Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

3.8  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

નતમસ્તક

નતમસ્તક

5 mins
431


આપણા જીવનમાં ગુરુનું સ્થાન ભગવાનથી પણ ઉપર કહેવાય છે. જે અનુલક્ષીને આ પંક્તિઓ સૌ જાણીએ જ છીએ !

"ગુરુ ગોવિંદ દોનું ખડે કા કો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો દિખાય !"

આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે મને મારા સ્કૂલના દિવસોની યાદ આવે છે. હું ગુજરાતી માધ્યમમાં સરકારી શાળામાં ભણેલી છું. જ્યાં ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીઓ ભણતી હતી. અમારી શાળા એક ગર્લ્સ સ્કૂલ હતી. જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ પણ હતા. એટલે સામાન્ય વર્ગના લોકોને દીકરીઓને ભણાવવી સરળ થઈ રહે. 

છતાંય ક્યારેક કોઈ વિદ્યાર્થીનીઓ પાસે ચોપડાઓ ઘટતા, અથવા ક્યારેક સામાન્ય એવી છ માસની સત્ર ફી 30 રૂપિયા પણ ન ભરી શકાતી. ક્યારેક કોઈની પાસે યુનિફોર્મ ન હોય, તો ક્યારેક કોઈ વિદ્યાર્થીનીઓને અધવચ્ચેથી જ ભણતર છોડી દેવું પડતું, ટૂંકમાં અત્યંત ગરીબ વર્ગ પણ શાળામાં હતો. પણ શાળાના આચાર્ય બહેન, દરેકની મૂંઝવણ જાતે તપાસી અને એનો યોગ્ય રીતે નિકાલ કરતાં.

શાળાનું વાતાવરણ ખુબ જ સરસ હતું. અમારી શાળા ખૂબ જ મોટી હતી. શાળામાં બે બિલ્ડીંગ પ્રાથમિક શાળા માટે ફાળવવામાં આવેલી હતી. એ ઉપરાંત સંખ્યાનો વધારો હોય તો માધ્યમિક શાળાની બિલ્ડિંગમાં નીચેના ભાગે લોબીમાં પણ પ્રાથમિક શાળાના ક્લાસ લેવાતા હતા. કારણ કે માધ્યમિક શાળાનો સમય બપોરનો હતો. સવારના સમયે જ પ્રાથમિક શાળા હતી. શાળામાં આગળ અને પાછળના ભાગે મોટું મેદાન હતું. વડ, પીપળો અને લીમડો એવા ઝાડ પણ વાવેલા હતાં. 

એ વખતે હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. વેકેશન પછી હજી તો શાળાઓ ખુલી રહી હતી. શાળામાં જતી વખતે મનમાં ખૂબ જ ઉમંગ હતો. નવા ચોપડા, નવો યુનિફોર્મ, અને નવા ક્લાસમાં નવી બહેનપણીઓ પણ !

મને યાદ છે કે શાળા ખુલ્યાના એક માસ પછી મોડી મોડી એક નવી છોકરી મારા ક્લાસમાં આવી. એ આવી ત્યારે તો કંઈક વ્યવસ્થિત હતી, પણ દિવસે દિવસે એનો દેખાવ એનું વર્તન કંઈક જુદું જ દેખાતું હતું. બહુ જ મેલાં કપડા પહેરીને આવતી. ક્યારેક બે ચોટલા ના વાળ્યા ન હોય, ક્યારેક ચોટલો છૂટી ગયો હોય, ક્યારેક ચોપડી ફાટી ગઈ હોય. અને આખો દિવસ ક્લાસમાં ચૂપચાપ બેઠી રહે. કોઈની સાથે વાતચીત ન કરે, આપણે બોલાવીએ તો પણ કામ પૂરતો જ જવાબ આપે‌, વળી પાછી ચૂપ ! ખબર નહીં આખો દિવસ એના મનમાં શું ચાલતું હશે ! જ્યારથી એ આવી ત્યારથી મેં જોયું, કે એક પણ દિવસ એ રિસેસમાં નાસ્તો કરવા નથી જતી, લંચબોક્સ જ નથી લાવતી. એની મમ્મીને ચિંતા નહીં થતી હોય ? કેમ છોકરીને નાસ્તો નહીં આપતા હોય ? આવું બધું મારા મનમાં ચાલ્યા કરતું. પણ એને બોલાવવાની, કે પૂછવાની હિંમત ન થતી. કારણ કે એ ક્યારેય સરખા જવાબ જ આપતી નહીં.

