Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

બારી બહાર

બારી બહાર

3 mins
134


આજે ૨ વર્ષ પછી આ ઘરમાં ઉન્નતિ આવી, એનાં લગ્ન પછી, ભાઈની નોકરીને કારણે ભાઈ અને મમ્મી બંને શહેરમાં રહેવા ગયા હતા, તેથી બે વર્ષથી બંધ રહેલા ઘરની સુંદરતાને - જાણે ધૂળ અને કરોળિયાના જાળાએ ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ... ઉન્નતિની નજરે તો તેનું ઘર પહેલા જેવું સુંદર અને આહલાદક હતું.

એ ઝડપથી તાળું ખોલી અંદર ગઈ, બારી પાસે જઈ બારી ખોલીને બહાર રમતાં નાના બાળકોનો કોલાહલ, કલરવ એના કાનમાં ગૂંજતા જ તે ભૂતકાળમાં સરી ગઈ. જે ગલીમાં બાળપણ વીત્યું એ ગલી ને નિહાળતા ફરીથી બાળપણને ઝંખવા લાગી. બાળસખા સાથેની ધીંગામસ્તી, રમત....વગેરે તો વળી આકાશમાં ઊડતાં પંખીઓને જોઈ એની જેમ ઊડવા પાયલોટ બની વિમાન ઊડાડવાના જોયેલાં સપનાં આ બધું જ એક ફિલ્મની જેમ એકપછી એક દશ્ય આંખ આગળ તરવા લાગ્યું.

આમ તો એણે નાની નાની આંખોનાં મોટાં મોટા સપનાને પૂરા કરવા પોતાની જાતને વચન આપ્યું હતું પણ સપનું પુરું થાય એ પહેલાં જ લગ્નનો પ્રસ્તાવ આવ્યો અને એની પાંખો કપાઈ ગઈ. પોતાના પરિવારની મધ્યમ પરિસ્થિતિ છતાં સમાજમાં ઈજ્જત માન-મોભો ધરાવતા ઉચ્ચ કુળ એવા શ્રીમંત પરિવાર તરફથી પ્રસ્તાવ આવતા જ વડીલોના આશીર્વાદથી ઉન્નતિનાં લગ્ન સંદિપ સાથે થયા.

અફસોસ એ વાતનો છે કે ઉપરથી પ્રતિષ્ઠિત લાગતું ખાનદાન અંદરથી એકદમ ખોખલું હતું. કહેવાય છે ને કે હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ હોય એ આ સંદિપના પરિવારે બાખુબી પુરવાર કર્યુ હતું.

સમાજ સેવા અને ખોટાં રિવાજો સામે અવાજ ઉઠાવનાર સાસરીયાઓનો માન મોભો તો એટલો ઊંચો કે સમાજમાં કોઈ દીકરીને દહેજ માટે હેરાન કરવામાં આવે કે કોઈ તકલીફ પડે તો એમનો આખો પરિવાર તે દીકરી તથા તેના પરિવારને ન્યાય અપાવવા માટે ખડે પગે ઊભા હોય અને એટલે જ સંદિપના અને પરિવારના આવાં કામ માટે ચારેય દિશામાં ડંકા વાગતા. વાત ઘરમાં સાવ જુદી જ, ઉન્નતિને ઘરમાં સતત દહેજ માટે મારકૂટ થતી, મેણાં ટોણાં થતાં, દહેજની માંગ થતી, અને એટલે જ તો આજે એ સમાજ માટે સારું કહેવાતું ખાનદાની ઘર છોડીને એ અહીં પિયર આવી હતી ત્યારે મમ્મી કુસુમબહેનની તો પગ તળે જમીન ખસી ગઈ હતી,એ પોતાની દીકરીની આ હાલતનાં દોષી મનોમન પોતાને માણતાં હતાં. સારું ખાનદાન સારો છોકરો માની, સુખના સાગરની લાલચે દુ:ખના દરિયે ધકેલી દીધી એનું ભણતર અટકી ગયું, ઉદય થતાં સૂરજને આથમવા મે જ મજબૂર કર્યો આમ વિચારતાં વિચારતાં આંખે અંધારા આવી ગયાં ને ફસડાઈ પડ્યાં હતાં. કુસુમબેનાની આ હાલત જોઈ ઉન્નતિ ગભરાઈ ગઈ, શું કરું શું ન કરુંના અસમંજસમાં એણે કુસુમબેનના મોઢા પર પાણીનો છંટકાવ કરતાં જ એ થોડા સમય પછી ભાનમાં આવ્યા, જાણે ભગવાનને ફરિયાદ કરતાં નહોય કે આ બધું મારી દીકરીનાં જ જીવનમાં કેમ ? હજી કેટલી પરીક્ષા તારે લેવાની છે કારણ પિતાની છત્રછાયા તો ઉન્નતિએ કયારની ગુમાવી દીધી હતી અને કુસુમબહેને એકલે હાથે દીકરીનો ઉછેર કરેલો હતો ! 

