Shobha Mistry

Abstract Fantasy

4.0  

Shobha Mistry

Abstract Fantasy

પગરવ

પગરવ

2 mins
240


'તમારા અહીંયા પગલાં થવાનાં, ઉપવનમાં સૌને ખબર થઈ ગઈ છે.'

જાનવી ગીત ગણગણતી ઘરમાં કામ કરી રહી હતી જાણે કે કોઈ નાનકડી ઢીંગલી ફેરફુદરડી ન ફરતી હોય! માયાબહેન એને એકટક નીરખી રહ્યાં હતાં. જાનવીમાં એમને એમની પરણીને પરદેશમાં સ્થાઈ થયેલી દીકરી સૌમ્યા દેખાતી અને માનું હૈયું ભરાઈ આવતું. છતાં મોઢા પર ગાંભીર્ય ધારણ કરી કહેતાં, "હવે તું ગીત આલાપવાનું બંધ કર અને કામમાં હાથ ચલાવ. આટલું કામ કરવાનું એમાં કેટલો સમય કાઢે છે ?" 

થોડીવાર માટે ચૂપચાપ કામ કરતી જાનવીને જોઈ માયાબહેનને પણ ન ગમ્યું. તેથી તેમણે જાનવીને કહ્યું, "અલી, કેમ ચૂપ થઈ ગઈ ?" 

"લે બા, હમણાં તો તમે કહેતાં હતાં કે ગીત ગાવાનું બંધ કર અને કામ કર. હવે તમે જ કહો છો કે કેમ ચૂપ થઈ ગઈ ? આમાં મારે શું કરવાનું ? ગીત ગાવાનું કે નહીં ગાવાનું ?"

"તું તારે ગીત પણ ગા અને જરા ઝડપથી કામ પણ પતાવ." જતિનભાઈએ ઘરમાં દાખલ થતા કહ્યું. 

"અરે ! તમે ક્યારે આવ્યા ? ખબર પણ ન પડી." માયાબહેને ઊભા થતાં કહ્યું.

"બા, તમે બેસો, હું દાદાને પાણી આપું છું." બોલતી જાનવી હડફ દઈને રસોડામાં જઈ પાણીના બે ગ્લાસ ભરી લાવી. "લો દાદા અને બા, તમે પણ લો. ક્યારનું તમે પણ પાણી નથી પીધું. પછી મને કહેશો કે પગમાં ખેંચ આવે છે." 

માયાબહેન અને જતિનભાઈ, બંને આ ચરકલડીને હેતભરી નજરે જોઈ રહ્યા. એકની એક દીકરી સૌમ્યા પરદેશ ગઈ પછી આ બંને પ્રૌઢોનું એકમાત્ર આશ્વાસન આ જાનવી જ હતી. ઘરમાં એનો પગરવ ન સંભળાય તો બંનેને કાંઈ સૂનું સૂનું લાગે. ગોમતીની તબિયત બગડી ત્યારથી એની આ બારમું પાસ દીકરી ઘરનું બધું કામ સાચવતી સાથે સાથે આ બંનેની દરેક જરૂરિયાતનું પણ કાળજીપૂર્વક ધ્યાન રાખતી પણ કાલે જ ગોમતીનો ફોન હતો કે હવે જાનવીના સાસરિયાં લગ્નની ઉતાવળ કરે છે. ત્યારથી બંનેનું મન ઉદાસ થઈ ગયું હતું. હવે આ ચરકલડી પણ ઊડી જશે. એ વાત બંનેના મનને કોરી ખાતી હતી.

"બા, દાદા, કાલે મારી બાએ તમને મારા લગ્નની વાત કરી ત્યારથી તમે બંને ઉદાસ છો, મને ખબર છે પણ ચિંતા ન કરતાં. મેં મારા સાસરે વાત કરી છે અને તમારા જમાઈએ મને તમારે ત્યાં કામ કરવા આવવાની હા પાડી છે. એટલે હું સાસરેથી પણ રોજ આવીશ, બસ." જાનવીએ કહ્યું. બંનેના મોઢા પર રાહતની લાગણી ફરી વળી. હાશ, એક દીકરી પરદેશ ગઈ તો ભલે પણ આ દીકરીનો પગરવ ઘરમાં રહેશે. એ જાણી આનંદનો ઉલ્લાસ એમના હૈયે ટાઢક બની ફરી રહ્યો. 

બંનેએ જાનવીને પાસે બોલાવી હેતથી છાતી સરસી ચાંપી દીધી અને મનોમન એના પતિને પણ પોતાના કારખાનામાં કામે રાખી, આઉટ હાઉસમાં જ બંનેનો સંસાર વસાવી આપવાનું નક્કી કરી લીધું. એ બહાને દીકરીનો પગરવ સદૈવ ઘરમાં રહેશે એવો સંતોષ બંનેના હૈયે છવાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract