે પામી ગયા તમે પણ હજુ અધૂરું છે. જેમ જેમ વિચારશો તેમ તેમ નવો જ સાર નીકળશે.' અસિત માત્ર હકારમાં માથું હલાવી શક્યો.

મહારાજે આગળ વાત ચલાવી. 'તમે લેખક છો એટલે શબ્દો સાથે તમને વધારે ફાવે પણ અહીં વાત ફક્ત શબ્દોની નથી. એમાં ગુંથેલી લાગણીઓની પણ છે. એક સાર એવો પણ નીકળી શકે ને કે તમે કૈક નક્કી કરો પણ નિયતી એનું જ ધાર્યું કરતી હોય છે.' એટલામાં એમના મદદનીશ પેલા ભાઈ બન્ને માટે પાણી અને ચા લઈ પ્રવેશ્યા એટલે એકાદ પળ પૂરતો એમની ચર્ચામાં ભંગ થયો. ફરી અફળ વાત ધપાવતા મહારાજ બોલ્યા. 'ભાઈ તમારી સમસ્યા કરતા એનું અવલોકન મહત્વનું છે તમારા માટે. એક કામ બતાવું કરી શકશો ?' કહી એક પળ માટે મહારાજે અસિતની આંખમાં આંખ મિલાવી. અસિત પળભરમાં શું નિર્ણય લેવો એની અસમંજસમાં હતો. આખરે એ બોલ્યો "હા જો શક્ય હશે તો ચોક્કસ કરીશ " થોડીક વાર રહી મહારાજ બોલ્યા. "આવતા શનિવારે શિવરાત્રી છે. તમારે શિવરાત્રીના બે દિવસ પહેલા અને બે દિવસ પછી એટલે કે પાંચ દિવસ ગિરનાર રોકાવાનું છે. ત્યાં જઈ શું કરશો એ ન પૂછતાં ત્યાં તમને તમારા સવાલોના જવાબ મળી જશે એ આસ્થા રાખી જાઓ." અસિતે શંકા વ્યક્ત કરતા પૂછ્યું "અને જો મારા સવાલોના જવાબ ન મળે તો ?" મહારાજે કહ્યું 'તો અહીં હું મળીશ જ તમારા સવાલના જવાબ માટે. ઈચ્છું છું જે તમે મારી પાસેથી જવાબ સાંભળો એ કરતા ત્યાં જઈ જાતે જ અનુભવો.' આટલું કહી એ આંખ મીંચી શાંત ચિત્તે બેઠા રહ્યા. અસિત એમને પ્રણામ કરી ઘરે જવા નીકળ્યો. 

ઘરે પહોંચી અસિતે રીટાને સઘળી વાત કરી અને તે ગિરનાર જશે એમ કહી તેને કામ લાગે એવો જરૂરી સામાન યાદ કરી અલગ મુકવો શરૂ કર્યો. રીટાને પણ એટલા દિવસ અહીં એકલા રહેવા કરતા એના પિયર જઈ આવે એવું પ્લાનિંગ કરી ગોઠવણ કરી દીધી. અસિતે પણ એની ગિરનાર જવાની વ્યવસ્થા કરી દીધી અને એ શિવરાત્રીના બે દિવસ અગાઉ ત્યાં જવા નીકળી પડ્યો. નિયતી આખરે એને કૈક સમજાવવા માંગતી હતી પણ માનવ મનની પેલે પાર જે અગોચર વિશ્વ છે એ એમ સહજ સ્વરૂપે સમજાય તો માનવ માનવ ન રહેતા વિશ્વનો જ એક ભાગ બની જાય. અસિતને ખ્યાલ પણ ન હતી કે આવનારા આ પાંચ દિવસ એના જીવનમાં કેવો ઝંઝાવાત સર્જી જશે અને એણે એના જીવનમાં જે જોયું અનુભવ્યું નથી તે સઘળું ફક્ત પાંચ જ દિવસમાં સમજાઈ જશે ! જૂનાગઢ આવતા જ તે બસમાંથી નીચે ઉતર્યો અને આસપાસનું વાતાવરણ જોવા સમજવાની કોશિશ કરવા લાગ્યો. 

રીક્ષા વાળાઓના ગામઠી લહેકા... કીડીયારાની જેમ ઉભરાતું માનવમહેરામણ... એક અદભુત અને અલોકીક દ્રશ્ય રચાઈ રહ્યું હતું. ત્યાં જ એક યુવક આવી અસિતની સામે ઉભી રહ્યો અને અસિતને પૂછ્યું. 'અસિત ભાઈને તમે ?' અસિત પળવાર દિગ્મૂઢ થઈ એને જોતો રહ્યો. "હા પણ તમે મને કેવી રીતે ઓળખો ?" એ યુવકે એનો પરિચય આપ્યો. 'મારુ નામ વિક્રમ આહીર. અહીં જૂનાગઢ જ રહું છું.' અસિત "આપણે અગાઉ ક્યાંય મળ્યા હોય એવું મને યાદ નથી તો તમે મને કઈ રીતે ઓળખો ?" વિક્રમ 'આપના બ્લોગનો હું નિયમિત વાચક છું. આપની લખેલ બંને નોવેલ એક સ્વાશે વાંચી છે.' અસિત જવાબમાં ફક્ત હળવું સ્મિત આપી જોઈ રહ્યો. વિક્રમ ફરી બોલ્યો 'સર તમે અહીં ક્યાંથી ? કોઈ ખાસ કામે ?' અસિત બોલ્યો "ના ભાઈ હું શિવરાત્રીના મેળામાં આવ્યો છું. ઘણા સમયથી ઈચ્છા હતી પણ સમય અને સંજોગ નતા. હમણાં હુકમ થયો એટલે અવાયું." 

વિક્રમ અસિતને એની હોટલ પર લઈ ગયો. અસિતને સરસ મજાની ચા પીવડાવી. અસીતે વિક્રમને અહીં કઈ હોટલ સારી છે એ બાબતે પુછતાં એણે જવાબમાં એના ઘરે જ રોકાવા આગ્રહ કર્યો. અસિત પણ એનો આગ્રહ જોતા ના ન કહી શક્યો. એને પેલા મહારાજનું વાક્ય યાદ આવી ગયું. 'આપોઆપ જવાબો મળતા જશે.' અસિતે રીટાને મેસેજ કરી દીધો કે પહોંચી ગયો છે. સાંજે વિક્રમ નવરો પડતા જ અસિત એને લઈ તળેટીમાં ફરવા નીકળ્યો. ફરતા ફરતા મૃગી કુંડ આવી અટક્યા. વિક્રમ અસિતને મૃગીકુંડની ખાસિયત અને એની કથા કહી રહ્યો હતો ત્યાં જ એક સાધુ અસિતની પાસે આવી ઉભો રહ્યો. દેખાવે નાગાબાવા કરતા કૈક અલગ... માથા પર જટાઓ... કપાળે ત્રિપુંડ પણ રાખથી બનાવેલું... આંખો રાતીચોળ... પહેરવામાં ફક્ત કમરે વિટાળેલું મૃગચર્મ. એક હાથમાં ચિપીયો... બીજા હાથમાં ખપ્પર. અસિત હજુતો પૂરું અવલોકન કરે એ પહેલાં જ એ સાધુએ.... (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Horror