Pushpak Goswami

Inspirational Others

4.5  

Pushpak Goswami

Inspirational Others

રાખડીની લાજ

રાખડીની લાજ

3 mins
401


નવીન અને કિશોર બંને સગા ભાઈ. નાનપણથી લઈને કોલેજ સુધી બંને સાથે જ મોટા થયાં. તેમનાં દાદા વખતથી તેમની પાસે ખૂબ જ પૈસા હતાં અને જમીન પણ ખૂબ હતી. તેમનો પરિવાર ગામમાં જાગીરદાર તરીકે ઓળખાતો હતો. આવા શ્રીમંત પરિવારમાં જન્મ્યા હોવાને કારણે દુઃખ શું છે તે ક્યારેય ખબર જ નહોતી પડી. જ્યારે તેમની સગી બહેન જલ્પા પરણીને સાસરે ગઈ, ત્યારે બંને ભાઈ ખૂબ જ રડ્યાં હતાં. જ્યાં સુધી પરજાન સાથે બહેનને તેડવા ન ગયાં, ત્યાં સુધી બંનેમાંથી કોઈ સરખું જમ્યા પણ નહોતાં. બહેનને તેડીને લાવ્યાં પછી ત્રણે જણાએ નાનપણમાં કરેલી શરારતો યાદ કરી અને ખૂબ મસ્તી કરી. દિવસો ક્યાં જતાં રહ્યાં તેની ખબર ન પડી. બહેનને પાછું જવાનું થયું. પાછાં બંને ભાઈ ઉદાસ થઈ ગયાં. પરંતુ આ વખતે જલ્પાએ સમજાવ્યું કે હવે તેની સાસરી જ તેનું ઘર છે. ત્યાં તો રહેવું જ પડશે, તથા પોતે આમ વાર તહેવારે આવતી-જતી રહેશે તેની ખાત્રી પણ આપી.

સમય પોતાની રીતે વહેતો ગયો અને જલ્પા પોતાની જવાબદારીમાં વ્યસ્ત રહેવા લાગી. બંને ભાઈઓ પણ હવે પરણી ગયાં હતાં અને તેમની પત્નીઓ આવી ગઈ હતી. અહીંયા બંને ભાઈઓ હતાં તો સામે બંને બહેનો હતી, પરંતુ પિતરાઈ. તેથી તેમની વચ્ચે શરૂઆતથી નાની નાની બાબતોમાં ચડસા ચડસી ચાલ્યાં કરતી હતી. એક દિવસ આ દેખાદેખી એટલી હદે વધી ગઈ કે બંને ભાઈઓએ અલગ થવાનો નિર્ણય લીધો. ઘરમાં કોઈને પસંદ ન હોવાં છતાં બંને ભાઈઓ અલગ થયાં. જલ્પાને સારા દિવસો જતાં હતાં તેથી તેને કોઈએ આ વિશે જણાવ્યું નહીં. જોતજોતામાં આખો પરિવાર વિખેરાઈ ગયો. 

કહેવાય છે ને કે એક સ્ત્રી ધારે તો ઘરને તારી શકે અને ધારે તો ડૂબાડી શકે. આ કિસ્સામાં પણ એવું જ થયું. નવીન અને કિશોરની પત્નીઓએ તેમનાં ઘરને તહેસ નહેસ કરી નાખ્યું. બંને ભાઈઓ ક્યારેય એકબીજાનાં ઘરે આવતાં નહોતાં કે ક્યારેય પોતાનાં માતાપિતાનાં ઘરે પણ સાથે નહોતાં આવતાં. નવીન આવીને જાય પછી કિશોર પોતાનાં પરિવારને લઈને આવે, અથવા કિશોર પહેલાં આવ્યો હોય તો તે જાય પછી નવીન પોતાનાં પરિવાર સાથે આવે. આમ વાત એટલી હદે વધી ગઈ કે બંને ભાઈઓ એકબીજાનું મોઢું જોવા માંગતા નહોતા. જ્યારે આ વાતની ખબર જલ્પાને થઈ, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે પોતાનાં પિતાને પણ ખૂબ જ ઠપકો આપ્યો કે, "આટલું બધું ઘરમાં બની ગયું અને તમે કોઈએ મને જાણ સુદ્ધાં ન કરી ? આટલી બધી પરાઈ કરી દીધી મને ?" હવે આ બંને ભાઈઓને એક કરવાનું બીડું આ બહેને ઝડપ્યું અને પરિવારને ફરીથી એક કરવાની કસમ ખાધી.

જલ્પાએ તેના પતિ સાથે મળીને એક યુક્તિ બનાવી. તેણે બંને ભાભીઓનાં ભાઈ સાથે વાત કરી અને રક્ષાબંધન પોતાનાં ફાર્મ હાઉસ પર ઉજવવાનું નક્કી કર્યું. બધાં તરત જ એગ્રી થઈ ગયાં. થવું જ પડે ને, જલ્પાનાં પતિ સ્ટેટ લેવલનાં મિનિસ્ટર હતાં. તેમની સાથે સંબંધ બગાડવો કોઈને પોસાય તેમ નહોતો. બાકી બધાં તો રાજી થઈ ગયાં, તકલીફ રહી બંને ભાઈઓની. તેમને કેમ મનાવવા ? જ્યારે કોઈ રીતે કોઈ તરકીબ કામ ન લાગી ત્યારે તે જવાબદારી પણ જલ્પાએ જ ઉપાડી. એક દિવસ બંને ભાઈઓને વારાફરથી ફોન કરીને નિમંત્રણ આપ્યું. બંને એ પહેલાં તો ના જ પાડી, પરંતુ ત્યારે જલ્પાએ એક શરત મૂકી. તેણે કહ્યું કે, "બે વર્ષ કોરોનામાં ગયાં, અને ત્યારબાદ મારી પ્રેગ્નન્સી. તમારી વચ્ચે શું મતભેદ છે તે હું નથી જાણતી, પરંતુ મારા પતિનું આમંત્રણ તમે ના ઠુકરાવી શકો. મારા પતિના આમંત્રણની અવગણના મતલબ મારી અવગણના. જો તમારે રાખડીની લાજ રાખવી હોય તો સમયસર આવી જજો, નહીંતર હું પણ ભૂલી જઈશ કે મારે કોઈ ભાઈ હતાં, કોઈ પરિવાર હતો." આ સાંભળી બંને ભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને બંને આવવા માટે રજી થઈ ગયાં.

બધાએ સાથે મળી અને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો અને એક રાખડીનાં કારણે આજે વર્ષો પહેલાં વિખૂટો પડેલો પરિવાર ફરીથી એક થઈ ગયો. બંને ભાભીના ભાઈઓએ પણ ઘરની પરિસ્થિતિ જોઈ, કોનો વાંક છે તે પણ જોયું અને પોતાની બહેનોને ઠપકો આપ્યો અને આવા સ્વર્ગ સમાન ઘરમાં સુખેથી રહેવાની શિખામણ આપી. એક સમયે વેરાન થયેલું ઘર ફરીથી હર્યુંભર્યું થઈ ગયું અને થોડાક જ સમયમાં આંગણામાં ચિચિયારીઓ થવાં લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational