'Sagar' Ramolia

Children Stories

4.5  

'Sagar' Ramolia

Children Stories

ચોક અને ડસ્‍ટર

ચોક અને ડસ્‍ટર

2 mins
327


માનવનું મન ઘણું ચંચળ અને વિચારશીલ હોય છે. જે વસ્‍તુ જોવામાં આવે તેના વિશે કંઈક નવો જ વિચાર આપે. આવો અનુભવ વારંવાર થતો જ હોય છે. મને પણ થયો.

એક દિવસ વર્ગમાં હું અભ્‍યાસ કરાવી રહ્યો હતો. મોટા ભાગે બાળકો પ્રશ્‍ન ઓછા પૂછે અને પૂછે ત્‍યારે શિક્ષકને પણ આંટીમાં લઈ લે છે. હું પ્રશ્‍ન પૂછું અને બાળકો જવાબ આપે. પ્રશ્‍ન પૂછતાની સાથે જેને જવાબ આવડતો હોય તેની આંગળી ઊંચી થઈ જાય. આવી રીતે સવાલજવાબની હેલી વરસી રહી હતી. એક પ્રશ્‍નના જવાબમાં એકેય બાળકે જવાબ માટે ઊંચી આંગળી ન કરી. ધીમે રહીને એક બાળકે ઊંચી આંગળી કરી. હું તો રાજી થયો. હસીને બોલ્‍યો, ‘‘વાહ ! સરસ... આ પ્રશ્‍નનો જવાબ શો છે ? તું જ કહે.'' પછી કંઈક આવી ચર્ચા થઈ ગઈ.

 ‘‘મારે જવાબ નથી આપવો.''

 ‘‘તો આંગળી ઊંચી કેમ કરી ?''

 ‘‘મારે એક વાત કહેવી છે.''

 ‘‘વાહ ! સરસ. બોલ જોઈએ, શી વાત કરવી છે ?''

 ‘‘તમે ગુસ્‍સે થશો તો ?''

 ‘‘નહિ થાવ.''

 ‘‘પાક્કું ?''

 ‘‘હા, પાક્કું.''

 ‘‘તમે છે ને ચોક અને ડસ્‍ટર જેવા છો.''

 મને થોડો આંચકો લાગ્‍યો. મનમાં થયું, આ આવું કેમ બોલ્‍યો ! એક શિક્ષક ચોક અને ડસ્‍ટર જેવો કઈ રીતે હોઈ શકે ? ગુસ્‍સો તો આવ્‍યો, પણ વચન આપ્‍યું હતું. એટલે પૂછયું,

 ‘‘કઈ રીતે ?''

 ‘‘ચોક પાટિયા ઉપર લખવાનું કામ કરે છે, તેમ તમે પણ અમારા મગજની કોરી પાટી ઉપર જ્ઞાનને લખવાનું કામ કરો છો. ડસ્‍ટર ભૂંસવાનું કામ કરે છે, તેમ તમે પણ અમારા મગજમાં રહેલા અજ્ઞાનને ભૂંસવાનું કામ કરો છો. તો થયા ને તમે ચોક અને ડસ્‍ટર ?''

 હું બોલ્‍યો, ‘‘હા, મારા ગુરુ. તારી વાત એકદમ સાચી છે.''

 આવી રીતે બાળકો પણ શિક્ષકના ગુરુ બનીને શિક્ષકને કંઈક નવીન શીખવી જાય છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్