એક દિવસ મેં જોયું કે એનો ચોટલો છૂટી ગયો છે. પણ એ બાંધવાની એને કોઈ દરકાર નથી. ક્લાસમાં હજુ વર્ગ શિક્ષકના આવવાને વાર હતી. મને થયું એને કહું પણ એ છોકરી તો બે હાથે માથામાં, બહુ જ ખંજવાળ્યા કરતી હતી. જે બેંચમાં એ બેસે ત્યાંથી બીજી છોકરીઓ ઊભી થઈને બીજી જગ્યાએ બેસી જતી. એની બાજુમાં કોઈ બેસતું નહીં પણ એને કોઈ ફરક નહોતો પડતો. એ તો બસ ચૂપચાપ બેસી રહેતી. ક્યારેક કોઈ બોલાવે અને એને ન ગમે તો એકદમ ગુસ્સાથી સામું જોઈ રહેતી પણ એક અક્ષર સુધ્ધાં ન બોલે.

હું એને કહેવાની જ હતી ! ત્યાં જ અમારા વર્ગ શિક્ષિકા બહેન ક્લાસમાં આવ્યાં.

આખા ક્લાસમાં એક નજર દોડાવી, બધાની સામે સ્મિત કર્યું એટલામાં એમની નજર એ છોકરી પર પડી અને બહેનના ચહેરાના ભાવ બદલાયા તરત જ ગુસ્સામાં બોલ્યાં કે એય છોકરી આ શું છે આ માથું કેમ વીખાયેલું છે. આ જો ચોટલો એ છૂટી ગયો છે. તને તો ગમે એટલું સમજાવે રોજ રોજ કહો, તોયે નવા નાકે દિવાળી ! કોઈ રીતે કેમ સમજતી નથી ? ચાલ હું તારો ચોટલો વાળી દઉં. ! આજે તો કંઈ કહેતી નથી, પણ આવતીકાલે તારી મમ્મીને લઈ આવજે મારે એને પણ ઠપકો આપવો જોઈશે. આ બધી છોકરીઓ શાળાએ આવે છે, જો કેવી હળી મળીને રહે છે. તું તો કોઈની સાથે બોલતી ચાલતી પણ નથી. બસ ચૂપચાપ બેસી રહેવું, ન ભણવું, ન રમવું, બસ જ્યારે જુઓ ત્યારે નાક પર ગુસ્સો જ હોય ! કાલે તારી મમ્મીને લઈ આવજે, એટલે તારી વાત છે ! આટલું સાંભળતા તો એ આખા ક્લાસની વચ્ચે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

એ દિવસે એ છોકરી ખૂબ જ રડી. કેમેય કરીને છાની જ ના રહી. અમારા વર્ગ શિક્ષિકા બહેને ઘણું પૂછ્યું તને શું થયું ? કેમ આટલું બધું રડવા લાગી ? પણ, બોલે એ બીજા !..એ છોકરી તો એક શબ્દ ન બોલી બસ રડ્યાં જ કર્યું.

બીજા દિવસે એ શાળાએ આવી નહીં એટલે છઠ્ઠા ધોરણના ત્રણ ક્લાસમાં એ છોકરી વિશે બેન પોતે પૂછવા ગયાં કે તમે કોઈ આ છોકરી વિશે જાણો છો ? કે એના પાડોશમાં કોણ રહે છે ? તો મને એના વિશે માહિતી આપો. એક બીજી છોકરી એના ઘર પાસે જ રહેતી હતી, એ ઊભી થઈ અને બેનને કહ્યું કે હમણાં, થોડા સમય પહેલાં જ એનાં પપ્પાએ બીજા લગ્ન કર્યા છે. એની મમ્મી ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા છે. અને આ સાંભળીને બહેનની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં !

એ વખતે જ અમારા શિક્ષિકા બહેન એ છોકરીના ઘેર ગયાં અને એની નવી મમ્મીને મળ્યાં. અને દીકરીને શાળાએ મોકલવાનું કહ્યું, એની નવી મા એ હા કહી. બીજા દિવસે શિક્ષિકા બહેને એ છોકરીને દરરોજ એક પિરિયડ વધુ રોકાવાનું કહ્યું અને રોજ શાળાના સમય પછી અમારા શિક્ષિકા બહેન પોતે એ છોકરીના માથામાંથી જૂ કાઢવા લાગ્યાં. અને હંમેશા પોતાના લંચબોક્સની સાથે જ બીજો એક લંચબોક્સ એ છોકરી માટે પણ લાવવા લાગ્યા. હવે એ છોકરી ધીમે ધીમે બધાની સાથે હળવા મળવા લાગી હતી. હવે એ છોકરી ક્યારેક હસતી હતી. અને સૌની સાથે રિસેસમાં રમતી પણ હતી. આ બધું એ શિક્ષિકા બહેનને આભારી હતું કે જે દરેક વિદ્યાર્થીનીને સગી જનેતા સાચવે એમજ સાચવતા.

આવા હતા એ સમયના ગુરુ. જીવનભર આવા ગુરુઓનું ઋણ ન ભૂલી શકાય. અને કોઈ ભવે ચૂકવી પણ ના શકાય.

બસ એમને યાદ કરતાં જ નતમસ્તક થઈ જવાય. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract