Dr.Bhavana Shah

Inspirational Children

4  

Dr.Bhavana Shah

Inspirational Children

પરીક્ષા અને પરીક્ષા

પરીક્ષા અને પરીક્ષા

2 mins
275


ચીકુ આઠમા ધોરણમાં ભણતો નિશાળિયો હતો. વિજ્ઞાન એનો ગમતો વિષય હતો. રોજ એ વિજ્ઞાનના તાસની રાહ જોતો. જે દિવસે વિજ્ઞાનના શિક્ષક ન આવે એ દિવસ તેનો ઉદાસીભર્યો વીતતો. વિજ્ઞાનના અવનવા પ્રયોગો, સૃષ્ટિના જુદા જુદા પદાર્થો વિશે જાણવાની તેની જિજ્ઞાસા જોઈને તેના વિજ્ઞાન શિક્ષક રમેશભાઈ અત્યંત પ્રસન્ન થતા. એ કહેતા 'ચીકુ વિજ્ઞાન એ કલ્પના નથી, પરંતુ પ્રયોગોના આધારે સાબિત થયેલું જ્ઞાન છે. જે વિજ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરી જાણે એ સાચો પરીક્ષાાર્થી કહેવાય બાકી બીજું બધું તો ગોખણીયું.' ચીકુ ને રમેશ સાહેબની આવી બધી વાતો બહુ જ ગમતી. કારણ કે એને ગોખવાનું બિલકુલ ગમતું ન હતું અને ગોખેલું તેને બરાબર યાદ પણ રહેતું નહીં. એક લીટી ગોખેલી ભૂલી જવાય તો સંપૂર્ણ જવાબ ભૂલી જવાય એવું ચીકુ સાથે ઘણીવાર બનતું હતું.

અઠવાડિયા પછી ચીકુની સત્રાંત પરીક્ષા શરૂ થવાની હતી. તેની માતા તેને લાંબા લાંબા ઉત્તરો વાંચી સંભળાવતી અને ચીકુ યાદ કરી લેતો અને એ પરીક્ષામાં સરળતાથી લખી પણ શકતો. એની માતા ઘણીવાર એને કહેતી પણ ખરી 'મમ્મા નહીં હોય ત્યારે શું કરશે ?' 'હું યાદ રાખતા શીખી લઈશ' એવું કહી ત્યાંથી ચાલ્યો જતો.

છેલ્લા પેપરના દિવસે શાળાના સ્વિમિંગ પૂલમાં આગ લાગી હતી. પાણીમાં આગ કેવી રીતે લાગી શકે ? પાણીથી તો આગને ઓલવી શકાય.! બધા વિદ્યાર્થીઓ એ મૂંઝવણમાં હતા. સ્વિમિંગપુલની બાજુમાં શાળાના વોચમેનને રહેવા માટેની નાની ઓરડી ફાળવવામાં આવી હતી. તેની ઓરડીમાં નાનો પ્રાઇમસ અને તેના માટે જરૂર પૂરતું કેરોસીન અને બીજી બધી સામગ્રી રહેતી હતી. પરંતુ કોણ જાણે કોણે કેરોસીનનું ડબલું પાણીમાં નાખ્યું હતું ? વળી સાથે બીજું કોઈ કે છમકલું કર્યું હતું, એના પર કાગળનો ટુકડો સળગાવીને નાખ્યો હતો, એના કારણે પાણી પર આગ લાગી હતી. બધા વિદ્યાર્થીઓ આ દ્રશ્ય ચમત્કારની જેમ જોઈ રહ્યા હતા. ત્યાં ઉભેલા ચીકુનાં મનમાંએકા એક ઝબકારો થયો અને એ શાળાના ગાર્ડન તરફ દોડી ગયો., નાની કોથળી ભરીને માટી લઈ આવ્યો અને પાણી પર લાગેલી આગ પર નાખવા લાગ્યો. આગ શમવા લાગી.એનું જોઈને બીજા બે ત્રણ વિદ્યાર્થીઓ પણ ગાર્ડનમાંથી માટી લાવીને પાણીમાં નાખવા લાગ્યા અને આગ સંપૂર્ણપણે શમી ગઈ. ત્યાં ઉભેલા સહુ ચીકુ ને શાબાશી આપી રહ્યા હતા.

' પાણીથી હલકા પ્રવાહીઓ પાણી ઉપર તરે છે' એ લીટી પ્રયત્ન કરવા છતાં પણ ચીકુને આજે વિજ્ઞાનના પેપરમાં યાદ આવી નહીં અને ચીકુ પરીક્ષામાં પૂરેપૂરો ઉત્તર લખી શક્યો નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational