Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAJAPATI TARLIKA

Inspirational Others

4  

PRAJAPATI TARLIKA

Inspirational Others

આંતરિક ઘડતર

આંતરિક ઘડતર

4 mins
389


નેન્સીને પહેલાંથી જ ભણવાનો ખૂબ શોખ હતો. તેને કોઈ પૂછે કે, "તારે મોટા થઈને શું બનવાનું છે ?" તો બીજા બાળકોની જેમ બાળસહજ તેને ક્યારેય એવું નથી કહ્યું કે, "હું આ બનીશ કે હું તે બનીશ." હંમેશા જે પૂછે તેની સામે ખૂબ ઊંચાઈએ પહોંચવાનાં સપના આંખોમાં ભરીને જોતી જ રહેતી. ધીમે ધીમે નેન્સી મોટી થવા લાગી તેમ તે શિક્ષણમાં પ્રથમ ક્રમાંકે પાસ થતી ગઈ. ગામમાં જ નેન્સીનું સાત ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ તો પૂરું થઈ ગયું. 

હવે આગળનાં શિક્ષણ માટે બાજુનાં ગામ જવું પડતું હતું. જે નેન્સી માટે ખૂબ કઠિન હતું, પણ શિક્ષણ મેળવવાની તેની લગનથી તેને ધોરણ નવ સુધીનું શિક્ષણ મેળવી લીધું. ત્યારબાદ નેન્સી ધોરણ દસમાં આવી ત્યારે તેનું ઓપરેશન અને ધોરણ દસની પરીક્ષા જોડે હતાં. તેથી નેન્સી ધોરણ દસમાં નાપાસ થઈ. 

નાપાસ થવાથી નેન્સી એકલી એકલી ખૂબ જ રડી હતી. તેનાં મમ્મી પપ્પાએ તેને ખૂબ જ સમજાવી પણ તેને મનમાં એવું થઈ ગયું હતું કે પોતે બીમારીથી ઘેરાયેલી છે અને હવે શિક્ષણની બાબતમાં પણ પોતે નાપાસ થઈ ગઈ હવે પોતે શું કરશે ? આમને આમ દિવસો વીતતાં ગયાં અને નેન્સીનાં ઓપરેશનનાં પાટા પણ ખુલી ગયાં. 

ત્યારબાદ મન મક્કમ કરી અને ફરીથી નાપાસ થયેલ વિષયની એક્ઝામ માટેનું ફોર્મ ભરી દીધું અને બસ નેન્સીને એક જ લગન લાગી હતી કે હવે કોઈપણ સંજોગોમાં પોતે ઉચ્ચ શિક્ષણ મેળવશે. 

નેન્સીનાં માતા-પિતા તેને કહેતા કે, "બેટા રહેવા દે આપણે નથી ભણવું" પણ નેન્સી માની નહીં. નેન્સી તેના મમ્મી પપ્પાને કાયમ કહેતી કે, "તમે ચિંતા ન કરો, તમે મારી સારવાર માટે જેટલા રૂપિયા ખર્ચ્યા છે એ બધા જ રૂપિયા હું ભણીને નોકરી કરીશ અને તમને પાછા આપી દઈશ." 

ત્યારે નેન્સીનાં મમ્મી પપ્પા હસતાં અને નેન્સીને કહેતાં કે, "બેટા તું બસ તારે ભણવું છે તો મન લગાવીને ભણજે અમને તારી પાસેથી કંઈ જ નથી જોઈતું." નેન્સીનાં મમ્મી પપ્પાએ ક્યારેય કોઈ બાબતે નેન્સીને ના નથી કહી. હંમેશા તેની મરજી મુજબ કરવા દીધું છે. 

હવે નેન્સી દસ ધોરણ પાસ થઈ ગઈ અને આગળ અભ્યાસ કરવા લાગી. ધોરણ બાર સુધીનો અભ્યાસ તો પૂરો થઈ ગયો. હવે કોલેજમાં નેન્સીને પ્રોબ્લેમ થયો. મોટી કોલેજમાં એડમિશન તો મળી જતું હતું, પણ ત્યાં રેગ્યુલર હાજરી આપવી પડે તેમ હતું. તેથી નેન્સી થોડી નિરાશ થઈ ગઈ, પણ તે હિંમત ન હારી અને તેને માહિતી મેળવી કે મહિલા કોલેજમાં કાયમી હાજરીની કોઈ જરૂર નથી હોતી. 

તે કોલેજમાંથી ઘરે બેઠાં પણ શિક્ષણ મેળવી શકાય છે. એટલે નેન્સીએ ખુશ થતાં મહિલા કોલેજમાં એડમિશન લઈ લીધું. 

નેન્સી શરૂઆતમાં છોકરીઓની કોલેજમાં થોડા દિવસ ગઈ અને ત્યાં તેની મુલાકાત સંસ્કૃત શિક્ષક કરુણાબેન જોડે થઈ. તેમની મદદથી તે કોલેજમાં ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ ફર્સ્ટ ક્લાસ સાથે પૂરો કર્યો. હવે નેન્સી આગળ ભણવા માગતી હતી પણ મહિલા કોલેજમાં બી.એ સુધીનો જ અભ્યાસ થતો હતો. 

હવે જો નેન્સીએ અભ્યાસ કરવો હોય તો આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એડમિશન લેવું પડે. જેને માટે નેન્સીએ પ્રયત્નો ચાલુ કરી દીધાં, પણ ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે એમ.એ.નાં અભ્યાસ માટે વિદ્યાર્થિની કાયમી હાજરી તો ફરજિયાત જોઈશે જ. 

નેન્સી પોતે એ માટે સક્ષમ નહોતી કેમકે તે એક દિવ્યાંગ વ્યક્તિ હતી. તેથી નેન્સીએ પોતાનાં શિક્ષક કરુણાબેનનો સંપર્ક કર્યો. એ શિક્ષિકાબેનનો સાથ મળ્યો અને તેઓ મોટી કોલેજમાં આવ્યાં અને ત્યાંના શિક્ષક સ્ટાફ સામે નેન્સીની જવાબદારી લઈ અને નેન્સીનું એડમિશન કરાવી દીધું.

ત્યારબાદ નેન્સી ઘરે બેઠાં પોતાનો અભ્યાસ કરવા લાગી. વચ્ચે વચ્ચે કોલેજ જઈને તેની સહેલી સરલા પાસેથી પરીક્ષાને લગતાં અભ્યાસક્રમ વિશેની માહિતી લઈ આવતી, અને ઘરે બેઠાં તેનો અભ્યાસ કરતી. જોતજોતામાં બીજા એમ.એ.નાં બે વર્ષ પૂરા થઈ ગયાં. 

બાહ્ય દેહનું ઘડતર તો માતા પિતા કરતાં હોય છે પણ આંતરિક ઘડતર એક શિક્ષક જ કરી શકે છે. નેન્સી તેની શિક્ષિકા કરુણાબેનની મદદથી એમ.એ. ડિસ્ટ્રિક્શન સાથે પાસ થઈ ગઈ. એ માટે નેન્સીએ તેની શિક્ષિકા કરુણાબેનનો ખૂબ ખૂબ આભાર માન્યો. 

ત્યાર પછી નેન્સીએ બી.એડમાં એડમીશન લઈ લીધું અને મહામહેનતે આશિષભાઈ ભગોરા સાહેબનાં હાથ નીચે બી. એડ પુરુ કર્યું. આશિષભાઈ નીચે એક અલગ રૂમમાં નેન્સીને એકલી ભણાવતા હતાં. કેમકે નેન્સી ઉપર જઈ શકવાની હાલતમાં નહતી. બીજા બાકીનાં વિદ્યાર્થીઓને સમૂહમાં ઉપરનાં ક્લાસમાં ભણાવતાં. 

નેન્સીએ આશિષભાઈની મદદથી બી.એડ પૂરું કર્યું. નેન્સી આટલેથી અટકી નહીં, એને છેલ્લે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એમ. ફીલનું એડમિશન લીધું અને ભણવા લાગી. એમ. ફિલનાં અભ્યાસક્રમ દરમિયાન ફરજિયાત થીસીસ તૈયાર કરવાની હોય છે. 

એ માટે લાઇબ્રેરીમાં જઈને ચોપડીઓનો અભ્યાસ કરવો પડે પણ નેન્સી ત્યાં જઈ શકે એમ નહોતી એટલે ફરી એકવાર તેને કરુણાબેનની મદદ લીધી. પોતાનાં ઘરે રહેલાં પુસ્તકોનો અભ્યાસ કરી અને થીસીસ પૂરું કર્યું. 

આ રીતે નેન્સી દિવ્યાંગ હોવા છતાં તેના દૃઢ મનોબળ, ઉચ્ચ શિક્ષણ મેળવવાની લગનીને લીધે અને તેની શિક્ષિકા કરુણાબેન અને આશિષભાઈની મદદથી એમ. ફીલ સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

નેન્સી પોતાનાં સંપૂર્ણ અભ્યાસક્રમ દરમિયાન સાથ આપનાર શિક્ષિકા કરુણાબેન, શિક્ષક આશિષભાઈ અને તેની સહેલી સરલાનો ફરીથી ખૂબ ખૂબ આભાર માને છે. જેઓનાં લીધે આજે નેન્સી આટલું ઉચ્ચ શિક્ષણ મેળવી શકી છે. નેન્સીને એ વાતનો સંતોષ છે કે એને એનું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરું કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational