Pushpak Goswami

Tragedy Crime Inspirational

4.5  

Pushpak Goswami

Tragedy Crime Inspirational

સમર્પણ

સમર્પણ

6 mins
399


રમા દેખાવે રૂપરૂપનાં અંબાર જેવી. વાન તો એટલો ગોરો કે કોઈ તેના તરફ એક નજર કરે તો પછી ત્યાંથી નજર જ ના ખસે. રમા ઘોડિયામાં હતી ત્યારે જ તેનાં લગ્ન ભીખા સાથે તેના બાપુએ નક્કી કરી દીધાં હતાં. ભીખો દેખાવે સામાન્ય હતો, પરંતુ મનનો સાફ હતો. તે રમાને ખુબ જ પ્રેમ કરતો અને ધ્યાન પણ એટલું રાખતો. રમા અને ભીખો બંને સાથે જ મજૂરીએ જાય. સવારે વહેલાં ઊઠી અને ભાથું બનાવી દેવાનું અને પછી આખો દિવસ ખેતરમાં મજૂરી કરવાની. ભીખો પણ રમાની સાથે જ ઊઠી જાય અને તેને રસોઈ બનાવવામાં મદદ કરે. પતિ-પત્ની બંને ખૂબ જ સુખી જીવન જીવતાં હતાં. તે જેનાં ખેતરે કામ કરતાં હતાં તે શેઠનું નામ હતું રમણીકલાલ. ગામમાં રમણીકલાલનું મોટું નામ. સરપંચ પદ પર ગમે તે હોય, પરંતુ અંતિમ નિર્ણય રમણીકલાલ જ આપે અને આખું ગામ તેને શિરોમાન્ય રાખે. ગામની ભલાઈ માટે અને ગામનાં લોકોની સેવા કરવામાં રમણીકલાલ હંમેશા તત્પર રહેતાં. તેમણે પોતાની જાત ખર્ચીને ગામનો ઉદ્ધાર કર્યો હતો. કદાચ એ જ કારણ હતું કે આજે લોકો રમણીકલાલને આટલું માન-સન્માન આપતાં હતાં.

રમણીકલાલનો પરિવાર પણ ગામની સેવામાં હંમેશા તત્પર રહેતો. તેમનો મોટો દીકરો સૌરભ અને તેની પત્ની રસીલા પણ ગામની સેવા કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તત્પર રહેતાં. રમણીકલાલની પત્ની સુભદ્રાબેન પણ ગામનાં લોકોને પોતાનાં પરિવાર સમાન સમજી તેમની સાર સંભાળ લેતાં. ગામમાં કોઈને કંઈ પણ દુઃખ હોય તો સૌથી પહેલાં સુભદ્રાબેનને યાદ કરે. રમણીકલાલે પોતાનાં નાના દીકરા રોહનને અમેરિકા ડોકટરના અભ્યાસ અર્થે મોકલ્યો હતો. તેને વિદેશ એટલે મોકલ્યો હતો કે ત્યાં જઈને સારો ડોકટર બને અને ગામમાં પરત આવી ગામલોકોની સેવા કરે. રમણીકલાલની છત્રછાયામાં ગામલોકો સુરક્ષિત હતાં અને સુખેથી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.

 પરંતુ કહેવાય છે ને કે સમયને બદલાતાં વાર નથી લાગતી. તેવી જ રીતે રમણીકલાલનાં ગામમાં પણ દુઃખના વાદળો ઘેરાયાં. કોઈ વિચિત્ર પ્રકારનાં વાઈરસે આખા ગામને પોતાનાં ભરડામાં લઈ લીધું. ઘરદીઠ ઓછામાં ઓછી એક વ્યક્તિ તો બીમાર હતી જ. જેની આર્થિક પરિસ્થિતિ સારી હતી તે શહેરમાં પોતાની દવા કરાવવા માટે જતાં રહ્યાં. પરંતુ જેની પરિસ્થિતિ નબળી હતી તેનું શું ? તેનો એક જ સહારો હતો અને તે એટલે રમણીકલાલ. તેમણે શહેરનાં ઘણાં નામાંકિત ડોક્ટરનો સંપર્ક કરી જોયો પરંતુ કોઈ આવવા તૈયાર થયું નહીં. અંતે રમણીકલાલે પોતાનાં સૌથી નાના દીકરા રોહનને ફોન કરી અને ગામની પરિસ્થિતિથી માહિતગાર કર્યો અને તાત્કાલિક પોતાનાં ગામ પાછાં આવી જવા વિનંતી કરી. રોહન તાત્કાલિક ગામમાં આવી ગયો અને ગામની સેવામાં લાગી ગયો. તેણે પોતાનાં ઘરમાં જ તંબુ બનાવી અને દર્દીઓને દાખલ કરી તેમની સારવાર કરવાનું નક્કી કર્યું. રમણીકલાલનાં ત્યાં જેટલાં પણ માણસો કામ કરતાં હતાં, બધાને બીમાર માણસોની સેવામાં લગાવી દીધા. દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કામ આપવામાં આવ્યું. ભીખો અને રમાને પણ તેમની જાણકારી પ્રમાણેનું કામ આપવામાં આવ્યું. રમા અને ભીખો મન લગાવીને પૂરી પ્રમાણિકતાથી પોતાને આપવામાં આવેલું કામ કરતાં હતાં. બધાની મહેનત રંગ લાવી રહી હતી અને ગામલોકો જલ્દીથી સાજા થઈ રહ્યા હતાં.

