Jyotindra Mehta

Comedy

3  

Jyotindra Mehta

Comedy

જય‌ વાહિષ્મતિ

જય‌ વાહિષ્મતિ

8 mins
206


ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામ, તેમાં એક ઘર મનુભાનું આમ મૂળ નામ તો મનુશંકર પટેલ પણ આખું ગામ મનુભાના નામે ઓળખે. આજ તેમના ઘરમાં ધમાધમ હતી. ઉનાળુ વેકેશન શરુ થઇ ગયું હતું. તેમનો ભત્રીજો રમેશ તેના પરિવાર સાથે ગામડે આવવાનો હતો. જો કે ઉપરથી ખુશ મનુભાના મનમાં ફડકો પણ હતો, તેનું કારણ હતું પોતાની પત્ની મણિ અને રમેશની પત્ની ઉર્મિલા. તે બંને વચ્ચે હંમેશ ખટરાગ રહેતો હતો. દરેક ઉનાળામાં તે બંને વચ્ચે એક તો મોટો ઝગડો થતો રહેતો પણ રમેશ બહુજ સમજદાર હતો તેથી તે બંનેને ટાઢા પાડતો. મનુભાનો દીકરો પરિયો એટલેકે પરેશ અને રમેશ વચ્ચે પણ સારો મનમેળ હતો.

મનુભાનો મનમાં રહેલ ફડકો બીજે દિવસે જ સાચો પડ્યો. બીજે જ દિવસે મણિ ડોશી અને ઉર્મિલા વચ્ચે તણખા ઝર્યા, જો કે થયેલ ઝગડામાં પરિયાની નવી પરણેતર રીટાનો પણ મોટો ભાગ હતો, પણ રમેશ અને મનુભા ટેવાઈ ગયા હોવાથી તેમણે તે બધું બહુ મન પર ન લીધું.તે દિવસે રાત્રે મનુભા ખડકીમાં પોતાના ખાટલા પર બેઠા બેઠા બીડી પી રહ્યા હતા, ત્યારે રમેશની નાની દીકરી પિંકીએ આવીને કહ્યું,”દાદા મને વાર્તા કહોને, મારા પપ્પા કહેતા હતા કે તમને બહુ બધી વાર્તાઓ આવડે છે.” 

પિન્ટુએ પણ પિંકીના સૂરમાં સૂર પુરાવ્યો,”હા! હા! દાદા અમને વાર્તા કહોને.”મનુભા થોડીવાર શૂન્યમાં તાકી રહ્યા અને કહ્યું,”હારું હારું કરું સુ વાર્તા પે’લા પેલી ઢોલડી ઓય લેતા આવો અને ઇના પર બેહી જો.”પાસેથી ગલ્લે જઈ રહેલા રમેશને ઉભો રાખ્યો અને કહ્યું,”અલ્યા રમલા, તમારી ટેણકી તો બઉ ચીપી ચીપીન બોલ સ, બેશ ઓય હું વાર્તા મોડું સુ.”

 રમેશ હસીને બોલ્યો,”તમે શરુ કરો હું થોડીવારમોં આવુ સુ.”

 અંદર ઉર્મિલા બબડાટ કરી રહી,”અમારા એ કંપનીના ડાયરેક્ટર અને અહીં બધા રમલો રમલો કહીને બોલાવે છે.” મનુભાઈ સાંભળ્યું પણ તેમનું મન વાર્તા રચવામાં પરોવાયેલું હતું.

તેમણે શરુ કર્યું.

“જુના સમયમાં એક રાજ હતું, વાહિષ્મતિ.” 

પિંકીએ તરત કહ્યું,”શું કહ્યું દાદા? માહિષ્મતી.”

મનુભાએ કહ્યું,”ના બકુડી, તે રાજનું નોમ વાહિષ્મતિ હતું. ત્યોં એક રાજા રાજ કરતો હતો રાજેન્દ્ર પગબલી.” પિંકી વાર્તા ધ્યાનથી સાંભળી રહી હતી.

 એણે કહ્યું,”ત્યાં તો મહેન્દ્ર બાહુબલીનું રાજ હતું ને?”

 મનુભાએ ટપલી મારીને કહ્યું,”એ તો માહિષ્મતિનો રાજા હતો, આ વહિષ્મતિનો રાજા હતો.” પિંકી સમજી ગઈ હોય તેમ માથું હલાવ્યું અને કહ્યું,”આગળ શું થયું દાદા?”

