'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

સંગીતકાર વાંદરો

સંગીતકાર વાંદરો

2 mins
558


એક વાંદરો હતો. તે મનુષ્યોને સંગીત શીખવતી એક સંગીતશાળામાં સંતાઈ સંતાઈને સંગીત શીખી ગયો. પછી તેણે એક વાંસળી બનાવી. વાંસળી લઈને તે સીધો સિંહ પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘‘મહારાજ ! જેવી રીતે મનુષ્યો સંગીત સંભળાવી શકે છે, તેવી રીતે હું પણ સંગીત સંભળાવી શકું છું. આપની આજ્ઞા હોય તો હું આ વાંસળીથી આપને તથા અહીં સભામાં હાજર પ્રાણીઓને સંગીત સંભળાવું !’’ સિંહે જિજ્ઞાસા ખાતર વાંદરાને અનુમતિ આપી. વાંદરો તો વાંસળી લઈને મંડયો વગાડવા. સિંહ તેમજ ત્યાં હાજર પ્રાણીઓ તો વાંદરાનું સંગીત સાંભળીને ખુશ થઈ ગયાં. સિંહે ઊભા થઈને વાંદરાને શાબાશી આપી અને વાંદરાને ‘જંગલનો સંગીતકાર’ની ઉપાધિ આપી.

દિવસો વીતતા ગયા. વાંદરાની નિપુણતાના સમાચાર બીજાં જંગલોમાં પણ પહોંચી ગયા. વાંદરો સંગીતથી સહુને તરબોળ કરવા લાગ્યો. પ્રાણીઓ વાંદરાના સંગીતનાં બંધાણી બની ગયાં. એક દિવસ વાંદરાને વિચાર આવ્યો, ‘‘આ બુદ્ઘિ વગરનાં પ્રાણીઓને સંગીત સંભળાવીને હું મારી કાબેલિયતનો ઉપયોગ પૂરો કરી શકતો નથી. જો હું મનુષ્યોને સંગીત સંભળાવીને ખુશ કરું તો મારી યોગ્ય કદર થાય. પરંતુ આ ડફોળ પ્રાણીઓથી મારે છૂટકારો કેવી રીતે મેળવવો !’’

આમ, વિચારી વાંદરાએ એક યુક્તિ કરી. તેણે વાંસળીમાંથી એવા ભયંકર સૂર કાઢયા કે પ્રાણીઓના કાન ફાટવા લાગ્યા. કેટલાંક તો ફટાફટ મરવા લાગ્યાં. કેટલાંક તો સાવ બહેરાં થઈ ગયાં. જંગલમાં જે પ્રાણીઓ જીવિત રહ્યાં તેમાંથી કોઈ સાંભળી શકતું નહોતું. તેથી તેઓને સંગીતની જરૂર રહી નહીં.

જંગલમાંથી ભાગી વાંદરો એક શહેરમાં ગયો. એક વખત શહેરમાં સંગીતનો કાર્યક્રમ હતો. વાંદરો ત્યાં પહોંચી ગયો. સંગીતનો કાર્યક્રમ જ્યારે બરાબર ચાલુ હતો ત્યારે વાંદરો પોતાનું સંગીત વગાડવા લાગ્યો. ત્યાં હાજર દરેકનું ધ્યાન તે તરફ દોરાયું. દરેક મસ્તક સંગીતની સૂરાવલિથી ડોલવા લાગ્યાં. વાંદરાની ‘વાહ,વાહ’ થઈ ગઈ. આ બાજુ મંચ ઉપર બિરાજમાન મનુષ્ય સંગીતકારોને ચિંતા થઈ કે, ‘‘વાંદરા જેવા તુચ્છ પ્રાણી સંગીત વગાડવા લાગશે તો અમારા જેવા સંગીતકારોનું શું થશે?’’ તેમાંથી એક ઊભો થયો. તેણે એક મદારીને બોલાવ્યો. મદારીએ પાછળથી આવીને વાંદરાને પકડી લીધો. વાંસળી લઈને ભાંગી નાખી. વાંદરાને પાંજરામાં પૂરી દીધો. પાંજરામાં બેઠેલો વાંદરો વિચારવા લાગ્યો, ‘‘મનુષ્ય જે કામ કરે તે પ્રાણીઓએ ન કરવું જોઈએ. મનુષ્ય કદી પોતાનું આસન ડોલતું જોઈ શકે નહીં. આના કરતાં તો મારા જંગલનાં પ્રાણીઓ સારાં હતાં !’’


Rate this content
Log in