 એક દિવસ એક રાત્રે અચાનક જ એક દર્દીની તબિયત વધારે ખરાબ થઈ. રમા નજીકમાં જ હતી એટલે તે જાગી ગઈ અને તરત જ રોહનને બોલાવવા માટે તેની ઓફિસ તરફ દોડી. રોહનની ઓફિસની લાઈટ ઓન હતી એટલે રમાએ બહારથી જ દરવાજો ખટખટાવ્યો. થોડીવારમાં રોહને દરવાજો ખોલ્યો. રમાએ તરત જ બધી વાત કરી અને રોહનને આવવાં માટે કહ્યું. ઉતાવળમાં તે સ્પષ્ટ જોઈ તો ન શકી પરંતુ ઓફિસમાં બીજું કોઈ પણ હોય તેવો તેને અહેસાસ થયો. રમાએ અત્યારે તે વાતને અવગણી અને રોહનની પાછળ પાછળ પેલા દર્દી પાસે આવી. રોહને એક ઈન્જેક્શન આપ્યું અને અમુક દવા આપી જેનાં કારણે દર્દી થોડોક શાંત થઈ ગયો. રમા તે દર્દી પાસે જ બેસી રહી. થોડીવાર બાદ જ્યારે પેલો દર્દી સૂઈ ગયો ત્યારે રમા પણ પોતાની પથારીમાં આડી પડી. હવે તે રોહનની ઓફિસમાં રહેલી બીજી વ્યક્તિ વિશે વિચારવા લાગી. વિચારોમાં ને વિચારોમાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. બીજા દિવસે સવારે ઊઠીને રમાએ આ વાત ભીખાને કરી. ભીખો દિલનો ભોળો હતો, તેણે આ વાત પર ધ્યાન આપ્યું નહીં અને રમાને પણ પોતાનાં કામથી કામ રાખવાનું કહ્યું. રમા પોતે આ વાતની જાણ રમણીકલાલને કરવી જોઈએ કે નહીં, તેની અવઢવમાં હતી અને અચાનક એક દિવસ સવારે જાણવા મળ્યું કે હૃદયરોગનો હુમલો આવવાનાં કારણે રમણીકલાલનું અવસાન થયું. રમાને મનમાં એમ જ થયું કે રમણીકલાલનાં ગામની હાલત હવે મઝધારમાં ફસાયેલાં વહાણ જેવી થઈ ગઈ છે.

 બીજા દિવસથી રમા રોજની માફક પોતાનું કામ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ હવે તેણે પોતાની આંખ અને કાન બંને સતર્ક કરી દીધા હતાં. તેણે રોહન પર પહેલાં કરતાં વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. રમા તેની નાનામાં નાની હરકત પ્રત્યે પણ સજાગ રહેવા લાગી. થોડા દિવસ આમ ને આમ ચાલ્યું. એક દિવસ રમા જ્યારે પોતાનું કામ કરી રહી હતી ત્યારે એક છોકરી તેને મળવા આવી. તેણે આવીને કહ્યું, "બહેન મારે તમને એક વાત કરવી છે." પરંતુ તે જ સમયે ત્યાં રોહન દર્દીની તપાસ કરવા આવી જતાં વાત થઈ શકી નહીં. તે દિવસ પછી રમાને પેલી છોકરી ફરીથી ક્યારેય દેખાઈ જ નહીં. રમાને સીધો શક રોહન પર ગયો. પરંતુ કોઈ પુરાવો ન હોવાનાં કારણે કોઈને કહી શકી નહીં. આમને આમ ઘણાં સમય સુધી ચાલ્યું. એક રાત્રે રમા જ્યારે પાણી પીવા માટે ઊઠી ત્યારે તેને રોહનની ઓફિસની લાઈટ ચાલું દેખાઈ. તે આખી રાત ઓફિસની બહાર દરવાજા પાસે સંતાઈને બેસી રહી. તેણે સવારે વહેલાં એક છોકરીને બહાર જતાં જોઈ. રમાએ તરત જ તેનો પીછો કર્યો. બહાર જઈને તેને પકડી પાડી અને તે રોહનની ઓફિસમાં શું કરતી હતી તે પૂછ્યું. તેણે શરૂઆતમાં તો કંઈ કહ્યું નહીં, પરંતુ જ્યારે રમાએ રમણીકલાલની ધમકી આપી ત્યારે તેણે બધી હકીકત કહી દીધી. તેણે રોહનનાં બધા જ કરતૂત રમાની આગળ કહી દીધાં. રોહન કઈ રીતે ગામની છોકરીઓને ફસાવતો અને પછી તેમની સાથે લગ્નનો વાયદો કરી તેમની તસ્કરી કરતો. તેણે એ પણ કહ્યું કે રોહને કઈ રીતે ગામમાં વાઈરસ ફેલાવડાવ્યો હતો અને ગામલોકોને સાજા કરવાં માટે રમણીકલાલને મજબૂર કર્યા હતાં. રમણીકલાલને જ્યારે તેની કરતૂતની ખબર પડી તો તેમને પણ મારી નાંખી અને હૃદયરોગમાં ખપાવી દીધું. આ બધું સાંભળી રમા સમસમી ઊઠી. તેને રોહન પ્રત્યે ધૃણા થઈ આવી. સંસ્કારી ઘરની વ્યક્તિ પણ આવાં કામ કરી શકે તેનો તેને વિશ્વાસ નહોતો આવતો.