“એક યુદ્ધમોં રાજેન્દ્ર પગબલી રાજા મરી જ્યો. ઇનો મોટોભઈ તો પગે લંગડો હતો અન સ્વભાવે ન’તો હારો પણ ઈની બાયડી કૃષ્ણાદેવી ડાઇ હતી, તે ઈણે રાજકાજનું કોમ હંભાળી લીધું. અન હંગાથે ઇનો સોકરો અને ઈની દેરાણીનો સોકરો બેયની જવાબદારી હંભાળી લીધી. બેયન એવા તે શૂરવીર બનાયા ક ન પુસો વાત. બેય હુશિયાર અન તાકાતવાળા. એકનું નોમ વલ્લભદેવ અન બીજાનું નોમ હતું અમર પગબલી પણ બધા ઈન પગબલીના નોમથી જ ઓળખતા. ઈન પગ એવા મજબૂત ક કોઈન એકાદ પાટુ માર્યું હોય તો હોમેવાળો ઊભો ના થાય.”

 પિન્ટુ જોરજોરથી હસવા લાગ્યો અને પિન્કીને કહ્યું,”દાદા તો બાહુબલીનું દેશી વર્જન સંભળાવી રહ્યા છે.” 

દાદાએ કહ્યું,”અલ્યા એ દોઢ ડાઇના તાર વાર્તા ઓભાળવી સ કે નઈ.” પિન્ટુએ પોતાનું હસવું બંધ કર્યું અને ચુપચાપ ઢોલડી પર બેસી ગયો અને કહ્યું,”હમમમ દાદા, આગળ શું થયું?”

“અવ રાજમાતા કૃષ્ણાદેવી હોમે મોટો સવાલ હતો કે રાજા કુણ બનશે, બંને હરખા બહાદુર અન બંને હરખા વિદ્વોન. એવોમોં શું થયું ક એક વિદેશી રાજાએ ઈમના રાજ પર હુમલો કર્યો. એટલ રાજમાતાએ નક્કી કર્યું કે જે હોમેવાળા રાજાન હરાવ એ રાજા! પશી તો કોય યુદ્ધ થ્યું સ ભલભલા ચમરબંધી થથરી જ્યાં. પશી પગબલીએ પેલા રાજાન હરાયો પણ માર્યો વલ્લભદેવે. અવ કૃષ્ણદેવીન ટેંશન થઇ જ્યો મારુ હાળું કરવું શું?”

 મનુભાએ પિંકી તરફ જોઈને પૂછ્યું,”શું થઇ જ્યું ?”

 પિંકીએ કહ્યું,”ટેંશન?”

 મનુભાએ કહ્યું,”હા એટલ તારું વર્તાણો દ્યોન સ.” પિન્ટુએ ધ્યાનસૂચક નેત્રે પિંકી તરફ જોયું પણ પિંકીનું પૂર્ણ ધ્યાન વાર્તામાં હતું.

 મનુભાએ આગળ કહ્યું,”પણ રાજમાતા મારી બેટી હુંશિયાર ઈણે પગબલીન રાજા બનાયો અન વલ્લભદેવન મુખ્ય સેનાપતિ. પગબલીએ રાજા બનતા પેલા શરત મૂકી કે પેલા હું આખા રાજમોં ફરીશ અન પશી જ રાજા બનીશ. એટલ પગબલી અને ઇમનો એક સેનાપતિ હતો વટપ્પા. વટપ્પા ડોહો હતો પણ ભારે રંગીન જીવડો. ઈણે કીધું આપડે વેશ બદલીન જઇયે. પગબલીએ કીધું એ હારું! કીધું મોમા કોઈ આપડન ઓળખ નઈ એટલ આપડા રાજની હાચી સ્થિતિ ખબર પડ. બેય હાદા કપડોમો નેહરયા. 

“પગબલીન ફરવામોં મજા આઈ તે ઈણે વટપ્પા ન કીધું અલ્યા મોમા, હાચી મજા તો આવુ જીવન જીવવામોં સ કોય ચિન્તયા નઈ કોય જવાબદારી નઈ. વટપ્પાએ ડાયો એટલ તરત કીધું રાજા બનીન તાર એ જ કરવાનું સ ક આપડે ફરીયે શીયે ઇમ બધા શોન્તીથી ફરી હક નઈ તો તમન ખબર સ બાકી રાજયોમોં ચેવી પરિસ્થિતિ સ.”

 “પગબલીએ તરત કીધું તે મોમા, હેંડો બીજા રાજ્યમો ફરી આઇયે એટલ મન ખબર પડ બીજા રાજયોમો ચેવું સ? એટલ બંને ઉપડ્યા બાજુના રાજમો. ઇકણ પગબલીન એક કન્યા ગમી જઈ પશી ખબર પડી કે એ તો રાજકુમારી સ. પગબલી ખુશ થઈ કેવા જતોતો ક હું ય રાજા સુ પણ વટપ્પાએ કૂણી મારી અન કીધું શોન્તી રાખ પશી કઈશું . પેલી આઘી ગઈ એટલ પુશ્યું તન ગમી સ. પગબલીએ કીધું હા મોમા, મન ગમી ગઈ સ. વટપ્પાએ કીધું પેલા ઇનો સ્વભાવ જો, પશી જોઈશું. એ રાજુકુમારીનું નોમ વેદસેના હતું. બંને જણા મુસાફર બનીન રાજધાનીમો પોચી જ્યા. એવોમો શું થયું કે એક બીજા રાજાએ ઈમના રાજ પર હુમલો કર્યો એટલ પગબલીએ બહાદુરી બતાઈ અન બધોનાં જીવ બચાયા.” 

“વેદસેના તો ઇના પ્રેમમો પડી જઈ. ઈણે કીધું તું મારા હંગાથ લગન કર અન તું જ્યો રે’તો હોય ત્યો લઇ જા. મનુભાએ પૂછ્યું,”શું કીધું વેદસેનાએ?”

 પિંકીએ જવાબ આપ્યો,”મને તમારી સાથે લઇ જાઓ.” મનુભાનો બુલંદ અવાજ આખી ખડકીમાં ગાજી રહ્યો હતો. ઉર્મિલાને પણ બાહુબલીના દેશી વર્જન માં રસ પડ્યો હતો તે પણ દૂર બેસીને વાર્તા સાંભળી રહી હતી.

મનુભાએ આગળ કહ્યું,”અવ એ વખતે શું થ્યું ક વાહિષ્મતિનો એક દૂત વેદસેનાનો હાથ માગવા આયો તો. વેદસેના તો પગબલીના પ્રેમમો પડી ગઈ હતી અન ઈન ખબર નતી ક પગબલીજ વાહિષ્મતિનો રાજા સ. ઈણે પેલા દૂત ન એવી ખરીખોટી હંભળાઈ કે પેલો માથે પગ મૂકીન નાઠો. આ વાતની રાજમાતા કૃષ્ણાદેવીન ખબર પડી ઈન તો ઝાળ લાગી જઈ. મારી હાળી! ખોબા જેવડા રાજની રાજકુમારી અન તૂરો ચેવડો મોટો. ઈન હમી કરવી પડશે . ઈણે પગબલીન હમાચાર મોકલ્યા કે વેદસેનાન મારી હોમે હાજર કર. પગબલીન તો ભાવતું તું ન વૈદે કીધું. એ તો પેલીન હંગાથ લઇન આઈ જ્યો વાહિષ્મતિ.”

“વેદસેના ન દરબારમો હાજર કરી. રાજમાતાએ કીધું તેં મારુ અપમોન કર્યું સ, અવ તું મારી માફી માગ અન મારા સોકરા વલ્લભદેવ હંગાથ લગન કર, એ તો તારું ચિત્ર જોઈન તારા પ્રેમમોં પડી જ્યો સ. પગબલીના તો હાથ પગ ઢીલા પડી જ્યા, માર્યા ઠાર આ તો મારા હાથથી જઈ મેં તો કોઈ દા’ડો બા હંગાથ જીભાજોડી નહિ કરી. આ તો હાહરું જબરું થ્યું.”

“પણ એ વખતે દેવસેના એ કીધું મન વલ્લભદેવમો કોય રસ નહિ, માર તો પગબલી હંગાથ પૈણવું સ અન જો ઇના હંગાથ લગન ના થાય તો મરી જવું સ. પગબલી ઠંડો પડી જ્યો. રાજમાતાએ પગબલી હોમે જોઈન કીધું પગબલી ચ્યમ બોલતો નહિ તન આ વેદસેના ગમ સ. પગબલી માથું નીચે ઘાલીન બોલ્યો હા, મન આ ગમ સ. રાજમાતાએ કીધું તું નક્કી કરી લે ઓન પૈણીશ ક રાજા બનીશ. પેલાએ કીધું માર ઓના હંગાથ લગન કરવો સ. રાજમાતાએ દરબારમોં જાહેરાત કરી અવ રાજા વલ્લભદેવ બનશે અન પગબલી મુખ્ય સેનાપતિ. બોલ પગબલી તન મંજુર સ ? પગબલી કોય બોલ્યો નઈ ખાલી માથું હલાયુ. બેયનો લગન લેવડાયોં. પગબલીન ઇમ ક ઝગડો પૂરો થઇ જ્યો પણ ઈન નતી ખબર ક આ તો શરૂઆત હતી.”

“પશી તો આ બધું રોજ નું થઇ જ્યું. લગનના થોડા દા’ડા પશી તો રાજમેલમો એવા ઝગડા શરુ થ્યા ક પગબલી, વલ્લભદેવ, વિજલદેવ બધા હેરોન હેરોન થઇ જ્યા. એક દા’ડ પગબલી મહેલમો પેહતો હતો એ વખતે ઈણે બંનેના ઝગડાનો અવાજ ઓભળ્યો એટલા ઉભો રઇ જ્યો. વેદસેના બોલી આ તમે વારેઘડીયે મન મેં’ણો માર માર કરો સો એ તમન નહિ શોભતું. હું કોય પ્રધોનની સોડી નહિ, રાજકુમારી સુ અન શક્તિશાળી યોદ્ધા પગબલીની પત્ની અન આ રાજવંશની વહુ સુ. રાજમાતા બોલી મન મારા પિતા અન પતિ પરથી મે’ણું મારીશ એ નઈ ચલાઈ લઉં. તે કીધું ન કે હું પ્રધોનની સોડી સુ પણ ભલભલા રાજાઓન ભારે પડી સુ. તારા બાપાય અહીંનો કર ભર સ. વેદસેના પગ પસાડતી ત્યોથી નીકળી ગઈ.”

“પગબલી પગથિયાં ઉતરીન નદીકિનારે પોંચ્યો હંગાથ વટપ્પાય હતો. પગબલીએ કીધું મોમા હું તો કંટાળ્યો આ બેયથી તમે કોક કરો. વટપ્પાએ કીધું મેં તો તન કીધું તો લગન કરતા પેલા સ્વભાવ જોઇ લે જે, તન નતી ખબર તારી બા ચેવી રીહવાળી સ અન તારી વેદસેના ય રીહવાળી આ તો થવાનું જ હતું. પગબલીએ કીધું જે થઇ જ્યું એ થી જ્યું ઓનો ઉપાય શું ? વટપ્પા વિચારવા મંડ્યો પશી કીધું ઓભળ તારો કોન ઓંય લાય.”

“થોડા સમય પશી વલ્લભદેવનો એક અંગરક્ષકે વેદસેના હંગાથ અડપલું કર્યું એટલ પગબલીએ દરબારમો ઈન મારી નોખ્યો એટલ રાજમાતાએ પગબલીન રાજમે’લમોંથી બાર કાઢ્યો. ઈન થોડા દાડા પશી વેદસેના મા બની. રાજમાતા આશીર્વાદ આલીન આયો પણ જેવો ઉત્સવ થવો જોવ એવો થ્યો નઈ એટલ પગબલી થોડો નિરાશ થઇ જ્યો. વલ્લભદેવ રોજ રાજમાતાના કોન ભરતો ક આ પગબલી કોક ષડયંત્ર કરી રયો સ રાજના વિરુદ્ધમોં. જમ ટેમ જવા લાગ્યો ઇમ ફરિયાદો વધવા લાગી એટલ એક દા’ડો રાજમાતાએ વટપ્પાન બોલાયો અન કીધું પગબલીનો કોંટો કાઢી નોખો. વટપ્પાએ પુશયું ઇનો ગુનો શું સ? રાજમાતાએ કીધું આ મારો આદેશ સ. થોડીવાર પશી રાજમાતા રાજમે’લની બાર નીકળ્યો પણ દૂર આગ લાગેલી જોઈ એટલ રાજમે’લમોં આઈ જ્યાં.”

“વલ્લભદેવ ન આ વાત કરવા જતા તા એ વખતે ઈમના કોને વિજલદેવનો અવાજ આયો અલ્યા વલ્લભા, તે તો તારી માન હારી રીતે બાટલામોં ઉતારી દીધી, અવ તુ જા અન પગબલીના નેના સોકરાન પતાઈ નોખ એટલ તારા રસ્તામોંથી છેલ્લો કોંટોય નેહરી જાય. રાજમાતાન ફાળ પડી આ તો મારા પેટે કાળો નાગ અવતર્યો.”

 “એ તો સમય ગુમાયા વગર દોડ્યા પગબલીના ઘેર. રસ્તામો વટપ્પા મળ્યો ઈની તલવાર લોયવાળી હતી. વટપ્પાએ કીધું રાજમાતા, પગબલીન પતાઈ દીધો. રાજમાતાએ વટપ્પાન એક લાફો માર્યો અન દોડીન પગબલીના ઘેર પોંચ્યો. સોકરુ ઘોડિયામોંથી ઉપાડી લીધું અન નદીકિનારા તરફ નેક્ળી જ્યોં. એ વખતે એકેય નાવડી નતી એટલ તરવા મોંડયો પણ તરત ન’તુ આવડતું એ ડૂબવા મંડ્યો. પણ સોકરાન ઈમણે ઉપર પકડી રાખ્યું . એટલામોં એક હાથ આયો અન એ હાથે ઇમન ઉપાડી લીધા. કુણે ઇમન બચાઈ એ જોવ એ પેલા બેભાન થઇ જ્યો.”

“ભોનમોં આયો એ વખતે જોયું કે પગબલી અન વલ્લભદેવ હાથમોં હાથ નોખીન ઈના પલંગ ફાય ઉભા હતા. દૂર વટપ્પા હસી ર’યો તો. રાજમાતાએ વટપ્પા ન નજીક બોલાયો અન પુશ્યું શું સ આ બધું તું તો કે’તો તો પગબલીન મારી નોખ્યો તો. વટપ્પાએ કીધું તમે જે કોઈ હોંભળ્યુ એ અમારી ચાલ હતી બાકી તમારો વલ્લભ એ સો ટચ નું સોનુ સ. ઈન રાજગાદીનોય મોહ નહિ એ તો તમન ખુશ કરવાજ રાજા બન્યો બાકી ઈની ઈચ્છા સ ક પગબલી રાજા બન. રાજમાતાએ વલ્લભદેવ હોમ જોયું એટલ બોલ્યો કાલ ઉઠીન મારાંય લગન થાય અન આવા ઝગડા ઘરમોં થતા હોય તો એવું રાજપાટ શું ધોઈ પીવાનું. એટલ તમન સુધારવા અમે આ રમત કરી. રાજમાતા સુધરી જ્યો તો ઈમણે વેદસેના ન ફાય બોલાઈ અન કીધું સોડી, મન માફ કરી દેજે મેં તન બહુ હેરોન કરી. વેદસેના ઈમના પગે લાગી અન કીધું હું તો નેની સુ ,તમાર મારી માફી માંગવાની ન હોય, ત્યો હાજર રહેલા બધા લોકોએ તાળી વગાડી.”

પીન્ટુ અને પીંકી પણ તાળી વગાડી રહ્યા હતા. પિંકીએ મનુભા તરફ જોયું અને કહ્યું,”દાદા, આપણા ઘરમાં પણ બહુ ઝગડા થાય છે ને રાજમાતા અને વેદસેના જેવા.” પોતાની દીકરીના મોઢે આ વાત સાંભળીને ઉર્મિલાની આંખ ખુલી ગઈ તે પિંકીના નજીક આવી અને કહ્યું,”બેટા, હવેથી ઝગડા બંદ બસ.”

 પીન્ટુ અને પિંકી ફરી તાળી વગાડવા માંડ્યા અને મનુભાની આંખો હસી રહી હતી .


Rate this content
Log in

Similar gujarati story from Comedy