આ બધું યાદ આવતાં જ એ હચમચી ઊઠી ત્યાં અચાનક જ કુસુમબેને તેના ખભા ઉપર હાથ મૂક્યો ને તે ઝબકીને વર્તમાનમાં આવી ગઈ. નયને અશ્રુને વહેતા જોઈને તેનું ધ્યાન બીજી તરફ દોરવાનો કુસુમબેને પ્રયાસ કરતાં કહ્યું, "બેટા ! જો ..બહાર કેટલું સુંદર વાતાવરણ છે.. કેટલી શાંતિ છે." ઉન્નતિએ બારી તરફ મીટ માંડીને નિસાસો નાંખતા એક ઊંડો શ્વાસ લઈને બોલી,"હા મમ્મી ! પણ આ બારીએ ઊભા રહીને કેટલાં સપનાં જોયાં હતાં પણ અચાનક જ બધું જ બદલાઈ ગયું, જે સંબંધને સ્નેહની સાંકળે બાંધ્યો હતો તે સંબંધો પર નફરતના, છૂટાછેડાના ઠપ્પા વાગી ગયા, કોઈ આવું કેવી રીતે કરી શકે ?

 એ લોકોના આ સમાજસેવકના વ્યક્તિત્વ પાછળનું ભયાનક વ્યક્તિત્વ બહાર આવ્યું, સમાજ માટે ઉદાહરણ પૂરું પાડનારાનો અલગ ચહેરો બહાર આવ્યો.

કુસુમબહેને પ્રેમથી એના પીઠ પર હાથ ફેરવતા ઉન્નતિને માથે હાથ ફેરવ્યો. ઉન્નતિ કુસુમબહેનની એકની એક લાડકવાયી હતી. આમ ભાંગી પડેલી જોઈને સાંત્વના આપતાં કહ્યુ,"બેટા ! ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં વહી જવું એનું નામ જ જિંદગી. જો બેટા ! આ બારીની બહારનો આ પથ તારી પ્રગતિનો પંથ છે જે તારી પ્રગતિને બાથ ભરવા ઊભો છે, આ ખુલ્લું આકાશ. તારી ઊડાન માટે ખાલીખમ છે. બેટા !.. હજી પણ તું તારા સપનાની ઊડાન ભરી શકે છે." ઉન્નતિએ આશાભરી આંખે કહ્યું"હા મમ્મી !.. તારી વાત સાચી છે. તારો ખૂબ ખૂબ આભાર. તારા કારણે આજે મને જિંદગી જીવવાની નવી દિશા મળી. હું પણ ભૂતકાળને ભૂલીને આગળ વધીશ. પાયલોટ બનીને હું પણ આ ખુલ્લા આકાશને આંબીશ." અધરે સ્મિત અને નયનમાં અશ્રુ સાથે બંને એકબીજાને ભેટી પડ્યા.

આજે ઉન્નતિનાં જીવનમાં જાણે સોનાનો સૂરજ ઊગ્યો હતો.


Rate this content
Log in