 રમા બીજા દિવસે સવારે ભીખાને લઈને સુભદ્રાબેન પાસે ગઈ. તેણે સુભદ્રાબેનને બધી વાત કરી અને મઝધારે ઝોલા ખાતા ગામને ઉગારી લેવા માટે આજીજી કરી. રમાએ રોહનના ચરિત્ર વિશે પણ સુભદ્રાબેન સાથે વાત કરી. રમાની ખૂબ આજીજી બાદ સુભદ્રાબેને અંતે મૌન તોડયું અને બધી વાત કરી. તેમણે રમાને કહ્યું કે, "હું રોહન વિશે બધું જ જાણું છું. પરંતુ જે રીતે તેણે મારા પતિની હત્યા કરી ત્યાર બાદ હું ખૂબ જ ડરી ગઈ હતી અને જો રોહન મને પણ મારી નાંખશે તો ગામલોકોની શું હાલત થશે તે વિચારીને હું ચૂપ હતી. પરંતુ તારી હિંમત જોઈને મને પણ હિંમત આવી છે અને જો તું સાથ આપે તો આપણે કંઈક કરી શકીએ." આ સાંભળી રમાએ તરત જ સાથ આપવાની તૈયારી બતાવી. રમા, ભીખો અને સુભદ્રાબેને મળીને એક પ્લાન બનાવ્યો.

 બીજા દિવસથી રમા રોહનની આસપાસ રહેવા લાગી અને તેની નજરમાં આવે તે રીતે કામ કરવા લાગી. શરૂઆતમાં તો કંઈ જ પ્લાન પ્રમાણે થયું નહીં. પરંતુ ઘણાં દિવસની મહેનત બાદ એક દિવસે રોહને રમા સાથે નિકટતા કેળવવાનો પ્રયત્ન કર્યો. રમાએ પણ તેમાં રોહનનો સાથ આપ્યો. રોહને રમાને રાત્રે પોતાની ઓફિસમાં બોલાવી. રમા ખૂબ જ ડરેલી હતી. પરંતુ તેણે ગામની બીજી છોકરીઓની હાલત વિશે વિચાર કર્યો તો તેનામાં હિંમત આવી. રમા હિંમત કરીને અંદર ગઈ. રોહને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને રમાનાં શરીરને ચુંથવા લાગ્યો. લાગ જોઈને રમાએ કેડમાં રાખેલી કટારી રોહનનાં પેટમાં સરકાવી દીધી. થોડી જ વારમાં રોહનનું પ્રાણ પંખેરું ઊડી ગયું. સુભદ્રા બહેનને વાતની જાણ થતાં તેમણે એક ઊંડો નિઃસાસો નાખ્યો અને સાથે સાથે ગામની બહેનો તેમજ દીકરીઓ સુરક્ષિત છે તેનો હાશકારો પણ લીધો. મધદરિયે ડોલતું વહાણ જેમ તોફાન બાદ શાંત થઈ જાય તેમ મઝધારે હિલોળા લેતું રમણીકલાલનું ગામ પણ હવે શાંત થઈ ગયું હતું. રમા અને ભીખાએ જે સમર્પણ ભાવ બતાવ્યો તે બદલ આખું ગામ તેમનું ઋણી રહેશે. તેમને એ વાતની ખુશી હતી કે ભલે શરીરનું સમર્પણ કરવું પડ્યું પરંતુ હવે ગામની કોઈ બહેન કે દીકરીની લાજ નહીં લૂંટાય. ધન્ય છે આવાં વ્યક્તિઓને અને તેમની સમર્પણ ભાવનાને.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy