'Sagar' Ramolia

Children Stories Fantasy Children

4.5  

'Sagar' Ramolia

Children Stories Fantasy Children

જાગે જે વહેલા

જાગે જે વહેલા

3 mins
410


એક ઘર. એ ઘરમાં સૌનો લાાડલો એક દીકરો. એ દીકરાનુંં નામ મયંક. મયંક હોશિયાર હતો. દરેક બાબતમાં આગળ રહે. પરંતુ તેેને એક ખરાબ ટેવ હતી. તે ખરાબ કહી શકાય એવી પણ ન હતી. એટલે એ ખરાબ ટેવ એવી કે તે સવારે જલદી જાગે નહિ. ગમે તેટલીવાર જગાડીએ, પણ જાગે જ નહિને ! આ તો રોજનો ક્રમ થઈ ગયો. માતા જગાડે, પણ મયંક તો ધ્યાને જ ન લે. માતાએ ખૂબ સમજાવ્યો, પિતાએ પણ સમજાવ્યો. પણ મયંકભાઈ માને જ નહિ. મયંક એ તો મયંક !

એક દિવસ સવારે મયંક મોડે સુધી સૂતો હતો. તે જે ઓરડામાં સૂતો હતો તે ઓરડાની બારી ખૂલ્લી હતી. તે સમયે તેને અવાજ સંભળાયો, “મયંક, જાગો, બેેટા જાગો ! તેેને લાગ્યું કે કોઈ સ્વપ્ન હશે ! પણ ફરી અવાજ સંભળાયો, “મયંકભાઈ, જાગો !” તે તો ધાબળો વધુ ખેંચીને સૂઈ ગયો. ત્યાં ફરી અવાજ સંભળાયો, “દોસ્ત મયંક, જાગો !” મયંકે ચાદર ખસેડીને જોયું. કોઈ દેખાયું નહિ. કોણ જગાડતું હશે તે દેખાયું નહિ. તે જ્યાં ફરી સૂવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં તેને થોડો પહાડી સંભળાયો, “દીકરા મયંક, હું સૂરજદાદા બોલું છું. બેટા મોડે સુધી સૂવાય નહિ. બધા લોકો મારા આવ્યા પહેલા જાગી જાય છે. તું મોડે સુધી સૂતો રહે છે. આ સારું નથી. વહેલા જાગીએ તો જ સવારનો સાચો આનંદ માણી શકાય. માટે બેટા, હવે જાગ !”

આ સાંભળીને મયંક ખીજાય ગયો. તે બોલ્યો, “જાવ, જાવ ! મારી નીંદર ન બગાડો. મને સૂવા દો. !” આમ કહીને મયંકે બારી બંધ કરી દીધી અને ફરી સૂઈ ગયો. 

બીજા દિવસે પણ મયંક તો મોડે સુધી સૂતો હતો. માતાએ આવીને બારી ખોલી અને પોતાના કામમાં લાગી ગઈ. થોડીવાર પછી મયંકને અવાજ સંભળાયો, “ભાઈ મયંક, જાગો !” આજે અવાજ જુદી જાતનો લાગ્યો. સૂરજદાદાનો હોય એવું તો ન લાગ્યું. તે આમતેમ જોવા લાગ્યો. કોઈ ન દેખાયું એટલે તે સૂઈ ગયો. ત્યાં ફરી અવાજ સંભળાયો, “મયંક, જાગો !” મયંકે ફરી જોયું, પણ કોઈ દેખાયું નહિ. ત્યાં અવાજ આવ્યો, “ભાઈ, હું પવન બોલું છું. સવારે વહેલા જાગવું જોઈએ.”

મયંક તો આજે પણ ખીજાયો, “તમે બધા મારી નીંદર કેમ બગાડો છો ! જાવ, મારે નથી જાગવું.” આમ કહીને મયંકે આજે પણ બારી બંધ કરી દીધી અને ફરી સૂઈ ગયો.

ત્રીજા દિવસે પણ મયંકહ મોડે સુધી સૂતો હતો. આજે પણ માતા બારી ખોલી ગઈ અને પોતાના કામે લાગી ગઈ. થોડીવાર પછી મીઠી મીઠી સુગંધ આવી અને અવાજ સંભળાયો, “મિત્ર મયંક, જાગો !” તે આંખ ખોલીને જુએ છે તો બારીમાં એક ફૂલ મરક મરક હસી રહ્યું હતું. તે બોલી રહ્યું હતું, “મિત્ર, જાગો ! મોડે સુધી ન સૂવાય. જો હું વહેલું જાગી જાવ છું તો કેવું ખીલું છું. હું ખીલું છું તો બધાને ગમું છું. મારી સુગંધ પણ બધાને ગમે છે. મિત્ર ! વહેલો જાગીને બહારની ખુલ્લી હવા લે, બહાર લટાર માર. તું પણ મારી જેમ ખીલી ઊઠીશ ! તને ખૂબ મજા પડશે !”

આજે મયંક ખીજાયો નહિ, પણ ઓઢીને સૂઈ ગયો. તે જ્યારે જાગ્યો ત્યારે વિચારવા લાગ્યો, “શું આ બધાં સાચું કહેતા હશે ? શું વહેલા જાગવાથી આનંદ મળતો હશે ? તો કાલે હું અખતરો કરી જોઉં.” 

બીજા દિવસે મયંક સવારે વહેલો જાગી ગયો. મોં સાફ કરીને બહાર બગીચામાં ગયો. તે ત્યાં ખૂબ ફર્યો. સવારનું વાતાવરણ તેને આહ્લાદક લાગ્યું. તેને ખૂબ મજા આવી. તે વિચારવા લાગ્યો, “મોડે સુધી સૂઈને મેં તો મારી બધી મજા જવા દીધી છે. હવેથી હું આવી મજા જવા નહિ દઉં. રોજ વહેલો જાગીને બહારની મજા માણીશ.”

  આજે માતાએ તો જાણે ચમત્કાર જોયો. મયંક વહેલો જાગીને બહાર પણ ફરી આવ્યો. તે ખૂબ મોજમાં હતો, મજામાં હતો, આનંદમાં હતો. તેના મુખ ઉપર આનંદ ફરકતો હતો. માતાએ બધી હકીકત જાણી તો તે પણ રાજી રાજી થઈ ગઈ અને કહેવા લાગી,

“વહેલા સૂવે, વહેલા ઊઠે જે વીર, બળ, બુદ્ધિ, સમૃદ્ધિ વધે, સાજાં રહે શરીર.”


Rate this content
Log in